અપેક્ષા બોલી રહી હતી અને મિથિલ સાંભળી રહ્યો હતો કે, "ઈશાન ખૂબજ સારો માણસ છે હું તેના વખાણ જેટલા કરું તેટલા ઓછા છે મારી વાચા જતી રહી હતી પરંતુ તેને કારણે જ હું બોલતી થઈ અને પછી અમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા. તે મને ખૂબજ લવ કરે છે..અને હું પણ તેની સાથે ખૂબ ખુશ છું. હવે તારો અને મારો રસ્તો અલગ છે માટે તું મને ભૂલી જા અને કોઈ સારી છોકરી સાથે લગ્ન કરીને સારી જિંદગી જીવી લે...તેજ તારા માટે યોગ્ય છે અને આજે હું તને પહેલી અને છેલ્લી વખત મળવા માટે આવી છું. આજ પછી ક્યારેય મને મળવાની કે ફોન કરવાની કદી કોશિશ ન કરતો, નહીં તો પછીથી મારે લીગલ પ્રોસેસ કરવી પડશે....
મિથિલ: પણ અપેક્ષા...અપુ... મારી વાત તો સાંભળ....
પણ અપેક્ષા આજે મિથિલની વાત સાંભળવા માટે તૈયાર નહોતી... અને મિથિલ અપેક્ષાને બોલાવતો રહ્યો પરંતુ અપેક્ષાએ તે જગ્યા છોડી દીધી અને સાથે સાથે મિથિલના નામ ઉપર પણ હંમેશ માટે ફૂલસ્ટોપ મૂકી દીધું અને પોતાના ઘર તરફ રવાના થઈ ગઈ.
ઘરે આવીને જેવી બેઠી તેવી જ તેની મોમ લક્ષ્મીએ તેને ફરિયાદ કરી કે, "કહ્યા વગર ક્યાં ગઈ હતી બેટા અને તને કેટલા બધા ફોન કર્યા તો ફોન પણ નહોતી ઉપાડતી મને તો ખૂબજ ચિંતા થવા લાગી હતી."
અપેક્ષા: અરે મારો ફોન સાઈલેન્ટ મોડ ઉપર હતો અને નિધિની સાથે થોડા કામથી બહાર ગઈ હતી એમાં શું ચિંતા કરવાની મોમ?"
લક્ષ્મી: અરે તું આટલા બધા સમય પછી અહીં ઈન્ડિયા આવી છે અને આ રીતે કહ્યા વગર ચાલી જાય તો ચિંતા તો થાય ને.."
અપેક્ષા: સોરી મોમ.. કહ્યું અને પોતાની મોમને વળગી પડી જાણે મિથિલ સાથેના પોતાના ભૂતકાળને, જૂની બધીજ વાતોને ભૂલીને પોતાને પોતાના ભૂતકાળથી લાગેલો થાક ઉતારવા માંગતી હોય તેમ અને લક્ષ્મીએ પણ પોતાના ગળામાં વિંટાળેલા તેના હાથ ઉપર પોતાના હાથ મૂક્યા અને એટલામાં તો અપેક્ષાના ગરમ ગરમ આંસુ લક્ષ્મીના હાથ ઉપર પડ્યા અને તે બોલવા લાગી કે, "કેમ રડે છે બેટા? જમાઈ સાથે કંઈ ઝઘડો તો નથી થયો ને અને તે તને કંઈ હેરાન બેરાન તો નથી કરતાં ને?
અપેક્ષા: ના ના મોમ ઈશાન તો ખૂબજ સારો છોકરો છે હું ખૂબ નસીબદાર છું કે મને ઈશાન જેવો સમજદાર પતિ મળ્યો છે અને એટલે જ તો મને ડર લાગે છે કે, "મારું આ સુખ છીનવાઈ તો નહીં જાય ને??"
લક્ષ્મી: ના બેટા, એવું સ્વપ્નમાં પણ નહીં વિચારવાનું, આપણી સાથે જે ખરાબ થવાનું હતું તે થઈ ગયું બસ હવે બહુ થયું તે સમય વીતી ગયો હવે આપણો સારો સમય શરૂ થઈ ગયો છે હવે આપણી સાથે બધું સારું જ થશે અને જેવું વિચારીએ તેવું જ થાય માટે નેગેટિવ બિલકુલ વિચારવાનું જ નહીં હંમેશા પોઝિટિવ જ વિચારવાનું...
અને માં અને દીકરી બંને રડી પડ્યા... લક્ષ્મીએ અપેક્ષાના હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો અને પ્રેમથી અપેક્ષાનો રડીને લાલ ઘૂમ થયેલો ચહેરો લૂછવા લાગી. લક્ષ્મીએ તેને મોં ધોઈને ફ્રેશ થવા કહ્યું અને પછી બંને માં દીકરી સૂઈ ગયા.
અપેક્ષા પથારીમાં તો પડી હતી પરંતુ આજે તેને કંઈ ચેન પડતું નહોતું તેણે ઈશાનને ફોન લગાવ્યો ઈશાન ઘસઘસાટ ઉંઘમાં હતો પરંતુ અપેક્ષાનો ફોન હતો એટલે તેણે ઉપાડ્યો બંને વચ્ચે પ્રેમભરી મીઠી મીઠી વાતો ચાલી.. અપેક્ષા થોડી ડિસ્ટર્બ હોય તેમ ઈશાનને લાગ્યું એટલે તેણે અપેક્ષાને પૂછ્યું પણ ખરું પરંતુ અપેક્ષાએ તેને કહ્યું કે, "હું તને ખૂબ મીસ કરું છું તારા વગર મને જરાપણ ગમતું નથી બસ હવે તું જલ્દીથી અહીંયા આવી જા.."
સામે ઈશાન પણ તેને કહી રહ્યો હતો કે, "મને પણ તારા વગર બિલકુલ ગમતું નથી, આપણે લગ્ન અહીંયા યુએસએમાં જ કરી લેવાના હતા એટલે આપણે બંનેએ આમ દૂર દૂર રહેવું ન પડત"
અપેક્ષાએ પણ તેમાં ટાપસી પુરાવી અને તે મનમાં ને મનમાં વિચારવા લાગી કે, કાશ.. તેવું થયું હોત તો ઘણું સારું હતું તો મારે અહીં ઈન્ડિયા આવવું ન પડ્યું હોત અને મિથિલને મળવું ન પડ્યું હોત..
અને અપેક્ષાએ ઈશાનની વાતનો કંઈ જવાબ ન આપ્યો એટલે ઈશાને ફરીથી તેને પૂછ્યું કે, "તું ક્યાં ખોવાયેલી છે કંઈ જવાબ નથી આપતી!!"
અપેક્ષા વાતને વાળી લેતાં બોલી કે, "ના ના એવું કંઈ નથી આ તો હું આપણાં લગ્નનું દ્રશ્ય કેવું હશે તે ઇમેજીન કરી રહી હતી."
ઈશાન પણ પોતાના અપેક્ષા સાથેના લગ્નની વાત સાંભળીને એકદમ રોમેન્ટિક મૂડમાં આવી ગયો અને અપેક્ષાને કહેવા લાગ્યો કે, "અબ દિલ્લી દૂર નહીં હૈ.. મેં આ રહા હૂં તૂજસે મિલને તો તું તૈયાર રહેના...અને આમ લગ્નની વાત થતાં જ અપેક્ષા પણ પોતાના ભૂતકાળનું દુઃખ જે ગળે વળગાડી બેઠી હતી તે ભૂલીને બિલકુલ લગ્નના મૂડમાં આવી ગઈ અને પોતાના ઈશાન સાથે લગ્ન ચાલી રહ્યા છે તે દ્રશ્યને પોતાની આંખોમાં કેદ કરીને સૂઈ ગઈ...સવાર પડજો વહેલી..
અપેક્ષાએ પોતાની મેમરીમાંથી અને ફોનમાંથી મિથિલને ડિલિટ કરી દીધો હતો પરંતુ મિથિલ હજી અપેક્ષાને છોડવા માટે તૈયાર નહોતો... બીજે દિવસે સવાર સવારમાં ફરીથી કોઈ અનક્નોવ્ન નંબર ઉપરથી ફોન આવ્યો...
શું તે ફોન મિથિલે જ કર્યો હશે કે બીજા કોઈએ કર્યો હશે?? જો ફરીથી મિથિલ જ તેને ફોન કર્યા કરતો હશે તો અપેક્ષા તેને માટે શું નિર્ણય લેશે? ચાલો જોઈએ આપણે આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
1/10/22