HASTA CHASHMA books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૭૨

હસતા ચશ્મા..!

                             

                    ટેલીવિઝનકે ઘાટ પે ભઈ હસનેકી ભીડ, જેઠાલાલ ચંદન ઘીસે ઐયર બૈઠા તીર..! (ઠોકો તાલ્લી..!) ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ એ સાલ્લી ભારે જમાવટ કરી છે હોંકેએએ? નહિ હસવાની ગાંઠ બાંધીને બેઠેલો પણ, એકવાર તો લપસી પડે..! આ સીરીયલે શું મૂઠ મારેલી કે, મૂઠછોકરીઓ પણ લગન કરતાં પહેલાં છોકરાને પૂછે કે, તારું બધ્ધું ચલાવી લઉં, પણ ‘તારા ઘરે ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ વાળી સીરીયલ આવતી હોય તો જ તારી ચૂંદડી ઓઢું, નહિ તો બાજી ફોક..! જેમ જેમ આ સીરીયલ જૂની થતી ચાલી , જાણે તેમ-તેમ જુવાન થતી ચાલી..! અમુકતો એવાં ખડ્ડૂસ કે, ડેઈટ પૂરી થઇ છતાં, આ સીરીયલનો કબજો છોડે નહિ. પચાવી પાડેલો પ્રદેશ ચાઈના જેમ  છોડતી નથી, એમ આ સીરીયલ પણ લોકો છોડતા નથી. એટલાં એપિસોડ આ સીરીયલ ગળી ગઈ કે, એની ખાધ જ પૂરી થતી નથી. જેમ-જેમ ઘરડી થાય તેમ-તેમ કલર પકડે. રામદેવજી મહારાજના ‘અંગ-કસરત’ ના ખેલમાં ઉબડા પાડવા કહે તો, ગૂમડા નીકળે,  પણ  આ સીરીયલ શરુ થાય, એટલે ખાધા-પીધા વગર ટીવી સામે ઉબડા પડવા માંડે..! કંઈ કેટલાં સીરીયલ જોઇને ઉકલી ગયાં હશે. ને બચ્યાં તે હજી સીરીયલ જોતાં-જોતા ઘરડાં થાય છે..! દેશના બે પ્રશ્નો 'ટોક ઓફ ધ કન્ટ્રી'  છે કે, કોરોના રોકાતો નથી ને, સીરીયલ પૂરી થવાનું નામ લેતો નથી. લાંબુ, એટલે ખાસ્સ્સું લાંબુ ખેંચી નાંખ્યું. છતાં હરામ બરાબર જો જુવાનજોધ ચંપકકાકા સિવાય કોઈ નકલી ઘરડું ઘૂસ્યું હોય તો..? કહેવત પણ એવી નફફટ કે, ‘ઘરડાં ગુલાંટ બહુ મારે..!’ પણ જેઠાલાલે તો કહેવતને પણ ગુલાંટ મરાવી દીધી. જુવાનજોધ જેઠાલાલને કંઈ ઘરડો થોડો કહેવાય..? ફટાકડી સાથે કેવો તડાફડી બોલાવે છે..? બબીતાની ‘એન્ટ્રી’ થવી જ જોઈએ, ‘બ્લેક એન્ડ વ્હાટ’ માંથી જેઠો એકદમ ‘ઇસ્ટમેન કલર’ માં આવી જાય..! જાદુગર તો ડબલાંમાંથી કબૂતર કાઢીને તાળી પડાવે, ત્યારે આ પ્રેમ-ઘેલો બબીતાને પપલાવીને તાળી પડાવે..! ખૂબીલીટી તો ત્યાં સુધીની કે, દોસ્તીની દાવેદારીમાં ઐયર આવું બધું જોઇને ધુમાડો તો કાઢે,પણ  એ ધુમાડામાં એનો જ કલર બદલાય જાય.  મદ્રાસી માનુસ ‘કડાકો’ બોલાવ્યા વગર રહે..? પાણીમાં રહેવું હોય તો, મગર સાથે માથાકૂટ નહિ કરાય એવું સમઝે., એટલે ચલાવી લે .! ભભડીને બેસી રહે કે, “મોજૂ મડુટ્ટીરયુવા નમ્મા ટન્ડેગે એન્નાગુત્તડે..?” (મારી આ કન્નડ ‘ભાષામાં ચાંચ ડૂબાડવાની  કોશીશ નહિ કરતા. ભાષાનું પોસ્ટ મોર્ટમ કરવાને બદલે, ભાવનાનું ચરણામૃત જ લેવાનું..! ) બાકી, એનો અર્થ એવો થાય કે, ‘’છો ને મઝા કરતી, આપણા બાપનું શું જાય છે...!” એટલે ઐયરે તો એ બનેની ‘પ્રેમયાત્રા’ માટે હમેશા આંખ આડા કાન જ કર્યા છે..! ગંગારામ જાણે કે, આજે કેટલાંય વખતથી જેઠાલાલની હાલત, રીમોટ કંટ્રોલ વગરના ટીવી જેવી છે. બિચારો વગર ‘દયા’ એ સીરીયલમાં લાકડાની તલવારથી તલવારબાજી કરે છે.  કેલેન્ડરનાં પાનિયા ફાડીને રોજ દહાડા બદલે છે, છતાં એનો દહાડો બદલાતો નથી. સહનશીલતાનો ‘મૂર્તો’ પણ એવો કે, “તું નહિ તો ઔર સહી, ઔર નહિ તો ઔર સહી” જેવી હિમત પણ કરતો નથી..!
                        અમુક સીરીયલનો તો એક જમાનો હતો. જેમાં ફ્રુટસેલાડ જેવી બબીતાને બદલે ‘જલ્લાદ’ સાસુઓના નખરા જોવા લોકો ટીવી સામે ટોળું વળીને બેસી જતા. ત્યારે આ સીરીયલમાં તો સમ ખાવા માટે પણ એક સાસુ નહિ મળે. દરેકના ઘરમાં દુનિયાભરનું ફર્પોનીચર ભરેલું હોય, પણ પટલાલ પાસે 'વાઈફ'  નહિ ને એકેય ‘ફેમીલીયું’ પાસે સાસુનો સ્ટોક નહિ...! શ્રીશ્રી ભગો કહે એમ, સાસુ નથી એટલે તો બધી વહુઓઆઝાદ છે..! કોઈએ નોંધ લીધી હોય તો જોજો. ગોકુળધામની એકેય ફેમીલીના ઘરે હજી ઘોડિયું શુદ્ધાં બંધાયું નથી. બબીતા ભલે રોમેન્ટિક હોય, પણ  એના ઘરમાં હજી હાલરડું ગવાયું નથી. ધારો કે, બબીતાના ઘરે ઘોડિયું બંધાય તો, ખૂણે-ખૂણેથી એટલાં ઝભલા ‘સપ્લાય’ થાય કે, અબ્દુલે સોડા વેચવાનો ધંધો બંધ કરીને ઝભલાઓ વેચવાનો ધંધો શરુ કરવો પડે..! સાચી જ વાત છે ને, ઘરના પોતાં મારીએ તો પણ ઝભલાનો સ્ટોક વધી પડે તો ધંધો જ કરાય ને..?  
                                 જે હોય તે, અમિતાભ બચ્ચન કરતા પણ જેઠો ઉર્ફે જેઠાલાલ મને ગમે બહુ..! જેઠો એટલે ગેરંટીવાળો પ્યોર લવ-મેન..! બબીતા ને જેઠાના ‘ફ્રેન્ડલી રોમાન્સ’ આગળ રોમિયો-જુલિયેટનો પ્રેમ પણ ‘ઝેરોક્ષ’ લાગે..! જેઠા-બબીતાની લવ ‘ટેસ્ટ-મેચ’ આટલા વર્ષોથી ચાલે છે, છતાં હજી પૂરી થઇ નથી. નથી રન થતાં, કે નથી વિકેટ પડતી..! બંનેની ‘પ્રેમ-કહાની’ માં બળી-બળીને ઐયર બિચારો અમાસ જેવો કાળો થઇ ગયો, છતાં ‘જેઠાનાં જીવનમાં પૂનમ પ્રગટ થઇ નથી..! તારક એટલે હાસ્યનો પંચ તારક..! તારકનું ભેજું જ હાસ્યથી એવું તરબોળ કે,' ડીપ્રેશન’ નો દર્દી, પણ એકવાર તો પથારી માંથી ઉભો થઇને ભાંગડા કરવા માંડે. દર્દીની હથેળીમાં માત્ર ‘તારક મહેતા’ શબ્દ લખી આપો તો પણ અઠવાડિયા સુધી શરીર‘ગલગલીયું’ રહે..! આપણાથી પોતાની વાઈફને એક ચિઠ્ઠી કાજ્લહ્ખાવું હોય તો હાથ અને ચિઠ્ઠી બંને ધ્રુજવા માંડે, ત્યારે તારક ભાઈએ તો એટલાં હાસ્યલેખો લખ્યાં છે કે, એટલાં તો સગાવ્હાલે આપણે કાગળો નથી લખ્યાં.  આપણો પરિવાર તો રેશનકાર્ડમાં પણ વધતો ઓછો થાય, ત્યારે ‘તારક મહેતાના ઉલટા ચશ્મા’ માં તો નહિ કોઈ વધે કે, નહિ કોઈ ઘટે. ગોકુલધામનું આખેઆખું કલેવર બદલાય જાય, પણ ચાલુ પાંડે જેવાં પોલીસની બદલી શુદ્ધા નહિ થાય. એનો એજ ટપૂડો, એનો એ જ જેઠો, ને એના એ જ ચંપકકાકા. કોઈની ‘એક્ષ્પાયરી’ ડેઈટ આવે જ નહી..! ડૉ. હાથીથી  સિરીયલ નહિ છૂટી, પણ ચપટીમાં દુનિયા છોડીને ચાલી ગયાં, છતાં ગોકુળધામ એના વગર વાંઝણું નહિ રહ્યું. કવિ બેફામ કહે એમ, ‘ હતો મારો જ અવસર ને મારી હાજરી નહોતી’ ની માફક દયા સીરીયલમાં નથી, છતાં પ્રસંગ પ્રમાણે પડઘાયા કરે..! ધરતી ઉપર ૧,૫૨,૭૨,૭૧૪ લોકો બાપ બની ગયા, પણ ટપૂડો હજી બાપ બન્યો નથી, ને ભીંડે માસ્તર નાનાજી બન્યા નથી.. પારલે બિસ્કીટ વાળા ને મરફી રેડિયાવાળાનું માફક ‘છોકરાઓને મોટા જ થવા દેતા નથી, તારક મહેતાની આ જ તો સ્ટાઈલ છે કે, હાસ્યની ફેકલ્ટીમાં કોઈને ‘બાપ’ નહી બનવા દેવો..! આ સીરીયલે સાલું એવું ઘેલું લગાડ્યું કે, રાતના રાંધેલા ધાન ક્યાં તો અટવાય જાય, ક્યાં તો સીરીયલ જોતાં-જોતા ડબલ ખવાય  જાય.. ! એકવાર સીરીયાલ શરુ થવી જોઈએ, આપણી હાલત પણ બારણે ઉભેલા ભિખારી જેવી થઇ જાય. કોઈનું ડોકું પણ આપણી બાજુ નહિ ફરકે...!  ચંપકકાકા, જેઠાલાલ, દયા, ટપુડો, પોપટલાલ, ભીડે, ઐયર, બબીતા આણી કંપની જાણે વેવાઈ બનીને ઘરે આવ્યા હોય એમ, બધાં એમનામાં જ મશગુલ..! એમાં જો સીરીયલના સમયે કોઈના ઘરે પહીંચી ગયાં તો, ખલ્લાસ..! આપણને જોઇને આખું ફેમીલીયું ડોળા કાઢવા માંડે કે, આ યમરાજ આ સમયે ક્યાંથી ટપકી પડ્યાં..? 
                                    લાસ્ટ ધ બોલ

              સીરીયલ છોડીને દયા ચાલી કેમ ગઈ, એનું એકમાત્ર રહસ્ય, શ્રીશ્રી ભગા પાસે છે. ઘટના એવી ઘટેલી કે, જેઠાએ ચંપકકાકાને એક પ્રશ્ન પૂછેલો કે, ‘બાપુજી..! નર્ક અને નરક આ બે માં સાચો શબ્દ કયો..?’ આ સાંભળીને ચંપકકાકાની એવી છટકેલી કે, ‘ડોબા, તારે જોડણીથી મતલબ છે કે, જવાથી મતલબ છે..?’  આવો જવાબ સાંભળીને દયા ચાલી ગયેલી..!

----------------------------------------------------------------------------------------------------

 

 

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      
    


 


 
 
 

 
25
Settings


 
 
 
 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED