કનેક્શન-રૂહ સે રૂહ તક - 20 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કનેક્શન-રૂહ સે રૂહ તક - 20

૨૦.ભૂલભૂલૈયા


મુના બાપુ પોતાનાં રૂમની બારી સામે ઉભાં રહીને કંઈક વિચારી રહ્યાં હતાં. એ સમયે એમનો એક આદમી અંદર આવ્યો. મુના બાપુ તરત જ બારી સામે પડેલાં સોફા પર ગોઠવાયાં. એમનાં ચહેરાં પરનાં બદલાતાં હાવભાવ પરથી જણાતું હતું, કે એ કંઈક કહેવા માંગતા હતાં. પણ, વાતની શરૂઆત ક્યાંથી કરવી? એ હાલ એમની સમજમાં આવી રહ્યું ન હતું.
"શું હુકમ છે, બાપુ?" રૂમની અંદર આવેલાં આદમીએ પૂછ્યું.
"શિવ કંઈક તો ગેમ પ્લાન બનાવી રહ્યો છે." મુના બાપુએ વિચારોમાં ખોવાયેલ અવાજે કહ્યું, "એની હરકતો ઉપર નજર રાખો. સાથે જ પેલી નિખિલની બહેન અપર્ણા શું કરે છે? ક્યાં જાય છે? કોને મળે છે? એ બધી જાણકારી પણ મારે જોઈએ." એમણે સોફા પરથી ઉભાં થઈને ઉમેર્યું, "શિવ જે કહીને ગયો, એ ઉપર મને જરાં પણ વિશ્વાસ નથી. નિખિલ અને અનોખી વચ્ચે ખરેખર કોઈ સંબંધ છે કે નહીં? એની જાણકારી પણ મારે જોઈએ."
"જી બાપુ." કહીને પેલો આદમી ત્યાંથી જતો રહ્યો.
મુના બાપુ ફરી સોફા પર બેસીને કંઈક વિચારવા લાગ્યાં. એમનાં વિચારોની હારમાળા એમને પાંચ વર્ષ પાછળ ખેંચી ગઈ. જ્યારે એ જગજીતસિંહ સામે એમને પોતાનાં ધંધામાં સામેલ કરવાનો પ્રસ્તાવ મૂકીને મુંબઈ પરત ફર્યા હતાં. ત્યારે જ શિવે એમને ફોન કરીને એમનો પ્રસ્તાવ મંજૂર કર્યો હતો. જો જગજીતસિંહ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લગાવતાં. તો મુના બાપુને આનંદ થતો. પણ, શિવે એ કાર્ય કર્યું એનાંથી એમને થોડી શંકા ગઈ.
"તારાં બાપુએ પ્રસ્તાવ નાં મંજૂર કર્યો. તો હવે તું શાં માટે મારાં ધંધામાં આવવાં માંગે છે?" મુના બાપુએ તરત જ સવાલ કર્યો, "તારાં બાપને પૂછીને હાં પાડી રહ્યો છે કે પછી..." એમણે એમની વાત અધૂરી જ છોડી દીધી.
"હાં, બાપુને પૂછીને જ હાં પાડી રહ્યો છું." શિવે સહજતાથી જવાબ આપ્યો, "તમને તો ખબર છે. મુંબઈ જેવાં શહેરમાં એકલાં હાથે બિઝનેસ શરૂ કરવો કેટલું અઘરું કામ છે? જો એમાં કોઈનો ફાઈનાન્સિયલી સપોર્ટ મળે, તો નાં કેમની પડાય. નાં પાડીએ તો લોકો વાતો કરે, કે લક્ષ્મી ચાંદલો કરવા આવી, અને ભાઈ મોઢું ધોવાં ગયાં." એ સહેજ હસ્યો, "હું એવો મુર્ખ નથી. મેં વિચારી લીધું છે, બાપુ તમારાં ધંધામાં તમારો સાથ આપશે, અને બદલામાં તમે બિઝનેસ શરૂ કરવામાં મારી મદદ કરજો. તો બોલો છે મંજૂર?"
"મને મંજૂર હતું, એટલે જ તો પોરબંદર સુધી લંબાયો હતો." મુના બાપુએ હસીને કહ્યું, "કાલે તારાં બાપુને લઈને મારાં બંગલે આવી જાજે. નિરાંતે બેસીને વાત કરશું." કહીને મુના બાપુએ ફોન ડિસ્કનેક્ટ કર્યો.
ભૂતકાળનાં વિચારોમાં ફોન ડિસ્કનેક્ટ થતાં જ વર્તમાનમાં મુના બાપુનાં રૂમનાં દરવાજે ફરી એમનાં આદમીએ દસ્તક દીધી. દરવાજો ખુલવાના અવાજથી મુના બાપુ ફરી વર્તમાનમાં આવી પહોંચ્યાં. એમણે તરત જ ઉભાં થઈને પૂછ્યું, "કોઈ ખબર?"
"આપણાં આદમીને અમદાવાદ મોકલી દીધો છે. કાલ સુધીમાં ત્યાંના હવામાનની જાણકારી મળી જાશે." દરવાજે ઉભેલાં આદમીએ કહ્યું.
"ઠીક છે." મુના બાપુએ ડોક હલાવીને કહ્યું. આદમી તરત જ દરવાજો બંધ કરીને જતો રહ્યો.

સવારનાં આઠ વાગ્યે નિખિલ પોતાનું બેગ લઈને નીચે ઉતર્યો. એ કાલે કોલેજ ગયો ન હતો. એટલે આજે નાસ્તો કર્યા વગર જ જલ્દી જલ્દી કોલેજ જવાં નીકળી ગયો. એ પોતાની બાઈક યામાહા એમટી ૧૫ પર બેસીને, અમદાવાદની સડકો પરથી પસાર થઈને પોતાની 'ST Xavier's college' પહોંચ્યો. જ્યાં કોલેજના ગેટ પર જ એને અનોખી મળી ગઈ. જે કદાચ નિખિલની રાહ જોઈને જ ઉભી હતી. નિખિલ બાઈક પાર્ક કરીને તરત જ અનોખી પાસે આવ્યો.
"આજે પણ લેટ!" અનોખીએ પોતાની આંખો પહોળી કરીને કહ્યું.
એકદમ ગોરો વાન, સાડા પાંચ ફૂટની ઊંચાઈ, ખંભા સુધીનાં સીધાં વાળ, અણિયારી આંખો અને પતલા ગુલાબી હોંઠ જોઈને એ મુના બાપુ જેવી તો ન હતી લાગતી. કદાચ અનોખીનો દેખાવ એનાં મમ્મી પર ગયો હોવો જોઈએ. એને એટલી ગુસ્સામાં જોઈને નિખિલે તરત જ પોતાનાં કાન પકડી લીધાં. આ બંને અત્યારે સાથે હતાં. એનો મતલબ બિલકુલ સાફ હતો. શિવે જે કહાની ઘડી હતી, એ માત્ર કહાની નહીં હકીકત પણ ખરી! એટલે જ તો અત્યારે બંને સાથે હતાં.
"સોરી, મોડાં ઉઠવાની આદત પડી ગઈ છે." નિખિલે કાન પકડી રાખીને કહ્યું, "તો પણ આજે હું નાસ્તો કર્યા વગર જ આવ્યો છું."
"તો પહેલાં કેન્ટીનમા જઈને નાસ્તો કરીશું, કે લેક્ચર ભરીશું?" અનોખીએ કટાક્ષમાં પૂછ્યું.
"અફકૉર્સ લેક્ચર ભરીશું." નિખિલે હાથ દ્વારા એક્શન કરીને કહ્યું. એ સાંભળીને અનોખી ક્લાસરૂમ તરફ આગળ વધી ગઈ, "નાસ્તો કરવાનું કહ્યું હોત તો તું મારો અલગથી લેક્ચર લગાવી દેત. ખેર, નિખિલ શાહ! તારું લક હમણાં ખરાબ ચાલે છે." મનમાં જ બબડતો નિખિલ અનોખીની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
બંનેનાં અંદર જતાં જ કોલેજ ગેટની દિવાલ પાછળ છુપાયેલો મુના બાપુનો આદમી બહાર આવ્યો. એણે તરત જ મુના બાપુને ફોન જોડ્યો, "હાં બાપુ! અત્યારે નિખિલ અને અનોખી બેબી સાથે જ હતાં." આદમીએ આંખો દેખા હાલ સંભળાવતાં કહ્યું. મુના બાપુનાં બધાં આદમીઓ અનોખીને બેબી કહીને સંબોધતા. એમણે આગળ જણાવતાં કહ્યું, "બંને એકબીજા સાથે સારી રીતે વાતો કરી રહ્યાં હતાં. જાણે પહેલેથી એકબીજાને ઓળખતા હોય."
"વાતોથી કેમનું સ્પષ્ટ થાય, કે બંને વચ્ચે કેવો સંબંધ છે? દોસ્તી કે પછી..." મુના બાપુએ એમનું વાક્ય અધૂરું છોડ્યું.
"હું થોડાં દિવસ અહીં રહીને નજર રાખું. જો કંઈ ખાસ જાણકારી મળશે, તો ફરી તમને જણાવીશ." આદમીએ કહ્યું.
"ઠીક છે, પણ અનોખીની નજરમાં નાં આવતો." મુના બાપુએ ચિંતિત સ્વરે કહ્યું, "એને જાણ થઈ તો તને તો ભડાકે દેશે જ અને મારું તો શું કરશે, એનું નક્કી નહીં?"
"હાં, બાપુ! હું ધ્યાન રાખીશ." આદમીએ કહ્યું અને કોલ ડિસકનેક્ટ થઈ ગયો.
ફોન મૂક્યાં પછી મુના બાપુનો આદમી કોલેજ બહાર ચક્કર લગાવવા લાગ્યો. જ્યારે નિખિલ અને અનોખી કોલેજેથી છૂટ્યાં. ત્યારે એ ફરી પોતાનાં કામે લાગી ગયો. પણ, નિખિલ તો અનોખીને કોલેજના ગેટ પરથી જ બાય કહીને, પોતાની બાઈક લઈને ઘરે જતો રહ્યો, અને અનોખી પોતાની એક્ટિવા લઈને પોતાની ઘરે જવા નીકળી ગઈ. બિચારા મુના બાપુનાં આદમીની મહેનત માથે પડી.
નિખિલ ઘરે આવીને સીધો પોતાનાં રૂમમાં આવી ગયો. અંદર આવીને એણે બેગ ખુરશી પર મૂક્યું, અને તરત જ અનોખીને ફોન જોડ્યો, "હવે કહે, તે મને સીધું ઘરે જતાં રહેવા શાં માટે કહ્યું? આપણે તો કોફી પીવા જવાનાં હતાં ને?"
"હાં, જવાનાં હતાં." અનોખીએ કહ્યું, અને કોલેજના ગેટ પર ઉભેલાં મુના બાપુનાં આદમીને જોઈ ગઈ. એ દ્રશ્ય યાદ કરવાં લાગી. પછી તરત જ આગળ કહ્યું, "મારે ઘરે થોડું કામ હતું. એટલે આજે જવાનું કેન્સલ કર્યું. હમણાં થોડાં દિવસ જઈ પણ નહીં શકાય. જ્યારે કામ પૂરું થઈ જાશે. ત્યારે તને જણાવીશ."
"ઓકે, બાય." કહીને નિખિલ બેડ પર ઊંધો પડ્યો, "શું યાર અનોખી! તે મારાં પ્લાન પર પાણી ફેરવી દીધું. આજે હું તને પ્રપોઝ કરવાનો હતો." એ ખુદની સાથે જ વાતો કરવાં લાગ્યો, "તને નથી ખબર જ્યારે મારું કિડનેપ થયું. ત્યારે હું બહું ડરી ગયો હતો. મને થયું હું તને કે મારાં પરિવારને ક્યારેય નહીં મળી શકું." બોલતાં બોલતાં જ એનાં ચહેરાં પર સ્મિત આવી ગયું, "પણ, થેન્કસ્ ટૂ અપર્ણા દીદી! એમનાં લીધે આજે હું સહી સલામત છું. પણ, હવે હું વધું સમય નાં લઈ શકું. મારે વહેલી તકે તને મારાં દિલની વાત જણાવી દેવી છે."
નિખિલ હાલ મન મનાવવામાં લાગ્યો હતો. પણ, આવનારી મુસીબતોથી અજાણ હતો. એને ખબર ન હતી, કે જે વ્યક્તિએ એને કિડનેપ કર્યો. અનોખી એ જ વ્યક્તિની છોકરી છે. જ્યારે આ વાતની જાણ નિખિલનાં પરિવારને થઈ. ત્યારે શાહ પરિવારમાં મોટું તુફાન આવવાનું હતું. પણ, એની પહેલાં એક એનાંથી પણ મોટું તુફાન આવવાનું હતું. જેમાં આરપારની પરિસ્થિતિ પરિણમવાની હતી. જેમાં બહું ઓછો સમય બચ્યો હતો. હાલ તો બધું ભૂલભૂલૈયા જેવું ચાલી રહ્યું હતું.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"