ભાગ 4માં રોજ રોજ ગધેડા અને જંગલમાં તડકો ખાઈને થાકેલી કાણીએ તેની માતાને ના પાડી. ઈર્ષ્યાળુમાંને આ વાત ગમી તો નઇ પરંતુ તેને એટલી તો ખબર પડી કે વૈદેહીને કંઈ બીજું મળ્યું નથી. એટલે તેને કાણીને ઘરે રેહવા દીધી અને વૈદેહીને જંગલમાં રોજે ગધેડા ચરાવવા મોકલી દેતી. હવે વૈદેહી સાથે આગળ શું થયું તે જોઈએ ભાગ 5માં.
************************
હવે ફરી વૈદેહી એકલી જવા લાગી અને થોડાક સમયમાં જ તે ખાઈ પીને તેનાં શરીરનો બાંધો હતો એવો જ થઈ ગયો. વૈદેહી રોજ જંગલમાં જતી અને ત્યાં જઈ તેની એક ડબ્બી ખોલીને ત્યાંજ લીમડાના છાયે બેસી જતી. પછી જ્યારે મન થાય ત્યારે બીજો ડબ્બી ખોલીને જમી લેતી. આમને આમ એક વર્ષ પસાર થયું અને ફરી ખરો ઉનાળો આવ્યો. ઉનાળાની બપોરના એ તડકામાં કોઈ ઘરની બહાર ન નીકળતા એવા સમયે પણ વૈદેહીને તેની સોતેલીમાં ગધેડા ચરાવવા મોકલતી.
એક દિવસ તે જંગલમાં રાજાના કુંવર શિકાર કરવા નીકળ્યા. તેની સાથે તેનો વિશ્વાસુ સિપાઈ પણ હતો અને તેની રક્ષા માટે બીજા સિપાઈઓ પણ આવ્યા હતા. બીજા સિપાઈઓ રાજકુમાર માટે પાણી, તંબુ અને જરૂરી સાધન સામગ્રી લઈને તેની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. વધું સામાન હોવાથી સિપાઈઓ ધીમે ચાલતા હતા. એવામાં અચાનક રાજાના કુંવરને એક હરણ દેખાયું એટલે તે તેના શિકાર માટે તેની પાછળ નીકળ્યો અને જોત-જોતામાં તે બીજા સિપાઈઓને પાછળ મૂકીને ક્યાંય દૂર નીકળી ગયો. જોકે, રાજાએ બધો સામાન એક જગ્યાએ મૂકીને એક દિવસ તેને આરામ કર્યા પછી બીજા દિવસે શિકાર પર જવું, તેવું રાજકુમારને અને ખાસ તેમના વિશ્વાસુ સિપાઈને કહ્યું હતું. પરંતુ, હરણને જોતાં જ રાજકુમારને તે વાતની જાણ જ ન રહી અને ખૂબ આગળ આવી પહોંચ્યો. રાજકુમાર હરણને મારવા માટે જેવો આગળ વધ્યો કે, ત્યાં જ હરણ એકદમથી કૂદીને જંગલમાં ગાયબ થઈ ગયું. દૂર દૂર જાડીઓમાં થઇને હરણ રાજકુમારની નજર સામેથી નીકળી ગયું.
નિરાશ થયેલા રાજાના કુંવરે પાછળ ફરીને જોયું તો તેની આસપાસ કોઈ ન હતું. ન તો વિશ્વાસુ સિપાઇ, કે ના તો કોઈ બીજા માણસો. જંગલમાં રાજકુમાર એકલો પડી ગયો. એવામાં થોડીવારે તેનો વિશ્વાસુ સિપાઈ ત્યાં આવી પહોંચ્યા. તેને જોઈ કુવરને હાંસકારો થયો અને રાજકુમાર બોલ્યો, “સારું થયું તમે આવી ગયા નહી તો, હું આ જંગલમાં ખોવાઈ જાત. થોડીવાર તો મને એમ જ થયું કે, તમે મને નહીં શોધી શકો.”
એટલે રાજકુમારની વાત સાંભળીને સિપાઈ બોલ્યો, “જી રાજકુમાર હું તમને ન જ શોધી શકતે, પરંતુ જેવા તમે તે હરણ પાછળ ઘોડો લઈને નીકળ્યા. એવો જ હું પણ તમારી પાછળ નીકળ્યો, તેમ છતાં તમારા આ ઘોડાએ મને પણ પાછળ છોડી દીધો.”
હસતો રાજકુમાર બોલ્યો. “ચાલો તો હવે આપણે પાછા જઈએ.”
સિપાઈ નીચું જોઈને બેઠો હતો.
સિપાઈનું નીચું માથું જોઈ રાજકુમાર બોલ્યો, “તો શું આપણે બંને જંગલમાં એકલા છીએ?”
તેની વાત સાંભળી સિપાઈ બોલ્યો, “નહિ રાજકુમાર હું બાકીના સિપાઈઓને ત્યાં જ ઉભા રાખીને આવ્યો છું તો ચાલો આપણે પાછા જઈએ.”
હવે બંને પાછા જવા નીકળ્યા. થોડા પાછા ગયા પછી ચાર રસ્તા દેખાતા તે રસ્તો ભટકી ગયા અને પછી જંગલમાં આમ-તેમ ભટકવા લાગ્યા. થોડીવાર ઉભા રહીને બંને ફરી ભટકવા લાગ્યા પણ હવે તેમને રસ્તો મળી રહ્યો ન હતો. એ સમયે રાજકુમારને પાણીની તરસ લાગી એટલે તેણે સિપાઈને કહ્યું, “મારે પાણી પીવું છે શું તમે પાણી સાથે લાવ્યા છો?”
રાજકુમારની વાત સાંભળી સિપાઈ બોલ્યો, “પાણી તો પાછળ રહી ગયું.”
***
વાંચતા રહો મારી સાથે...