Connection-Rooh se rooh tak - 16 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 16

૧૬.શબ્દોની જાદુગરની


શિવે એનો બંગલો આવતાં જ જીપને બ્રેક મારી. અપર્ણા જ્યારે પહેલીવાર અહીં આવી, ત્યારે એની નજર બંગલોની નેમ પ્લેટ પર ન હતી ગઈ. આજે જીપમાંથી નીચે ઉતરતાં પહેલાં જ એની નજર બંગલોની નેમ પ્લેટ પર પડી. જ્યાં અંગ્રેજીમાં 'જાડેજા' લખેલું હતું. આજે અપર્ણા આ બંગલોને કોઈ માફિયાના બંગલો તરીકે નહીં, પણ એક એવાં વ્યક્તિનાં બંગલો તરીકે જોઈ રહી હતી. જેમાં અનેકો રાઝ છુપાયેલાં હતાં. જે અપર્ણા જાણવાં માંગતી હતી. પણ, જાણી શકશે કે નહીં? એ એને ખુદને ખબર ન હતી.
એ બંગલાનું નિરીક્ષણ કરતાં કરતાં જ જીપમાંથી નીચે ઉતરી. શિવને આવેલો જોઈને ગાર્ડે તરત જ દરવાજો ખોલ્યો. અપર્ણા અને શિવ સાથે જ અંદર પ્રવેશ્યાં. શિવને જોતાં જ રાધાબાએ તરત જ એને છાતી સરસો ચાંપી લીધો. શિવ કંઈક બોલવાં ગયો, ત્યાં જ જગજીતસિંહે એને ઈશારા દ્વારા ચુપ રહેવા જણાવ્યું. શિવ કંઈ નાં બોલ્યો. થોડીવાર પછી રાધાબા જાતે જ શિવથી દૂર થઈ ગયાં. એમણે એક નજર શિવ સાથે આવેલી અપર્ણા પર કરી. અપર્ણાએ હાથ જોડીને નમસ્તે કર્યું. બદલામાં રાધાબાએ પણ સ્મિત સાથે પોતાનાં હાથ જોડ્યા. શિવે જગજીતસિંહ પાસે જઈને એમનાં ચરણ સ્પર્શ કર્યા. જગજીતસિંહે થોડાં અણગમા સાથે શિવનાં માથાં પર હાથ મૂક્યો.
"આ છોકરી કેમ સાથે આવી છે?" આશીર્વાદ આપ્યાં પછી જગજીતસિંહે ધીરેથી શિવને પૂછ્યું.
"ગળે પડેલી મુસીબત છે. જે તમે જ મારાં ગળે બાંધી છે." શિવે અપર્ણા તરફ જોઈને ધીરેથી કહ્યું.
શિવનો એવો જવાબ સાંભળીને જગજીતસિંહે શિવ સામે આંખો કાઢીને જોયું. શિવ કંઈ પણ બોલ્યાં વગર રાધાબા તરફ જતો રહ્યો. એમણે પ્રેમથી શિવનાં ગાલે હાથ મૂક્યો. અપર્ણા એક તરફ ઉભી આ બધું જોઈ રહી હતી. જગજીતસિંહે એનું ધ્યાન ભંગ કરતાં કહ્યું, "બેટા, બેસ ને."
જગજીતસિંહનો અવાજ સાંભળીને અપર્ણા જાણે ચોંકી. એ માત્ર ડોક હલાવીને સોફા પર બેસી ગઈ. રાધાબા એક નોકર સાથે કિચનમાંથી ચા નાસ્તો લઈને આવ્યાં. આઠ કલાકની ઉંઘ પછી અપર્ણાને ભૂખ તો કકડીને લાગી હતી. પણ, એમ સીધી જ કેવી રીતે ખાવાં લાગે? એમ વિચારીને એ પોતાનાં હાથ અને પેટ પર કંટ્રોલ કરીને બેસી રહી.
"આ નાસ્તો તારાં માટે જ છે, બેટા." રાધાબાએ ચાનો કપ અપર્ણા તરફ લંબાવીને કહ્યું. અપર્ણા નાસ્તો કરવો કે નહીં? એ અસમંજસમાં છે, એ સમજતાં રાધાબાને જરાં પણ વાર નાં લાગી.
અપર્ણા તરત જ નાસ્તા પર ટૂટી પડી. એ જોઈને રાધાબા મંદ મંદ મુસ્કુરાઈ રહ્યાં હતાં. એમની સાથે જગજીતસિંહ, રઘુ અને શિવ પણ હસવા લાગ્યાં. પણ, અપર્ણાનું ધ્યાન તો નાસ્તામાં જ હતું. એમાંય નાસ્તો પણ એનો ફેવરીટ હતો. પાત્રા અને ખમણ ઢોકળા! હવે અમદાવાદની અપર્ણા આવો નાસ્તો છોડી પણ કેવી રીતે શકે? પેટ ભરીને નાસ્તો કર્યા પછી અપર્ણાનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. એ એનાં પેટ પર હાથ ફેરવીને સ્મિત કરવાં લાગી.
"આન્ટી! નાસ્તો બહું જ સ્વાદિષ્ટ હતો. કોણે તમે બનાવ્યો હતો?" અપર્ણાએ રાધાબા તરફ જોઈને પૂછયું.
"હાં, આ નાસ્તો મેં બનાવ્યો હતો. મને ગમ્યું કે તને નાસ્તો પસંદ આવ્યો." રાધાબાએ સ્મિત કરતાં કહ્યું.
"ખરેખર, આ નાસ્તામાં મારાં મમ્મીનાં હાથ જેવો જ સ્વાદ હતો." અપર્ણાએ પોતાની મમ્મીને યાદ કરતાં કહ્યું.
"દુનિયાની દરેક માઁ ના હાથમાં એકસરખો જ સ્વાદ હોય છે." શિવે થોડું ભાવુક થઈને કહ્યું. જે પોતાની માઁ ને બહું પ્રેમ કરતો હતો.
અપર્ણાનાં નાસ્તો કર્યા બાદ નોકર ખાલી પ્લેટો લઈને જતો રહ્યો. એ પછી થોડીવાર બધાં વચ્ચે ગંભીર મૌન છવાઈ ગયું. અપર્ણાને વધું સમય મૌન રહેવું પસંદ ન હતું. મૌન એને અકળાવી જતું. એટલે એ એની આદતવશ મૌનને તોડતાં બોલી ઉઠી, "બાપુ! મને માફ કરજો. મેં જ શિવને મુના બાપુનાં બંગલે જવાં માટે ઉશ્કેર્યો હતો. એમાં એની કોઈ ભૂલ નથી."
અપર્ણાનો માસૂમ ચહેરો જોઈને જગજીતસિંહ તરત જ પીગળી ગયાં. એમણે હસતાં મુખે કહ્યું, "મારો છોકરો તારી વાતોમાં આવી ગયો, એ જાણીને મને જરાં પણ નવાઈ નાં લાગી. તું તો છે જ શબ્દોની જાદુગરની!" એમણે એક નજર શિવ સામે કરી, "તારાં શબ્દોમાં મારો ઓછાં બોલો શિવ ફસાઈ ગયો."
"બાપુ..." શિવે સહેજ આંખો મોટી કરીને જગજીતસિંહ સામે જોયું.
"શું બાપુ હેં? એમણે સાચું જ તો કહ્યું." અપર્ણાએ જગજીતસિંહની વાતમાં સૂર પુરાવ્યો, "તું ખરેખર મારી વાતોમાં આવી ગયો હતો. મારાં શબ્દોનો જાદું તારી ઉપર ચાલ્યો, એટલે જ તો તું મને મુના બાપુનાં બંગલે લઈ ગયો. બાકી તું તો મને છોડીને ભાગી રહ્યો હતો." એ આરામથી સોફાના ટેકે બેઠી અને ઉમેર્યું, "પણ, કંઈ વાંધો નહીં. આખરે મારો જાદું તારી ઉપર ચાલી જ ગયો. તું મને મુના બાપુનાં બંગલે લઈ ગયો અને મારાં ભાઈને પણ બચાવી લીધો."
"સિરિયસલી? હું તને છોડીને ભાગી રહ્યો હતો? તારાં શબ્દોનો જાદું મારી ઉપર ચાલી ગયો? રિયલી?" શિવે અપર્ણા સામે જોઈને રિએક્ટ કરતાં કહ્યું, "મેં તને પહેલાં જ કહ્યું હતું, કે ખોટાં વ્હેમ પાળવાનું બંધ કરી દે, અને તે જે કર્યું એને જાદું ચલાવવો નહીં, કોઈને ઉશ્કેર્યા કહેવાય. આમ પણ એ તે ખુદ જ સ્વીકાર્યું હતું."
"હાં તો? એકવાર કોઈ વાત સ્વીકારી તો આ રીતે સંભળાવવુ જરૂરી છે?" અપર્ણા સોફા પરથી ઉભી થઈ ગઈ, અને ઉંચા અવાજે બોલવાં લાગી, "મેં તારી હેલ્પ કરી, બદલામાં તે મારી હેલ્પ કરી, હિસાબ બરાબર. હવે તે ખુદ મારી હેલ્પ કરી કે મેં તને હેલ્પ કરવાં મજબૂર કર્યો. એ વાતનો કોઈ મતલબ નથી બનતો." એ અચાનક જ ફરી સોફા પર બેસી ગઈ, અને પગ પર પગ ચડાવીને ઉમેર્યું, "આમ પણ હું છું જ ઇન્ટેલિજન્ટ, માત્ર થોડુંક બોલીને જ કોઈની પણ પાસેથી કામ કઢાવી લઉં."
અપર્ણાની ખુદનાં જ વખાણ કરવાની સ્ટાઈલથી જગજીતસિંહ અને રાધાબા ખુદને હસવાથી રોકી નાં શક્યાં. એમને હસતાં જોઈને અપર્ણાને ભાન થયું, કે પોતે શું બોલી ગઈ છે? એણે જીભ કાઢીને પોતાનાં જ માથે ટપલી મારી. એ જોઈને શિવ પોતાનું માથું પકડીને બેસી ગયો. અપર્ણાએ તો આખું વાતાવરણ જ પલટી નાખ્યું હતું. એને એમ હતું, કે જગજીતસિંહની માફી માંગીને બંને મુના બાપુનાં બંગલે જશે, અને જે થયું એનો કોઈ ઉપાય લાવશે. પણ, અહીં તો અપર્ણાએ પોતાની જ કહાની શરૂ કરી દીધી હતી.
"બાપુ! આપણે મુના બાપુનાં બંગલે જઈએ હવે?" શિવે કંટાળીને ધીરેથી જગજીતસિંહને પૂછ્યું.
"જવું તો પડશે જ ને." કહીને જગજીતસિંહ ઉભાં થયાં. શિવ પણ એમની પાછળ ઉભો થઈ ગયો. બંનેનાં ગંભીર ચહેરાં જોઈને રાધાબા પણ થોડાં ગંભીર થઈ ગયાં.
"તમે મુના બાપુનાં બંગલે જાવ છો?" અપર્ણાએ થોડાં ગંભીર અવાજે પૂછ્યું.
"હાં." શિવે ચિડાઈને કહ્યું.
"બાપુ! હું પણ સાથે આવું?" અપર્ણાએ એકદમ શાંત અવાજે પ્રેમથી પૂછ્યું.
"કોઈ જરૂર નથી. તું અહીં આવી ગઈ એટલું ઘણું છે." શિવે સહેજ સખત અવાજે કહ્યું.
"બાપુ! તમારો છોકરો શું પહેલેથી જ આવો છે?" અપર્ણાએ ધીરેથી પૂછ્યું. છતાંય શિવ સાંભળી ગયો. એણે તરત જ અપર્ણા સામે આંખો ફાડીને જોયું, "આમ આંખો ફાડીને શું જુએ છે? નામ શિવ છે તો શું હંમેશા તાંડવ કરવાં તૈયાર જ રહીશ? થોડું પ્રેમથી પણ બોલી શકાય ને?"
"તારું કંઈ નહીં થાય." શિવે કપાળે હાથ મૂકીને કહ્યું. એ સાંભળીને અપર્ણાએ તરત જ એની સામે મોઢું બગાડ્યું. જગજીતસિંહ અને રાધાબાથી ફરી હસાઈ ગયું. શિવે જગજીતસિંહ સામે આંખો ઝીણી કરીને જોયું, તો એ તરત જ ચુપ થઈ ગયાં.
"બેટા! તું અમારી સાથે નાં આવી શકે. અમે અમારી રીતે સંભાળી લેશું. હવે અમે નીકળીએ." બાપુએ પ્રેમથી અપર્ણાનાં માથાં પર હાથ મૂકીને કહ્યું, અને શિવ સાથે મુના બાપુનાં બંગલે જવાં નીકળી ગયાં.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED