પરિતા - ભાગ - 23 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 23

સમર્થ ઘણી બધી વસ્તુઓ જેમ કે ટોયઝ, ગેમ્સ અને ચોકલેટ્સ લઈને પહોંચી ગયો દીપને મળવા માટે. એને જોતાં જ દીપ દોડીને "ડેડી..., ડેડી..." કરીને એને વળગી પડ્યો. સમર્થ એને ઊંચકીને એને ગાલ પર હેતભરી ચૂમીઓ કરવા લાગ્યો. સમર્થે વિચાર્યુ જ નહોતું કે દીપ આ રીતે આટલા પ્રેમથી એને આવકારશે...! સમર્થ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. દીપને છોડવાનું એને મન જ નહોતું થઈ રહ્યું હતું પણ તેમ છતાં એણે એને નીચે મૂક્યો અને એની સાથે વાતો કરવા માંડ્યો.

જ્યારે દીપ અંદર સમર્થ માટે પાણી લેવા ગયો ત્યારે સમર્થે આખા ઘરમાં નજર ફેરવી લીધી હતી. ઘર સુઘડ, સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત લાગ્યું પણ બસ થોડું નાનું લાગી રહ્યું હતું.

"તું તારાં ડેડીને મિસ નથી કરી રહ્યો....?" સમર્થે પાણીનો ગ્લાસ નીચે મૂકતા - મૂકતા પૂછ્યું.

"ના..."

"ના.....!!!" દીપનો જવાબ સાંભળી સમર્થ ચોંકી ગયો ને પછી બોલ્યો, "તારી મમ્મીએ મારાં માટે ઘણું બધું ઊંધું - સીધું કીધું હશે..., નઈ....?"



"ના.., મમ્મીએ મને તમારાં માટે કંઈ જ આડું-અવળું
નથી કીધું કે દાદા - દાદી માટે પણ...! હું તમને મિસ નથી કરતો કારણ કે મેં તમને મારાંથી દૂર કર્યા જ નથી. ભલે હું તનથી તમારાંથી દૂર થઈ ગયો હોઉં પણ મનમાં તો મારાં ડેડી તરીકે તમને રોજ જ નિહાળું છું એ પણ મમ્મીની વાતોમાં.., માત્ર તમને જ નહિ પણ દાદા - દાદીને પણ... ! રોજ સવારે અમારી વાતોમાં તમારાં બધાંની વાતો અચૂક જ હોય છે, મારી અને મમ્મીની સવાર તમારાં વિશેની સારી - સારી વાતોથી જ શરૂ થાય છે."

"તો પછી તમે આવતાં રહો અમારી સાથે રહેવા માટે....!"

"ના..."

કેમ...?"

"પપ્પા ...., ત્યાં મમ્મીને રોજેરોજ દાદીનાં મોઢેથી કવેણ સાંભળવા મળતા, તમે પણ મમ્મી સાથે કોઈ પણ પ્રકારની ફ્રેન્ડલી રીતે વાત કરતા નહિ એટલે મમ્મીનું મન ખીલી શકતું જ નહોતું...., લગ્નજીવનમાં ખુશ રહેવાને બદલે મમ્મીને કટકટ સાંભળીને જ દિવસો પસાર કરવા પડતા હતાં ને એટલે મમ્મી સતત હતાશ રહેવા લાગી હતી એટલે મમ્મી મને અહીંયા લઈને આવી ગઈ છે..., મમ્મીએ મને આવું પહેલેથી જ કહી દીધું છે.. "

"તો એમાં તને મારાંથી દૂર નહોતો કરવો જોઈતો હતો ને....!"

"તમારાંથી દૂર તો હું ત્યારે હતો.., ડેડી...! અત્યારે મમ્મીની વાતોને કારણે હું તમારી નજીક આવી શક્યો છું. ત્યારે તો આપણને એક જ ઘરમાં રહેવા છતાં એકબીજાને મળવાનો સમય રવિવાર સિવાય મળતો જ નહોતો!"

દીપે નાના મોઢે ખૂબ જ મોટી વાત કરી દીધી હતી. એની વાત સાંભળીને સમર્થને સૂઝ્યું જ નહિ કે પોતે શું બોલે!

"ના.., ના.., ડેડી હું તમને ફરિયાદ નથી કરી રહ્યો..." દીપે સમર્થનો હાથ પકડતા કહ્યું.

સમર્થનાં આંખમાં આંસુ આવી ગયું હતું. એ આંસું અશ્રુધાર બને એ પહેલા જ "મળી લીધું બાપ - દીકરાએ એકબીજાને....?" બોલતી બોલતી પરિતા દરવાજામાંથી અંદર દાખલ થઈ.

સમર્થે એની સામે અપરાધભાવથી જોયું. પરિતા એની આંખની ભાષા સમજી ગઈ. એ સમર્થની પાસે ગઈ અને બોલી, "તું આ રીતે અપરાધભાવે મને ન જો..., હું તારાંથી દૂર તને સજા આપવાનાં હેતુથી નહોતી થઈ..., પણ હું તો મારાં એ અસ્તિત્વને બચાવવા માટે નીકળી હતી જે મરવાની અણી પર આવી ગયું હતુ."

"તું એને ત્યાં મારી સાથે, મારાં ઘરે રહીને ન બચાવી શકત...? એ માટે આ રીતે દીપની સાથે ઘર છોડવાની જરૂરત હતી....?"

"હું ઘરને અને તને આ રીતે છોડત જ નહિ જો તેં મારી વાતની અવગણના ન કરી હોત...તો! લગ્ન થઈ ગયાં એટલે એક પત્ની તરીકે , એક વહુ તરીકે ને એક ગૃહિણી તરીકે મારી ફરજ છે પણ પણ એનો અર્થ નથી કે એ ફરજોની પાછળ હું મારું અસ્તિત્વ જ ખોઈ બેસું.....! ને એક માણસ તરીકે મારાં માટે મારાં અસ્તિત્વને જીવંત રાખવાની ફરજનો નંબર તો સૌથી પહેલા આવવો જોઈએ.. , કારણ સૌથી પહેલા હું એક માણસ છું ને પછી એક દીકરી, પત્ની, પુત્રવધુ છું. બરાબર ને...?"

પરિતા માટે આ રીતનો વિચાર તો સમર્થે ક્યારેય કર્યો જ નહોતો...પોતે જાણે પતિ બની ગયા પછી માણસ તરીકે આ પ્રકારનું વિચારવાનું જ છોડી દીધું હતું એવું એને લાગ્યું.

(ક્રમશ:)