જાને કહાં ગયે વો દિન..!
લોડડાઉનના પાયે એવી બેઠી છે કે, શનિની પનોતી પણ વામણી લાગે. સાલું આખું વિશ્વ ચકરાવે ચઢી ગયું રે...! ખાંસી ખાતું થઇ ગયું યાર..! એના કપાળમાં કાંદા ફોડું, લાફીંગ બુઢ્ઢો જાણે આ કોરોનાની ભૂરકી નાંખી કોણે,,? મહિનો થયો મામૂ, હજી ડાઉન ‘લોક’ ની ચાવી મળવામાં નથી. આખું વિશ્વ સાલું લોક ડાઉન છે. ભય એવો ઘુસી ગયો કે, છીંકની જેમ લોકો ખાંસી પણ ગળે તો વૈચીત્રમ નહિ બોલવાનું દાદૂ..! કોરોનાની કમાલ તો જુઓ, ભલભલા નેતા ઉધરસ ખાતાં હતા, એ પણ ગળા ખંખેરતા બંધ થઇ ગયા..! એમાં ખાંસતા નેતાનો તો કોરોના ટેસ્ટીંગ ખર્ચ પણ પ્રજાના માથે પડે દાદૂ...! વરસો પછી મને સમજાયું કે, આ લોકો ચૂંટણીના ચિહ્નમાં ગાય રાખે, ઘોડો રાખે, બળદ રાખે, પણ ‘પાડો’ કેમ નથી રાખતા..! યમરાજ બ્રાંડ એટલે જ ને..?
યમરાજના પાડા કોઈની શરમ નહિ રાખે. ટાઈમ થાય એટલે ઊંચકી જ જાય. માટે કહું છું કે, કોરોનામાં બહારની ભટકણ બંધ જ કરવાની. ઘરમાં આડા પડેલા હોય તો, યમરાજના પાડા આપણા વાડામાં આવતા નથી. સારા. ઉકલી ગયા પછી દીવા પ્રગટાવે, એના એના કરતા જાતે દીવડા સળગાવીને, થાળી ઠોકેલી સારી. બોલો કોરોના માત કી જય...!
જુઓને જય બોલવામાં પણ કેવું જોર પડે છે ? જો કે ત્રીસ-ત્રીસ દિવસના ડાઉનલોડ ફેસ્ટીવલ પછી માણસ જોર અને જીવ લાવે પણ ક્યાંથી..? ડાઉનલોડમાં જોર કમજોર થઇ ગયું, ને જીવ ધંધાપાણીમાં હોય..! ‘ડાઉન’ તો એવાં થઇ ગયાં કે, નોકરી ધંધા માટે જે લોકો ઘરથી દુર લાંબા થતા હતા, એ ‘અપડાઉન’ પણ ભૂલી ગયાં, ને ઘરમાં જ ‘ડાઉનલોડ’ થઇ ગયાં..! બિચારા ઘરમાં બેસીને લસણ છોલે છે..! મઝા તો કુતરાઓને આવી. કુતરાઓ આઝાદ થઇ ગયાં હોય એમ, માણસનો તો ભાવ પણ પૂછતાં નથી. ભસવાનું તો સાવ ભૂલી જ ગયાં. એમ લાગે કે, લોકડાઉન જો લાંબુ ચાલ્યું તો કુતરાની નવી પેઢી ભસવાનું ભૂલીને હસવાનું શરુ કરી દેશે..! ને માણસ ભસતા શીખી જશે..! આમપણ માણસ તો સ્વાર્થ હોય તો જ હસતો હતો. બિચારા કુતરા તો હસતા દેખાશે..! પશુ-પક્ષીઓ પણ આપની હાલત જોઇને હવે તો વ્યંગ કરે. પેલું કોયલડુ મારા જ ઘરનું દાણ-પાણી લઈને, મારાં જ ઝાડવે બેસીને લલકારે ‘ અંદરસે કોઈ બાહર ન જા શકે, બાહરસે ન કોઈ અંદર આ શકે, શૌચો કભી ઐસા હો તો ક્યા હો..? એને ફરક્યુ નહિ કહેવાય, કર્ફ્યું કહેવાય..! વાંદરાઓ માણસ જોઇને દાંતિયા કરતા, એ બાલ્કનીમાં ઉભેલા દેવદાસને જોઇને હવે હસતા થઇ ગયાં. કુત્તેકા ભી એક દિન આતા હૈ, એમ બંદરકા પુરા માસ આયા હૈ..! એની મા ને પશુ-પંખી બહાર ને માણસ ઘરમાં ‘રિમાન્ડ’ ઉપર...! ‘ જાણે નાગ ઉપર દેડકી ડાન્સ કરતી થઇ ગઈ..!
જાને કહાં ગયે વો દિન...! ઘરના ઓટલે કેવાં નકશીવાળા ‘ભલે પધારો’ ના પગ લૂછણીયા મુકતા હતાં..? એ પણ નિસ્તેજ થઇ ગયા. કોઈ આવે જ નહિ, તો આવકાર કોને આપે..? ચમનીયાએ તો ‘લુછણીયુ’ ઉલટાવીને પાછળ એવું ચીતરી નાંખ્યું કે, ‘કોઈ અમને ઘરની બહાર કાઢો રે કાઢો..!’ નમુના ઘરમાં જ પડ્યા હોય એટલે, વાઈફ પણ એવું કહેવાનું ભૂલી ગઈ, કે “સાંજે જરા ઓફિસેથી જલ્દી ઘર આવજો હોંઓઓઓ આજે બહાર મસાલા ઢોસા ખાવા જઈશું..!” લોકડાઉનમાં અમુકના તો જોડા પણ કુતરા ચાવી ગયા..! ને લેંઘાઓને ઉધઈ લાગી ગઈ..! ચપટી વગાડતાની સાથે સાલું, આખું વિશ્વ કોરોનાના ઘૂંટણીએ પડી ગયું. કોઈ કોઈનો દુશ્મન નહિ, બધાનો એક જ દુશ્મન કોરોના..! બહાર ગરમ હવા, ને ઘરમાં માથાની દવા..! જાને કહાં ગયે વો દિન...!
લોકડાઉનમાં મીઠાઈની દુકાનો બંધ, હોટલો ને રેસ્ટોરન્ટ બંધ, ચાની રેંકડીઓ બંધ, ચીઝ-માખણ-પનીર-ને ઘી વેચતી બેકરીઓ બંધ, લગન બંધ, મેળાવડા ને પાર્ટીઓ બંધ, કલાકારોની મેદની બંધ, છતાં સાલી એ સમઝ નથી પડતી કે, આ બધામાં વપરાતું દૂધ ગયું ક્યાં..? દુધની વાતને મારો ગોળી, મને તો ચિંતા પેલા કોડીલા યુવાનોની થાય. જેના લગનના દિવસો આંગળીના વેઢે ગણાતા હતાં, એ બધાના લગન અને હનીમુન પણ લોકડાઉનમાં લોક થઇ ગયાં. ઘરમાં બેઠાં બેઠાં-બેઠાં બિચારા આંગળીના ટચાકડા ફોડે છે..! પરણેલાને તો સમઝ્યા કે પીઠી ઉતરી ગયેલી. પણ કુંવારાને તો લક્ષણ વગરનો કોરોના જ નડ્યો કહેવાય ને..? કુંવારાઓની સંવેદનાને અગન-પૂળો મુકવાનો મારો ઈરાદો નથી. પણ કોરાનાએ ભલભલાના કોડને પણ ક્વોરોન્ટાઈન કરી નાંખ્યા.! વ્હાલાઓના કિનારે આવીને વહાણ ખોટકાય ગયાં.! ને ચોઘડિયા પણ ચોધાર આંસુએ રડે છે, બોલ્લો..! ઊંડે ઊંડે તો એમ થાય કે, આ લોકડાઉન જો લાંબુ ચાલ્યું તો કુંવારાઓનું થશે શું..? શાદી ડોટ કોમ વાળાની પણ ‘ફેરપ્રાઈઝ શોપ’ નીકળશે કે શું..? એવું આવે નહિ તો સારું, કે અમારું ઓનલાઈન આલ્બમ જોઇને, આધાર કાર્ડ બતાવી ઘઉં-ચોખાની માફક કન્યા પણ લેતા જાવ..! આ તો એક ગમ્મત, બાકી કુંવારાને જ ખબર પડે કે, વિરહની વેદના કેવી ને કેટલાં ઊંચા તાપમાનવાળી હોય..! નદી-તળાવ-ડુંગરા ને દરિયા ખુંદવાને બદલે, બિચારા ઘરના ખાંડણીયા સાથે સેલ્ફી લેતાં હશે..! ટાઢાબોર જેવી હાલત થઇ ગઈ..! વ્હોટશેપ કર્યા પછી જો કાચી સેકંડે ‘રીપ્લાય’ નહિ આવે તો પંખીડા કબજિયાતના દર્દી જેવાં થઇ જતાં હતાં, એ બધા લોકડાઉનમાં ‘લુઝ-મોશન’ ફિલ કરતાં હશે..! ને લોકડાઉન એટલે લોકડાઉન..! ભલે ને ખુદનો સસરો પોલીસ કેમ ના હોય, લોકડાઉનમાં બહાર તો જવાય નહિ. બંદોબસ્ત જ એવો સખત કે, જો બ્યુગલ વગાડીને બહાર નીકળવા ગયા કે, ‘પ્રેમ કભી કોરોના સે ડરતા નહિ હે..!’ તો પોલીસ દંડાવાળી ચલાવીને અમંગળ ફેરા જ ફેરવે. ‘એવી જગ્યાએ ફટકારે કે, પાટલે બેસીને પરણવાનું પણ ભારે પડી જાય..! જાને કહાં ગયે વો દિન..!
કવિ કલાપીની માફક કેટલાંક તો કવિતા લખતા થઇ ગયાં યાર..! કે, ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે..તારા વિના ના આંખડી ના ઠરે..!’ ઘઉંમાં તું, જુવારમાં તું, કાઢામાં તું ને સેનેટાઈઝરમાં પણ મને તું જ દેખાય...! એમાં વળી ગ્રહણમાં સાપ નીકળે એમ, સલુન પણ બંધ. છે કે બળદિયો એ પણ નહિ ઓળખાય. બહાર નીકળે તો દેવદાસના મેળામાં મ્હાલવા આવ્યા હોય એવું લાગે. બાલ-દાઢી એવા વધ્યા હોય કે, કરોડોનો આસામી પણ, કોરોના-બાવો અમારા ચમનિયાની વાત કરું તો, ચમનીયો એટલે બાર બિલ્ડીંગનો આસામી, પણ વધેલા બાલ-દાઢીમાં ‘કોરોના-બાવો’ જ લાગે. લોકડાઉનના છૂટના સમયે એક દિવસ બજારમાં નીકળ્યો તો, બે-ત્રણ સમાજ સેવકો એને ઘેરી વળ્યા, ને હાથમાં ‘ખીચડી-કઢી’ પકડાવીને ‘કીટ-દાન’ કર્યા બદલ એની સાથે સેલ્ફી પણ ખેંચી નાંખી. ઉપરથી કહ્યું કે, ‘ બાબા, જહાં તક હમ સેવાભાવી લોગ હૈ, વહાં તક ખાનેકી ચિંતા મત કરના. કલ ભી ઇસી સમય ઇસ જગહ પે આ જાના..! આપકો ખાના મિલ જાયેગા..!’ આમ કહીને મીડિયા પાસે બીજી બે ત્રણ સેલ્ફીઓ પણ ખેંચાવી..! એના કપાળમાં કાંદા ફોડે...!
કોઈપણ પ્રકારના દિવસો કાયમ રહેતાં નથી. ભગવાન શ્રી રામ જેવા શ્રી રામ પણ, મા સીતાના રાવણ-હરણ પછી ભાંગી પડેલા. તો પછી આપણા જેવા રામલાલની તો શું હાલત થાય..? દાલ રોટી ખાઓ, હરિકા ગુન ગાઓ..! કોરોના છે ત્યાં સુધી, કોઈ કાંદો કાઢી શકવાના નથી. શું સાલા આપણા દિવસો હતાં..? આપણી પાસે કામ નહિ, ને ધોળીયા પાસે ટાઈમ નહિ. વાઈફને જોવી હોય તો ધોળિયાઓએ અઠવાડિયાનું બલિદાન આપવું પડતું. આપણી જેમ નહિ કે, વાઈફનો ફોટો ખિસ્સામાં રાખીને ફરે. જો કે, ચમનીયો તો વાઈફનો ફોટો એટલા માટે ખિસ્સામાં રાખતો કે, કોઈ મોટી મુશીબત આવે ત્યારે ફોટો જોઇને રાહત થાય. શક્તિનો ફોટો જોઇને, સહન શક્તિ આવે..! આને ‘પત્ની-પ્રેમ‘ પણ કહેવાય ને, ‘સુરક્ષા-કવચ’ પણ કહેવાય..! બાકી અત્યારે લોકડાઉનમાં આપણને સાચવે છે કોણ..? લોકડાઉન આપણને છે, બાકી એના રસોડામાં ક્યાં, લોકડાઉન છે..? અમુકને તો લોકડાઉન આવ્યું ત્યારે સમજાયું કે, વાઈફને ‘ગૃહલક્ષ્મી’ કહીએ તે ખોટું તો નથી..! ઘરમાં નિરાંતે ઊંઘવા તો દે છે..? બાકી કોઈ ઊંઘરેશને એની વાઈફે ‘કુંભકર્ણ’ કહ્યો હોય તો એ બે નંબરની વાત છે..! કોઈના મામલામાં આપણે નહિ પડવાનું. શું કહો છો દાદૂ..?
====================================================================