આજકાલ સોશિયલ મીડિયા પર ફોરવર્ડ મેસેજીસનો મારો ઘણો જોવા મળે છે. જે કાંઈ આવ્યું એને ફોરવર્ડ કરીને લોકો પોતે જાણે દેશ અને સમાજ પર કોઈ મોટો ઉપકાર કર્યો હોય એમ હાશકારો અનુભવે છે. કોઈ પણ મેસેજ મળ્યો કે કોઈ ફેસબુક પોસ્ટ જોઈ, તે કેટલા અંશે સાચી છે કે કેટલા અંશે ખોટી છે, એ જાણ્યાં વગર એને બસ ફોરવર્ડ કર્યા કરીને સોશિયલ મીડિયાને એક કચરાપેટી બનાવી દીધી છે. કચરાપેટી બનાવો એમાં પણ વાંધો નહિ, પરંતુ આજના યુવાનો અને ખાસ કરીને અનુભવની એરણે ખરાં ઊતરેલાં વયોવૃદ્ધ લોકો પણ આ કચરાને કિંમતી ખજાનો માનીને ફોરવર્ડ પણ કરશે અને પોતે એને સાચો પણ માનશે. આ માનસિકતાનાં કારણે આજે દેશમાં અફવાઓનું એટલું જોર ચાલ્યું છે કે, બધી ખોટી અફવાઓમાં કોઈ સાચી વાત પણ આવી જાય તો પણ એના પર વિશ્વાસ ન બેસે.
પહેલાં ભગવાનના નામના મેસેજ આવતા હતા કે, આ મેસેજ પાવગઢથી કે અંબાજીથી આવ્યો છે. તેને દસ લોકોને ફોરવર્ડ કરો તો સાંજ સુધીમાં કંઈક સારું થશે અને જે એને અવગણીને ફોરવર્ડ નહિ કરે એનું ઘણું ખરાબ થશે. આવું જ અન્ય ધર્મોમાં પણ થતું હતું. એ બધું તો ઠીક હતું, પણ હવે નવું ચાલુ કર્યું છે કે, દેશમાં ક્રિકેટ ટીમની જીતથી કે ફલાણા સમાચારથી ખુશ થઈને મુકેશ અંબાણીએ દરેકને ત્રણ મહિનાનું ફ્રી રીચાર્જ આપવાની જાહેરાત કરી છે. ફક્ત દસ લોકોને ફોરવર્ડ કરો અને ફ્રી રીચાર્જનો આનંદ ઉઠાવો. ભણેલાં-ગણેલાં, એન્જિનિયર કે ડૉકટર થયેલાં લોકો પણ ફ્રી રીચાર્જની લાલચમાં આવીને આવા મેસેજ ફોરવર્ડ કરતાં જોવા મળે છે અને રીચાર્જ માટે આપેલી લિંક પર ક્લિક કરતાં જ તેમના ફોન હેક થઈ જાય છે અને તેમની બધી માહિતી હેકર્સ સુધી પહોંચી જાય છે. કેટલીક વાર તો તેમનું બધું બેંક બેલેન્સ પણ ખાલી થઈ જતું હોય છે.
આ બધામાંથી લોકો થોડું શીખે તો લોકોને ભોળવવા માટે હવે મેસેજની નીચે એવું લખેલું આવે છે કે, આ મેસેજ નાસાથી આવ્યો છે; આજે રાત્રે એક ઉલ્કા પૃથ્વી પરથી પસાર થશે એટલે પોતાના ફોન બંધ કરી દેવા, ફલાણો મેસેજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એ જનહિતમાં જારી કરેલો છે એટલે જલદી બીજા મિત્રોને ફોરવર્ડ કરો, ફલાણો મેસેજ મુખ્યમંત્રીશ્રી કે વડાપ્રધાનશ્રીની કચેરીમાંથી આવ્યો છે વગેરે વગેરે... આમાં આશ્ચર્યની વાત તો એ છે કે લોકો માની પણ જાય છે. ખરેખર જેમનાં નામ મસેજની નીચે લખેલાં હોય છે એમને તો ખબર પણ નથી હોતી કે એમનાં નામનો મેસેજ આખી દુનિયામાં ફરી રહ્યો છે.
આ બધું તો એક સમયે સહન કરી પણ લઈએ, આનાથી ફક્ત વ્યક્તિગત નુકસાન થશે, પણ અત્યારે જે સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે, એ અતિ ભયાનક છે. અત્યારે દરેક વાતને મોટી બતાવીને અને એડિટ કરીને એવી રીતે બતાવવામાં આવે છે કે લોકોની ધાર્મિક, સામાજિક કે રાજકીય ભાવના ભડકી ઊઠે અને લોકો એકબીજાનાં લોહીનાં તરસ્યાં બની જાય. વિડીયો હોય પાકિસ્તાન કે બાંગ્લાદેશનો અને તેને એવી રીતે બતાવવામાં આવે કે જાણે તે વિડિયો આપણાં દેશનાં કોઈ એક ગામડાંનો હોય અને નીચે લખેલું આવે કે, જુઓ આપણો ધર્મ કે મજહબ કેવો ખતરામાં છે! વર્ષ 2020માં સોશિયલ મીડિયાની આવી જ અફવાઓનાં કારણે મહારાષ્ટ્રનાં પાલઘરમાં ગામલોકોએ સાધુઓને બાળકો ચોરવાવાળાં સમજીને તેમની હત્યા કરી દીધી હતી. આજે પણ દેશમાં આવી મોબ-લીંચિંગની ઘટનાઓ છાસવારે બનતી જોવા મળે છે. કેટલીક વાર લોકોની ધાર્મિક ભાવના ભડકાવતાં ફેક મેસેજીસને કારણે કોમી રમખાણો પણ ફાટી નીકળતાં હોય છે અને કેટલીયે નિર્દોષ જિંદગીઓ આવી નફરતની આગમાં હોમાઈ જતી હોય છે. તમારો સમજ્યા વિચાર્યા વગરનો ફોરવર્ડ કરેલો એક મેસેજ કેટલીયે નિર્દોષ જિંદગીઓનાં જીવ લઈ શકે છે. ક્યારેક વિચારજો, આવી બધી ઘટનાઓમાં તમારો તો હાથ નથી ને?
આપણે ખૂબ આસાનીથી અજાણ્યાં વ્યક્તિએ મોકલેલી વાત પર વિશ્વાસ કરી બેસીએ છીએ અને અજાણતાં જ સમાજને નુકસાન પહોંચાડી દઈએ છીએ. અહીં જરૂર છે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને વિકસાવવાની અને મેસેજ ફોરવર્ડ કરતાં પોતાના અંગૂઠા પર લગામ કસવાની. કોઈ પણ સમાચાર હોય તો એના પર તરત જ ભરોસો કરીને ત્વરિત પ્રતિક્રિયા આપી દેવાને બદલે પહેલાં એને ચાર-પાંચ જગ્યાએથી ચકાસો કે શું તે સાચું છે? કેટલીક વાર એમ પણ બનતું હોય છે કે કોઈ સાચી ઘટના સાથે કેટલીક વાર જુઠ્ઠાણું ભેળવીને પરોસવામાં આવે છે. આપણે એમાં રહેલું અડધું સત્ય ક્યાંય ને ક્યાંય સાંભળ્યું હોય છે એટલે આપણને એ આખી વાત સાચી લાગે છે અને ત્વરિત પ્રતિભાવ આપી બેસતાં હોઈએ છીએ. આજે સત્યની આળમાં અસત્ય પરોસવાનો આવો ગોરખધંધો અનેકગણો ફૂલ્યો-ફાલ્યો છે. આ જ કારણે આજકાલ 'વ્હોટ્સએપ યુનિવર્સિટી' નામનો શબ્દ ઘણો ચર્ચામાં રહે છે. વ્હોટ્સએપ પર ઇતિહાસને લગતી કેટલીક સાચી વાતોમાં કેટલીક મનઘડંત ખોટી વાતોને એવી રીતે ભેળવવામાં આવે છે કે ઇતિહાસના અભ્યાસુઓ પણ ઘણી વાર ગોથાં ખાઈ જાય અને ઇતિહાસનો ફરીથી અભ્યાસ કરવા મજબૂર બની જાય. અહીં પણ અસત્ય સત્યના ટેકે જ ઊભું હોય છે, છતાં પણ તે ઘાતક બની જાય છે. જેનું જ્ઞાન ન હોય તેના પર માત્ર એક મેસેજનો આધાર લઈને પોતાનો પ્રતિભાવ આપી દેવો અને એ વાતને બીજા લોકો સુધી પહોંચાડીને અસત્ય ફેલાવવું; આ બધું દેશ અને સમાજને ગેરમાર્ગે દોરે છે. આવી માનસિકતા દેશને નબળો પાડી રહી છે. આ વાત દર્શાવે છે કે આપણે ના આઝાદીનું મૂલ્ય સમજ્યા છીએ કે ના દેશની લોકશાહીનું! કોઈ પણ વાત પર વિશ્વાસ કરતાં પહેલાં તેને સમજો, વિચારો અને પછી પ્રતિભાવ આપો. સત્યની સાથે ચાલો. આજે લોકો પોતે પણ મૂર્ખ બની રહ્યાં છે અને સમાજને પણ મૂર્ખ બનાવી રહ્યાં છે. આ અધોગતિનો માર્ગ છે. સમાજમાં આજે વૈચારિક ક્રાંતિની તાતી જરૂરિયાત છે. એના માટે આપણે જ સમજવું પડશે અને આગળ આવવું પડશે. જય હિન્દ...
લેખક:- પાર્થ પ્રજાપતિ
(વિચારોનું વિશ્લેષણ)