manma varse meh books and stories free download online pdf in Gujarati

મનમાં વરસે મેહ

વાર્તા : મનમાં વરસે મેહ
સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત
તારીખ : ૨૬-૦૬-૨૦૨૨, રવિવાર

શિખાએ બારી બહાર જોયું અને વરસતો વરસાદ જોઈ કૂદીને સોફા ઉપરથી જમીન ઉપર અને પળવારમાં તો બગીચામાં પહોંચી ગઈ. યાદ આવતાં પાછાં ફરીને જાળીને પોતાની મસ્તીમાં જ પગથી ધક્કો મારતી ગઈ. આરતીની મીંચાયેલ આંખ આ જાળી અથડાવાથી ખૂલી ગઈ. તેણે પડ્યાં પડ્યાં જોયું કે શિખા જાળીની પેલેપાર વરસાદમાં નાચતી, હાથમાં પાણીનાં બિંદુઓને ઝીલવાની કોશિશ કરતી ભીંજાઈ રહી છે. આરતીને પોતાનું બાળપણ યાદ આવી ગયું. તેનેય તો વરસાદમાં ભીંજાવું, ઘર પાસે ભરાયેલાં પાણીમાં છબછબિયાં કરવાં, ખોબામાં વરસાદના પાણીને ઝીલીને પીવું કેટલું ગમતું. તેની બા અને દાદી બૂમો ભલે પાડતાં રહે, સાંભળે તો શિખા શાની? હજીયે શિખા બહાર જ હતી. તેનું ધ્યાન વરસાદનાં વધુ જોરથી અફળાતાં ફોરાંમાં જ હતું. મમ્મી જાગી ગઈ છે તે તરફ તેનું કોઈ ધ્યાન જ ન હતું. શિખાનાં વાંકડિયા, લાંબા વાળની લટો તેનાં ગાલ અને ગરદન ઉપર ચોંટી ગઈ હતી. તેનાં પગ નીચેનાં ખરબચડાં પેવર બ્લોક પણ પાણીએ સમથળ કરી લીસ્સાં કરી નાખ્યાં હતાં. બગીચાનાં છોડવાં પવનથી અને પાણીથી મઝાનાં ઝૂલી રહ્યાં હતાં. બહાર મુખ્ય દરવાજે ખખડાટ થયો. આરતી ઊઠીને જુએ એ પહેલાં તો ક્લબમાં ગયેલ પપ્પાજી પાછાં ફર્યાં હતાં. આજે મોસમનો પહેલો જ વરસાદ હતો એટલે તેઓ પાસે છત્રી પણ નહોતી અને ક્લબ સાવ બાજુની જ ગલીમાં, તે પપ્પાજી ગાડી કે બાઈક કશુંય લીધાં વિના જતાં. આરતીને થયું, 'હાશ, પપ્પાજી જ પલળતી શિખાને અંદર લઈ આવશે.' પણ તેનાં આશ્ચર્ય વચ્ચે પપ્પાજી પોતે જ વહાલી પૌત્રી સાથે વરસાદમાં પલળવા લાગ્યાં. બેય જણ મોટે સાદે, 'આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ...' ગાતાં ગાતાં એકબીજાંનાં હાથ પકડી ગોળ ગોળ ફરતાં ઓટલેથી લોનમાં ઊતરી ગયાં.

આરતી બબડી,'હવે તો મારે જ ઊઠવું પડશે. 'ઊઠતાં ઊઠતાં તેણે પોતાનાં વાળ સંકેલ્યાં અને ઓશિકા નીચે મૂકેલ બક્કલ તેમાં લગાવ્યું. 'અરે વરસાદમાં વાળ ન બાંધીશ, ખુલ્લા, ભીંજાયેલ, કાળાભમ્મર વાળમાં તારું રૂપ ઓર નિખરે છે.' જાણે સોમેશ તેની સાવ પડખે ઊભો રહી તેનાં કાનમાં કહેતો હોય એમ લાગ્યું. એમ પણ લાગ્યું કે સોમેશનો હાથ તેનાં જમણા ખભા ઉપર છે. આરતી તે તરફ જોવાં ગઈ તો સાંજના ઉતરેલ અંધારા ઓળા સિવાય ત્યાં કાંઈ જ ન હતું. લાગ્યું જાણે અચાનક ગળું સૂકાઈ ગયું. જરા ખોંખારો ખાધો પછી બેસિનમાં મોઢું ધોઈ આવી અને રસોડામાં પેઠી. માટલામાંથી પ્યાલો ભરી પાણી ઝડપથી ગટગટાવી ગઈ. આછું અંતરસ ગયું ત્યાં જ પાછળથી અવાજ આવ્યો, 'કેટલી વાર કહું, આરતી? પાણી તો બેસીને પી, જો પાછું અંતરસ ગયું ને?' આરતીને હતું જ આ તેનો ભાસ છે પણ આ વરસતા વરસાદમાં એક વખત સોમેશને મન ભરીને જોઈ લેવાની લાલચ તે ન ટાળી શકી અને તેનો ભ્રમ પાછળ જોતાંમાં જ ભાંગી ગયો.

આ ભ્રમજાળથી પીછો છોડાવવા તેણે ફ્રીજમાંથી દૂધની તપેલી કાઢી અને પોતાની અને પપ્પાજીની કડક, મીઠ્ઠી અને તાજ્જું આદુ અને લીલી ચા નાખી ચા બનાવવાની શરૂ કરી. ખાંડની બે ચમચી નાખી, ત્યાં ફરી સોમેશ સંભળાયો, 'અરે, મારી ચા માં ખાંડ ન નાખીશ. તારી આંગળીથી જ હલાવી દેજે પ્યાલામાં.' અને તે અચાનક બોલી પડી, 'ના ના, મારી આંગળી ન દઝાય? હું તો એક ઘૂંટડો પીને મીઠ્ઠી કરી આપીશ.' અને એકલાં એકલાં જ હસી પડી. તે એકલી જ છે એ યાદ આવતાં હાસ્ય એક ડૂસકા સાથે વીરમ્યું. આરતીએ સાડીના પાલવથી આંખો લૂછી અને ચાને ધીમા તાપે ઊકળતી મૂકીને તપેલી લઈ ચણાનો લોટ પલાળ્યો. આમ તો સોમેશ અને પપ્પાજી વરસાદ વરસવો શરૂ થાય એટલે સાદ કરે,' આજે થોડો હલકો નાસ્તો જ કરવો છે. એમ કર ભજિયાં બનાવ, ગરમ પણ હલકાં.' આરતીને શરૂમાં નવાઈ લાગતી, 'ભજીયાં તો ભારે, હલકાં કેવી રીતે?' તેનું ભોળપણ જોઈ પિતા-પુત્ર બોલી ઉઠેલાં, 'એ તેલ ઉપર તરે ને, એટલે હલકાં. ' પછી તો ખડખડાટ હાસ્ય વેરાયેલું ત્રણેયનું.

મેથીની ભાજી સમારેલી પડી હતી ફ્રીજમાં. આરતીએ થોડાં ખીરામાં તેને ભેળવી અને થોડાં ખીરાંમાં બટાટા, ડુંગળી, રીંગણનાં પતીકાં નાખ્યાં. મધ્યમ તાપે તેલ ગરમ થવા મૂક્યું અને ઉકળી ગયેલ ચા નો સ્ટવબંધ કરી તેને કીટલીમાં ગાળીને ઢાંકી દીધી. દાદા અને દીકરી પલળતાં હતાં ત્યાં જ મીઠો લીમડો વાવેલો હતો. આરતી થોડો લીમડો તોડવા બહાર ગઈ. પપ્પાજીની આંખોમાં તે જોઈને પાણી તો આવ્યું પણ વરસાદે તે કળાવા ન દીધું. પણ પપ્પાજીનાં રૂદન રોકવાના પ્રયાસમાં હોઠ વંકાઈ ગયાં અને આરતી સુધી તેમની સંવેદના પહોંચી ગઈ. વરસાદનો આનંદ માણતી શિખાનાં રંગમાં ભંગ ન પડે એટલે, 'ચાલો બેય જણ. ચા-દૂધ સાથે ગરમા ગરમ ભજીયાંનો આનંદ લેવા.' આરતીએ અંદર જતાં જતાં સાદ દીધો. ત્યાં વળતોક જવાબ આવ્યો દીકરીનો, 'મમ્મી, વરસાદમાં તે અંદર બેસાય, અહીં જ લઈ આવને, આ રુફ નીચે જ બેસીશું.' 'અદ્દલ પિતાની નકલ.' આરતી ગણગણતી, હોઠે મલકતી, આંખે ઉદાસીભરી, ગોળ પ્લેટમાં મેથી ગોટા, લાંબી સર્વિંગ ટ્રે માં ટિશ્યૂપેપર્સ પાથરી ઉપર વિવિધ પતીકાંવાળાં ભજીયા ગોઠવ્યાં.

મીઠા લીમડાનાં ભજીયાં ગોઠવતાં તેનાં હાથ અને હૈયે થડકારો અનુભવાયો. આ ભજીયાં તો સોમેશનાં જ મનની ઉપજ હતી. આરતી અને પપ્પાજી કહેતાં કે, 'ડાળખાંનાં તે ભજીયાં હોય?' અને સોમેશ જવાબ વાળતો કે, 'જુઓ, કેવાં કલાત્મક અને અનોખાં સ્વાદવાળાં છે આ મીઠા લીમડાનાં ભજીયાં.' અને ખડખડાટ હાસ્ય વેરાયું સોમેશનું. પપ્પાજીએ ચા અને દૂધ લઈ જવા આરતીને હાક મારી ત્યારે તે તંદ્રામાંથી જાગી અને રૂદન ગળામાં જ અટકાવવા કાંઈ ન બોલીને સર્વિંગ ટેબલ તરફ નજર કરી. પપ્પાજીએ દૂધનો ગ્લાસ અને ચાની કીટલી વાળી ટ્રે ઉંચકતાં કહ્યું,' શિખામાં સોમેશનો મીઠા લીમડાનાં ભજીયાં પ્રત્યેનો અને વરસાદની સોબતનો પ્રેમ અદ્દલ એવો જ ઊતર્યો છે. ધરાતી જ નથી.' આરતી માત્ર ધીમું હસી.

બંને બહાર આવ્યાં ત્યાં, શિખા ટેબલ ફરતે ત્રણ ખુરશીઓ મૂકીને એક ઉપર બેઠી હતી. ગ્લાસની અંદરનું ગરમ દૂધ ગટગટાવીને પોતાની પ્લેટમાં મીઠા લીમડાનાં ભજીયા લેવા લાગી. તેને જોતાં જોતાં આરતી અને દાદાજી ચાની ચૂસકી લઈ રહ્યાં હતાં. ત્યાં સોમેશ ચોથી ખુરશી લઈ બેસતો જણાયો. 'મારાં ભજીયાં ક્યાં?' આરતીના હાથમાંનો કપ થોડો ધ્રુજી ગયો. દાદા અને પૌત્રી ચા નાસ્તો પૂરો કરી અંદર ગયાં. દાદાએ શિખાને તેનાં ભીનાં કપડાં બદલવાં તેનાં ઓરડામાં મોકલી અને પોતે પણ કોરાં કપડાં પહેરી વાળ લૂછતાં દીવાનખંડમાં આવીને બેઠાં. પછી તો ટેલિવિઝન ઉપર રામાયણ ધારાવાહિકનાં ભાગ જોતાં જોતાં ગમ્મત કરતાં દાદા અને શિખા, બંનેએ એકબીજાનાં વાળ કોરાં કર્યાં.

બહાર ચાનો કપ પકડી થીજી ગયેલ આરતીને સોમેશ હાથ પકડી વરસાદમાં ખેંચી રહ્યો હતો. 'અરે, તું કેમ કોરી રહે? યાદ છે, જ્યારે તું ભર વરસાદમાં સાયકલ ઉપર કોલેજ જતી હતી અને સાયકલનું પૈંડુ સ્લીપ થતાં પડી ગઈ હતી, હું સામેથી છત્રી લઈ મારાં નવાં શર્ટ-પેન્ટ સાચવતો ઓફિસ જતો હતો. પણ, તને રડમસ જોઈ, છત્રી મૂકી તને ઊભી કરી. તેં ઊભાં થતાં સુધીમાં તો મારાં ખભે હાથ મૂકી મારો નવો નકકોર સફેદ શર્ટ ભીનો અને માટીવાળો કરી દીધો હતો? ' આરતીથી જવાબ અપાઈ ગયો, 'હા, પછી તું મારાં ઉપર ગુસ્સે થઈ ગયેલો. એવું કોણ કરે, પહેલાં મદદ કરે અને પછી ખખડાવે?' પણ, ત્યાં સાંભળનાર કોઈ જ નહોતું.

આરતી ચા નો એક ઘૂંટડો લઈ પાછી ભૂતકાળમાં સરી પડી. થોડાં દિવસો પછી અગાસીમાં કપડાં સૂકવતાં ધ્યાન ગયું તો, સોમેશ તેનાં ઘરથી ત્રીજા જ ઘરે રહેવા આવ્યો હતો. સોમેશ અને તેનાં પિતા બે જ જણ હતાં ઘરમાં. મમ્મીનું વર્ષો પહેલાં અવસાન થયું હતું અને બંને બહેનો પરણીને પોતપોતાને સાસરે વસતી હતી. આરતીની સોમેશ સાથેની મુલાકાતો વધતી ચાલી. કોઈ વખત તેનાં ઘરે કાંઈ મિષ્ટાન્ન આપી આવતી, તો ક્યારેક તે બંનેને પોતાના ઘરે જમવા તેડી જતી. કો'ક વખત તો તેમના ઘરે જઈ રસોઈ બનાવી બંનેને જમાડતી. આખું ચોમાસું બજારમાંથી કાંઈને કાંઈ લાવવાના બહાને સોમેશના સ્કૂટર પાછળ પલળતી બેસી શહેરનાં દૂર - સુદૂરનાં વિસ્તારોમાં બંને ઉતરી પડતાં, તો ક્યારેક રિક્ષામાં બેસી ગરમાગરમ મકાઈ અને મગફળીની જ્યાફત માણતાં.

આરતી અને સોમેશ જ્યારેય મળતાં, તેઓ બે નહીં ત્રણ જ રહેતાં. હા, એ ત્રીજો તે વરસાદ, મેહ, મેહુલિયો. તેમનાં ધીરે ધીરે ફોરી રહેલાં પ્રેમનો પ્રથમ પળથી સાક્ષી એવો આ વરસાદ. 'ઓ મમ્મી, આ તારું ફેવરીટ ગીત આવે છે, અવાજ મોટો કરું છું. ' શિખાનાં ટહુકે આરતીની તંદ્રા તૂટી. અંદરથી ગીત સંભળાવા લાગ્યું, 'બરસાત મેં તુમસે મિલે હમ સજન, હમસે મિલે તુમ બરસાતમેં' પછી દાદા અને દીકરીનો એકસાથે અવાજ આવ્યો, 'તક ધીના ધીન', આછાં સ્મિત સાથે સોમેશની આદતોનાં સહેનાર પપ્પાજી અને તેની આદતોનાં વારસદારની આ જુગલબંદી ઉપર તેનું હાસ્ય છૂટી પડ્યું અને કપરકાબી સમેટતી ઘરમાં ગઈ. વરસાદની એક તોફાની સાંજે ઓફિસથી આવતાં સોમેશનું બાઈક સ્લીપ થયું, ઉઘાડાં વરસાદી નાળામાં તે ઘસડાયો અને, તેને ઊભાં કરનાર કે બચાવનાર કોઈ ન મળ્યું. તેને થયેલ એ છેલ્લી ઘડીની ગૂંગણામણ આરતી અત્યારે પણ અનુભવી રહી હતી. પણ, શિખાનું બાળપણ જાળવવા આરતી અને પપ્પાજી સ્વસ્થતાની આડશ મજબૂત કરી રહ્યાં હતાં, જે કેટલાંયે ભારે વરસાદમાં ન તૂટે. અંદર રસોડામાં જતાં તેનો પગ ઉંબરે અથડાયો. 'સોમેશ, મેં કહ્યું હતું ને, રસોડામાં ઉંબરો નહીં પણ, તું યે...' અને પ્રત્યુત્તર ન મળતાં વાસણ સીંકમાં મૂકી દીવાનખંડમાં આવીને દાદા અને પૌત્રીની જુગલબંધીમાં જોડાવાની કોશિશ કરવા માંડી.

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED