પ્રેમ - નફરત - ૫૩ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ - નફરત - ૫૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૫૩

રચનાએ સંજનાને મળવા જવાનું ગોઠવી દીધું હતું. એ માટે આરવને કોઇ કારણ આપવું જરૂરી હતું. સંજના સાથે એ બહુ મહત્વની વાત કરવા જવાની હતી. તેની આગળની યોજનાને આગળ ધપાવવા સંજનાનો સાથ જરૂરી હતો. આરવ સાથે તે હનીમૂન મનાવવા આવી હતી. બંને ફાર્મહાઉસમાં બે દિવસ રોકાવાના હતા. તે આજે શહેરમાં કોઇ કામથી જવાની વાત કરે તો આરવને શંકા જાય એમ હતી. આખરે તેને મમ્મીને મળવાનું બહાનું હાથવગું લાગ્યું. આરવ એ માટે ના પાડી શકશે નહીં.

આરવ ઊઠ્યો એટલે રચનાએ મમ્મીની તબિયતની ખબર લેવા જવા માગતી હોવાનું કહી જ દીધું. આરવને નવાઇ લાગી કે હજુ ગઇકાલે જ તેઓ આવ્યા હતા અને આવતીકાલે પાછા ફરવાના જ હતા. પછી મમ્મીને મળવાની આજે શું જરૂર છે? એવો પ્રશ્ન એના મનમાં આવી જ ગયો. એણે સહજ રીતે પૂછ્યું:'મમ્મીની તબિયત સારી છે ને?'

રચનાએ પણ સહજ રીતે જવાબ આપ્યો:'મમ્મીની તબિયત સારી છે. પરંતુ લગ્ન પ્રસંગે મમ્મીના ઓળખીતા મહેમાનો આવ્યા છે એ હમણાં નીકળી જવાના છે. એમને મળવાની ઇચ્છા છે. એ લોકો ફરી ક્યારે મળશે એ કહી શકાય નહીં. જો તું બે-ત્રણ કલાક જવા દે તો હું એમને મળીને આવી જઉં. મારા ખ્યાલથી તો તું પરવારીશ અને નાસ્તો કરીશ ત્યાં સુધીમાં હું પાછી આવી જઇશ.'

'વાંધો નહીં. તું જઇ શકે છે.' આરવ માટે ના પાડવાનું કોઇ કારણ ન હતું.

રચના તેના ગાલ પર હળવું ચુંબન કરીને નીકળી ગઇ.

આરવે એના મિત્રને ફોન કરીને બોલાવી લીધો. તેણે આવતાંની સાથે જ સુહાગરાતની ચર્ચા છેડી દીધી. મિત્ર ભલે એને મૂરખ સમજે પણ તે એમ.સી.માં હોવાનું જણાવી વાતને ત્યાં જ પૂરી કરી દીધી અને બીજી વાતો કરી. વાત કરતી વખતે આરવના મનનું ચક્ર રચનાના વિચારોમાં જ ઘૂમતું રહ્યું હતું.

રચના ઝડપથી આરવની કાર લઇને જાતે જ નીકળી ગઇ હતી. તે મમ્મીના ઘરે ગઇ અને ત્યાં કાર મૂકીને એના જીપીએસ સામે જોઇ મુસ્કુરાઇ. મમ્મીને બૂમ પાડીને સંજના પાસે જવાનું કહી રિક્ષા પકડી લીધી.

એ સંજના પાસે પહોંચી અને હાંફતા કહ્યું:'સંજના... તારે અમારી મોબાઇલ કંપનીમાં જોડાવવું જ પડશે...'

'અચાનક શું થયું? મેં તને કહ્યું હતું કે હું હજુ ભણવા માંગું છું. આરવને પણ ના પાડી હતી. હવે મને નોકરીએ લેવાનું શું કારણ છે?' સંજનાને રચનાના ફરી ગયેલા વિચારથી નવાઇ લાગી રહી હતી.

'સંજના, મને લાગે છે કે હું ત્યાં એકલી પડી જઇશ. ઉપરાંત મને કોઇનો સાથ જોઇશે. આરવથી છુપાઇને બધું કરવાનું છે. ત્યારે મને કોઇની મદદ જરૂરી બનશે. તારું ભણવાનું હજુ બે વર્ષ મોકૂફ રાખી દેજે. તને આર્થિક રીતે કોઇ ખોટ જશે નહીં. મેં ઘણોબધો વિચાર કરીને આ નિર્ણય લીધો છે. તારે મારી વાત માનવી જ પડશે. તેં કહ્યું હતું કે હું છેલ્લે સુધી સાથ આપીશ. તારા ભરોસે જ મેં આ સાહસ કર્યું છે એની તને ખબર છે.' રચનાના સ્વરમાં એવો ગભરાટ હતો કે સંજના ક્યાંક ઇન્કાર ના કરી દે.

'તારા માટે તો જાન હાજર છે. તું કહે છે તો હું તમારી કંપનીમાં જોડાઇ જઇશ. પણ આટલી ઉતાવળ કેમ છે? આમ કેમ દોડી આવી છે? ફોન ઉપર આ વાત થઇ શકી હોત ને?' સંજનાને રચનાનું રૂબરૂ આગમન નવાઇ પમાડી રહ્યું હતું.

'જો આ જમાનો આધુનિક ટેકનોલોજીનો છે અને આ મોબાઇલની કંપની છે. દરેક વાતની જડ સુધી આ મોબાઇલ લઇ જઇ શકે છે. દરેક પગલું સાવધાનીથી મૂકવું પડશે. આપણી પાસે સમય ભલે ઘણો હોય પણ આપણે ઓછામાં ઓછા સમયમાં નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી જવાનું છે. બીજી વાત હું તને પછી કરીશ. મારે હજુ મમ્મીને મળવા જવાનું છે.' કહી રચના તરત જ નીકળી ગઇ અને બહાર ઊભેલી રિક્ષામાં બેસી ગઇ.

રચનાને રિક્ષામાં જતી જોયા પછી સંજના કંઇક વિચારીને મનમાં જ મલકાઇ!

ક્રમશ: