ભગતની બાધા
-રાકેશ ઠક્કર
એક જમાનો હતો જ્યારે 'કેન્સર' ને 'કેન્સલ' કહેવામાં આવતું હતું. આધુનિક યુગમાં ભલે કેન્સર માટે અનેક પ્રકારની સારવાર ઉપલબ્ધ છે પરંતુ એક જમાનામાં જ્યારે એનો કોઇ ઇલાજ ન હતો ત્યારે કેન્સર થયું હોય એનું મોત નિશ્ચિત ગણાતું હતું. અને આ રોગમાં ચમત્કાર થયો હોય એમ જો કોઇ બચી જાય તો ડૉકટરો મોંમા આંગળા નાખી જતા હતા. આવો જ એક કિસ્સો ચરોતરના કોમેડી કિંગ ગણાતા હાસ્ય કલાકાર લહેરી ભગતનો એમના જ કાર્યક્રમમાં થોડા દિવસ પહેલાં સાંભળ્યો હતો. એમની પ્રેરણા આપે એવી અને શ્રધ્ધા વધારે એવી એ વાત જાણવા જેવી છે. કેમકે ૨૦૦૬ ની સાલમાં કેન્સર થયું છે એવું જાણીને લહેરી ભગત હતાશ કે નિરાશ થયા ન હતા. એમણે ભગવાન પર બધું છોડી દીધું હતું. એમની માતાને શ્રધ્ધા હતી કે એમના દીકરાનું કેન્સર રણુજાના રાજા મટાડી દેશે. જ્યારે ડૉકટરે લહેરી ભગતને કહ્યું કે તમને ગળાનું કેન્સર છે. તમે વધારેમાં વધારે બે વર્ષના મહેમાન છો. એથી વધારે જીવી શકશો નહીં. આ વાતની ખબર એમની પત્નીને થઇ ત્યારે એમણે કહ્યું કે આજથી તમારા પાણીનું માટલું અને પ્યાલો અલગ રાખજો. તમારા જમવાની થાળી તમારે જ ધોઇ નાખવાની. પણ જ્યારે લહેરી ભગતે માતાને કહ્યું કે મને કેન્સર છે ત્યારે એમણે રણુજાવાળાની બાધા રાખી કે દીકરાને સારું નહીં થાય ત્યાં સુધી કોઇ સફેદ વસ્તુ ખાઇશ નહીં. અને ભગતે બાધા રાખી કે તે સારા થઇ જશે તો ઉઘાડા પગે રણુજાની પદયાત્રા કરશે. ત્યારે કેન્સરના રોગની કોઇ સારવાર ઉપલબ્ધ ન હતી.
લહેરી ભગત રણુજાના રાજા રામદેવ પીર પર વિશ્વાસ રાખીને બેઠા. અને એ વાતને બાર મહિના થયા એટલે માતાએ ભગતને કહ્યું કે જઇને ડૉકટર પાસે તપાસ કરાવીને આવ. લહેરી ભગત ફરી એ જ ડૉકટર પાસે ગયા ત્યારે એમણે નવાઇથી સવાલ પૂછ્યો કે હજુ જીવો છો? ભગતે એમને કહ્યું કે મારે ફરીથી રીપોર્ટ કઢાવવો છે. ડૉકટરે કહ્યું કે હવે રીપોર્ટ કઢાવીને કંઇ અર્થ નથી. ઘડી ઘડી શું કામ રીપોર્ટ કઢાવો છો? હજુ એકાદ વર્ષ વધારે જીવશો. પણ ભગતના આગ્રહથી તેમણે ગળામાંથી નમૂનો લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો. એ વખતે પૂનામાં કેન્સરના નમૂનાની તપાસ થતી હતી. ગુજરાતમાં સુવિધા ન હતી. ડૉકટરે પંદર દિવસ પછી રીપોર્ટ લઇ જવા કહ્યું. પંદર દિવસ પછી લહેરી ભગતનો રીપોર્ટ આવ્યો. લહેરી ભગત એ રીપોર્ટ લેવા ગયા ત્યારે ડૉકટરને રીપોર્ટ જોઇ નવાઇ લાગી કે મારા દવાખાનાનો કેન્સરનો કોઇ દર્દી આજ સુધી બચ્યો નથી અને આ માણસે એવી કઇ દવા કરાવી કે એ બચી ગયો. લહેરી ભગતે કહ્યું કે મેં કોઇ દવા કરી નથી પણ દુઆથી બચ્યો છું. ડોકટરે પૂછ્યું કે કોની દુઆથી બચ્યા છો? ત્યારે ભગતે કહ્યું કે કોઢિયાના કોઢ મટાડે અને વાંઝિયાના ઘરે પારણા બંધાવે એ રામાપીરના લીધે મારું કેન્સર મટી ગયું. ભગતે કહ્યું કે મારી પેઢીના ઘણા લોકો કેન્સરમાં જતા રહ્યા પણ ભગવાનની દયાથી મને સારું થઇ ગયું. બાકી કેન્સરનું દુ:ખ સહન ના થાય એવું હોય છે. લહેરી ભગતનો અનુભવ સાંભળીને મને થયું કે આવું બની શકે છે. જો શ્રધ્ધાથી તમે સારું વિચારો અને સંકલ્પ કરો તો જરૂર સફળતા મળે છે. એમ કહેવાય છે કે મોટા મોટા રોગ ઘણી વખત સારવાર પછી મટતા નથી એ ચપટી ધૂળથી સારા થઇ જાય છે. લહેરી ભગતનો કિસ્સો પ્રેરણા આપે છે કે ગમે તેવા દુ:ખમાં આશા છોડવાની નહીં. આશા અમર છે. આશાના તાંતણે માણસ વર્ષો સુધી જીવન ખેંચી શકે છે.