૧૯.બેકાબૂ દિલ
શિવની વાતો સાંભળીને અપર્ણા એકદમ ચુપ થઈ ગઈ. શિવ સાથે મુલાકાત થયાં પછી એનાં જીવનમાં ઘણું બધું એવું હતું. જે અચાનક જ બદલી ગયું હતું. અપર્ણાએ આ બદલાવ સ્વીકારી લીધો હતો. છતાંય એને સમજવાં માટે એને સમયની જરૂર હતી. જે હાલ પૂરતો એની પાસે ન હતો. એ એક વાતને સમજવાની કોશિશ કરતી. ત્યાં જ એની સામે બીજી કોઈ નવી વાત આવી જતી. જેનાંથી એ તદ્દન અજાણ હોય.
અપર્ણાને મૌન અને પરેશાન જોઈને રાધાબાએ કહ્યું, "બેટા! રાત બહું થઈ ગઈ છે. આજે તું અહીં જ જમી લે. પછી શિવ તને તારી ઘરે મૂકી જશે."
"નાં આન્ટી! હું મારી રીતે જ ઘરે જતી રહીશ, અને જમી પણ ઘરે જ લઈશ." અપર્ણાએ રાધાબા તરફ જોઈને ઉદાસ સ્વરે કહ્યું.
"અત્યારે એકલી કેવી રીતે જઈશ? આમ પણ તું કાલની ઘરે નથી ગઈ. તો તારી બાઈ પણ અત્યારે જતી રહી હશે." શિવે કહ્યું, "તું અહીં જ જમી લે. પછી હું તને તારાં ફ્લેટ પર મૂકી જઈશ." શિવે આ વખતે એકદમ શાંત સ્વરે કહ્યું. તો અપર્ણા પણ નાં ન પાડી શકી. રાધાબાએ નોકરો સાથે મળીને જમવાનું ટેબલ પર લગાવ્યું. પહેલાં જગજીતસિંહ એમની ખુરશી પર બેઠાં. પછી રાધાબાએ અપર્ણાને પણ બેસવા ઈશારો કર્યો.
"હું પહેલાં ફ્રેશ થઈ જાવ. પછી જમવા બેસીશ." શિવે પોતાનાં કપડાં પર એક નજર કરીને કહ્યું. કાલનો એ એકને એક કપડામાં ફરતો હતો. ડ્રાઈવિંગ અને સતત કરેલાં વિચારોએ એનાં તન અને મન બંનેને થકવી દીધાં હતાં. એ તરત જ પોતાનાં રૂમમાં જતો રહ્યો.
રાધાબાએ જગજીતસિંહ અને અપર્ણાને જમવાનું પીરસ્યું. ત્યાં સુધીમાં શિવ પણ ફ્રેશ થઈને આવી ગયો. એ આવીને તરત જ અપર્ણાની બાજુમાં પડેલી ખુરશીમાં બેસી ગયો. રાધાબાએ એની થાળી તૈયાર કરી આપી. બધાંએ જમવાનું શરૂ કર્યું. રાધાબા તો બસ શિવ અને અપર્ણાને જ જોઈ રહ્યાં હતાં. બંને સાથે શાંત અને બહું સ્વીટ લાગતાં હતાં. જાણે એકબીજા માટે જ બન્યાં હોય. અપર્ણા અને શિવને ફરી એકવાર સાથે જોઈને રાધાબા ફરી એકવાર સપનાં જોવાં લાગ્યાં. ત્યાં જ એમને જગજીતસિંહની વાત યાદ આવી, "એવાં સપનાં જોવાનું રહેવા દો. એ શક્ય જ નથી. એ અમદાવાદનાં કમિશનર જગદીશ શાહની છોકરી છે. હું આજે જે જગ્યાએ ઉભો છું. એ જગ્યાએ નાં હોત, તો કદાચ આ બાબત પર વિચાર કરી શકાતો. પણ આ જગ્યાએ ઉભાં રહીને એ વિશે વિચારવું કે સપનાં જોવાં નકામું ગણાશે." આ વાત યાદ આવતાં જ એમણે એમનાં મન પર કાબૂ મેળવી લીધો. એમણે આગળ વિચારવાનું જ બંધ કરી દીધું.
"મમ્મી! હવે અમે નીકળીએ." શિવે જમીને ઉભાં થતાં કહ્યું.
"આન્ટી! જમવાનું બહું સરસ બન્યું હતું. હવે હું નીકળું." અપર્ણાએ પણ ઉભાં થઈને કહ્યું.
"ક્યારેક ક્યારેક આવતી રેજે, બેટા." રાધાબાએ પ્રેમથી કહ્યું.
અપર્ણા ડોકું ધુણાવીને દરવાજા તરફ આગળ વધી ગઈ. રાધાબાએ અપર્ણાને આવતું રહેવા કહ્યું, એ વાત શિવને પસંદ નાં આવી. એ અપર્ણાથી દૂર રહેવાની કોશિશ કરી રહ્યો હતો. અપર્ણા પ્રત્યે એનાં અહેસાસ બદલી રહ્યાં હતાં. એને લીધે શિવ થોડો પરેશાન હતો. એમાંય અપર્ણા તો આમ પણ કોઈનાં કહ્યાં વગર જ શિવની ઘરે પહોંચી જતી. હવે તો રાધાબાએ કહી દીધું, એટલે એનાં માટે આ ઘરનાં દરવાજા ખુલ્લાં થઈ ગયાં હતાં.
