સ્ટ્રીટ નંબર- 69
પ્રકરણ -23
સાવી પ્રેમની વાતોમાંથી અચાનક સોહમનાં શબ્દોનો અર્થ કાઢતી પોતાની આપવીતી કહેવા લાગી હતી એને એનાં દીલનો ઉભરો ખાલી કરવો હતો. સોહમ એને શાંતિથી સાંભળી રહેલો... સોહમને એવો પણ ખ્યાલ આવી રહેલો કે સાવી અઘોર વિદ્યા તરફ કેમ વળી હશે ? એ સાંભળવામાં તલ્લીન બની ગયો હતો.
સાવીએ કહ્યું “સોહુ એ દારૂ પીને આવ્યાં અમને આજે પાપા કંઈક જુદાજ લાગી રહેલાં...એમનો ચેહરો બદલાઈ ગયો હતો ખુબ દારૂ પીધો હોય એવું લાગ્યું એ દિવસે હું મારી બહેનો અને માં ઘરમાંજ બેસી રહેલાં...માં ક્યારની કાગડોળે પાપાની રાહ જોઈ રહેલી... મોડી રાત્રી થઇ ચુકી હતી અને પાપાએ દેખા દીઘી મને લાગ્યું પાપા નથી કોઈ દૈત્ય સામે ઉભો છે એવાં એમનાં દીદાર અને ગુસ્સાવાળો ચહેરો...એમણે હાથમાં રાખેલી બોટલ બતાવતાં કહ્યું જુઓ જુઓ ઊંચી જાતનો દારૂ આજે ઊંચી ઓલાદનાં માણસ પાસે છે...પછી ગંદી રીતે હસ્યાં...એ જે રીતે હસેલાં માં ને ફાળ પડી હતી...”
માં એ કહ્યું “આમ બહાર ઉભા ઉભા તમાશા ના કરો ઘરમાં આવો...અને આ ક્યાંથી લાવ્યાં? કોણે આપ્યો? આજે શું વેચીને દારૂ લીધો ?” એમ કહી રડવા લાગી...અમે ત્રણે બહેનો ડરી ગઈ હતી નાની તો ખુબ રડી રહી હતી મેં એને મારાં ખોળામાં ખેંચી લીધી હતી...
પાપાએ માં ને કહ્યું “આ ઘર છે ? આ તો કેદીની કોઠડી છે હું કેદી છું તમે મારાં ચોકીદાર છો...” એમ કહી મોટીની સામે વિચિત્ર રીતે જોયું અને બોલ્યાં “અન્વી બેટા તારી નોકરીની મેં વાત નક્કી કરી દીધી છે...તું તૈયાર થઇ જા હું તને શેઠને મળવા લઇ જવા આવ્યો છું ચાલ બેટા...ઉતાવળ કર...”
માં એ કહ્યું “આટલી રાત્રે કંઈ નોકરી માટે મળવા જવું છે ? તમારાંમાં કંઈ અક્કલ છે કે બધું એય વેચી બેઠાં છો ? અત્યારે કયો શેઠ નોકરી આપવાનો છે ?”
“મારી દીકરી અત્યારે ક્યાંય નહીં જાય...બાપ છો કે રાક્ષસ ? મારી છાતીએ વળગાવી રાખી છે મેં ત્રણેય ને...ખબરદાર મારી દીકરીઓ માટે કંઈ ખોટું વિચાર્યું છે તો આ દારૂએ તમારી લાગણીઓ, તમારી સભ્યતા, તમારાં સઁસ્કાર બધું ધોઈ નાખ્યું છે તમારી જવાબદારીઓ શું છે ? ફરજો શું છે ? એનું ભાન છે ? આવવું હોય તો ઘરમાં આવો નહીંતર દરવાજો બંધ કરું છું...”
“પાપાને ખબર નહીં એ દિવસે શું થયેલું ? અમે બધાંજ ડરી ગયેલાં. પાપા ઘરમાં ના આવ્યા...અમે દરવાજો બંધ કરીને સુઈ ગયાં...માં આખી રાત સૂતી નથી મેં એને જાગતી જોઈ છે. મોટી અને નાની બંન્ને રડતાં રડતાં સુઈ ગયેલાં...એજ રાત્રે મેં નિર્ણય કરેલો કે હું કંઈક કરીશ...જેમાં આબરૂ જળવાઈ રહે...સંસ્કાર લોપન ના થાય અને છતાં બધે સફળતા મેળવું ત્યારે કોઈ વિદ્યા શીખી લઉં એવાં વિચાર આખી રાત્રીએ આવેલાં...માં ને આખી રાત રડતી અને સિસકતી જોઈ હતી... અડધી રાત્રે મુશળધાર વરસાદ આવોજ ચાલુ થયેલો...પાપા બહાર પલળી જશે તો માંદા પડશે એવું વિચારી દરવાજો ખોલેલો માં એ પણ એ ક્યાંય દેખાયાં નહીં ફરી દરવાજો બંધ કરી સુઈ ગયાં...”
સોહમે કહ્યું “ઓહ નો...પછી પાપાનું સવારે શું થયું ? તને વિદ્યા શીખવાનો વિચાર એજ દિવસે આવેલો ? પણ પછી શું થયું ?” સોહમને ખુબ રસ પડેલો...
સાવીએ કહ્યું “સવારે પાપા નરમ ઘેંશ જેવાં જાતે ઘરે આવી ગયેલાં. માં ની અમારી માફી માંગી પણ અમારી આંખોમાં એમનામાટે એમનાંથી ખુબ ડર હતો એમને એ અનુભવ્યું અને કહ્યું હવે કદી દારૂ નહીં પીએ. ખબર નહીં એમને એ દિવસે આટલો પસ્તાવો કેમ થયો ?”
“માં એ પૂછેલું કે મોટી માટે નીકરીની શી વાતો કરતાં હતાં ? પાપાએ એવો જવાબ આપ્યો...પાપા બોલ્યાં કમલા...હું કાદવમાં ફસાયેલો...તું કમળ છે મારું હું કોઈ અઘોર પાપ કરવા જઈ રહેલો અને મને મારી કાળીમાં એ અટકાવ્યો બચાવ્યો. કમલા માં કાળીનાં સોગંદ ખાઈને કહું છું દારૂને કદી હાથ નહીં લગાડું...દીકરીઓ અને તારું સારી રીતે જતન કરીશ હું ખુબ કામ શોધું છું પણ કામ નથી મળતું શું કરું? હતાશામાં દારૂ પીને ...પછી... માં એ કહ્યું અમે બધાં મહેનત કરીશું તમે પ્રયત્નો કરો છો મળશે કામ પણ ખોટાં વિચાર કદી ના કરતાં...કોઈપણ નશો કે ખરાબ આદત બરબાદી લાવે છે વિચારોની સંસ્કારની અને કુટુંબની...નવલ આપણે ગરીબ જરૂર છીએ પણ બીકાઉ નથી...આપણે સંસ્કારી છીએ આપણાં ઘરમાં ત્રણ દેવીઓ છે આપણે ઉછેરવાની છે કોઈ સારાં ઘરમાં વળાવવાની છે.”
“સાચું કહું સોહમ અમને પાપા પર બીલકુલજ વિશ્વાસ નહોતો આવાં તો એમણે કેટલીયે વાર સોગન ખાધેલાં વચન આપેલાં...પણ એ રાત્રીએ એમને કોઈ અઘોરીનો ભેટો થયેલો...એમણે કહ્યું મારે કોઈ દીકરો હોત તો શિષ્ય તરીકે મોકલત અને આપણાં ઘરની બધી ભીડભાંગત પણ...”
“એ સાંભળી મેં કહ્યું પાપા હું તમારો દીકરોજ છું મને એમનો મેળાપ કરાવો હું શીખીશ વિદ્યા એમપણ મારાં મનમાં રાત્રે કોઈ વિદ્યા શીખવાનાંજ વિચારો આવતાં હતાં...પાપા મને લઇ જાવ.”
“આવું સાંભળી માં રીતસર બરાડી...એય સાવી પાગલ થઇ છું આ છોકરીઓનાં કામ નથી...આવી અઘરી વિદ્યા શીખીને તારે શું કરવું છે ? બીજા ઘણાં સારાં રસ્તા છે ખુબ ભણો, મહેનત કરો, કામ કરો પોતાનું ઉત્તમ કાર્યને પ્રદર્શિત કરો... આપણે ખુબ મહેનત કરીશું.”
“ત્યાં પાપાએ કહ્યું કમલા આમ આકરી ના થા એ વિદ્વાન અઘોરી બોલેલાં તારાં ઘરમાંજ છે મારી શિષ્યા એણે એવાં વિચારો પણ કર્યાજ હશે તું એની કોઈ ચિંતા ના કરીશ...તું બાપ છે એમ હું એનો પિતા બનીનેજ શીખવીશ...મારે સ્ત્રી શિષ્યાની જરૂર છે અમુક વિધિ વિધાનમાં સ્ત્રીની જરૂર છે જો તું મોકલીશ તો તમારાં કુટુંબનું કાયમી દળદર ફીટી જશે તમે સુખી થઇ જશો. હું મહાકાળી મંદિરની પાછળ નદીએ જ વિશ્રામ કરું છું...તું ત્યાં તારી દિકરીને લઈને આવી જજે...અને પછી હું...”
વધુ આવતા અંકે પ્રકરણ 24