પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૮
રચના પાવર બેંકના લાભો બતાવી રહી હતી એ સાંભળીને આરવ પણ નવાઇમાં ડૂબી ગયો હતો. લખમલભાઇ પણ મૌન બેઠા હતા. રચનાને પોતાના વિચારની તરફેણમાં વાત કરતાં જોઇ કિરણ ઉત્સાહથી બોલી ઊઠ્યો:'હા, આવા અનેક ફાયદા છે. આપણા માટે આમ આ નવું ક્ષેત્ર છે પણ આપણા મોબાઇલ હોવાથી એના વેચાણનું કામ સરળ છે. આપણા ધંધાનો ઓછા રોકાણથી વિસ્તાર થઇ શકે એમ છે. હું બરાબર કહું છું ને રચના?'
રચનાને થયું કે હજુ તેનું બોલવાનું પૂરું થયું નથી અને તેની પાસેથી સમર્થન માગી રહ્યા છે. તે પોતાના સ્વરને વધુ મૃદુ કરતાં બોલી:'કિરણભાઇ, તમારી વાત સાચી છે. હું મારો સંપૂર્ણ વિચાર વ્યક્ત કરું એ પછી તમે જ નિર્ણય જાહેર કરજો...'
કિરણને થયું કે રચના હજુ વધારે લાભ બતાવવા માગે છે. તે બોલ્યો:'તારી વાત પૂરી કરી દે...'
રચનાએ આરવ અને લખમલભાઇ તરફ નજર કરીને જાણે આજ્ઞા લેતી હોય એમ જોયા પછી આગળ બોલવાનું શરૂ કર્યું:'મેં કહ્યું એમ પાવર બેંકના ધંધામાં થોડા ફાયદા છે પણ એની સામેના ગેરફાયદાને ધ્યાનમાં લેવાની જરૂર છે...'
રચનાની આ વાત કિરણને થપ્પડ જેવી લાગી. તેને થયું કે રચનાએ કાચિંડાની જેમ રંગ બદલ્યો છે કે પોતે ઉત્સાહમાં એને પોતાની હિતેચ્છુ સમજવાની ભૂલ કરી છે?
રચના કિરણના ચહેરા પરના પ્રતિભાવ જોવા જ અટકી હોય એમ બદલાતા રંગ જોઇને આગળ બોલી:'પહેલી મહત્વની વાત એ છે કે આપણે જે નવો મોબાઇલ લોન્ચ કરવા જઇ રહ્યા છે એમાં વધુ સમય ચાલે એવી ૫૦૦૦ એમએએચની બેટરી આપવાના છે. અને એનો જાહેરાતમાં ઉલ્લેખ કરી રહ્યા છે. જો બેટરી વધુ ક્ષમતાની હોય તો પાવર બેંક બનાવવાની જરૂર જ નથી. અને અત્યારે પાવર બેંકનું માર્કેટ ડાઉન છે. છેલ્લા રીપોર્ટ મુજબ પાવર બેંકનું લાંબું ભવિષ્ય નથી. આજકાલ કોઇપણ જગ્યાએ મોબાઇલ ચાર્જિંગની સુવિધા આપવામાં આવી રહી છે. રેલ્વે વિભાગે ટ્રેનોમાં જ નહીં દરેક સ્ટેશન પર ચાર્જિંગ પોઇન્ટ મૂક્યા છે. કેટલીક મોટી હોસ્પિટલો અને ખાનગી કંપનીઓમાં માત્ર ચાર્જિંગની જ નહીં મોબાઇલ ચાર્જરની સુધ્ધાં સુવિધા ઊભી કરવામાં આવી છે. અને પાવરબેંક સાથે લઇને ફરવાનું સુવિધાજનક રહેતું નથી. પહેલાં એ સ્ટેટસ ગણાતું હતું. હવે જો પાવર બેંકની સાથે મોબાઇલ લઇને ફરીએ તો એવું માનવામાં આવે છે કે એનો મોબાઇલ ખરાબ થયો હશે અને બેટરી જલદી ઉતરી જતી હશે...'
રચના આગળ હજુ ઘણું કહેવા માગતી હતી. પણ હિરેન વચ્ચે જ બોલ્યો:'રચના, હવે વધારે ગેરફાયદા જાણવા નથી. આપણે પહેલાં નવો મોબાઇલ લોન્ચ કરવા પર ધ્યાન આપીએ. પછીથી એના વિશે શાંતિથી વિચારીશું.'
કિરણને ખ્યાલ આવી ગયો કે હિરેન હાર સ્વીકારી રહ્યો છે. પણ આમ કરીને એણે પોતાની ફજેતી થતી બચાવી લીધી છે. કેમકે લખમલભાઇ કે આરવ કોઇ પ્રતિસાદ આપી રહ્યા ન હતા. એમના મૌનમાં જ એમનો નકાર હતો.
રચનાના વિચાર પછી હિરેનના પાવર બેંકની યોજના હાલ સંકેલી લેવાની વાતથી લખમલભાઇને જાણે નિરાંત થઇ હોય એમ બોલ્યા:'હિરેનની વાત વ્યાજબી છે.'
હિરેનને ખ્યાલ આવી ગયો કે રચનાના મંતવ્યને કારણે નહીં પણ પોતાના વિચારને કારણે યોજના મુલતવી રાખી છે એવો અર્થ કાઢી એને શરમમાં મુકાતો બચાવી લીધો છે. પણ કિરણને એ વાતનો ઝાટકો લાગ્યો કે રચનાએ પરિવારમાં આવતા પહેલાં જ પોતાની યોજનામાં ફાચર મારવાની શરૂઆત કરી દીધી છે.
આરવ પાવર બેંકના મુદ્દે બેઠક પૂરી થઇ હોવાના સંકેત આપતાં બોલ્યો:'પપ્પા, લગ્નની અને મોબાઇલને લોન્ચ કરવાની તમામ તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે. આવતા અઠવાડિયે બંને સંયુક્ત કાર્યક્રમ સફળ રહે એવા આપ સૌ આશીર્વાદ અને શુભેચ્છા આપો!'
આરવને ચરણસ્પર્શ કરતાં અટકાવી લખમલભાઇ ખુશ થઇ બોલ્યા:'ખુશ રહો, ફતેહ કરો...' આરવની પાછળ રચનાએ પણ ઝુકીને એમને ચરણસ્પર્શ કર્યા ત્યારે એમના પગ જોઇને માએ કહેલી એ વાત યાદ આવી ગઇ જ્યારે એમણે એના પરિવારને લાત મારીને બરબાદ કર્યો હતો. એનું મગજ તપી ગયું. એણે મગજને શાંત રાખી ઊભા થતાં મનોમન કહ્યું:'પપ્પા, હું તો ફતેહ જ કરીશ. તમે હાર માટે તૈયારી રાખજો...'
ક્રમશ: