Connection-Rooh se rooh tak - 17 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 17

૧૭.સવાલ-જવાબ



શિવ અને જગજીતસિંહ સાંજના છ વાગ્યે મુના બાપુનાં બંગલે પહોંચ્યા. મુના બાપુ હોલમાં જ સોફા પર બેઠાં હતાં. એ જાણે શિવ અને જગજીતસિંહની જ રાહ જોઈને બેઠાં હોય, એમ તરત જ એમણે ટેબલ પર પડેલી રિવૉલ્વર હાથમાં લીધી અને એની ગોળીઓ ચેક કરવા લાગ્યાં. જગજીતસિંહે તરત જ પોતાની બાજુમાં ઉભેલાં શિવ સામે જોયું. બંનેનાં ચહેરાં પર થોડો ડર નજર આવી રહ્યો હતો. જેને બંને છુપાવવાની નાકામ કોશિશ કરી રહ્યાં હતાં.
"આવો આવો, તમારી જ રાહ હતી." મુના બાપુએ દરવાજે ઉભેલાં શિવ અને જગજીતસિંહને અંદર આવવાં ઈશારો કર્યો.
જગજીતસિંહ અને શિવ અંદર પ્રવેશ્યાં. મુના બાપુનો ઈશારો મળતાં જ બંને સોફા પર ગોઠવાયાં. જગજીતસિંહનાં મનમાં એક ઉચાટ હતો. જે મુના બાપુ આગળ શું કરશે? એ જાણીને જ શાંત થાય એમ હતો. પણ, એ તો રિવૉલ્વર જોવામાં જ વ્યસ્ત હતાં. શિવને કંઈ સૂઝ્યું નહીં. તો એણે પણ જીન્સનાં ગર્ડલમા ખોંસેલી પોતાની રિવૉલ્વર કાઢી, અને ટેબલ પર મૂકીને મોબાઈલ મચેડવા લાગ્યો. જગજીતસિંહ આંખો ફાડીને એની સામે જોઈ રહ્યાં હતાં. પણ, શિવનાં મનમાં તો કંઈક બીજું જ ચાલતું હતું.
જગજીતસિંહ ક્યારેક મુના બાપુ સામે તો ક્યારેક શિવ સામે જોઈ રહ્યાં હતાં. એક રિવૉલ્વર સાથે રમી રહ્યો હતો. તો એક મોબાઈલ મચેડી રહ્યો હતો. જગજીતસિંહ બંને વચ્ચે બરાબરનાં ફસાયા હતાં. આવાં સમયે એમને કંઈ પણ બોલવું ઠીક નાં લાગ્યું. એમની ઈચ્છા હતી કે શિવ કે મુના બાપુ બેમાંથી કોઈ એક વાતની શરૂઆત કરે.
શિવનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલમાં જ હતું. જાણે એ કંઈક શોધી રહ્યો હતો. એ દરમિયાન અચાનક જ એનાં ચહેરાં પર આછું સ્મિત ફરક્યું. ત્યારે જ મુના બાપુએ પૂછ્યું, "તે તો મારાં શિકારને અમદાવાદ પહોંચાડી દીધો‌. હવે મારાં આદમીઓનું શું? એને કોણ છોડાવશે?" મુના બાપુનો અવાજ સાંભળીને શિવે મોબાઈલ બંધ કર્યો, અને મુના બાપુ તરફ જોયું.
"માણસો જરૂરી છે, કે તમારી દિકરી અનોખીની પસંદ?" શિવે ચહેરાં પર કોઈપણ પ્રકારનાં હાવભાવ વગર જ સવાલ કર્યો.
"મતલબ?" મુના બાપુએ શરીર કડક કરીને થોડાં ઉંચા અવાજે પૂછ્યું, "એમાં વચ્ચે મારી દિકરી ક્યાંથી આવી?" એમનો ચહેરો તંગ થઈ ગયો.
"એ તો પહેલેથી જ વચ્ચે હતી. જેની તમને જાણ પણ નથી." શિવે એકદમ સ્વસ્થ અવાજે કહ્યું, "અનોખી નિખિલને પસંદ કરે છે. જો મેં નિખિલને અમદાવાદ નાં પહોંચાડ્યો હોત, અને અનોખીને જાણ થઈ હોત, કે એનાં પિતાએ નિખિલને કિડનેપ કર્યો છે. તો તમે જ વિચારો આજની પરિસ્થિતિ શું હોત?"
શિવની વાત સાંભળીને મુના બાપુ ઉંડા વિચારોમાં સરી પડ્યાં. એમની આંખો સામે એ દ્રશ્યો તરવરવા લાગ્યાં. જ્યારે આ જ બંગલામાં મુના બાપુનાં દુશ્મનો ઘુસી આવ્યાં હતાં, અને એમની સાથે ગોળીબારી દરમિયાન ખુદ મુના બાપુની રિવૉલ્વરની ગોળી એમનાં પત્નીને લાગી ગઈ હતી, અને એમનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું હતું. એ દિવસથી અનોખી મુના બાપુને નફરત કરવાં લાગી હતી. એનાં મમ્મીની ક્રિયાકર્મની વિધિ પૂરી થતાં જ એ એનાં મામાની ઘરે અમદાવાદ જતી રહી હતી. પછી ક્યારેય ફરી મુંબઈ આવી ન હતી. ક્યારેક મુના બાપુ એને મળવાં અમદાવાદ જતાં. ત્યારે પણ અનોખી સરખી રીતે મુના બાપુ સાથે વાત નાં કરતી.
દશ વર્ષની ઉંમરે અનોખીએ જે દ્રશ્ય જોયું હતું. એ પછી એ ઈચ્છતી તો પણ પોતાનાં પિતા સાથે ખુલીને વાત નાં કરી શકતી. એણે ઘણીવાર પોતાનાં મમ્મી-પપ્પા વચ્ચે વાતો થતાં સાંભળી હતી. જેમાં મુના બાપુનાં પત્ની મુના બાપુને ખરાબ કામો કરવાની અને લોકોને ડરાવીને ગુંડાગર્દી નાં કરવાં સમજાવતાં. છતાંય મુના બાપુ ક્યારેય એમની વાતો સમજ્યા ન હતાં. પરિણામે અંતે એમનાં પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બસ એ એક દિવસ જ હતો, જે મુના બાપુની આંખમાં આજેય આંસુ લાવી દેતો. જેને એમણે ક્યારેય આંખમાંથી બહાર વહેવા દીધાં ન હતાં. જેનું કારણ બદલો અને અનોખી હતી.
મુના બાપુ પોતાનાં બંગલામાં તે દિવસે હુમલો કરનાર વ્યક્તિઓને શોધીને મોતને ઘાટ ઉતારવા માંગતા હતાં, અને અનોખી એમને નફરતની નજરથી જોતી. એ નજરમાં ફરી પ્રેમ ભરવાં માંગતા હતાં. પણ, એ લોકો ફરી ક્યારેય મુના બાપુને હાથ નાં લાગ્યાં. આજે એ વાતને આઠ વર્ષ થઈ ગયાં હતાં. છતાંય મુના બાપુને એ રાતે પોતાનાં બંગલે હુમલો કરનાર વ્યક્તિઓનાં ચહેરાં ફરી ક્યારેય જોવાં મળ્યાં ન હતાં. એમને એમ હતું, કે બદલો લેવાથી અનોખી એમને નફરત કરવાનું છોડી દેશે. પણ, હકીકતે એવું છે કે નહીં? એ તો માત્ર અનોખી જ જાણતી હતી.
"અનોખી તમને નફરત કરે છે. એ વાત તમે જાણો છો." શિવનાં અવાજથી મુના બાપુ ફરી વર્તમાનમાં પહોંચી ગયાં. એમણે માથું ઉચું કરીને શિવ સામે નજર કરી, "નિખિલને તમે કિડનેપ કર્યો છે, એવી જાણ થતાં જ એ તમને વધું નફરત કરવાં લાગત. એટલે ત્યારે મને જે ઠીક લાગ્યું, એ મેં કરી દીધું. બાકી આગળ તમારી ઇચ્છા, કે તમારે મારી સાથે શું કરવું છે?" શિવે નરમ અવાજે ઉમેર્યું, "મારો ઈરાદો તો સારો જ હતો. અનોખી તમને છોડીને શાં માટે અમદાવાદ જતી રહી? એ વાત અમુક લોકો જ જાણે છે. જેમાં મારો અને બાપુનો સમાવેશ પણ થાય છે. બસ એ કારણથી જ મેં અનોખી તમારાથી વધું દૂર નાં જાય, તમને વધું નફરત નાં કરવાં લાગે. એનાં માટે એક નાની એવી કોશિશ કરી હતી."
"પણ, તને કેમની ખબર કે અનોખી નિખિલને પસંદ કરે છે?" મુના બાપુએ નેણ સંકોચીને પૂછ્યું, "જો એવું હતું, તો તું મને પણ જણાવી શકતો હતો. તો તે મારી જાણ બહાર નિખિલને શાં માટે છોડાવ્યો? વળી પાછો મારાં ગાર્ડને પણ કહેતો ગયો."
"એ જ તો લોજીક છે." શિવે આંખોમાં ચમક ભરતાં કહ્યું, "જેમ તમને જાણ થઈ ગઈ, કે હું નિખિલને લઈને અમદાવાદ જ ગયો છું. એમ જ મને પણ જાણ થઈ ગઈ, કે અનોખી નિખિલને પસંદ કરે છે. આખરે હું એક બિઝનેસમેન પણ ખરો! એટલી તો જાણકારી રાખવી પડે ને." એણે આરામથી સોફાનો ટેકો લઈને વાતને આગળ ધપાવી, "રહી વાત તમને શાં માટે જાણ નાં કરી અને ગાર્ડને કહીને શાં માટે ગયો? તો એમાં પણ એક લોજીક છે. હું તમને જણાવતો તો તમે વગર જાણકારી હાંસિલ કર્યે નિખિલને છોડતાં નહીં, અને ત્યાં સુધીમાં અનોખીને નિખિલનાં પરિવાર પાસેથી બધી જાણકારી મળી જાત. એટલે હું તમને નાં કહીને ગાર્ડને કહીને ગયો. જેથી તમે નિખિલને શોધવાં મહેનત પણ નાં કરો અને મારું કામ પણ થઈ જાય."
"ઠીક છે, આજે તો જવાં દઉં છું. હવે કોઈ ભૂલ કરી, તો માફી નહીં સીધી ગોળી મળશે. એ પણ ખોપરીની આરપાર!" કહીને મુના બાપુ ઉભાં થયાં, અને સીડીઓ ચડીને ઉપર પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.
મુના બાપુનાં જતાંની સાથે જ જગજીતસિંહને હાશકારો થયો. એમણે શિવ તરફ જોયું, શિવે ટેબલ પર મૂકેલી પોતાની રિવૉલ્વર ઉઠાવી, અને બંને ઉભાં થઈને બંગલાની બહાર આવી ગયાં. શિવ પોતાની જીપમાં ડ્રાઈવર સીટ પર ગોઠવાયો, અને જગજીતસિંહ એની બાજુની સીટમાં ગોઠવાયાં. શિવે જીપને પોતાનાં ઘર તરફ ચલાવી મૂકી. આખે રસ્તે બંને મૌન જ રહ્યાં. જગજીતસિંહનાં સવાલોનો હજું અંત આવ્યો ન હતો. એ સવાલ પૂછવા તત્પર હતાં, તો શિવ જવાબ આપવા તત્પર હતો‌. બંને બસ ઘરે પહોંચવાની રાહ જોઈ રહ્યાં હતાં.



(ક્રમશઃ)


_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED