Connection-Rooh se rooh tak - 29 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 29





૨૯.ઉમ્મીદ

અનોખી ઓટોમા પોતાની ઘરે પહોંચી. એણે ઓટોવાળાને પૈસા ચૂકવ્યા, અને એન્ટ્રેસ ગેટની બહાર ઉભી રહીને પોતાનાં ઘરને જોવાં લાગી. જે હવે ઘર રહ્યું જ ન હતું. હવે એ એક માત્ર બંગલો હતો. અનોખીની આંખો સામે એનાં બાળપણની યાદો તાજી થઈ ગઈ. જેમાં એ ક્યારેક બગીચામાં દોડી રહી હતી, અને પાછળ પાછળ એની મમ્મી પણ એને પકડવા દોડી રહી હતી. ક્યારેક એ મુના બાપુનાં ખંભે બેસીને આખાં ઘરનું ચક્કર લગાવી રહી હતી. બાળપણની યાદો તાજી થતાં જ અનોખીની આંખો ભરાઈ આવી.
અનોખી પોતાની જાતને સંભાળીને આગળ વધી. અનોખી આ ઘર છોડીને, મુંબઈ છોડીને ગઈ. એને વર્ષો વીતી ગયાં હતાં. છતાંય એ આજેય આ ઘર અને અહીંના લોકોમાં જીવંત હતી. અનોખીને આવેલી જોઈને એન્ટ્રેસ ગેટ પર ઉભેલાં ગાર્ડ એ તરત જ ગેટ ખોલ્યો. અનોખી આજુબાજુ નજર કરતી અંદર પ્રવેશી. ઘરનાં મુખ્ય દરવાજેથી થઈને એ હોલમાં આવી. એ સમયે જ મુના બાપુ સીડીઓ ઉતરીને નીચે આવી રહ્યાં હતાં. અનોખીને વર્ષો પછી આ ઘરમાં જોઈને એમનાં પગ સીડીઓ પર જ થંભી ગયાં, અને એમની પણ આંખો ભરાઈ આવી.
અનોખીની નજર અચાનક જ મુના બાપુ પર પડી. એ તરત જ જડ થઈને ઉભેલાં બાપુની તરફ આગળ વધી. એણે સીડીની સામે ઉભાં રહીને કહ્યું, "તમારાં સામ્રાજ્યમાં બધું હેમખેમ તો છે ને, બાપુ?"
"પહેલાં તારાં પપ્પાને ગળે નહીં મળે?" મુના બાપુએ હાથ ફેલાવીને આગળ વધતાં કહ્યું.
"સવાલ જ નથી." કહીને અનોખી બે કદમ પાછળ હટી ગઈ, "તમે અહીં મારાં પપ્પા નહીં, માત્ર બાપુ છો. મુના બાપુ! જેમનાથી મુંબઈની જનતા ડરે છે." એણે થોડો અણગમો વ્યક્ત કર્યો, "તમે મારાં પપ્પા તો ત્યારે બનશો, જ્યારે તમે આ જીંદગી છોડીને મારી સાથે સામાન્ય જીવન જીવશો."
"પણ, બેટા! હું તારો બાપ છું." મુના બાપુએ ગળગળા અવાજે કહ્યું.
"એવાં બાપ જે પોતાની છોકરીની જાસુસી કરાવે." અનોખીએ કટાક્ષ કરતાં કહ્યું, "હવે એ પણ જણાવી દો, કે તમે મારી એવી જાસુસી શાં માટે કરાવી? હવે કોની બલિ ચઢાવવા માંગો છો?"
"આ તું કેવી વાત કરે છે?" મુના બાપુએ ભાવુક થઈને કહ્યું.
"જે સત્ય છે, એ જ કહું છું." અનોખીએ કડક શબ્દોમાં કહ્યું, "મારે હાલ બીજી કોઈ વાત નથી કરવી. મને બસ એટલું જણાવી દો, કે તમે મારી જાસુસી કરવાં તમારાં આદમીને અમદાવાદ શાં માટે મોકલ્યો હતો? આટલાં વર્ષોમાં એવી કોઈ જરૂર નાં પડી, તો હવે કેમ પડી?"
"જરૂર પડી, એવું સમજી લે કે હવેથી તારી મનમાની ખતમ." મુના બાપુએ થોડાં ઉંચા અવાજે કહ્યું, "તું પેલાં નિખિલ શાહ સાથે કોઈ સંબંધ નહીં રાખે. નાં દોસ્તી, નાં પ્રેમ કે નાં દુશ્મની!"
મુના બાપુની વાત સાંભળીને અનોખી જોરજોરથી હસવા લાગી. એનું એ રીતે હસવું મુના બાપુની સમજમાં નાં આવ્યું. એમને અસમજની સ્થિતિમાં જોઈને અનોખીએ એનાં પિતાની આંખોમાં આંખો પરોવીને કહ્યું, "આજે પહેલીવાર તમારી આંખોમાં ડર જોઈ રહી છું." એ અચાનક બે કદમ પાછળ હટી, "માફ કરજો, મેં તમારી સાથે મજાક કરી હતી. મારી અને નિખિલ વચ્ચે એવું કંઈ નથી, જેવું તમે વિચારી રહ્યાં છો. અમે બસ એક ક્લાસમાં સ્ટડી કરીએ છીએ. બસ એટલે એકબીજા સાથે બોલવાનું થતું રહે. પણ, તમનેય પોલિસથી ડર તો ખરો! એ તો આજે જોઈ લીધું."
"એનાં બાપનો મને કોઈ ડર નથી." મુના બાપુએ સહેજ ઉંચા અવાજે કહ્યું, "મને બસ તારી ચિંતા છે. મારાં કામ સારાં નથી. મારી સાથે બદલો લેવા એ જગદીશ શાહ તારો ફાયદો ઉઠાવે, તને કોઈ નુકસાન પહોંચાડે એ મને મંજૂર નથી."
"તો તમે એ પણ માનો છો, કે તમે જે કામ કરો છો. એ સારાં કામ નથી." અનોખીએ ફરી મુના બાપુની આંખોમાં જોઈને પૂછયું.
"હાં, માનું છું. પણ, છોડીશ નહીં." મુના બાપુએ સહજતાથી કહી દીધું.
"ઠીક છે, તો હું પણ અહીં રહીશ નહીં." અનોખીએ કહ્યું, "આ વખતે અહીં આવવું મારી મજબૂરી હતી. તમારો આદમી અમદાવાદમાં મારો પીછો કરે, અને કોઈને તમે મારાં પિતા છો એ ખબર પડે, અને મારાં મિત્રો મારાથી દૂર થઈ જાય. એવું હું ન હતી ઈચ્છતી. એટલે મને આ મેટર અહીં આવીને જ ખતમ કરવી ઠીક લાગી."
"મતલબ તું એક રાત પણ અહીં નહીં રહે?" અચાનક જ મુના બાપુએ પૂછ્યું. એમનાં અવાજમાં એક ભીનાશ વર્તાઈ રહી હતી.
"એક મિનિટ પણ નહીં." કહીને અનોખી દરવાજો ચીરીને ઘરની બહાર નીકળી ગઈ. મુના બાપુ માત્ર એને જતી જોઈ રહ્યાં.
અનોખીએ એનાં ઘરથી થોડે દૂર આવીને ઓટો ઉભી રખાવી, અને એમાં બેસી ગઈ. હાલ સાંજનાં છ વાગી રહ્યાં હતાં. અનોખીની આઠ અને પંદર મિનિટની ફરી અમદાવાદ જવાની ફ્લાઈટ હતી. જે શિવે ખુદ જ બુક કરાવી હતી. અનોખીએ ઓટોમા બેસીને શિવને મેસેજ મોકલ્યો, "તમે કહ્યું હતું, એમ જ મેં બાપુને કહી દીધું છે, કે મારી અને નિખિલ વચ્ચે કંઈ નથી."
મેસેજ મોકલીને અનોખી પોતાનાં મોબાઈલની ગેલેરીમાથી નિખિલનો ફોટો કાઢીને જોવાં લાગી. હાં, આ બધો શિવનો જ પ્લાન હતો, કે અનોખી મુના બાપુ સામે ખોટું બોલશે. પણ, એનાં એક જુઠ્ઠાણાંથી શિવ ફરી હતો ત્યાં ને ત્યાં જ આવી ગયો હતો. એણે જ્યાંથી ખોટું બોલવાની શરૂઆત કરી હતી. બધું ફરી ત્યાં જ આવી ગયું હતું.
ઓટો થોડે આગળ જતાં જ ટ્રાફીકનાં કારણે રોકાઈ ગઈ. અનોખીએ પોતાનો મોબાઇલ બંધ કરીને પર્સમાં મૂક્યો, અને બહાર જોવાં લાગી. એની આંખો અચાનક જ ભરાઈ આવી. જે આંસુ સ્વરૂપે વહેવા લાગી. આજે ફરી વર્ષો પહેલાંની એ જ પરિસ્થિતિ અનોખીની સામે ઉભી હતી. વર્ષો પહેલાં પણ એ આ શહેર અને એનાં પપ્પાને છોડીને જવાં માંગતી ન હતી, અને આજે પણ એની એવી જ ઈચ્છા હતી, કે કોઈ આવીને એને રોકી લે. પણ, આજેય એવું કંઈ નાં થયું. ટ્રાફિક ક્લિયર થતાં ખાસ્સો એવો સમય લાગી ગયો. અનોખી એરપોર્ટ પહોંચી ત્યાં સુધીમાં સાડા સાત વાગી ગયાં હતાં.
એણે અંદર આવીને બધી ફોર્માલિટી પૂરી કરી, અને થોડીવાર વેઈટિંગ એરિયામાં બેઠી. ત્યાં જ એની ફ્લાઈટની અનાઉન્સમેન્ટ થઈ. એણે પોતાનું પર્સ હાથમાં લીધું, અને પ્લેનમાં બેઠી. થોડીવારમાં પ્લેને અમદાવાદ તરફ ઉડાન ભરી લીધી. આજે વર્ષો પછી ફરી એકવાર અનોખીને એનું અસ્તિત્વ પાછળ છૂટ્યાનો અનુભવ થયો. એનું અસ્તિત્વ એનાં પપ્પા હતાં. જેમને એ ક્યારેય છોડીને જવાં ઈચ્છતી ન હતી. પણ, એમને સીધાં રસ્તે લાવવાં માટે અનોખી પાસે બીજો કોઈ ઉપાય ન હતો.
અનોખી આજે પણ એવી ઉમ્મીદ સાથે અમદાવાદ જઈ રહી હતી, કે ક્યારેક એનાં પપ્પા આવીને એને એમ કહેશે, કે એમણે બધાં ખરાબ કામ છોડી દીધાં છે. બસ આ એક ઉમ્મીદ જ હતી. જે અનોખીને પોતાનાં પપ્પાથી દૂર જવાની હિંમત પૂરી પાડતી હતી. છતાંય આજે એ હિંમત હારી રહી હતી. પ્લેન જેમજેમ ઉડાન ભરી રહ્યું હતું. એટલી જ ઝડપી અનોખીની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED