તારીખ : ૦૯-૦૮-૨૦૨૨
રાણકગૌરી એક ચીસ પાડી ભર ઊંઘમાંથી જાગી ગયાં, પલંગમાં સફાળાં બેઠાં થઈ ગયાં. બંને હાથ ટેકવેલાં હતાં પણ, જાણે એ ટેકો બોદો લાગતો હતો. પોતે ફસડાઈને પડી જશે એમ લાગ્યું. બાજુનાં ઓરડામાં સૂતેલાં બંને બાળકો, નેહલ અને સુકેતુ રાણકગૌરીનાં ઓરડા તરફ દોડ્યાં. સાસુમા દેવીબા પણ આ ચીસ સાંભળી જાગી ગયાં હતાં. ધીમે રહીને બેઠાં થવાની કોશિશ કરી રહ્યાં હતાં. પણ, ધીરજ ન રહેતાં બૂમ પાડી, 'નેહલ બેટા, જો તો મમ્મીને શું થયું?' નેહલે તેમને સાંત્વનાત્મક સૂરમાં કહ્યું, 'દાદીમા, તમે ઊઠશો નહીં. મમ્મીને જોઈને તમારી પાસે જ આવું હં.' દેવીબા પૌત્રીનો જવાબદારીસભર પ્રત્યુત્તર સાંભળી રાહ જોતાં બેસી રહ્યાં.
સુકેતુએ રાણકગૌરીનાં ઓરડામાં પ્રવેશ કર્યો અને નેહલ પણ તેની પાછળ જ પ્રવેશી. ઓરડામાં ખુલ્લી બારીમાંથી પ્રવેશતાં પૂર્ણચંદ્રના અજવાળામાં રાણકગૌરીનાં મોં ઉપરનો ગભરાટ કળાતો હતો. નેહલે લાઈટની સ્વીચ પાડી અને તેનાં વધુ શુભ્ર અજવાળામાં રાણકગૌરીનો લાલચોળ થઈ ગયેલો ચહેરો, રડતાં સૂઝી ગયેલી આંખો, આંસુથી ખરડાયેલાં ગાલ સ્પષ્ટ દેખાયાં. બેય બાળકો મમ્મીની નજીક ધસી ગયાં. નેહલે જમણા હાથે ધીમે ધીમે મમ્મીનાં વાળ પસવારવા માંડ્યાં અને ડાબા હાથે મમ્મીનો હાથ પ્રેમથી દબાવ્યો જાણે, ભરોસો આપતી હોય, તને કાંઈ જ નહીં થાય. સુકેતુએ પલંગની બાજુમાં પડેલ ટિપોય ઉપરથી જગ ઉપાડી તેમાંથી પાણી ભરીને ગ્લાસ મમ્મીનાં મોં નજીક ધર્યો. બંને બાળકોને જોઈ રાણકગૌરીને થોડી શાતા વળી. પાણી પીને તેઓ થોડાં સ્વસ્થ થયાં એટલે, સુકેતુ ઊભો થઈ દાદીમાને લેવા ગયો.
આ બાજુ દેવીબા પલંગની બાજુમાં લગાવેલ સળિયો પકડીને ઊભાં થવાની તૈયારીમાં જ હતાં અને પૌત્ર પહોંચી ગયો. પોતાનાં ખભાનાં સહારે દાદીમાને મમ્મીનાં ઓરડા સુધી દોરીને લઈ ગયો. તેઓ બંને ઓરડામાં પહોંચ્યાં ત્યાં સુધીમાં રાણકગૌરી ઘણાં જ સ્વસ્થ થઈ ગયાં હતાં. બારીમાંથી પૂર્ણચંદ્ર હવે દેખાતો નહોતો, તેની ઉપર કાળાં ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં અને વચ્ચે વચ્ચે વીજળીના ચમકારા ઓરડાનાં અંદરનાં ખૂણા સુધી ક્ષણિક અજવાળું ફેલાવી જતાં હતાં. સામાન્ય રીતે મજબૂત મનનાં એવાં રાણકગૌરીને આજે પહેલી વખત વિક્ષિપ્ત જોતાં દેવીબા અને બાળકોને ઘણું જ વિસ્મય થયું હતું.
હજી કોઈ કાંઈ પૂછે એ પહેલાં જ ઝલકગૌરીનો મોબાઈલ ફોન રણક્યો. નેહલે ફોન ઉપર અજાણ્યો નંબર જોતાં સાશંક ફોન ઉઠાવ્યો. સુકેતુ અને દેવીબાની નજર એકસાથે જ સામેની સફેદ, ઊંચી દિવાલ ઉપરની ઘેરાં કથ્થાઈ રંગની લાકડાની બનેલી, સોનેરી રંગનાં લોલકવાળી, સફેદ ચંદાવાળી, રોમન અંકોથી ઓપતી ઘડિયાળનાં કાંટે અટકી જેમાં બરાબર બે વાગીને એકવીસ મિનિટ થઈ હતી. નેહલ બોલી, 'નમસ્તેજી. બોલો, હું આપને કઈ રીતે મદદરૂપ થઈ શકું?' સામા છેડેથી ફોન લગાડનાર, મેજર મોહન થાપરને સોએ ટકાની ખાતરી થઈ ગઈ કે આ કર્નલ સુશાંતસિંહનાં જ ઘરનો નંબર લાગ્યો છે. તેમનાં પરિવારમાં દરેક સભ્યના બોલવામાં એક અનોખી છટા વર્તાઈ આવતાં.
છતાંયે, મેજર પાસે જે સમાચાર હતાં તે આપતાં પહેલાં તેમણે સાવચેતી માટે નંબરની ખરાઈ કરતાં પૂછ્યું, 'હું મેજર મોહન થાપર. શું હું કર્નલ સુશાંતસિંહજીનાં પરિવારનાં જ સભ્ય સાથે વાત કરી રહ્યો છું?' તેમનાં અવાજનો હળવો થડકારો પામી ગયેલ નેહલે થોડું ગળું ખંખેરી, 'હા જી, હું તેમની દીકરી, નેહલ બોલું છું. શું વાત છે, જણાવશો.' મેજર વધુ ખચકાયા અને સ્વગત ઉચ્ચાર્યું, 'એક દીકરીને આ સમાચાર કઈ રીતે આપું?' જરા ભીનાશભર્યાં અવાજે બોલ્યાં, 'ઘરમાં કોઈ પુરુષ સભ્ય હોય તો ફોન આપશો?' નેહલ પરિસ્થિતિને પૂર્ણપણે પામી ગઈ, તે પોતાનાં કુટુંબની પાંચમી પેઢી હતી જેમાં, આજ સુધી દેશની રક્ષા કાજે જીવવા અને શહીદ થનાર બાળકો જ જન્મ્યા હતાં. તેણે ગળામાં જરાય ખારાશ ન વર્તાય તેની તકેદારી રાખતાં કહ્યું, 'બોલો સર, આ કુટુંબમાં જન્મેલ દરેક વ્યક્તિનું મનોબળ હિમાલય જેવું છે, કોઈપણ ઝંઝાવાત તેને વિચલિત ન જ કરી શકે.' મેજર ગદગદિત થતાં બોલ્યાં, 'દીકરા, કર્નલ સુશાંતસિંહજી આજનાં આતંકવાદી હુમલામાં તેમની બિછાવેલી માઈન્સની જાળમાં પોતાનાં બે જુનિયર સાથે ફસાયાં અને ત્રણેયે અતિશય ઘવાયાં પહેલાં ગોળીબારની રમઝટ બોલાવી લગભગ સો ફૂટ દૂર આવેલાં તેમનાં એક બન્કરનો, મોટીમાત્રાનાં વિસ્ફોટકો સાથે નાશ કર્યો. જતાં પહેલાં પણ... ', તેમનો અવાજ વીરમી ગયો. નેહલના અવાજમાં ગજબની, તેનાં દાદીમા જેવી મકકમતા, લોહીમાં પિતાનાં સંસ્કારોનો ગરમાવો અને વિચારોમાં તોફાની સમુદ્રનાં મોજાં જેવો ઉછાળ આવી ગયાં. પણ, ચહેરાની સપાટી ઉપર આમાંનું કશુંયે ન આવવા દઈ મેજર થાપરને કહ્યું,' સર, મારો ભાઈ અને હું ટ્રેઈનીંગ પૂરી કરી ચૂક્યાં છે અને આવતાં જ અઠવાડિયે સર્વિસ ઉપર હાજર થવાનો ઓર્ડર અમારી પાસે આવી ચૂક્યો છે. સેનામાં જોડાઈને, દેશસેવા કરવાનો લહાવો લેવાનો અવસર હવે અમને મળશે.'
દાદીમા દેવીબા, રાણકગૌરી અને સુકેતુ, નેહલની આ છેડેથી થતી ફોન ઉપરની વાતોથી બધું જ કળી ગયાં. નેહલે ફોન મૂક્યો, વીજળીના ગડગડાટ શમવાનું નામ નહોતાં લેતાં. હમણાં સુધી ખાસી સ્વસ્થતા ધારણ કરી ચૂકેલ રાણકગૌરીએ પોતાનાં બંને હાથની હથેળીઓ દેવીબાનાં બંને ખભાં ઉપર દીકરા જેવી મજબૂતી સાથે પુત્રવધુનાં હાથની કોમળતા જાળવીને મૂકી, અને કહ્યું, 'મા, મારાં ઊંઘમાં આટલાં ચમકી જવાનું કારણ મારો ડર નહીં પણ, સુશાંતજીનું મારાં સ્વપ્નમાં આવવું હતું. છેલ્લાં ત્રણ દિવસથી તેઓ તેમનાં યુનિટ સાથે આતંકવાદીઓ સામે મોરચા ઉપર હતાં. તેઓ અચાનક ઘાયલ અવસ્થામાં મને મારાં સ્વપ્નમાં દેખાયાં અને મેં વિચાર્યું, દેશ માટે બલિદાન આપવાના બદલે તેમનું મન સંસાર તરફ કેમ વળ્યું?, અને હું સમજી મારી તપસ્યા અને ત્યાગ ક્યાંક કાચાં પડ્યાં. પણ, તેમનો દેહ પડ્યા પછી જ મને સ્વપ્ન આવ્યું.' એટલે... ' સુકેતુ બોલી ઉઠ્યો,' તમે અમને સેનામાં વળાવવા જરાય વિલંબ ન કરો માટે જ પપ્પાજી તમારાં સ્વપ્નમાં આવ્યાં, એમ જ ને, મમ્મી?' ' હા, દીકરા.' દાદીમા અને મમ્મી બંને સાથે બોલી ઊઠ્યાં. અને સવારે તમારાં પપ્પાજીનો નશ્વરદેહ પણ આવી જશે.' ત્રણેયે હકારમાં માથું હલાવ્યું. પછી, ઊંઘ કે અજંપાના સ્થાને ચારેયનાં મનમાં દેશસેવાનો સંતોષ અને મોં ઉપર ખુમારીની ચમક બહાર થતી વીજળીથીયે વધુ પ્રકાશથી ચમકતાં લાગ્યાં.
અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા