ભાગ 5માં રસ્તો ભૂલી આમ તેમ ભતકતા રાજકુમારે જ્યારે પાણી માંગ્યું. પરંતુ પાણી તો પાછળ ચાલતાં સિપાઈઓ સાથે રહી ગયું. હવે, જંગલમાં ફસાયેલા તરસ્યાં રાજકુમારને પાણીની સાથે કંઈ રીતે વૈદેહીનો પણ ભેટો થશે તે જોઈએ ભાગ 6માં.
***********************
ઘણીવાર રખડ્યા બાદ તેમને સૂરજને એકદમ પોતાની ઉપર આવતા જોયો, ઘોડા પણ થાકી ગયા હતા. એટલે બંને એક ઊંચા ટેકરા પર ગયા અને જંગલમાં નજર ફેરવવા લાગ્યા. ચારેતરફ બસ ઝાડવા જ હતા. ઘણઘોર જંગલમાં તેઓ ખરા ફસાયા હતા. એવામાં સિપાઈની નજર બે ઘટાદાર લીમડા ઉપર પડી અને તેની તરત જ સામે એક નાનું તળાવ હતું. એટલે સિપાહી બોલ્યો, “રાજકુમાર ચાલો મારી પાછળ પાછળ.” અને બંને તે તળાવ તરફ જવા નીકળ્યાં. રાજકુમારની હાલત પાણી વગર ખરાબ થઈ રહી હતી. ઉપરથી ઉનાળાનો તડકો તેની હાલત બગાડવામાં પૂરો સાથ આપી રહ્યો હતો. લગભગ એકાદ કલાક ઘોડા ચાલ્યાં અને તે હવે એ ઘટાદાર લીમડા નજીક પોહચી ગયા હતા.
આ તરફ વૈદેહી લીમડાના વૃક્ષ પાસે બીજા બે ઝાડવા નીચે પાંદડા નાખીને શાંતિથી બેઠી હતી. અચાનક ઘોડાના ચાલવાના અવાજ સાંભળીને તેને ડબ્બી એકદમથી બંધ કરી દીધી. સિપાહી અને રાજકુમાર પણ તળાવ શોધતા-શોધતા ત્યાં આવી પહોંચ્યા. પરંતુ, ડબ્બી બંધ થતાં ત્યાં તો હવે ખાલી ઉજ્જડ જમીન હતી. તે જોઈ તરસી ઉઠેલો રાજકુમાર હવે, વધુ તડકો સહન ન કરી શક્યો એટલે “પાણી... પાણી” કરતો ઘોડા પરથી નીચે ઉતર્યો અને તે પણ વૃક્ષનાં છાયે જઈ બેઠો. સિપાઈએ આજુ-બાજુ નજર દોડાવી અને તેની નજર ગધેડાં ઉપર પડી. ગધેડા જોતાં તેને લાગ્યું આ કોઈ જંગલી ગધેડા નથી. એનો મતલબ આનો ચરાવનાર પણ અહીંયા જ ક્યાંક હશે. નજર ફેરવતાં સિપાઈને તે જ ક્ષણે વૃક્ષના છાયે બેઠેલી વૈદેહી દેખાણી. એટલે સિપાઈ પણ ઘોડા પરથી નીચે ઉતર્યો અને વૈદેહી પાસે જઈને બોલ્યો, “દિકરી! અહીંયા બે ઘટાદાર લીમડા છે. તે જગ્યા ક્યાં છે?”
સિપાઈની વાત સાંભળી વૈદેહી બોલી ઉઠી, “નહીં... નહીં... અહીંયા કોઈ લીમડા હતા જ નહીં. અહીંયા તો શું આ તરફના જંગલમાં તમને લીમડા જોવા જ નહીં મળે.” સિપાઈ ફરી મૂંઝવણમાં મુકાયો અને વૈદેહીને આજીજી કરવા લાગ્યો, “બહેન હું રાજાનો વિશ્વાસુ સિપાહી છું અને હું રાજકુમાર સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યો હતો. પરંતુ, હું અને રાજકુમાર જંગલમાં ખોવાઈ ગયા છીએ અને રાજકુમારને ખૂબ જ તરસ લાગી છે. છેલ્લા કેટલાય કલાકોથી અમે જંગલમાં આમ-તેમ ફાફા મારી રહ્યાં છીએ કૃપા કરીને અમારી મદદ કરો.”
સિપાઈની વાત સાંભળી વૈદેહી બોલી, “હું તમારી મદદ કરીશ. પરંતુ તમારે આ વાત ક્યારે કોઈને કરવાની નહીં.” તેની વાત સાંભળી સિપાઈ તરત જ માની ગયો. જેવી સિપાઈએ હા કહી એવી જ વૈદેહીએ તે ઉજ્જડ જમીન તરફ જઈને ડબ્બી ખોલી. એકદમથી ત્યાં બે ઘટાદાર લીમડા થઈ ગયા અને તેની સામે જ એક તળાવ પણ બની ગયું. પછી સિપાઈએ રાજકુમારને પાણી આપ્યું અને પછી બધાએ ધરાઈને પાણી પીધું એવામાં અચાનક રાજકુમારને પેટમાં દુઃખવા લાગ્યું અને રાડો નાંખવા લાગ્યો. તે જોઈ સિપાહી બોલ્યો, “મદદ કરો... મદદ કરો...”
વૈદેહી બોલી, “શું થયું?”
“રાજકુમારને જડીબુટ્ટીની જરૂર છે.” સિપાઈ બોલ્યો.
બીજી જ ક્ષણે વૈદેહી એ બીજી ડબ્બી ખોલી જડીબુટ્ટી માંગી અને સિપાઈને આપી. રાજકુમાર ફરી સ્વસ્થ થયો.
હવે રાજકુમારની નજર વૈદેહી પર પડી અને જોતાં જ તેના મનમાં વસી ગઈ. પછી સિપાઈએ ગામમાં જવાનો રસ્તો પૂછ્યો. સિપાઈએ વૈદેહીના પિતાનું નામ પણ પૂછ્યું. પછી સિપાઈ અને રાજકુમાર ત્યાંથી નીકળ્યા. જતાં-જતાં રાજકુમાર વૈદેહી તરફ જોતો રહ્યો. વૈદેહી શરમાઈને નીચે જોવા લાગી. તેનો આ અંદાજ રાજકુમારના દિલમાં ઉતરી ગયો.
***
વાંચતા રહો મારી સાથે...