જાન ઘર આગળ આવી પહોંચી, જાનૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી, ઘોડેસવાર થઈને આવેલ વરરાજા પોતાના સહેરમાંથી આ બધું જોઈ રહ્યા હતા અને પોતાની ઓળખ છતી ના થઈ જાય એ માટે અવારનવાર સહેરો સરખો કરી રહ્યા હતા, એકબાજુ ડીજે સાથે ગરબા અને બીજીબાજુ ઘરની સ્ત્રીઓ ફટાણાં ગાવાના ચાલુ કરી દીધા, બંનેના અવાજ એકબીજા સાથે હરીફાઈમાં ઉતર્યા હોય એમ લાગી રહ્યું હતું, એનઆરઆઈ મહેમાનોને આ બધું એકસાથે જામ્યું નહિ પરંતુ તેઓએ જીવનમાં આવો લ્હાવો લેવાનો અવસર બખુભી સ્વીકારી લીધો, તેઓ પણ બધા જોડે સેટ થઈ ગયા હોય એમ ઝૂમવા માંડ્યા, ગામમાંથી ને ગામમાંથી જ જાન આવી રહી હતી એટલે ગામના લોકોએ પોતાને જાણે વરપક્ષ અને કન્યાપક્ષના પોતાને ટેગ આપવાના ચાલુ કરી દીધા હતા, બધાના મોઢે શ્યામા અને શ્રેણિકના પહેલાં લગ્નના સંભારણા હતા, મોઢે આશિષ હતા, પહેલીવાર આવો પ્રસંગ હતો એટલે સૌના હૈયે એક ખુશાલીનો ઉમળકો હતો.
નીચે બધા જાનૈયાઓ આવી પહોંચ્યા હતા, માયાના હૈયાની ધડકન તો જાણે વીજળીવેગે વધી રહી હતી, શ્યામાની ચિંતામાં એનું હૈયું બેસી રહ્યું હતું, બીક હતી કે જો શ્યામા સમયસર નહિ આવે તો? નયન એને ક્યાં શોધશે? હવે તો સમય એવો હતો કે ફોન પર વાત પણ નહિ થઈ શકે, કરુણાને બધાને ખબર વહેતી કરી નાખી હતી કે શ્યામા દુલ્હનના વેશે તૈયાર થઈ ગઈ છે, અને એને લગ્નના ફેરા પૂરા ન થાય ત્યાં સુધી મૌનવ્રત ધારણા કર્યું છે અને બધા માની પણ ગયા, હવે તો માયા બરાબર ભેરવાઈ ગઈ હોય, એને મજબૂરીમાં પણ કઈ જ કરી નહિ શકે એમ લાગી રહ્યું હતું.
કલાક જેવું થઈ ગયું, જાનૈયાઓએ પોતાની જગ્યા લઇ લીધી, વિધિવિધાન બધા ચાલુ થઈ ગયા, કન્યાપક્ષે પોતાનાથી થતી બધી મહેનતે મહેમાનગતિ ચાલુ કરાવી દીધી, વરરાજા ચોરીમાં આવી પણ ગયા, કન્યાદાન વિધિ પણ ચાલુ થઈ ગઈ, મહારાજ હવે કન્યા પધરાવી સાવધાન કહે એટલી વાર હતી, બાદ તો લગ્નના ફેરા અને સપ્તપદી પઢવાની વાર!
બધું જાણે વીજળીને વેગે થઈ રહ્યું હતું, નયનને હવે દુલ્હનના વેશમાં માયાને જોવાની તાલાવેલી હતી બીજી બાજુ માયાને નયન ક્યારે શ્યામા શોધી લાવશે એની ચિંતા, ને આ બાજુ શ્યામા અને શ્રેણિક મસ્ત ભજીયા ખાવામાં મશગુલ હતા, તેઓ હવે નાસ્તો કરીને લગ્નમાં હાજરી આપવા જવાની તૈયારીમાં હતા, જેથી માયા અને નયનને એક કરવામાં પોતાનો સિંહફાળો આપી શકે.
'કન્યા પધરાવો સાવધાન'- સંભાળતાવેત માયા ઝબકી, બધા રૂમની બહાર આવી પહોંચ્યા, મામેરા પક્ષના સૌ ડોલી લઈને ઊભા હતાં, માયા કઈ બોલે એ પહેલાં તો એને આખી ઉપાડીને ડોલીમાં ગોઠવી દીધી, બકરો મુંગો મુંગો હલાલ થઈ ગયો હોય એમ માયા કશું બોલી ના શકી, હેબતાઈ ગઈ, એને શું કરવું શું ન કરવું કઈ સમજ ન પડી, એને મનોમન ઈશ્વરની પ્રાર્થના કરવા માંડી, જો એના ફેરા શ્રેણિક સાથે થઈ ગયા તો એ શ્યામાને શું જવાબ આપશે? પોતાની મિત્રતા ખાતર એની જિંદગી ધૂળધાણી થઈ જશે, પોતાની આબરુંના ધજાગરા થશે એ પાછા બોનસમાં!
છતાંય એને નયન પર વિશ્વાસ હતો, એ મનોમન યાદ કરીને પરિસ્થિતિ સાંભળી લેશે એમ માનીને જે થઈ રહ્યું હતું એમાં ઢળી રહી હતી, એની ઘૂમટ પાછળથી નજર માત્રને માત્ર નયને શોધી રહી હતી, એને દૂર દૂર સુધી નયન નહોતો દેખાઈ રહ્યો, એની આંખમાં આંસુઓ એની સાથે ચાલી રહ્યા હતા, એવા આંસુ જે કોઈ જોઈ ના શકે અને એના વિશે એ કોઈને કહી ના શકે!
ચોરીમાં આગમન બાદ એ વરરાજા સામે બેઠી, એને પહેલો સવાલ મનમાં આવ્યો કે એમનાં રિવાજ જ નથી સહેરો પહેરવાનો તો આજે કેમ શ્રેણિક આ પહેરીને બેઠા છે? એને શક ગયો કે નક્કી વરરાજના વેશમાં શ્રેણિક નથી, પરંતુ કોણ હોઇ શકે? મનોમન આ બધું વિચારતા વિચારતા એને હોશ રહ્યા નહિ, એ જાણે એક યંત્ર બનીને મહારાજ જેમ કરાવે એમ કર્યે જતી હતી, એના મનમાં શ્યામા, શ્રેણીક,નયન એ બધું જ ફર્યે જતું હતું, આજુબાજુ કોણ છે, શું કહી રહ્યું છે એનું એને જરા પણ ભાન નહોતું.
ક્રમશઃ