Connection-Rooh se rooh tak - 30 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 30




૩૦.જુઠ્ઠાણું પકડાયું

શિવ અપર્ણાને પોતાનો પ્લાન કહ્યાં વગર જ જતો રહ્યો. એનાં લીધે અપર્ણા આખી રાત પરેશાન રહી. સવારે એની ઉંઘ પણ જલદી જ ઉડી ગઈ. શાંતિબાઈ આવીને એનાં કામે લાગી ગઈ હતી. અપર્ણા તૈયાર થઈને બહાર આવી. એણે હોલમાં બેસીને ન્યૂઝ પેપર હાથમાં લઈને ક્હ્યું, "શાંતિબાઈ! મારી ચા."
અપર્ણાનો અવાજ સાંભળીને શાંતિબાઈ તરત જ ચા લઈને આવી. એણે અપર્ણાને ચાનો કપ આપતાં કહ્યું, "આજે તમે જલ્દી ઉઠી ગયાં."
"તો શું નાં ઉઠી શકાય?" અપર્ણાએ શાંતિબાઈ સામે આંખો કાઢીને કહ્યું.
શાંતિબાઈ અપર્ણાનું એ રૂપ જોઈને કિચનમાં જતી રહી. એનાં ગયાં પછી અપર્ણાને ખુદ ઉપર જ ગુસ્સો આવ્યો. એ ચાની ચૂસકી લઈને બબડી, "આ બધું શિવનાં કારણે થાય છે. એ એક નંબરનો ઘનચક્કર છે." બબડીને એણે ચાનો ખાલી કપ ટેબલ પર મૂક્યો, અને રૂમમાંથી પોતાનું પર્સ લઈને બહાર આવી, "હું શૂટિંગ માટે જાવ છું." શાંતિબાઈને જણાવીને એ બહાર આવી. લિફ્ટ તરફ એક નજર કરીને એ સીડીઓ તરફ વળી ગઈ. સીડીઓ ઉતરીને એ નીચે આવી, અને કારમાં બેસી ગઈ. એણે કારને પાર્કિગમાંથી કાઢીને મુંબઈની સડક પર દોડાવી મૂકી. થોડે દૂર જતાં જ એણે કારને બ્રેક મારી, અને અચાનક જ બીજાં રસ્તે જવાં દીધી.
કાર આવીને જગજીતસિંહનાં ઘર સામે ઉભી રહી. અપર્ણા કારમાંથી ઉતરીને તરત જ અંદર આવતી રહી. હવે આ ઘર નાં તો અપર્ણા માટે અજાણ્યું હતું, નાં તો અહીંના લોકો અપર્ણાથી અજાણ હતાં. એ કોઈપણ જાતની રોકટોક વગર જ અંદર આવી શકી. અંદર આવતાં જ એનો શિવ સાથે સામનો થઈ ગયો. આખરે એ એને જ તો મળવાં આવી હતી. મળવાં શું એની સાથે ઝઘડો કરવાં! કાલે એ પોતાનો પ્લાન અપર્ણાને જણાવ્યાં વગર જ જતો રહ્યો. તો અપર્ણાનું આજે અહીં આવવું તો બનતું હતું.
"તું...." અપર્ણા કંઈ કહે એ પહેલાં જ શિવે એનાં મોંઢા પર હાથ મૂકીને એને ચૂપ રહેવા ઈશારો કર્યો, અને એ જ રીતે એ અપર્ણાને પોતાનાં રૂમ સુધી લઈ આવ્યો. એણે અપર્ણાને રૂમની અંદર ધકેલી અને પોતે પણ દરવાજો અંદરથી બંધ કરીને એની સામે આવીને ઉભો રહી ગયો.
"આ બધું શું છે? તું મને અહીં કેમ લાવ્યો?" અપર્ણાએ ચિડાઈને પૂછ્યું.
"એ તો મારે તને પૂછવું જોઈએ. તું સવાર સવારમાં અહીં શું કરે છે?" શિવે પણ સામે ચિડાઈને પૂછ્યું.
"કેમ? તારી ઘરે સવારમાં કોઈએ નાં આવવું એવો કોઈ નિયમ છે? હોય પણ તો મને એવાં કોઈ નિયમની ખબર ન હતી. એટલે...." અપર્ણા આગળ કંઈ કહે એ પહેલાં જ શિવે ફરી એનાં મોંઢા પર હાથ મૂકીને કહ્યું, "બીજી બકવાસ પછી, પહેલાં અહીં શાં માટે આવી એ જણાવ?"
અપર્ણાએ શિવને પોતાનાં મોંઢા આગળથી હાથ હટાવવા ઈશારો કર્યો. જેવો શિવે હાથ હટાવ્યો, અપર્ણાએ એકદમ એની નજીક જઈને કહ્યું, "કાલે તું મને તારો પ્લાન જણાવ્યાં વગર જ જતો રહ્યો. એટલે મારે એ જાણવાં અહીં આવવું પડ્યું. તને ખબર પણ છે, કે કાલે આખી રાત હું તારાં કારણે સૂઈ નાં શકી."
અપર્ણાનું આવું રૂપ જોઈને શિવ બે કદમ પાછળ હટી ગયો. અપર્ણા એની એટલી નજીક હતી, કે શિવ શ્વાસ પણ ખુલીને નાં લઈ શક્યો. એનાંથી બે કદમ પાછળ હટીને એણે ઉંડો શ્વાસ લીધો, અને છોડીને કહ્યું, "તું આ બધું કોલ કરીને પણ મને પૂછી શકતી હતી."
"તારો શું ભરોસો? તું કોલ જ નાં રિસીવ કરે તો?" અપર્ણાએ આંખો ઝીણી કરીને કહ્યું.
"ભરોસો તો તારો નથી. ક્યારે શું કરે?" શિવ મનોમન જ બોલ્યો, અને અપર્ણા સામે જોઈને કહ્યું, "સોરી, મારી ભૂલ હતી, કે હું તને કંઈ કહ્યાં વગર જ જતો રહ્યો. પણ, મારું જવું જરૂરી હતું." કહીને એણે કાલે જે કંઈ પ્લાન બનાવ્યો હતો, અને જે રીતે એ પ્લાનમા અનોખીને શામેલ કરી હતી. એ બધું વિગતવાર અપર્ણાને જણાવી દીધું, અને ઉમેર્યું, "આ વાતની હજું સુધી બાપુને ખબર નથી. તો હાલ તું પણ એમને કંઈ નહીં જણાવે."
"પણ, મુના બાપુ? એમને તારી ઘડી કાઢેલી કહાનીની હકીકતની જાણ થઈ ગઈ છે. એનું શું?" અપર્ણાએ કહ્યું, "આમ તો અનોખીએ એમને ખોટું કહ્યું છે. પણ, એ ખોટું મુના બાપુની નજરમાં તો સત્ય જ છે ને!"
હજું અપર્ણાની વાત પૂરી થઈ જ હતી. ત્યાં જ શિવનાં મોબાઈલની રિંગ વાગી. સ્ક્રીન પર ચમકી રહેલું મુના બાપુનું નામ વાંચતા જ એણે અપર્ણા સામે જોયું. અપર્ણાએ પણ શિવનાં મોબાઈલમાં નજર કરી. જેમાં મુના બાપુનું નામ ફ્લેશ થઈ રહ્યું હતું. એણે શિવ સામે જોઈને કહ્યું, "હવે આપો જવાબ!"
અપર્ણાનો કટાક્ષ સમજીને શિવે ફોન કાને લગાવ્યો, "હાં, બાપુ!"
"અત્યારે જ મારાં બંગલે આવ. તારી થોડી મહેમાનગતિ કરવી છે." કહીને બાપુએ તરત જ કોલ ડિસકનેક્ટ કર્યો.
"હવે ફરી પ્લાન બનાવો. શિવ નાં થઈને પ્લાન બનાવવાનું મશીન થઈ ગયો છું." શિવ ધીમાં અવાજે બબડી ઉઠ્યો. અપર્ણા કાન દઈને શિવને સાંભળવાની કોશિશ કરી રહી હતી. શિવની નજર પડતાં જ એ આમતેમ જોવાં લાગી, "હું મુના બાપુની ઘરે જાવ છું. તું પણ તારી ઘરે જા."
"હું પણ તારી સાથે આવું?" અપર્ણાએ અચાનક જ ઉછળીને કહ્યું.
"હું મરીન ડ્રાઈવ ફરવા નથી જતો, કે તારે મારી સાથે આવવું છે. ચુપચાપ ઘરે જા, તારી." શિવે કટાક્ષમાં કહ્યું. તો અપર્ણાનો મૂડ જ ખરાબ થઈ ગયો. એ મોઢું બગાડીને, દરવાજો ખોલીને તરત જ બહાર નીકળી ગઈ. શિવ પણ એની પાછળ પાછળ આવ્યો. બહાર આવીને એની નજર હોલમાં રહેલાં રાધાબા પર પડી. એણે તરત જ અપર્ણાનો હાથ પકડીને કહ્યું, "એક મિનિટ."
"હવે શું થયું? પહેલાં કહે જા હવે રોકી રહ્યો છે." અપર્ણાએ શિવ તરફ પલટીને કહ્યું.
શિવનું અપર્ણાને ઘણું કહેવાનું મન થયું. પણ, કંઈ કહી નાં શક્યો. એની નજર રાધાબા પર હતી, અને અપર્ણાની નજર શિવે પકડેલા પોતાનાં હાથ પર હતી.‌ જેને જોઈને એ મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી. ત્યાં જ શિવે કહ્યું, "હવે ચાલ." એ અપર્ણાનો હાથ પકડી રાખીને જ સીડીઓ ઉતરીને નીચે આવી ગયો. એણે આજુબાજુ નજર કરી, અને દોડીને બહાર આવી ગયો. બહાર આવીને એણે અચાનક જ અપર્ણાનો હાથ છોડીને કહ્યું, "હવે જલ્દી ઘરે જા, અને ફરી મને જાણ કર્યા વગર અહીં નાં આવતી."
અપર્ણા મોઢું બગાડીને જતી રહી. શિવ પોતાની જીપમાં ગોઠવાયો અને જીપને મુના બાપુનાં બંગલે જવાં દીધી. બંગલાની સામે પહોંચતા જ એણે એક ઉંડો શ્વાસ લીધો, અને છોડીને જીપ નીચે ઉતર્યો. બંગલાની અંદર પ્રવેશતાં જ શિવને મુના બાપુ ગાર્ડનમાં બેસેલા મળી ગયાં. શિવ તરત જ એ તરફ આવ્યો. હાલ એણે વાતની શરૂઆત નાં કરીને મુના બાપુને જ પહેલ કરવા દીધી.
"આવો આવો જગજીતસિંહનાં કુંવર!" મુના બાપુએ કટાક્ષમાં કહ્યું, "તમે તો અમને પાગલ સમજો છો. તે દિવસે કહાની ઘડીને જતાં રહ્યાં. તમને એમ કે બાપુ તો પાગલ છે. કંઈપણ કહો, એ બધું માની લેશે."
"તમે કહેવા શું માંગો છો, બાપુ?" શિવે અજાણ બનતાં પૂછ્યું.
"તે મને એમ કહ્યું હતું, કે અનોખી નિખિલને પસંદ કરે છે. એટલે તે નિખિલને મારી કેદમાંથી છોડાવ્યો." મુના બાપુએ કહ્યું, "નિખિલને છોડાવીને તું અનોખીને એ વિશે જાણ થવા દેવા માંગતો ન હતો. પણ, અનોખીએ મને તો એમ કહ્યું, કે એ નિખિલને પસંદ નથી કરતી."
"કરે છે, પણ તમને કેમ કહું?" શિવ મનોમન કહીને મુના બાપુની નજીક આવ્યો, અને એમને એક વિડિયો બતાવીને કહ્યું, "આ વિડિયો જુઓ. આ જોઈને કોઈને પણ લાગે, કે અનોખી અને નિખિલ એકબીજાને પસંદ કરે છે." બાપુએ શિવનાં મોબાઈલમાં નજર કરી. જેમાં અનોખી અને નિખિલ એક પાર્ટીમાં હતાં, અને બંને એકબીજાને પ્રેમથી કેક ખવડાવી રહ્યાં હતાં. અનોખી નિખિલનો હાથ પકડીને હસી હસીને વાતો પણ કરી રહી હતી. આ એ જ વિડિયો હતો. જે જોઈને શિવે મુના બાપુ આગળ પોતાનાં પહેલાં કાંડને છુપાવવા કહાની ઘડી હતી, કે નિખિલ અને અનોખી એકબીજાને પસંદ કરે છે. એ કહાની પછી ફરી બધું ત્યાં જ આવીને અટકી ગયું હતું. જ્યાંથી શિવે શરૂઆત કરી હતી.
"તો તે દિવસે તે હવામાં બાણ ફેંક્યું હતું?" મુના બાપુએ વિડિયો જોઈને અચાનક જ ગુસ્સામાં આવીને પૂછ્યું.
"માફ કરી દો, બાપુ! મને એ સમયે એવું જ લાગ્યું હતું, કે અનોખી નિખિલને પસંદ કરે છે." શિવે ગરદન ઝુકાવીને કહ્યું, "મારો તો બસ તમને અનોખીની નજરમાં વધું ખરાબ નાં થતાં બચાવવાનો ઈરાદો જ હતો. બીજો કોઈ નહીં."
"તો હવે મારાં આદમીઓનું શું?" મુના બાપુએ શિવની ગરદન ઉંચી કરીને પૂછ્યું.
"હું કંઈક કરું છું, એમને છોડાવવા માટે." શિવે કહ્યું.
"મારે બે દિવસની અંદર મારાં આદમીઓ મારી નજર સામે જોઈએ." મુના બાપુએ કહ્યું, અને જતાં રહ્યાં.
"મુંબઈનો હલવો સમજ્યો છે કે શું? બે દિવસમાં આદમીઓ જોઈએ. અરે ક્યાંથી લાવું આદમીઓ?" મુના બાપુનાં જતાં જ શિવ મનોમન ચિલ્લાઈ ઉઠ્યો. હવે મુના બાપુની સામે તો કેમનો ચિલ્લાઈને બોલતો!

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED