JO JITA WO SIKANDAR books and stories free download online pdf in Gujarati

હાસ્ય લહરી - ૭૧

જો જીતા વો સિકંદર..!

                 અમુકનો કલર આથમતી સંધ્યાએ જ પકડે એમ, શ્રીશ્રી ભગાને ઢળતી ઉમરે રાજકારણમાં ઝંપલાવવાનો ચટકો લાગ્યો. શરીરે મધમાખી વળગી હોય એમ, એક જ ધૂન દેશ સેવા એ જ પ્રભુ સેવા..! મા-બાપ કે પરિવારની સેવા કરવાનું ક્ષેત્ર નાનું પડ્યું હોય, એમ ઉપડી. જેવાં સ્થાનિક ચૂંટણીના બ્યુગલ સંભળાયા, એટલે બરમૂડા બાળીને ખાદીની બે-ત્રણ  જોડ પણ સિવડાવી લીધી. સદગત દાદાના ફોટા ઉપર ચઢાવેલો હાર ઉતારી, મહાત્મા ગાંધીજીના ફોટા ઉપર ચઢાવી દીધો. ને સાઈકલ ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો બાંધી પ્રચાર માટે નીકળી પડ્યો.  ગાંધીજીનું સૂત્ર ભલે સત્યમેવ જયતે’ હોય, પણ ‘યાહોમ કરીને પડો, ફતેહ છે આગે..!’ ની હાકલ કરવા લાગ્યો. એના કપાળમાં કાંદા ફોડું, ફોટો કોનો, સૂત્ર કોનું, બધું જ રગડા-પેટીસ જેવું..! આપણને સંતોષ એ વાતનો કે, માણસ ઢળતી ઉમરે પણ દેશ સાથે ‘ઓન-લાઈન’ તો છે. આપણે રાજીપો જ લેવાનો. રાજકારણના ચટકા, માંકડના ચટકા કરતાં પણ ખતરનાક હોય..! માંકડ તો  સુતેલાને ચટકા વધારે ભરે. ત્યારે આ લોકો જાગતાને ચટાકેદાર ચટકા વધારે આપે. ખુરશી ચીજ ઐસી હૈ..!  રાજકારણનો  મોહ જ એવો કે, એકવાર ચટકો લાગવો જોઈએ, ભલભલાના મોંઢા પલળવા માંડે. અમુકના તો ફુવારા છૂટવા માંડે. ઉમેદવારને રાષ્ટ્રગીત પૂરું આવડતું હોય કે ના આવડતું હોય, શહીદો ને સ્વાતંત્ર્ય સેનાનીઓના પાંચ નામ મોંઢે હોય કે ના હોય, ખુરસી હાંસલ કરવા, વો કુછ ભી કર શકતા હૈ..! બોલવામાં ભલે બરછટ હોય, પણ ઉમેદવારી કરે ત્યારથી ‘વિનય સપ્તાહ’ ઉજવવા માંડે..!  

                              રાજકારણના ખેલ જાદુગર મંગલ કરતાં પણ ખતરનાક હોય છે  દાદૂ..! એકવાર એક બકરી એના બચ્ચા સાથે જંગલમાંથી પસાર થઇ રહી હતી. બકરીના બચ્ચાંએ સામેથી આવતા સિંહને જોયો. બચ્ચાંએ એની મમ્મીને કહ્યું,  ‘મમ્મી, સિંહમામા આવતા લાગે છે, આજે આપણા રામ રમી જવાના..!  બકરી કહે, ચિંતા ના કર બેટા.  સિંહમામા કંઈ નહિ કરે. ને થયું પણ એવું જ. સિંહે બકરીને પ્રણામ કરીને પૂછ્યું, ‘ કેમ છે દીકરા, તારા બાળ-બચ્ચા ઠીક છે ને..? સિંહમામાની ગળી રોટલી જેવી બોલી સાંભળીને બકરીનું બચ્ચું અચંબો પામી ગયું. મમ્મી..કમાલ છે....? જંગલનો રાજા આટલો વિવેકી કેમ થઇ ગયો..? ત્યારે બકરીએ કહ્યું, ‘ બેટા, જંગલમાં આજે ચૂંટણીની જાહેરાત થઇ છે, એટલે વિવેકી થાય જ ને..! “ એના કપાળમાં કાંદા ફોડે, પ્રાણી જેવા પ્રાણી જો સમય સાથે બદલાઈ જતાં હોય, તો આ તો માણસ છે..! ચૂંટણી સુધી રામ ને પછી, જય સીયારામ..! ધત્તતેરીકી..!

                                મા-બાપ ભલે વૃદ્ધાશ્રમના સરનામા શોધતા હોય, પણ જેવો ચૂંટણીનો પવન ફૂંકાવા માંડે, એટલે ઉમેદવારનું ‘ફેસિયલ’ થવા માંડે. કપડાં બદલે, પક્ષ બદલે, સંબંધ ને મિત્રો બદલે, પણ દાનત નહિ બદલે..!  એવો જોશમાં આવી જાય. કે બીજા પાછળ પડી જાય પણ એ આગળ નીકળી જાય. ટેકો મળે તો ઠીક, ને નહિ મળે તો, “તારી સંગ કોઈ ના આવે તો, એકલો જાને રે” ની માફક જાતે પીઠી લગાવીને પણ પૈણવા તૈયાર થઇ જાય. એકલો પણ ચૂંટણી લડવા માંડે. ત્યારે અમુકને તો પાર્ટી જ પીઠી ચોળે, ને પાર્ટી જ વરઘોડો પણ કાઢી આપે..! કોરોનાના કારણે ભલે મનોરંજન ક્ષેત્રમાં આંશિક તાળાબંધી હોય, પણ જ્યાં સુધી ચૂંટણીના પરિણામ નહિ આવે, ત્યાં સુધી આ લોકોના ખેલ જોવાનો પણ એક લ્હાવો છે મામૂ..! જેમ પૈણવાની તાલાવેલીવાળાને કમુરતા નડતા નથી, એમ ચુંટણી લડનારને મતદાર સિવાય ચોઘડિયા પણ નડતા નથી. કુંભમેળો આવ્યો હોય એમ, ‘નંદ ઘેર આનંદ ભયો’ ની માફક થનગનવા જ માંડે. ઉમેદવારમાં આત્મ સન્માન, આત્મ ગૌરવ કે દેશ-લક્ષણા ભક્તિના પરપોટા કેટલાં કેરેટના છે, એવું જોવાનું તો આવે જ નહિ.  કહેવત છે કે, ‘લગને-લગને કુંવારા’  એમ, અમુક તો ચૂંટણી-ચૂંટણીએ દુબારા..!  હાર્યો જુગારી બમણું રમે, એમ હાર્યો ઉમેદવાર વારંવાર ચૂંટણી પણ લડે..! મુરતિયાઓ એવાં તૈયાર થઇ જાય કે, બાણાવળી અર્જુનને માછલી દેખાયેલી એમ, ઉમેદવારને ખુરશી જ દેખાય. ભૂત-પલિત-ડાકણ-પિશાચની ઝાપટ નહિ લાગે, તે માટે  ગળામાં લોકો માદળિયું બાંધતા, હવે માદળિયાંને બદલે, ગળામાં પાર્ટીનો ખેસ ચઢાવે. જેથી મતદારની નજર પડે કે, આપણો મુરતિયો કયા ઘરાનાનો માલ છે..! ચૂંટણીમાં ક્યારેય ઉમેદવારની ભૂગોળ કે ઈતિહાસ જોવાતો નથી. ચલણમાં ચાલે એ રૂપિયો ને બાકીના ઢબૂડા..! વરસો પહેલાં કવિ કરશનદાસ માણેકજીએ એક કવિતા લખેલી કે,   

                          મને એ જ સમજાતું નથી કે આવું શેને થાય છે,

                          આજ ફૂલડાઓ ડૂબી જતા પથ્થરો તરી જાય છે

                          કામધેનુને મળે નહિ એકેય સુકું તણખલું અને

                          લીલાંછમ્મ ખેતરો આજે આખલા ચરી જાય છે     

                                  આ જગતની ચાલને કોઈ ઓળખી શક્યું નથી.  રામ અને રાવણ બંનેને લઈને લોકો ફરે. ધાર્યું થાય તો જયશ્રી રામ, નહિ તો પછી જય લંકેશ..! લોકો સોક્રેટીસને આ દુનિયા ઝેર આપી શકે છે. એક જ પોતડીમાં અંગ્રેજો સામે ઝઝૂમીને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીને ગોળીએ દઈ શકે છે. જીવતા જીવત સ્તંભ ઉપર ચઢાવીને  શરીરમાં ખીલા ભોંકીને ઇસુ ખ્રિસ્તનો જીવ લઇ શકે છે..! નાળીયેર ભરેલું હોય તો વધેરી નાંખવાનું, ને ખોટું હોય તો ‘હીરા-માણેક’ મઢીને માથે ચઢાવવાની અહીં કમાલ છે. જો જીતા વો સિકંદર, બાકી સબ છછુંદર..! ચૂંટણી પણ જેહાદી બની ગઈ છે દાદૂ..! આવો આપણે લેટેસ્ટ ઉમેદવાર શ્રીશ્રી ભગાનો ચૂંટણી પ્રવચનનો એક નમુનો જોઈએ..!  

                               ( શરૂઆતમાં ખીખારો) મહેરબાન-કદરદાન-ફુલદાન-મતદાન..! સૌને આ બાગબાનના જય ભગવાન..! પાંચ વર્ષ મારા ક્યાં પૂરાં થઇ ગયા, એની ખબર શુદ્ધાં ના પડી. જો કે આપ સૌને તો પડી હશે, એની ના નથી. તમને એમ પણ થતું હશે કે, પાંચ-પાંચ વર્ષ સુધી ઢંઢોળ્યા નહિ, ને આજે અચાનક ક્યાંથી પ્રગટ થયાં..? સાચી વાત કહું તો અમે સહેજ પણ તમારાથી અળગા થયાં નથી. ખુરશીમાં બેઠાં-બેઠા પણ અમે ‘આપ’ ની જ ચિંતા કરી છે. સાચું પૂછો તો, તમે અમારી દાઢમાં રહ્યાં છો..! હું જાણું છું કે, પેટ્રોલના ભાવ વધ્યા ત્યારે અમને યાદ કર્યા હશે, લાઈનમાં ઉભા રહેવાની તક આપી, ત્યારે યાદ કર્યા હશે, શાકભાજીના ભાવો સળગ્યા ત્યારે પણ યાદ કર્યા હશે, તમે અત્ર-તત્ર-સર્વત્ર અમારા નામની જ માળાઓ જપી છે એ પણ અમે જાણીએ છીએ. કારણ કે અમે ખુબ અટકડીઓ ખાધી છે..! પણ, જેમ પ્રસંગનાં ટાણે મોઢું બતાવે એને જ કુટુંબી કહેવાય. એમ અમે ચૂંટણીના ટાણે આવીને ઊભાં તો રહ્યા ને..? તમે મારો ઈતિહાસ જોતા નહિ. પણ મારી ભૂગોળ તરફ ધ્યાન આપજો. આ વખતે મારા નામ ઉપર જ ચોકડી મારજો ભઈલા..! ચોકડી એટલે મત આપીને જીતાડજો. મારી આ અંતિમ ઈચ્છા છે..!  પ્રભુની કૃપા તો જુઓ..! આ વખતે, યાદ રહી જાય એવું નિશાન મને ચૂંટણીમાં મળ્યું છે. મારું નિશાન છે કૂતરો...! એક વફાદાર કુતરાને મત આપો છો એવો ભાવ રાખીને પણ મત મને જ આપજો. . સમાજમાં હું દાખલો બેસાડીશ કે, માત્ર કુતરાઓ જ વફાદાર હોતા નથી. માણસને જો ચૂંટવામાં આવે તો એ પણ વફાદાર રહી શકે છે. કુતરાઓ જેમ રાતે ઊંઘ્યા વિના મહોલ્લાની રખેવાળી કરે છે, એમ હું પણ તમારા માટે જાગતો રહીશ, આપ સૌની રખેવાળી કરીશ..!  મારું નિશાન છે કુતરો..!

                                લાસ્ટ ધ બોલ

         ડોક્ટર માને કે લોકો માંદા પડે તો સારું. વકીલ માને કે, ઝઘડા વધે તો સારું. મરણનો  સામાન  વેચવાવાળો માને કે, લોકો વધુ મરે તો સારું. મકાન માલિક માને કે, ભાડૂત પોતાનું ઘર નહિ બનાવે તો સારું. એક માત્ર ચોર જ એવું ઈચ્છે કે, લોકો પૈસાદાર થાય તો સારું. ને લોકોને સારામાં સારી ઊંઘ આવે તો સારું..!

_________________________________________________________________----------------------------------------------------------------

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )
      
    


 

Reply

Reply all
 or 
Forward
Send 
 
 
 
 



 
 
 
 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED