આકાશવાણીનું આ હાસ્ય કેન્દ્ર છે....!
મગજને છુટ્ટો દોર ક્યારેય નહિ અપાય. આપ્યો તો એ શેખચલ્લીનું મોસાળ બની જાય. લોકડાઉનમાં પહેલી અસર મગજને થાય, કંટ્રોલ નહિ રાખીએ તો ચમનીયા જેવી વલે થાય..! નવરો ધણી કાટલાં તોકે એમ, ચમનીયાને લોકડાઉનમાં વિચાર આવ્યો કે, આ રેડીયાના કાર્યક્રમોમાં હાસ્યની છાંટ લાવવી જોઈએ. રેંટીયા ગયા પછી રેડીયાનો ફાલ પણ હવે વધ્યો છે. એમાં જ્યારથી મનકી બાત રેડિયા ઉપર શરુ થઇ ત્યારથી, પોસ્ટકાર્ડ જેવી દુર્દશા ભોગવતો રેડિયો પણ ફૂંફાડા મારતો થઇ ગયો. એમાં એફ.એમ. રેડિયો એટલે કે જાણે, એફ ફોર ફાધર ને એમ ફોર મધર, ‘ફાધર મધર’ નો રેડિયો..! માવતર જ એને સાંભળે ને માઉતર જ એને સંભાળે. એવું વેન્ટીલેટર લાગી ગયું કે, મોંઘીદાટ કાર સુધી પહોંચી ગયો, ને રસોડાનો રાજા બની ગયો. કમાન્ડો ની માફક રસોડામાં વાઈફની આસપાસ જ હોય. રેડિયોને લીધે રસોડું પણ ભરેલુ ભાદરેલું લાગે. એફ. એમ. રેડિયો એટલે, રસોડાનું ટાઈમ ટેબલ.! રેડિયાના કાર્યક્રમ પ્રમાણે જ દાળ વઘારાય ને ભાખરીઓ પણ શેકાય. રેડિયો બગડ્યો, તો વાઈફ બગડે, ને વાઈફ બગડી તો રસોઈ બગડે..! રેડીયાને બંધ કરવા માટે તો ‘સ્વીચ પણ હોય, બાકી વાઈફની ‘સ્પીચ’ બંધ કરવી એટલે, કાળા તલની ઢગલીમાંથી રાઈના દાણા છુટા પાડવા જેટલું અઘરું..!
લોકડાઉનના ગાળામાં ધંધાપાણી વગર પણ લોકો હસતા રહે. એ માટે અમારા ચમનીયાએ આકાશવાણીના કાર્યક્રમની રૂપરેખાને એક મોડલ બનાવ્યું. એવું નથી કે હાલના આકાશવાણીના કાર્યક્રમો બેનમુન નથી. એનો ઈરાદો એવો કે, એમાં હાસ્યનો વઘાર કરીએ તો, તો લોકો વધારે હળવા થાય. કોરોનાના ડરમાંથી બહાર આવે. બાકી આકાશવાણીમાં સુધારો લાવવાનો એનો મુદ્દલે ઈરાદો નથી. કાર્યક્રમની રૂપરેખા વાંચીને, તમને જો ગલગલિયા નહિ થાય, તો તમારો રેડિયો ને મારો કાર્યક્રમ...! લો...યાહોમ કરીને વાંચો ત્યારે..!
આકાશવાણીના આજના કાર્યક્રમની રૂપરેખા.....!
૬-૦૦ – સવારની ચાય વંદના.
૬-૦૫ – સવાર સુધીમાં અવસાન પામેલાઓની નામાવલી અને શ્રધ્ધાંજલિ.
૬-૧૦ - વિવિધ શૈલીમાં બાળકોનું પથારી રુદન
૬-૩૦ - ‘ડાહી સાસરે નહિ જાય. ને ગાંડીને શિખામણ આપે..! ‘ એ વિષય ઉપર લલિતાબેન
લેપળીનો બોધવર્ધક વાર્તાલાપ.
૬-૩૫ – આજની ઘટનાઓનો અણસાર. વક્તા : જ્યોતિષાચાર્ય જગલો જુઠ્ઠો.
૬-૪૫ - હાસ્ય શ્રેણી : ખાધ અને કસરત વક્તા: શ્રીમતી ભૂખડીબેન ઉપવાસી
૭-૦૦ - રાવણ-ચરિત ગાન. પ્રસ્તુતકર્તા : આકાશવાણી હુલ્લડ કેન્દ્રના કલાકારો
૭-૪૫ – લીલા શાક્ભાજીના આજના બજાર ભાવ. પ્રથમ વાસીના, ત્યારબાદ તાજીના.
૭-૫૦ – બ્રેકફાસ્ટ મ્યુઝીક સંગીતકાર : બ્રેડમેન બટરપૂરી
૮-૦૦ – વાડ તોડીને વાડી કેમ બનાવશો...? જીલ્લા બગાડ અધિકારીનો વાર્તાલાપ
૮-૩૦ – સૌન્દર્ય સ્પર્ધામાં નિપુણ થવા કયા અખતરા કરશો ?
મજુર બહેનો માટેનો પ્રાયોજિત કાર્યક્રમ વક્તા : કોકિલા કાલેશ્વરી
૯-૦૦ – ટાલ ઉપર ત્રિતાલ. વિચિત્ર વાદ્ય સંગીત પ્રસ્તુતકર્તા : શ્રી વિલિયમ ટાલ
૯-૩૦ – રાત દરમ્યાન થયેલ ચોરીઓની માહિતી. આકાશવાણી પ્રાયોજિત શ્રેણી
(દ્રિતીય સભા)
૧૨-૦૦ – નાસિકાવાદનથી બીજી સભાનો આરંભ કલાકાર: શ્રી ઉજેશ ઊંઘણશી
૧૨-૧૫ – શાસ્ત્રીય સંગીત રાગ : ઊલટી કલાકાર : અજમલ ઊંઘણસી
૧૨-૨૫ – તારી-મારી ને કેશવાવાળીનું પુન: પ્રસારણ
૧૨-૪૫ – ‘વેસ્ટર્ન મ્યુઝીકની વૃધ્ધો ઉપર થતી આડ અસર’ ડો. વિયાગ્રાનો વાર્તાલાપ
૧૨-૫૫ – લોક ડાઉનને અનુલક્ષીને એકાંકી નાટક :
‘ઘરમાં કાશી ઘરમાં મથુરા’ રજૂઆત: ગુજરાત હાસ્ય અકાદમી
૧૩-૦૦ – લોક ઉશ્કેરાટના અંશો.
૧૪-૦૦ – ‘લોચો ખાવાથી લોચા ઉભા થાય છે..? ‘ વાર્તાલાપ : ડો. દગડુ સુરતી,
૧૪-૧૫ – બલ્લુ બેવડા સાથેની રેડિયો મુલાકાત આકાશવાણી પ્રાયોજિત શ્રેણી
૧૪-૨૫ - અશાસ્ત્રીય સંગીત રાગ : બંધ કોશ કલાકાર : કાંતિ કબજીયાતી
૧૪-૩૦ – શરમ એ સ્ત્રીઓનું સૌન્દર્ય છે..!’ વક્તા : બળવંત બેશરમી
૧૪-૪૫ – આજની અફવાઓ ઉપર એક નજર : અમારા સંવાદદાતા દ્વારા પ્રાયોજિત
૧૪-૫૫ – ‘સાસુઓ પાસે ઘરકામ કરાવવાના કિમીયાઓ’ વક્તા : સુલોચના સ્વચ્છંદી
૧૫-૦૦ – વામકુક્ષીના ગેરફાયદા : વક્તા : ડો. કંચન કુંભકરણી
૧૫-૧૦ – કોરોનાનો ઝોનવાર હિશાબ : રજૂઆત : ભાવેશ ભજીયાવાલા
૧૫-૩૦ – ધણીને ધાકમાં રાખવાના અકસીર ઈલાજો વાર્તાલાપ : કુ. રમીલાબેન રખડેલ
૧૫-૪૫ – નાસિકા ચૂર્ણ વાર્તાલાપ : તરુબેન તપખીરવાળા
૧૬-૦૦ – કબજિયાત મટાડવાના અકસીર ઉપાયો વક્તા: કાંતિલાલ કબજીયાતી
૧૭-૦૦ – ‘છેલ છબીલો મદ્રાસી’ હળવી શૈલીનો કાર્યક્રમ
૧૭-૩૦ – કેદીઓની જિલ્લાવાર માહિતી ને નામાવલિ
૧૭-૪૦ – ડબલા વાદન તાલ : નૈનીતાલ
૧૭-૫૦ – સાંજની શાકભાજીના બજારભાવ
( તૃતિય સભા )
૧૮-૪૫ – આકાશવાણી કેન્દ્રમા થતી સંધ્યાપૂંજા અને આરતીનું વાયુ પ્રસારણ
૧૯-૦૦ –પનીહારીઓનો વાર્તાલાપ : અગાઉથી ધ્વનિ મુદ્રિત કરેલો કાર્યક્રમ
૧૯-૧૫ – બેવડા નૃત્ય-સંગીત
૧૯-૨૫ - દાઢી ભાજપ માટે શુકનિયાળ છે ખરી...? : હાસ્ય શ્રેણી કલાકાર -રમેશ આનંદદ્વારી
૧૯-૪૦ - આકાશવાણીને મળેલાં શ્રોતાઓના ધમકી પત્રોનું વાયુ પ્રસારણ
૨૦-૦૦ – પોલીસ-પ્રધાન અને પાઠ્યપુસ્તક સેમિનારનો ધ્વનીમુદ્રિત કાર્યક્રમ
૨૦-૧૫ – પાણીપૂરી નૃત્ય-સંગીત કલાકાર : શ્રી ભીખાભાઈ ભેલપૂરી અને ચૈતાલી ચટણીપૂરી
૨૦-૨૫ – ગુજરાતીમાં રાજકીય ગરબા
૨૦-૪૦ – વિધાન સભાના લડાયક અંશો
૨૧-૦૦ – નાટ્ય શ્રેણી : વાંકો ચૂકો બાવળીયો કલાકારો : વિઠ્ઠલ વાંકો-બલ્લુ બાવળીયો અને
ભીખી ભૂતડી
૨૨-૦૦ – અઠંગ દાણચોર શ્રી લલ્લુભાઈ લાખિયાની રેડિયો મુલાકાત
૨૨-૧૫ – હવામાનખાતાની સાચી આગાહી
૨૨-૩૦ – ભોજપુરી લગ્ન ગીતો ભોજપુરી મહિલા પાપડવૃંદ.
૨૨-૪૫ – શ્રોતાઓ માટે હાલરડાં કલાકાર : નયનાબેન નિંદ્રાધીન અને ઉજમબેન ઊંઘણશી
-----------------------------------------------------------------------------------------------------------------------