શિવ કંઈક વિચારતો વિચારતો અપર્ણાની પાછળ પાછળ ચાલતો થયો. એ બહાર આવીને જીપમાં બેઠો. અપર્ણા એની બાજુની સીટમાં ગોઠવાઈ ગઈ. વિચારોમાં ખોવાયેલાં શિવે જીપને મુંબઈની સડક પર હંકારી મૂકી. અપર્ણા પોતાનાં વિચારોમાં ખોવાયેલી બેઠી હતી. રાત બહું થઈ ગઈ હોવાથી સડકો પરની લાઈટો ચાલું થઈ ગઈ હતી. નીચે કૃત્રિમ લાઈટોથી ધરતી ઝગમગી રહી હતી, અને ઉપર ચંદ્ર અને તારોઓનો પ્રકાશ આકાશને શોભાયમાન કરી રહ્યો હતો.
"તું મારાં ભાઈને કેવી રીતે ઓળખે છે?" અપર્ણાને અચાનક જ કંઈક યાદ આવતાં એણે પૂછ્યું.
"જે રાતે આપણી મુલાકાત થઈ. એ રાત પછી મેં તારી બધી ઇન્ફર્મેશન મેળવી લીધી હતી." શિવે સહજતાથી કહ્યું, "હું કોઈની મદદ કરું કે કોઈને દુશ્મન બનાવું. બંને બાબતોમાં એની અને એનાં બેકગ્રાઉન્ડ બંનેની જાણકારી રાખું છું."
"તું ઇન્ટેલિજેન્ટ તો ખરો! પણ, હંમેશા આટલો ગુસ્સામાં કેમ રહે છે?" અપર્ણાએ શિવનાં ચહેરાં તરફ જોઈને પૂછયું.
"અમુક વર્ષો પહેલાં એક નિર્ણય લીધો હતો." શિવે ભૂતકાળમાં એક ડોકીયું કરીને કહ્યું, "એ નિર્ણયે મને આવો બનાવી દીધો છે."
"મતલબ? હું કંઈ સમજી નહીં." અપર્ણાએ અસમજની સ્થિતિમાં કહ્યું.
"એ બધું તારાં સમજવાં માટે નથી." શિવે એક નજર અપર્ણા તરફ કરીને કહ્યું, "એ મારો ભૂતકાળ છે. જેની સામે હું એકલો લડી લઈશ. આમ પણ તું કેટલો સમય સાથે રહેવાની?"
શિવની છેલ્લી વાત પછી અપર્ણા કંઈ નાં બોલી શકી. એ માત્ર જીપ ચલાવી રહેલાં શિવને અપલક નજરે જોઈ રહી. જે પોતાનાં દિલમાં કેટલાંય દર્દ છુપાવીને બેઠો હતો. અપર્ણાનો ફ્લેટ આવતાં જ શિવે બ્રેક મારીને જીપ રોકી. અચાનક બ્રેક લાગવાથી અપર્ણાની નજર આપોઆપ જ શિવ પરથી હટી ગઈ. એણે સાઈડમાં નજર કરી તો જીપ એનાં ફ્લેટની સામે ઉભી હતી. અપર્ણા તરત જ જીપમાંથી નીચે ઉતરી ગઈ.
એ બસ જઈ જ રહી હતી. ત્યાં જ શિવે એને રોકતાં કહ્યું, "અપર્ણા!"
"હાં." અપર્ણાએ તરત જ પાછળ ફરીને કહ્યું.
"ડોન્ટ વરી, તારાં ભાઈને કંઈ નહીં થાય." શિવે એકદમ નરમ અવાજે કહ્યું, "મારો પ્લાન સફળ રહ્યો, તો તારું અને મારું આપણાં બંનેનું કામ થઈ જાશે."
"આઈ નો, મને તારી ઉપર વિશ્વાસ છે." અપર્ણાએ સહેજ સ્મિત સાથે કહ્યું.
અપર્ણાને શિવ ઉપર વિશ્વાસ છે. એ સાંભળીને શિવ માસૂમ ચહેરો બનાવીને અપર્ણાને જોઈ રહ્યો. બંને શાંત હોય, ત્યારે બહું સ્વીટ લાગતાં. એ માત્ર હાથ હલાવીને, શિવને બાય કહીને જતી રહી. શિવ ક્યાંય સુધી ત્યાં જ પોતાની જીપમાં બેસી રહ્યો. અચાનક જ પાછળ ઉભેલી કારના હોર્નનો અવાજ સાંભળીને શિવ ભાનમાં આવ્યો. એણે તરત જ જીપને થોડી આગળ વધારીને યૂ ટર્ન લીધો, અને પોતાનાં ઘર તરફ આગળ વધી ગયો.
ઘરે આવીને એ તરત પોતાનાં રૂમમાં આવીને પથારીમાં પડ્યો. એની નજરો સામે અપર્ણાનો માસૂમ ચહેરો તરવરી રહ્યો. એનાં ચહેરાં પર આપોઆપ સ્મિત આવી ગયું. હવે વાત હદથી આગળ વધી રહી હતી. જે શક્ય ન હતું. એ રસ્તે જવાનો મતલબ ન હતો. એમ સમજીને શિવે પડખું ફેરવીને સૂવાની નાકામ કોશિશ કરી. પણ, અપર્ણાની વાતો અને એનાં ચહેરાએ શિવને સૂવા નાં દીધો. માત્ર ત્રણ જ દિવસમાં અપર્ણાએ શિવનાં મન અને દિલ પર કાબૂ મેળવી લીધો હતો.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"