કનેક્શન-રૂહ સે રૂહ તક - 31 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કનેક્શન-રૂહ સે રૂહ તક - 31




૩૧.એક માત્ર ઓપ્શન

અપર્ણાને ઘરે આવીને પણ ક્યાંય ચેન ન હતું. એ હોલમાં અહીંથી તહીં ચક્કર લગાવી રહી હતી. શૂટિંગ પરથી પરત ફર્યા પછી એ ચાર ચાનાં કપ ખાલી કરી ચુકી હતી. આજે ટેન્શનમાં એણે કોફી છોડીને ચા પીવાનો નિર્ણય કર્યો હતો. જેનું એક જ કારણ હતું. મુના બાપુનાં બંગલે શું થયું હશે? આ સવાલનો જવાબ એને શિવ સિવાય કોઈ આપી શકે એમ ન હતું. શિવ અપર્ણાને કંઈ જણાવશે કે નહીં? એની પણ અપર્ણાને ખબર ન હતી. એટલે કોફી તો કંઈ આખો દિવસ પી નાં શકાય. એનાં લીધે એ એક પછી એક ચાનાં કપ ખાલી કરી રહી હતી.
"શાંતિબાઈ! ચા." ચોથો કપ ખાલી કરીને ટેબલ પર મૂકીને અપર્ણાએ ફરી બૂમ પાડી.
શાંતિબાઈ ચા લઈને આવે. એ પહેલાં જ અપર્ણાના મોબાઈલમાં મેસેજની નોટિફિકેશન પોપ અપ થઈ. અપર્ણા એ મેસેજ વાંચીને વધું ગુસ્સે થઈ ગઈ. એ મેસેજ વાંચીને મોબાઈલ સોફા પર ફેંકીને બબડી ઉઠી, "કોઈ શાંતિથી જીવવા નથી દેતું. જીવન નાં થઈને ગળાનો ગાળિયો થઈ ગયું છે. જે આવે એ ભીંસ મારતું જ જાય છે."
"સવારની ચા ગણીને આ તમારી ચાનો છઠ્ઠો કપ છે. હજું કેટલી ચા પીશો?" શાંતિબાઈએ ચાનો કપ અપર્ણાનાં હાથમાં આપીને પૂછ્યું.
અપર્ણાએ આંખો કાઢીને એની સામે જોયું. એ હજું શાંતિબાઈને કંઈ કહે એ પહેલાં જ દરવાજે ડોર બેલ વાગી. શાંતિબાઈ અપર્ણાનાં ગુસ્સાથી બચવા દરવાજા તરફ દોડી ગઈ. એણે દરવાજો ખોલીને જોયું તો સામે શિવ ઉભો હતો. શાંતિબાઈ તરત જ સાઈડમાં જતી રહી. શિવ અંદર આવ્યો.
"કોણ છે? જો કોઈ મગજ ખરાબ કરવાં આવ્યું હોય, તો એને દરવાજેથી જ વળાવી દેજે." અપર્ણાએ ચાનો કપ લઈને પોતાનાં રૂમ તરફ જતાં જતાં કહ્યું.
"હું છું, આવું કે જતો રહું?" શિવે અંદર આવીને પૂછ્યું.
અપર્ણા શિવનો અવાજ સાંભળીને તરત જ પાછળ ફરી. શિવને જોઈને એણે ચાનો કપ ટેબલ પર મૂક્યો, અને શિવ તરફ ધસી આવી. અપર્ણા કંઈ કહે એ પહેલાં જ શિવની નજર ટેબલ પર પડેલાં ચાનાં ખાલી કપ્સ પર પડી. એણે તરત જ અપર્ણા સામે જોઈને પૂછયું, "આ બધી ચા તે પીધી?"
"હાં, હવે...."
અપર્ણા આગળ કંઈ કહે એ પહેલાં જ શાંતિબાઈએ અંદર આવીને કહ્યું, "જ્યારથી ઘરે આવ્યાં છે. એક પછી એક ચા પીધે જાય છે. કોણ જાણે એમનાં મનમાં શું ચાલે છે?" એણે પોતાનાં કપાળે હાથ મૂક્યો, "હું તો ચા બનાવી બનાવીને થાકી ગઈ. પણ, આમનું ચા પુરાણ બંધ જ નથી થતું."
"તું એક મિનિટ ચૂપ રહીશ? હું વાત કરું છું. તું જા અહીંથી." અપર્ણાએ શાંતિબાઈ તરફ જોઈને ઉંચા અવાજે કહ્યું. શાંતિબાઈ તરત જ મોઢું બગાડીને કિચનમાં જતી રહી.
અપર્ણાએ શિવ તરફ જોયું. તો શિવે તરત જ કહ્યું, "સોરી! મને ન હતી ખબર કે તું મારાં લીધે આટલી પરેશાન થઈશ."
"ચાર એક્સ્ટ્રા કપ ચા પી ગઈ છું." અપર્ણાએ કહ્યું, "કેટલી કેલરી વધી ગઈ છે. હવે હજું વધે એ પહેલાં મુના બાપુનાં બંગલે જે થયું એ મને જણાવ."
શિવે મુના બાપુનાં બંગલે જે થયું. એ બધું અપર્ણાને જણાવી દીધું. શિવ બધી રીતે ફસાઈ ચુક્યો હતો. અપર્ણાએ પોતાનું માથું પકડીને કહ્યું, "હવે શું કરીશ? મુના બાપુનાં આદમીઓને ક્યાંથી લાવીશ? તે અનોખીને એનાં પપ્પા સામે ખોટું બોલવાં કહ્યું જ શાં માટે?"
"તો શું કરું?" શિવે ગુસ્સે થઈને કહ્યું, "જો હું અનોખીને ખોટું બોલવાં નાં કહેતો, તો મુના બાપુ નિખિલને કે તને ફરી કોઈ નુકસાન પહોંચાડવાની કોશિશ કરતાં. મારી પાસે બીજો કોઈ ઓપ્શન ન હતો. એક જુઠ્ઠાણું છુપાવવા બીજું જુઠ્ઠાણું બોલવું પડ્યું." એ પણ અપર્ણાની જેમ પોતાનું માથું પકડીને એની સામેની ખુરશીમાં બેસી ગયો, "લોકો સાચું જ કહે છે, એક વખત ખોટું બોલ્યાં પછી એને છુપાવવા હજારો વખત ખોટું બોલવું જ પડે છે."
"પણ, હવે તું આ બધામાં ફસાઈ ગયો. એનું શું?" અપર્ણાએ પરેશાન અવાજે પૂછ્યું.
"એમાં મારે તારી મદદની જરૂર છે." શિવે અપર્ણાની સામે ઉભાં રહીને કહ્યું.
"શું?" અપર્ણાએ પૂછ્યું.
"તું તારાં પપ્પાને મનાવ કે એ મુના બાપુનાં આદમીઓને છોડી દે." શિવે સહજતાથી કહ્યું.
"તું પાગલ થઈ ગયો છે?" અપર્ણાએ અચાનક જ ઉંચા અવાજે કહ્યું, "હું કેવી રીતે મુંબઈ આવી છું, એની તને ખબર નથી. હવે હું એમને મુના બાપુનાં આદમીઓને છોડાવવા માટે કહું એનું પરિણામ પણ તને ખબર છે?" અપર્ણાએ મુના બાપુ શબ્દ પર ભાર મૂક્યો.
"બીજો કોઈ ઓપ્શન નથી." શિવે અપર્ણાનો ગુસ્સો જોવાં છતાંય નરમાઈથી કહ્યું, "એ તારાં પપ્પા છે. તું એમને મનાવી શકીશ. પણ, અનોખી મુના બાપુની છોકરી છે. એ વાતની જાણ એમને નાં થવી જોઈએ. મારે તારી નિખિલ અને અનોખી ત્રણેયની સેફ્ટીને ધ્યાનમાં રાખીને મુના બાપુનાં આદમીઓને છોડાવવાના છે."
"બધું તો કેમ કરીને શક્ય બને?" અપર્ણાએ ખોવાયેલાં સ્વરે પૂછ્યું.
"બનાવવું પડશે." શિવે સખ્ત અવાજે કહ્યું, "વર્ષો પહેલાં કોઈ ખુનની હોળી નાં રમાય. એ માટે મેં બહું બધી કુરબાની આપી છે. આજે મારાં બાપુ એમનું પોરબંદર છોડીને અહીં છે. એ સૌથી મોટી કુરબાની છે. બસ એક વ્યક્તિનાં કારણે આજે અમે અહીં છીએ. જ્યાં અમારે ક્યારેય આવવું ન હતું, અને એ આદમી મુના બાપુ છે."
અપર્ણાને શિવનાં અવાજમાં એક દર્દ સ્પષ્ટપણે નજર આવી રહ્યો હતો. આટલું કહેતી વખતે એનો શ્વાસ પણ ફુલી ગયો હતો. એની હાલત જોઈને અપર્ણાએ ડાઇનિંગ પર પડેલો પાણીનો જગ ઉઠાવીને એક ગ્લાસમાં પાણી ભર્યું, અને શિવને આપ્યું. શિવે એક ઘૂંટ પાણી પીને, ટેબલ પર ગ્લાસ મૂકીને, અપર્ણા તરફ જોઈને કહ્યું, "જો બીજો રસ્તો હોત. તો હું તને આ રીતે તારાં પપ્પાની મદદ માંગવા મજબૂર જ નાં કરતો. પ્લીઝ! છેલ્લી વખત મારી હેલ્પ કરી દે. બદલામાં હું આખી જીંદગી તું કહેશે એમ કરીશ."
"ઓકે, આઈ એમ રેડી." અપર્ણાએ કંઈક વિચારીને કહ્યું, "બાપુએ બે દિવસનો સમય આપ્યો છે. વિશ્વાસે મારી ધમકીના લીધે સગાઈ કાલ જ રખાવી છે. મને તાન્યાનો હમણાં જ મેસેજ આવ્યો હતો. મારે કાલે જ અમદાવાદ જવાં નીકળવાનું છે. ત્યાં જઈને નિખિલ સાથે મળીને કંઈક જુગાડ લગાવીશ‌."
"ઓકે, તો સગાઈ રોકવાના પ્લાન માટે મારે પણ આવવું પડશે ને." શિવે કહ્યું, "કાલે આપણે સાથે જ જઈશું."
"નહીં, હવે કોઈ નવી મુસીબત નાં જોઈએ." અપર્ણાએ કહ્યું, "સગાઈ રોકવાનું અને મુના બાપુનાં આદમીઓને છોડાવવાનું બંને કામ પાર નાં પડે. ત્યાં સુધી આપણે એકબીજા સાથે મોબાઈલ પર જ કોન્ટેક્ટમાં રહેશું. મુના બાપુનું કંઈ નક્કી નાં કહેવાય. એ ક્યારે કેવી બાજી રમે?"
"ઓકે, તો કાલે પહેલાં તું નીકળજે, પછી બીજી જ ફ્લાઈટમાં હું અમદાવાદ આવવાં નીકળીશ." કહીને શિવ તરત જ જતો રહ્યો.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"