A journey of progress books and stories free download online pdf in Gujarati

પ્રગતિનો પ્રવાસ

થોડા મહિનાઓ અગાઉ કેનેડા ગયેલા એક મિત્ર સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે ત્યાં કરિયાણાની દુકાન (સુપર સ્ટોર )માં કામ કરતા વ્યક્તિ કે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વ્યક્તિ માટે પણ iphone નું લેટેસ્ટ મોંઘામાં મોંઘુ મોડલ ખરીદવું એ સાવ સામાન્ય વાત છે. એ મિત્રએ તો ત્યાં સુધી જણાવ્યું કે અહીં કેનેડામાં છ-સાત વર્ષ સામાન્ય નોકરી કરીને પણ પોતાની માલિકીનું ઘર ખરીદી શકાય જેના માટે ભારતમાં કદાચ અડધી જિંદગી નીકળી જાય.

એવામાં હમણાં થોડા દિવસો અગાઉ સમાચાર આવ્યા કે બ્રિટનને પછાડીને ભારત પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું.
ભારતના GDP પર એક નજર કરીએ તો તેમાં ખેતી સહિતના પ્રાથમિક ક્ષેત્રનું યોગદાન 15 થી 17 ટકા, ઔધોગિક ક્ષેત્રનું લગભગ 28 ટકા અને અડધાથી વધારે યોગદાન સર્વિસ સેક્ટરનું છે. તેમાં પણ કમ્પ્યૂટર આધારિત સોફ્ટવેરની વિદેશમાં નિકાસ કરતા IT સેકટરનું વર્ચસ્વ છે.

ઉપરની બાબતો પરથી કોઈ પણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભારત પાંચમા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર તો બની ગયું પણ ભારતમાં રહેતો સામાન્ય મજુર માણસ કેમ કેનેડાની જેમ iPhone નું લેટેસ્ટ મોડલ કે પોતાના સપનાનું ઘર ખરીદી શકતો નથી અથવા ખરીદે તો પણ કેમ અડધી જિંદગી નીકળી જાય છે ? આ પ્રશ્નનો સરળ જવાબ આપી શકાય કે તેની આવક ઓછી હોવાથી ખરીદ શક્તિ પણ ઓછી હશે.ભારતમાં રહેતા વ્યક્તિની માથાદીઠ આવક 6000 USD છે, જ્યારે બ્રિટનમાં આ આંકડો 47,000 USD છે. એટલે કે ભલે ભારત બ્રિટનથી મોટું અર્થતંત્ર હોય પણ, એક ભારતીય કરતા બ્રિટિશવાશીનું જીવનધોરણ ઊંચુ હશે.
દેશની અડધાથી વધારે વસ્તી એવા શ્રમિક વર્ગની છે જેની ખરીદશક્તિ નહીવત છે. તેમાં પણ આપણા દેશની લગભગ 28 ટકા વસ્તી બહુઆયામી ગરીબ છે, એટલે કે તેઓ અન્ન, વસ્ત્ર,આવાસ જેવી આવશ્યક જરૂરિયાત પણ માંડ માંડ પૂરી કરી શકે છે.
આમ દેશની અંદર ખરીદશક્તિ ઓછી હોવાથી 130 કરોડની વસ્તીવાળા દેશમાં ઘરેલું માંગ તેની ક્ષમતા કરતાં ખૂબ જ ઓછી છે. તેથી જ તો આજે આર્થિક વિકાસ માટે આપણી સરકારે નિકાસ પર વધુ ધ્યાન આપવું પડે છે. પાછલા નાણાકીય વર્ષમાં ભારતે રેકોર્ડ 650 બિલિયન USDથી વધુની નિકાસ કરી હતી.

નિકાસનીબાબતે ભારતનો સમગ્ર વિશ્વમાં 18મોં ક્રમ છે તથા માથાદીઠ આવકની બાબતે ભારતનો વિશ્વમાં 122 મો ક્રમ છે.
આના પરથી સમજી શકાય કે લોકોની આવક ઓછી હોવાથી તેઓ ઉદ્યોગ દ્વારા તૈયાર મોંઘા માલસામાનને સરળતાથી ખરીદી શકતા નથી. જેથી આવો માલ તૈયાર કરતા ઉદ્યોગો તેને વિદેશમાં નિકાસ કરીને કમાય છે.
ટૂંકમાં સસ્તી મજૂરી હેઠળ તૈયાર થયેલ માલને ભારતીય ઉદ્યોગો મહત્તમ નિકાસ દ્વારા નફો મેળવી રહ્યા છે સર્વિસ સેક્ટરમાં પણ સસ્તા પગારે કામ કરતાં એન્જિનિયર દ્વારા તૈયાર થયેલ સોફટવેરની વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. આવી કંપનીઓના નફાથી ભારત પાંચમાં નંબરનું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર તો બની ગયું. પરંતુ નાગરિકોના જીવનધોરણમાં જરૂરિયાત મુજબ સુધારો ન આવ્યો.

હવે ભારતના અર્થતંત્રની આવી સ્થિતિ કેમ છે એ પણ સમજીએ...
કોઈ પણ દેશનું અર્થતંત્ર ઘરેલું માંગ આધારિત અથવા તો નિકાસ આધારિત એમ બેમાંથી કોઈ પણ એક પ્રકારનું હોઈ શકે. જર્મની, જાપાન, ઇટાલી, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા વગેરે જેવા નાના અને પ્રમાણમાં ઓછી વસ્તી ધરાવતા દેશનું અર્થતંત્ર મોટાભાગે નિકાસ આધારિત હોય છે અહીંના ઉદ્યોગો વસ્તી ઓછી હોવાથી ઘરેલું માંગ પૂરી થઇ ગયા બાદ ઉત્પાદનોની નિકાસ દ્વારા રાષ્ટ્રીય આવક વધારવામાં ફાળો આપતા હોય છે. બીજી બાજુ ચીન, ભારત, અમેરિકા જેવા પ્રમાણમાં વધુ વસ્તી ધરાવતા દેશનું અર્થતંત્ર ઘરેલું માંગ આધારિત હોય છે.(ભલે ચીન અને અમેરિકા સૌથી વધુ નિકાસ કરતા દેશ હોય પરંતુ તેના અર્થતંત્રમાં નિકાસનો ફાળો અનુક્રમે 10 અને 19 ટકા જ છે.) આ દૃષ્ટિએ જોઈએ તો 130 કરોડની વસ્તી સાથે વિશ્વના સૌથી મોટા બજાર ગણાતા ભારતના અર્થતંત્રમાં લગભગ ત્રીજા ભાગની એટલે કે ૩૩ ટકા આવક નિકાસ દ્વારા પ્રાપ્ત થાય છે.જોકે ઉત્પાદન વધારીને નિકાસને વધુ પ્રોત્સાહન આપવાથી અર્થતંત્રની સાઇઝ વધતી રહે છે પરંતુ દેશના નાગરિકની ખરીદશક્તિ નહિવત્ હોવાથી આર્થિક વૃદ્ધિનો લાભ તેને મળતો નથી.

અત્યાર સુધીની ચર્ચા પછી ભારતીય અર્થતંત્રની સ્થિતિ "ડુંગર દૂરથી રળિયામણા" જેવી લાગે. અર્થતંત્રને આવી સ્થિતિમાંથી ઉગારવા ગરીબી નિવારણ દ્વારા લોકોની ખરીદશક્તિ વધારવી અને ઘરેલુ માંગ સર્જન કરવું એ સરકારની પ્રાથમિક્તા હોવી જોઈએ. પરંતુ આઝાદીથી લઇને આજ સુધી લગભગ દરેક સરકારનો ગરીબો પ્રત્યે ઉપકારવાદી અભિગમ રહ્યો છે. "નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, 2014- NFSA" હેઠળ સસ્તા અનાજનું વિતરણ હોય કે આવાસ યોજના હેઠળ ઘર વગેરે દ્વારા પ્રયાસો તો થઇ રહ્યા છે પરંતુ ગરીબોને સ્વનિર્ભર બનાવવા તરફ ધ્યાન અપાતું નથી.

હાલની પરિસ્થિતિમાં સૌથી વધારે જરૂર દરેક નાગરિકને તેના કાર્યની એક નિશ્ચિત લઘુતમ આવક મળી રહે તે સુનિશ્ચિત કરવાની છે. શરૂઆતમાં ઉદાહરણ આપ્યું તેમ કેનેડામાં સામાન્ય શ્રમિક પણ આઈફોન ખરીદી શકે છે તેનું કારણ ત્યાંની પ્રતિ કલાક 15 ડોલરની લઘુતમ આવક છે. આમ તો ભારતમાં પણ "લઘુતમ આવક અધિનિયમ,1948" છે. પરંતુ હાલના સમયની માંગ મુજબ તે ઘણો જૂનો છે અને તેનો અમલ પણ વ્યવસ્થિત રીતે થતો નથી. માટે હાલની પરિસ્થિતિઓ અને માપદંડો મુજબ આવો જ એક નવો કાનૂન અને તેનું ચુસ્ત અમલીકરણ જ આ પરિસ્થિતિ સુધારી શકે એમ છે.

એક પ્રખ્યાત અંગ્રેજી કહેવત પણ છે કે.....
" If You give a fish to poor man, you feed him for a day. But If, you teach him to fish and you give him an occupation that will feed him for a life time "

આજે દેશના તમામ ક્ષેત્રો વત્તાઓછાં પ્રમણમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમકે APMCsનું સમગ્ર દેશમાં અસમાન વિતરણ અને વેપારીઓના કાર્ટલાઈઝેશનના લીધે ખેડૂતોને પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા, ઔદ્યોગિક મજૂરો અપર્યાપ્ત આવકથી પરેશાન છે તથા વ્હાઈટ કોલર જોબ વાળો વર્ગ પણ કામના બદલામાં યોગ્ય વેતન ન મળવાની વાતો કરે છે.
આમ, દેશનો એક મોટો વર્ગ મહિને વ્યક્તિ દીઠ 20,000થી પણ ઓછી આવકમાં ગુજરાન ચલાવે છે. પણ સાવ એવું પણ નથી કે આ સ્થિતિ બદલી જ ન શકે. UNFPA ના તાજેતરના સર્વે એટલે કે' Global Population Prospect ' મુજબ 15 - 64 વર્ષ સુધી ઉંમર ધરાવતા કાર્યબળનું સૌથી વધુ પ્રમાણ ભારતમાં છે, એટલે કે 15 વર્ષ સુધીના બાળકો અને 64 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો જેને મોટા ભાગે આર્થિક રીતે નિર્ભર માનવામાં આવે છે તેનું પ્રમાણ ભારતમાં ઓછું છે. એટલે આમ જોવા જઈએ તો ભારત યુવાઓનો દેશ છે. પરંતુ હમેશાં આવી પરિસ્થિતિ નથી રહેવાની, એકંદરે વસ્તી વધારો 2064 સુધી શરૂ રહેશે પણ 15 - 64 વર્ષની ઉંમર ધરાવતું કાર્યબળ એટલે કે વસ્તી વિષયક લભાંશ(Demographic Dividand) 2041 સુધી ટોચ પર પહોંચશે અને ત્યાર બાદ ધીમે ધીમે ઘટવાનું શરૂ થશે અને આર્થિક રીતે નિર્ભર વર્ગનું પ્રમાણ વધશે. જેથી સમજી શકાય કે કોઈ પણ સુધારાત્મક અને પ્રગતિશીલ પગલાં લેવાનો આજે ને અત્યારે જ યોગ્ય સમય છે, જે હાથમાંથી જતો રહે તેની પેલાં યુવાધનની ક્ષમતાનો યોગ્ય દિશામાં અને સંતોષકારક રીતે ઉપયોગ થાય તે સુનિશ્ચત થવું જોઈએ. કામ કરતા દરેક વર્ગને તેની મહેનતનું યોગ્ય વળતર મળે તે ખૂબ જ જરૂરી છે.આમ, તમામ ક્ષેત્રોમાં લઘુતમ આવક સંબંધી સુધારાઓથી એક નિશ્ચિત આવક દ્વારા પરિવારની બચત વધશે જેથી તે વધુમાં વધુ વસ્તુઓ ખરીદી શકવા સક્ષમ બનશે. આવી સ્થિતિમાં માંગનું સર્જન દેશમાં ને દેશમાં થવાથી ભારતના ઉદ્યોગો નિકાસ પર ઓછા આધારિત રહેશે. જેનો એક ફાયદો એ પણ છે કે ઘરેલું માંગ આધારિત અર્થતંત્રને મહામારી કે રશિયા - યુક્રેન યુધ્ધ વગેરેને લીધે આવતી વૈશ્વિક મંદીની પણ ઓછી અસર થશે.
અંતે અર્થતંત્રની માત્રા સાઈઝ જ નહિ વધતી રહે પરંતુ તેનો લાભ પણ દેશના છેવાડાના નાગરિક સુધી પહોંચશે તથા ઉદ્યોગપતિઓની સાથે સામાન્ય નાગરિકના જીવનધોરણમાં પણ સુધારો આવશે....!
અને બંધારણ મુજબ આજ તો લક્ષ્ય છે સરકારનું !!!


-SK's ink (સચિન)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED