Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 40

" કૉલેજ કેમ્પસ "ભાગ-40

આકાશ જરા મનમાં જ હસ્યો અને મનમાં જ બોલ્યો, " ઑહ, તો તો ખાવા જ પડશે. "

નાનીમા આકાશને પરીની ઓળખાણ આપતાં બોલવા લાગ્યા કે, " બેટા, આ મારી દીકરીની દીકરી છે પરી, બેંગ્લોરમાં રહે છે આ હવન માટે જ ખાસ મેં તેને અહીં બોલાવી છે. અને આજે તું જરા ફ્રી હોય તો એક કામ કરજે ને પરીને આપણાં હવન માટેની જગ્યા ગાયત્રી મંદિર લઈ જજેને, તો તે જરા જગ્યા જોઈ લે કે હવન માટે બરાબર તો છે ને ? "

અને આ વાત સાંભળતાં સાંભળતાં આકાશ તો જાણે ઉછળી પડ્યો, પણ પરીનો ચહેરો જોવા જેવો હતો...

પરી આકાશ સાથે ગાયત્રી મંદિર જવા માટે જરાપણ તૈયાર ન હતી પરંતુ નાનીમાને તે ના પાડી શકે તેમ પણ ન હતી તેથી તેણે મને કે કમને આકાશ સાથે જવા માટે હા જ પાડવી પડી.

આકાશ ચા નાસ્તો કરીને સાંજે પરીને લઈને ગાયત્રી મંદિર જવા માટેનો સમય નક્કી કરીને પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો.

બસ આજે તો તે ખૂબજ ખુશ હતો. હવામાં ઉડતો હોય તેવું તેને લાગતું હતું. હા, જેને પ્રેમ થાય તેને એવું જ લાગે કે હું હવામાં ઉડુ છું અને પ્રેમ થાય એટલે આખી દુનિયા રંગીન લાગે છે બધુંજ ગમવા લાગે છે અને જેને પ્રેમ કરતા હોઈએ સતત તેની સાથે જ રહેવાની ઈચ્છા થાય છે. આકાશનું પણ કંઈક એવું જ હતું. બસ હવે તો, જલ્દીથી સાંજ ક્યારે પડે અને તે પરીને પોતાની સાથે લઈને ક્યારે મંદિર જવા માટે નીકળી જાય તેની જ રાહ તે જોઈ રહ્યો હતો.

આ બાજુ પરી આકાશ સાથે જવું પડશે અને હવે તો નક્કી પણ થઈ ગયું એટલે છૂટકો પણ નથી તે વિચારે થોડી ડિસ્ટર્બ હતી પણ નાનીમાની ઈચ્છા પૂરી કરવાનું તેને તેની મોમ ક્રીશાએ ખાસ સમજાવીને મોકલી હતી એટલે નાનીમા કહે તે કરવા માટે તે તૈયાર હતી.

સાંજે લગભગ સાત વાગ્યા એટલે એક મસ્ત લાઈટ પીંક કલરના ચૂડીદાર ડ્રેસમાં સજ્જ પરી આકાશની રાહ જોતી બેઠી હતી.
કોઈ મેકઅપ નહીં, કશીજ ટાપ ટીપ નહીં બસ એકદમ સિમ્પલ અને સોબર લુક ધરાવતી પરી પોતાની એક આગવી પર્સનાલિટી ધરાવતી હતી.

અને આજે તો નાનીમાએ તેને તેની મોમ માધુરીના એરીન્ગ્સ પહેરવા માટે કાઢીને આપ્યા અને ટોકી પણ ખરી કે, " છોકરીઓએ તો કાનમાં એરીન્ગ્સ, નાકમાં ચૂની હાથમાં બંગડી બધું પહેરવું જ પડે તો જ તે સુંદર લાગે " પરંતુ પરી તો પ્રેમથી પોતાના નાનીમાને ભેટી પડી અને તેમના ગાલ ઉપર તેણે એક મીઠું ચુંબન કર્યું અને બોલી કે, " માય ડિયર નાનીમા હવે એ તમારા વખતનો જમાનો ગયો હવે બધું બદલાઈ ચૂક્યું છે અને આમ પણ હું તો ડૉક્ટર છું અને ડૉક્ટરો આવું બધું ન પહેરે માટે હું પણ કંઈ નહીં પહેરું "

" સારું બાપા જાને અત્યારે, પછી વાત " નાનીમાની અને પરીની મીઠી ચળભળ ચાલી રહી હતી અને એટલામાં ડોરબેલ વાગ્યો એટલે પરી ડોર ખોલવા માટે ગઈ.

જોયું તો સામે આકાશ, જેનો ડ્રેસ ચેન્જ થઈ ગયો હતો અને લુક એકદમ બદલાઈ ગયો હતો તે મરુન કલરની ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં હેન્ડસમ સુપર હીરો અને એટ્રેક્ટિવ લાગી રહ્યો હતો જે કોઈ પણ છોકરીને ગમી જાય.

અંદરથી નાનીમા બૂમ પાડી રહ્યા હતા કે, " કોણ છે બેટા ? " પરી કંઈ જવાબ આપે તે પહેલા આકાશ પોતે જ બોલ્યો કે, "હું છું નાનીમા આકાશ" પરી થોડી વિસ્મયમાં મૂકાઈ ગઈ કે આ કેમ નાનીમા કહે છે અને તરત જ બબડી, " એ હે તારા પણ નાનીમા ?"

પરીએ તો આકાશના વળતા જવાબની અપેક્ષા પણ નહતી રાખી પણ તો પણ તે હાજર જવાબી તરત જ બોલી ઉઠ્યો કે, " હાસ્તો વળી, તારા નાનીમા એટલે મારા પણ નાનીમા" અને આકાશની આંખોમાંથી પરી માટેનો ભરપૂર પ્રેમ છલકાઈ રહ્યો હતો.

નાનીમા ડોર પાસે આવીને આકાશને અંદર બોલાવે અને બીજી કોઈ ચર્ચા ચાલે તે પહેલા હોંશિયાર પરી આકાશને અહીંથી ખસેડી લેવા માંગતી હતી તેથી તરતજ બોલી કે, "આઈ એમ રેડી ચાલો, આપણે જઈશું?"

આકાશની ઘરમાં અંદર આવવાની ઈચ્છા મનમાં ને મનમાં રહી ગઈ પણ તેણે નક્કી કર્યું કે, હમણાં પરીને મૂકવા માટે આવું ને એટલે નાનીમાની સાથે બેસીને જ જઈશ અને મનમાં એવા નિર્ણય સાથે તે આગળ નીકળ્યો અને પરી તેની પાછળ પાછળ જઈ રહી હતી.

આકાશ તો પોતાનું વ્હાલું હોટ ફેવરિટ બુલેટ લઈને આવ્યો હતો જેમાં પાછળની સીટ ઉપર બેસવા વાળાએ આગળનાને પકડીને જ બેસવું પડે.

પરી તો આકાશનું બુલેટ જોઈને બોલી પડી, " ઑહ નૉ, આપણે આની ઉપર જવાનું છે ?"

આકાશ પણ આજે તો ફુલ મૂડમાં હતો કારણ કે પોતાના વ્હાલા બુલેટની સીટ પાછળ પોતાને ગમતી કોઈ છોકરી બેસવાની હતી અને જેટલી સરપ્રાઈઝ સાથે પરીએ પ્રશ્ન કર્યો એટલી જ ખુશી સાથે આકાશે બુલેટની સીટ ઉપર હાથ ફેરવ્યો અને તે બોલ્યો, " યસ, અફકોર્સ યે તો મેરી જાન હૈ "

આકાશે ફટ ફટ ફટ ફટ અવાજ કરતું પોતાનું ફટફટીયુ ચાલુ કર્યું અને પરીને પોતાની પાછળ બેસવા માટે આંખ વડે ઈશારો કર્યો.

અફકોર્સ પરીને આકાશને પકડીને જ બેસવું પડે તેમ હતું તે આકાશની પાછળ તેના ખભા ઉપર હાથ રાખીને ગોઠવાઈ ગઈ.

પરીના હાથના સ્પર્શ માત્રથી આકાશના શરીરમાં રોમાંચ ફેલાઈ ગયો અને તે બોલ્યો પણ ખરો કે, " બરાબર પકડીને બેસજે મને ધીમે ધીમે ચલાવવાની આદત નથી. "

પરીનો ગુસ્સો સમાય તે પહેલાં તો આકાશ કંઈ નવું ને નવું તોફાન કરી બેસતો અને કંઈનું કંઈ આડુંઅવળું બોલી બેસતો એટલે પરીની સમજમાં એટલી વાત તો આવી જ ગઈ હતી કે, આ ખોપડી સુધરે તેમ નથી. અને તે પણ આકાશને ચેલેન્જ આપતી હોય તેમ બોલી કે, " તારામાં તાકાત હોય તેટલું ફાસ્ટ ચલાવજે મને ડર નથી લાગતો " અને આકાશે તો ફૂલ સ્પીડમાં પોતાનું બુલેટ હંકારી મૂક્યું.
હવે મંદિરે પહોંચીને બંને વચ્ચે શું વાતચીત ચાલે છે બંનેની દોસ્તી દોસ્તી પુરતી જ સીમિત રહે છે કે, આકાશની ઈચ્છા પૂરી થાય છે અને તે પરીને, "આઈ લવ યુ" કહેવામાં સફળ થાય છે ? વાંચો આગળના પ્રકરણમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/9/22