ખૂની ખેલ - 3 Nisha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખૂની ખેલ - 3

પ્રકરણ ૩

તે આઘાતથી એક ઝાટકા સાથે ઉછળી પડી! તેના જોરના ઝાટકાથી તેના ગળા પાસેની પકડ છૂટી ગઈ અને જીએમ તથા રીચલને જોરથી ઉછળીને નીચે પડ્યાં. તે એકદમ દિગ્મૂઢ બની ગઈ. શું થઈ રહ્યું છે, કે પછી શું બોલવું, તેને કાંઈ જ સમજાયું નહીં. તેના ગળા પર પડી ગયેલાં દાંતનાં જખમમાંથી લોહી દડદડતું તેનાં કપડાં પર પડવા લાગ્યું. તે બીકનાં માર્યાં બેભાન બની ગઈ.


તેણે આંખો ખોલી ત્યારે સવાર પડી ગઈ હતી. તેને રાતની ઘટનાનો બિલકુલ જ અણસાર પણ નહોતો રહ્યો. કશું જ યાદ નહોતું. બસ, શરીર બહુ દુખતું હતું. પણ આજે તો મીટીંગ હતી. તે પીડા સાથે ઊભી થઈ બાથરૂમમાં આવી. તેને કાંઈક વિચિત્ર અનુભૂતિ થઈ. તેણે પોતાને અરીસામાં ધારી ધારીને જોઈ. તો ગળાં પાસે કાંઈક ડાઘાં જેવું દેખાયું. તેણે ઘસી ઘસીને સાફ કર્યું પણ ડાઘ ગયો નહીં. એક શરીરનાં દુખાવાની દવા લઈ અસંમજસમાં તે તૈયાર થઈ મીટીંગમાં બધાં કરતાં વહેલી પહોંચી ગઈ. પોતાનાં કામમાં મશગૂલ હોવાં છતાં તેનું ધ્યાન જીએમ અને રીચલ તરફ ગયાં કરતું હતું. તેને લાગ્યું કે અચાનક તેને જીએમ ગમવાં લાગ્યાં છે. અને રીચલ પણ. આ શું???


બધું પતી ગયું અને એ ઘરે પાછી જવાં એરપોર્ટ માટે નીકળી. તેણે ટેક્સી મંગાવી હતી, તે આવે તે પહેલાં તો જીએમ બહાર આવી ગયાં. નવાઈની વાત હતી કે તેમની સાથે રીચલ નહોતી. જીએમનાં આગ્રહથી તેણે તેની ટેક્ષી કેન્સલ કરી અને બંને સાથે એક જ ટેક્ષીમાં રવાના થયાં. વડોદરા આવતાં સુધીમાં તો એ બંને જાણે ખૂબ નજીક આવી ગયેલાં. તેનાં પોતાનાં પણ માનવામાં વાત આવતી નહોતી. તેને શું થઈ રહ્યું હતું તે ખબર નહીં પણ તે પોતાની જાતને રોકી શકતી નહોતી. જીએમ તેને ઘર સુધી ઉતારી ગયાં. આ ખેંચાણ તેના માટે અજાણ્યું હતું. આવું તેણે ક્યારેય અનુભવ્યું નહોતું. ખૂબ ઊંડેઊંડે તેને કોઈ રોકી રહ્યું હતું.


તેને કોઈ પ્રત્યે આકર્ષણ નહોતું થયું સાવ તેવું નહોતું. તે ભણતી હતી તે દરમિયાન તેને કોઈવાર કોઈ છોકરો ગમી જતો. પણ તે કદી તે તરફ પોતાને આગળ વધવા દેતી નહીં. તેણે તેની એક કઝીનને આવા પ્રેમનાં ચક્કરોમાં પડી જીવન બરબાદ કરતાં જોઈ હતી. તેને એ રસ્તે કદી જવું નહોતું. તે પૂરેપૂરી સજાગ હતી. પણ આ પ્રેમ નહોતો. હા, ચોક્કસ પ્રેમ નહોતો. તો શું હતું પછી? શારિરીક આકર્ષણ? પણ તેનું મન એ સ્વીકારવાની ના પાડતું. ઘરમાં આવી તેણે જાણે કશું જ બન્યું નથી તેમ નોર્મલ રહેવાં પ્રયત્ન કર્યે રાખ્યો. જોકે, ઊંડી સુઝબુઝ ધરાવતાં પપ્પાની નજર આ બદલાવ જાણી ગઈ હતી. પરંતુ તેમણે કશો ઉલ્લેખ કર્યો નહીં.


બીજે દિવસે જોબ પર ગઈ તો ખબર પડી કે રીચલ જોબ છોડી જતી રહી છે! તેને કારણ ખબર પડી નહીં. જોકે આખી ઓફીસ એ માટે રીચલનાં જીએમ સાથેનાં સંબંધને કારણભૂત માનતી. બધાં અંદરોઅંદર ચણચણાટ કરતાં રહેતાં! કોઈ કોઈને લાગતું હતું કે જીએમની વાઈફને ખબર પડી ગઈ હશે! તો વળી કોઈ કહેતું કે બેંગ્લુરવાળી મીટીંગમાં કોઈ ઝઘડો થયો હશે! જુદીજુદી વાતો વહેતી થઈ ગઈ હતી. તદ્ઉપરાંત બીજો એક મોટો ફેરફાર સૌની નજરે ચઠ્યો, તેની પણ. જીએમ એકદમ સ્વસ્થ થઈ ગયેલાં દેખાતાં હતાં. તેમની આંખનાં કાળાં કુંડાળાં અદ્રશ્ય થઈ ગયાં હતાં. છેલ્લાં કેટલાં સમયથી સાવ બિમાર દેખાતું કોઈ વ્યક્તિ આમ એકાએક તદ્દન સ્વસ્થ કેવીરીતે લાગવાં માંડે તે પણ આખી ઓફીસ માટે ચર્ચાનો વિષય બની ગયો હતો. તેને લાગ્યું કે તે ગૂંચવણો વચ્ચે ફસાઈ ગઈ છે. હા, ફસાઈ જવાની અનુભૂતિ તેનાં આંતરમનમાં સતત થવાં માંડી હતી.


એ અઠવાડિયામાં તે લગભગ રોજ મોડી સાંજ જીએમ સાથે વિતાવવાં માંડી હતી. તેને આવી રીતે મોડા સુધી રોકાવું, ઘરમાં જૂઠ્ઠું બોલવું પસંદ નહોતું પણ તેમ છતાંયે એ જ રસ્તે જઈ રહી હતી. બીજાં અઠવાડિયે એક નવો છોકરો અચલ જીએમનાં આસીસ્ટન્ટ તરીકે જોડાયો. એકદમ ચપળ, ચાલાક અને સ્માર્ટ! અચલને તેનું આકર્ષક વ્યક્તિત્વ અને તેની સ્માર્ટનેસ પહેલે જ દિવસે ગમવાં લાગી હતી. તે તેની નજીક આવવાનાં બહાનાં શોધ્યાં કરે છે તેમ તેને લાગતું. હજુ સુધી તેનાં મનની વાતો તેણે કોઈને કરી નહોતી. એ વીકેન્ડનાં તેની ખાસ બહેનપણી રિધીમા તેને મળવાં આવી. કોલેજ છૂટ્યાં પછી હવે રોજ મળતી બહેનપણીઓ પંદરવીસ દિવસે મળવાં માંડી હતી. બંને પોતપોતાની જોબમાં બીઝી રહેવાં માંડી હતીને! રિધીમાનાં આવતાં જ તે તેને એક મોલમાં લઈ ગઈ જેથી બધી વાત શાંતિથી કરી શકે.


રિધીમા તો તેને જોતાં જ આશ્ચર્યમાં પડી ગઈ હતી. તેને તે સાવ જ બદલાઈ ગયેલી લાગી. તેને લાગ્યું કે તે કાળી પડવાં માંડી છે. તેનાં દેખાવમાંથી ચમક જવાં માંડી છે. તેની વાતો સાંભળી રિધીમા ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ!