Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 44

" કૉલેજ કેમ્પસ "ભાગ-44

પરીએ પોતાની નાનીમાના બંને હાથ પ્રેમથી પકડ્યા અને ઘડીક નાનીમા સામે તો ઘડીક દિવાલ ઉપર લટકાવેલી પોતાની માંની તસવીર સામે તે જોતી રહી અને અખૂટ આતુરતાથી શાંત ચિત્તે પોતાની માંની જીવન કહાની સાંભળવા બેસી ગઈ.

નાનીમાની નજર સમક્ષ ભૂતકાળનો એ ચિતાર આવી ગયો, પોતાની યુવાની અને કોલેજ કાળની માધુરી જે આમજ પરીની જેમ જ તેમને વળગી પડતી હતી અને પોતે કંઈ ચિડાવે તો બોલી પડતી હતી કે, ના ના માં એવું કંઈ નથી શું તું પણ...!!અને પછી માં દીકરી બંને ખડખડાટ હસી પડતા હતા. નાનીમાની નજર સમક્ષ એ દ્રશ્ય આવી ગયું અને પોતાની માધુરીને હસતી જોઈને જાણે અત્યારે જ આ પ્રસંગ બન્યો હોય તેમ તેમના ચહેરા ઉપર હાસ્ય છવાઈ ગયું.

પરંતુ નટખટ પરીએ નાનીમાનું ધ્યાન દોર્યું અને તે બોલી કે, " નાનીમા તમારે મને મારી માંની વાત કરવાની છે. અને નાનીમાએ પરીની સામે જોયું અને તે બોલવા લાગ્યા કે, " સાંભળ બેટા, તારી મમ્મી માધુરી અમારું એકજ સંતાન હતી જે અમને અમારા જીવથી પણ વધુ વ્હાલી હતી. તે ભણવામાં ખૂબજ હોંશિયાર હતી પરંતુ એ વખતનો સમય એવો હતો કે, આપણાં સમાજમાં દીકરીઓને બહુ ભણાવતાં ન હતા પણ તારા નાનાજીને માધુરીને વધુ ભણાવવાની ખૂબ ઈચ્છા હતી તેથી તેમણે માધુરીને એન્જિનિયર બનાવી. એન્જિનિયરિંગ કોલેજમાં તારી મમ્મીની મુલાકાત તારા પપ્પા સાથે થઈ બંને એકબીજાને ખૂબ પસંદ કરવા લાગ્યા અને બંનેએ એકબીજાની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું.

માધુરી રૂપાળી હતી એટલે તે કોલેજમાં ભણતી હતી ત્યારથી જ તેને માટે ઘણાં સારા સારા ઘરના છોકરાઓના માંગા આવવા લાગ્યા.
માધુરીનું ભણવાનું પૂરું થયું અને તરત જ તારા નાનાજીએ તેના માટે એક છોકરો શોધીને જ રાખ્યો હતો. ડૉક્ટર થયેલો ખૂબજ સુખી સંપન્ન ઘરનો અને એકનો એક છોકરો હતો તેનું નામ હતું ડૉ.ઋત્વિક જે તારી મમ્મીને બતાવવામાં પણ નહતો આવ્યો અને સીધા તેની સાથે તારી મમ્મીના એનગેજમેન્ટ નક્કી કરી દેવામાં આવ્યા. આ વાતની જાણ તારા પપ્પા શિવાંગને થતાં જ તે તારા નાનાજીને મળવા માટે આવ્યા અને તેમની પાસે તારી મમ્મીનો હાથ માંગ્યો તારા નાનાજી બીજી જ્ઞાતિમાં પોતાની દીકરી પરણાવવા નહતાં માંગતા આ બાબતમાં તે ખૂબજ સ્ટ્રીક્ટ હતાં શિવાંગે તેમની આગળ પોતાના ઘૂંટણીયા ટેકવી દીધા અને માધુરીનો હાથ માંગવા માટે ભીખ માંગતો રહ્યો પરંતુ તારા નાનાજી એક ના બે ન થયા તે ન જ થયા. મને યાદ છે માધુરી એ દિવસે ખૂબ રડી હતી ખૂબજ રડી હતી અને મને કહેતી રહી કે પપ્પાને સમજાવને માં પણ તારા નાનાજી ખૂબજ ગરમ સ્વભાવના હતા તેમની આગળ મારાથી કંઈજ બોલી શકાય તેમ ન હતું અને પછી તારા નાનાજીએ માધુરીનું કોલેજના બધાજ ફ્રેન્ડ્સને મળવાનું પણ બંધ કરાવી દીધું હતું તેથી કોઈની સાથે કોઈ કોન્ટેક્ટ જ રહ્યો નહીં અને તેના એન્ગેજમેન્ટ કરીને તરતજ લગ્ન કરાવી દેવામાં આવ્યા આ બધું એટલું બધું જલ્દીથી થઈ ગયું કે કંઈ બીજું વિચારવાનો સમય જ ન મળ્યો.
ડૉ.ઋત્વિક સ્વભાવે શાંત અને સરળ હતા તેથી મને થયું કે તારી મમ્મી હવે શિવાંગને ભૂલી શકશે અને તેના ઘરસંસારમાં વ્યસ્ત થઈ જશે અને થયું પણ એવું જ તારી મમ્મી ઋત્વિક સાથે પોતાની ઘરસંસારમાં બરાબર સેટ થઈ ગઈ હતી લગ્નના પહેલા જ વર્ષે તે પ્રેગ્નન્ટ હતી, તું તેના પેટમાં હતી અને અચાનક એક દિવસ ન બનવાનું બની ગયું. રાતનો સમય હતો ડૉ.ઋત્વિક એક જગ્યાએથી વિઝિટ કરીને પાછા વળી રહ્યા હતા અને રસ્તામાં તેમને એક ટ્રકે અડફેટમાં લઈ લીધા તેમનું ત્યાં ને ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું આ સમાચારની તારી મમ્મીના નાજુક દિલોદિમાગ ઉપર ખૂબજ ગહેરી અસર પડી અને તે કોમામાં ચાલી ગઈ. તે દિવસથી મારી લાડકી માધુરી ખોવાઈ ગઈ છે બેટા અને નાનીમા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.

પરી તેમને પંપાળતી રહી અને કહેતી રહી કે, હું છું ને નાનીમા હું તારી માધુરી જ છું ને જો હું તેના જેવી જ લાગું છું ને નાનીમા કદાચ એટલે જ ભગવાને મને તેના જેવી જ બનાવી હશે અને પરીની આંખમાં પણ આંસુ આવી ગયાં... નાનીમા, મારી માં અત્યારે કઈ હોસ્પિટલમાં છે મારે મારી માંને મળવું છે મારે તેને જોવી છે તું લઈ જઈશ મને તેની પાસે..??

નાનીમાનો અવાજ રુંધાઈ ગયો હતો તેમણે ફક્ત હકારમાં જ માથું ધુણાવ્યું અને પરી નાનીમા માટે પાણી લેવા કીચનમાં ગઈ....
વધુ આવતા અંકમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
11 /10/22