Niyati na lekh books and stories free download online pdf in Gujarati

નિયતીના લેખ

વાર્તા : નિયતીના લેખ
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત
તારીખ : ૦૧-૦૬-૨૦૨૨

'મમ્મી મારી દીકરીને તું તો સાચવીશ જ, મારાંથીયે અદકેરી. પણ, એક મા થઈને તેને છોડીને જવાની પીડા હું કેમ કરી સહીશ? અને જ્યારે મારાં સાસરિયાં કહેશે તેને લઈ જવાનું, હું ક્યા મોંએ તેને તેડવા આવીશ? અને જો હું તેડવા આવીશ, તે મારી સાથે આવશેય ખરી? મને પોતાની મા માનશેય ખરી? અને જો માનશે તો મા ના પ્રત્યે જે દીકરીનો ભાવ હોય તે તેનામાં મારાં માટે જાગશે?' આવાં તે કાંઈ કેટલાંયે સવાલો નિયતીનાં મનમાં જ ધરબાઈ ગયાં. તે ચોકડીમાં ગઈ, સામાન્ય રીતે દદૂડી પડે એટલો જ નળ ખોલતી તેણે આજે આખો નળ ખોલી નાખ્યો. ધડધડાટ પાણી વહી જતું હતું જેનાં અવાજમાં તેનું ધીમું આક્રંદ દબાઈ ગયું અને મોં ઉપર આડેધડ પાણીની છાલકો મારી તેણે આંસુની ખારાશને નહીંવત કરી દીધી. પણ એ બધીયે ખારાશ તેનાં સહજીવનમાં કાયમ માટે સમાઈ ગઈ.

રેવામા ડાહી પૌત્રીને મૂંગા મૂંગા જોઈ રહ્યાં. નિયતી નળ અધખૂલ્લો છોડી ઘરમાં ગઈ અને તૈયાર થવાં ઓરડાનાં બારણાં વાસી દીધાં. રેવામાએ ચોકડીમાં જઈ ખૂલ્લો નળ તો વાસી દીધો પણ પૌત્રીનાં મનમાં જે અનરાધાર વરસી રહ્યું હતું તેને રોકવા તો તેય અક્ષમ હતાં. મન વાળીને બેઠકમાં જઈ પોતાની આરામખુરશી શોભાવતાં વિમળાવહુને સાદ દીધો. વિમળાવહુ રસોડામાં નાનકડાં દોહિત્ર અને દોહિત્રી માટે ફળોનો રસ તે વાટકીઓમાં ભરી રહ્યાં હતાં, તે આજ્ઞાંકિત વહુના વેશે હડબડાટીમાં ઘૂમટો ખેંચતાં બહાર આવ્યાં, 'બોલો બા.' રેવામાએ જીવનમાં પહેલી વખત તેને પાસે બેસવાનો ઈશારો કર્યો. વિમળાવહુ ખચકાયાં. રેવામાએ ફરી ઈશારો કરી ઊમેર્યું, 'દીકરા, આવ બેસ મારી પાસે.' વિમળાવહુની સાથે પાછળ ઓરડામાં પ્રવેશ કરતાં, રેવામાનાં એકમાત્ર પુત્ર, મનોહરને પણ પોતાના કાન ઉપર વિશ્વાસ ન આવ્યો. વિમળા ખચકાતી બાજુની સોફાચેરમાં બેસી પડી, પડતાં પડતાં રહી ગઈ. સોફાનો હાથો પકડી સરખી બેસવા જાય ત્યાંતો રેવામાએ તેનો હાથ ઝાલી પોતાનો બીજો હાથ તેના ઉપર મૂકી થોડો હૂંફાળો દબાવ્યો. વિમળાની આંખોમાં જાણે સૂક્ષ્મદર્શક-કાચ પ્રવેશી ગયો. તેને રેવામાની આંખોનું હેત, કરચલિયાળું સ્મિત, હાથની નસોમાં ધબકતું જીવન બધુંયે ઘણું વિસ્તૃત અને સ્પષ્ટ ભાસી રહ્યું.

વિમળાવહુથી છૂટ્ટા મોંએ રડાઈ ગયું. રેવામાનો હાથ તેનાં ખભા અને હાથ ઉપર ફરી રહ્યો. આજ સુધી મા ની આમન્યાએ, તેમની હાજરીમાં પત્ની હોય એ ઓરડામાંયે ઝાઝું ન રોકાતો મનોહર, પોતાના ડગલાંને બગડેલી બ્રેકની સાયકલની જેમ રોકી ન શક્યો. તેનાથી પત્નીની પીઠ પસવારાઈ ગઈ. રેવામાનો બીજો હાથ દીકરાના હાથ ઉપર થઇ તેને પણ સાંત્વના આપી રહ્યો. આજે પ્રથમવાર જ ઘરનાં ત્રણેય સભ્યો એક જ ઓરડામાં નિયતીના દુઃખને પોતેય અનુભવતાં આમન્યાને ઘરબહાર મૂકી પોતાનાં સંવેદનોને છૂટ્ટા હાથે વેરી રહ્યાં હતાં.

એટલામાં બાળકોના રડવાનો અવાજ આવ્યો, વિમળાવહુ અને મનોહર બેય લગભગ દોડ્યાં. અંદર જઈને બેય બાળકોને અદકેરાં હેતે ઉંચકી બહાર આવ્યાં. આમ તો આજે જય જવાનો હતો. ખુશાલી તો અહીં જ રહેવાની હતી પણ, નાના - નાની બેયનું હેત ખુશાલી ઉપર જ વરસી રહ્યું હતું. બેય બેઠકમાં આવ્યાં અને રેવામાએ હાથ લંબાવી દીકરાના હાથમાંથી જયને તેડી લીધો. આજે સાંજે નિયતી તેને લઈને શ્વસુરગૃહે જશે પછી ક્યારેય પાછી ફરશે. અને, દીકરીના ઘરે તો શેં જવાય? બંને બાળકો હજી આઠ દિવસ પહેલાં જ છ મહિના પૂરાં કરી સાતમા મહિનામાં પ્રવેશ્યાં હતાં. તેના બીજાં જ દિવસે નિયતીના સાસુમાનો ફોન આવ્યો કે આજથી સાતમે દિવસે હું અને તમારા જમાઈરાજ નિયતીને અને જયને તેડવા આવીશું. મનોહર પહેલાં સમજી ન શક્યો તેણે ક્હ્યું, 'અને ખુશાલીને પણ.' ત્યાં જ વેવાણ ટહુક્યાં, 'ના, ના, મેં બરાબર જ કહ્યું. અમે ખુશાલીને તમને સોંપવાનો નિર્ણય લીધો છે. આમેય તમે ત્રણ, પતિ, પત્ની અને રેવામાનો સમય કેવી રીતે જશે? અને જેમ નિયતીને ઘડી છે એવી જ ડાહીડમરી આ ખુશાલીને ય ઘડજો. મેં તો ત્રણ દીકરા જ ઉછેર્યાં છે. દીકરીઓ ઊછેરવી મારાં ભાગ્યમાં જ નથી. નહીં તો ભગવાન મને ન દેત? અને નિયતીનેય જોડિયાં કેમ અવતર્યાં, એકલી દીકરી કે બે દીકરી કે બે દીકરા કેમ નહીં? ભગવાને જોઈ સમજીને જ તમારાં માટે દોહિત્રી અને અમારાં માટે કુળદીપક આપ્યો છે.' મનોહર ખચકાતાં બોલ્યો,' નિયતીને જાણ છે આની, વેવાણ? ' વેવાણ લગભગ તાડૂકતાં બોલ્યાં, 'તે હવે મારે વહુને પૂછીને ચાલવાનું? મેં તો અનુરાગને પણ નથી પૂછ્યું. અને તેમને સમજે ય શું પડે આ બધી વાતોમાં? અનુરાગની નોકરી દૂર, તેનાં બંને મોટાં ભાઈઓ તો વિદેશમાં સ્થાયી થયેલાં છે. તમારી દીકરીય તે સરકારી શાળામાં શિક્ષિકા છે. તે બે - બે બાળકો સાથે અહીં લઈ આવું તો તમારી દીકરી મારી ચાકરી કરે કે હું એનાં છૈયાંની?' મનોહરનું આટલું અપમાન તો ક્યારેય થયું નહોતું પણ તેથીયે વધુ તો તેને દીકરીની પરિસ્થિતિ અને તેનાં નસીબમાં લખાયેલ વિયોગથી આધાત લાગ્યો. 'ના, ના, વેવાણ. તમે જેમ કહો એમ જ થશે. જય માતાજી' કહી તેણે સામે છેડે ફોન મૂકાયા પછી ફોન મૂક્યો.

તે જાણે બળબળતા તાપમાં ઉઘાડા પગે અને માથે ચાલીને આવ્યો હોય એવી કાંતિહીનતા અનુભવવા લાગ્યો. તેની ત્રુટક વાતો સાભળતાં રહેલા રેવામાએ વિમળાવહુને સાદ દઈ પાણી મગાવ્યું. મનોહર આખાં બે ગ્લાસ ભરી પાણી એકશ્વાસે જ ગટગટાવી ગયો જાણે આખાંયે રણની તરસ તેને લાગી હોય. સોફાચેરમાં પીઠને થોડી જોરથી ટેકવી અને બંને ખભાં હથેળીઓથી દબાવ્યાં. વિમળા થોડી ગભરાઈ પણ, રેવામાની હાજરીમાં પતિને પૂછાયે કેવી રીતે કે શું થાય છે. દીકરાને વાળમાં હાથ ફેરવવા રેવામા ઝૂક્યાં અને પૂછ્યું, 'મનોહર, શું કહ્યું વેવાણે? મારે તો એ મારી બેનપણીની દીકરી. બહુ જ ડાહી. મારી જ આંખ આગળ મોટી થયેલી. તારી સાથેય તો રમતી ને?'

'હા મા, પણ હવે એ માત્ર વેવાણ છે અને હું દીકરીનો બાપ.' મનોહર નિઃશ્વાસભર્યા અવાજે બોલ્યો. પછી મનોહરે માંડીને વાત કરી. રેવામાની આંખમાં ક્રોધમિશ્રીત આંસુની છારી બાઝી ગઈ પણ, વિમળા ધીમે રહીને રસોડામાં સરકી અને ચોધાર આંસુએ રડી પડી. આ બધુંયે બારણાંની ઓથે સાંભળી રહેલી નિયતી જાણે ત્યાં આવી જ નહોતી એવી નિરવતાથી પોતાનાં ઓરડામાં જતી રહી જ્યાં તેનાં ફૂલગુલાબી બાળકો નિશ્ચિંત નીંદર માણી રહ્યાં હતાં. તેમની તરફ અમીનજરે જોઈ પછી નિયતીએ તેના ઓરડાની દિવાલે પ્રેમ અને શ્રદ્ધાથી બિરાજમાન કરેલ મા અંબાના ફોટાની આંખોમાં જોઈ પૂછ્યું, 'મા તું યે સ્ત્રી છે, મા છે. શું મારાં બે બાળકોનો વિજોગ તેં જ નક્કી કર્યો છે? મા, કાંઈ મારગ સૂઝાડ.'

થોડીવારે વિમળાએ તેને તંદ્રામાંથી જગાડી જમવા બોલાવી. મનોહર બાળકોને પારણામાંથી બહાર કાઢી રમાડવા બેઠો. તેણે પત્નીને આંખનાં અણસારે કહી દીધું કે વેવાણની વાત દીકરી સુધી પહોંચાડે. વિમળાએ પણ તે જ રીતે પ્રત્યુત્તર વાળ્યો. કોળિયા પરાણે ઊતારતી દીકરીને જોઈ મા ને આછો ખ્યાલ તો આવી જ ગયો કે દીકરીને આજની નવાજૂનીની જાણ થઈ ગઈ છે. પણ, તેણે મન મક્કમ કરી જાતે ખાતરી કરવા વાત માંડી. 'બેટા, તારાં સાસુમાનો ફોન હતો.' જમતાં જમતાં નિયતીનો હાથ થંભી ગયો અને તેણે માની લાલચોળ થયેલી આંખોમાં ભીની આંખે જોઈને કહ્યું, 'મા, મેં તમારાં બધાંની વાત સાંભળી લીધી છે. મને એય વાતનો ભરોસો છે કે તમે લોકો કાંઈ જ નહીં કરી શકો. જે થાય એ થવા દો.' વિમળા દીકરીની આટલી ત્વરિત સ્વસ્થતાથી થોડી આભી બની ગઈ. પણ, તે રસોડું આટોપવા લાગી. તેની આજે ભૂખ જ મરી ગઈ હતી. નિયતી પણ મા ને એકેયવાર આગ્રહ ના કરી શકી.

પછીના ત્રણ દિવસમાં રેવામાએ વિમળાની સાથે થઈ જીયાણાની બધી વસ્તુઓ ખુશાલી અને જય માટે ખરીદી. એક સાંજે બધું મનોહરને અને નિયતીને બતાવવાં બેઠાં તો મનોહરથી બોલી જવાયું, 'ખુશાલી માટે આટલાં કપડાં એકસાથે કેમ ખરીદ્યાં? તે તો આપણી જોડે જ રહેવાની છે. જેમ જેમ મોટી થાય એમ લેતાં જઈશું. વિમળાએ નિઃશ્વાસભર્યા સ્વરે કહ્યું,' વેવાણ એમ નહીં કહે કે જીયાણું બચાવ્યું?' રેવામાએ ઊમેર્યું,' દાગીના પણ બેયનાં જ લીધાં છે. પરમદિવસે સાંજે નિયતી ઉપર જમાઈરાજાનો ફોન હતો. કહેતાં હતાં કે વેવાણે બંને બાળકોના દાગીના સાથે લઈ જવા કહ્યાં છે. ત્યાં તેમને સમાજમાં બતાવવા પડે ને?' મનોહર સમસમી રહ્યો પણ નિયતીના રડમસ ચહેરાને અને બેય બાળકોની ભોળી મુદ્રાઓ જોઈ તે કાંઈ જ ન બોલ્યો.

બીજાં દિવસથી ચારેય જણ એમ ડોળ કરતાં કે બધુંય બરાબર છે અને બાળકો સાથે વધુને વધુ સમય વીતાવતાં. આમ કરતાં આજે એ દિવસ આવી પહોંચ્યો જ્યારે નિયતી અને જયને તેડવા અનુરાગ અને તેની મમ્મી આવી રહ્યાં હતાં.

નિયતી જ્યારે પોતાને શાંત રાખી શકી ત્યારે તેણે રેવામાને પોતાનાં ઓરડામાં આવવા સાદ દીધો. રેવામા સમજ્યાં કે પૌત્રી રડશે પણ તે ઘણી સ્વસ્થ હતી. થોડીવારની બેયની વાતચીત પછી રેવામા ઓરડામાંથી સ્વસ્થતાથી બહાર નીકળ્યાં અને પોતાનાં ઓરડામાં જઈ થોડીવારે બહાર બેઠકમાં આવ્યાં.

વેવાણ અને જમાઈરાજાએ ઘરમાં પ્રવેશ કર્યો. વેવાણે જયને લઈ ખૂબ રમાડ્યો પછી ખુશાલી તરફ નજર કરી કહ્યું, 'આને બહુ માયા લગાડતી નથી. પછી તમને હેરાન કરશે.' તેમણે અનુરાગને પણ આંખને પલકારે બાંધી દઇ ધરાર ખુશાલીને તેડવાયે ન દીધી. મનોહર અને વિમળાનું મન સાવ ભાંગી ગયું પણ, દીકરીના સુખે સુખી, એમ માની બેય ચૂપ રહી ગયાં. જમીને આરામ કરી સાંજે ચાર વાગ્યે નીકળવાની તૈયારી કરતાં વેવાણે મનોહરને કહ્યું, 'નિયતીને બે દીકરા હોત તો સારૂં. આ મારે અનુરાગનેય બે - બે ભાઈઓ છે. એકબીજાની ઓથ રહે.' મનોહરે ફિક્કું હાસ્ય વેર્યું. વેવાણના કહેવાથી વિમળાએ દીકરીને જયને લઈ બહાર આવવા સાદ દીધો. ત્યાં નિયતી હાથમાં ખુશાલીને તેડી બહાર આવી. વેવાણે પિત્તો ગુમાવ્યો અને દીકરીને તેની મા ના હાથમાંથી લગભગ આંચકી લીધી. ત્યાં જ જયને લઈને આવતાં રેવામા એ નિયતીને કહ્યું, 'દીકરા, હવે કેમ ચૂપ છે?' રેવામાને તૈયાર થઈ જયને તેડેલો જોઈ મનોહર અને વિમળાને નવાઈ લાગી. ત્યાં જ નિયતીએ કહ્યું, 'મા જી, અનુરાગજી, મમ્મી - પપ્પા, સાંભળો. મારાં સંસ્કારોએ આજે હથિયાર હેઠાં નાખી દીધાં છે એક માની વ્યથા આગળ. આજે હું કોઈની પત્ની, દીકરી કે વહુ નથી. માત્ર આ બે નિર્દોષ બાળકોની મા છું. હું મારા સાસરે નથી જઈ રહી. દાદી સાથે જયાં મારી નોકરી છે, એ શહેરમાં જાઉં છું. ત્યાં તમે બંને પણ જ્યારે ઈચ્છો ત્યારે આવી શકશો. મારાં બેય બાળકો મારી દાદીની સારસંભાળથી ઉછરશે. મારી બહેનપણી, જે મારી સાથે જ નોકરી કરે છે, તેને કહી મેં એક ઘર ભાડે લીધું છે. કામ કાજ માટે પણ એક બહેનને કહ્યું છે જેથી હું અને દાદી બાળકોનો પૂરતો ખ્યાલ રાખી શકીએ. અમારી ટિકીટો પણ મેં ઓનલાઈન કઢાવી લીધી છે. હું આર્થિક રીતે પગભર છું તેનો મને સંતોષ છે, અભિમાન નહીં. પણ જ્યારે મારાં બાળકોનાં પિતા અને દાદી જ તેમને વિખૂટાં પાડવાની કોશિશ કરે, જેમને મા અંબાએ જાતે જ સાથે આ પૃથ્વી ઉપર સાથે મોકલ્યાં છે. જેમને પ્રભુએ જ કાયમી સાથ આપ્યો છે, તેને આપણે કેમ કરી વિખૂટા પાડવાં?

બીજીયે એક વાત અહીં ઉલ્લેખનીય છે કે, મારી નોકરીના સ્થળે જ અનુરાગજી બદલી કરાવી રહ્યાં હતાં પણ, મારાં સાસુએ જ તે રોકાવી દીધી. અનુરાગજી બે-ત્રણ અઠવાડિયે થાકીને, ક્યારેક તો બહારનું ખાઈ, બીમાર પડીને આવે. હું એમાં ન બોલી. અનુરાગજીએ પણ એમ જ કહ્યું કે, 'જવા દે. મમ્મીને નહીં ગમે.' જ્યાં સામે ચાલીને દીકરા અને વહુને, બે જોડિયા બાળકોને વિખૂટા પડાતાં હોય અને ઉપરથી સાવ નાની, અબૂધ દીકરીને મા થી વિખૂટી પડાતી હોય ત્યાં મારે જવું જ નથી. ' વિમળા વેવાણને કરગરવા લાગી,' માફ કરજો, થોડી દુભાઈ છે. હું સમજાવી દઉં છું.' ત્યાં રેવામા તેને અટકાવતાં બોલ્યાં,' વિમળા, તારી દીકરી બરાબર જ કહે છે. આજે હું તેના જ પક્ષમાં છું. મેં ય તને દુભવી ઘણીયે વાર પણ, આપણી એકની એક નિયતીને મેં ક્યારેય નથી ધુત્કારી. એ તો મારી આંખનું રતન. જેવો દીકરો એવી જ દીકરી.' અનુરાગને કોઈનો ફોન આવ્યો. તેણે નામ જોયું અને બહાર જઈ વાત કરી. સાવ ઢીલો થઈ અંદર આવ્યો અને ધીમેથી પોતાની મમ્મીને સમજાવવાં લાગ્યો. વેવાણ થોડાં કૂણાં પડ્યાં હોય એવું લાગ્યું. તે બેસી ગયાં અને નિયતી પાસેથી ખુશાલીને માગી. નિયતીએ પૌત્રીને તેની દાદીનાં ખોળામાં મૂકી ત્યાં વેવાણ પોતાનાં આંસુ ખાળી ન શક્યાં.

મોડી સાંજે જમીને અનુરાગની ગાડીમાં સાસુમા સાથે બંને બાળકો લઈ નીકળેલ નિયતીને હર્ષભેર વળાવાઈ. નિયતી વહુએ સસરાજી સાથે મળીને રચેલ નાટકે બે સહોદરોનાં જીવન જોડી રાખ્યાં.

આથી હું, અલ્પા ભટ્ટ પુરોહિત બાંહેધરી આપું છું કે, આ વાર્તા 'નિયતીના લેખ' મારી સ્વરચિત અને મૌલિક રચના છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED