Journey of Progress - Women books and stories free download online pdf in Gujarati

પ્રગતિનો પ્રવાસ - વુમન

યુ-ટ્યુબ પર સ્ક્રોલિંગ કરતી વખતે એક વીડિયો સજેશનમાં આવ્યો. જેમાં કોઈ નામદાર મહિલા અને બે મહાશયો એક વિદ્વાનની આલોચના કરી રહ્યા હતા. તે વિદ્વાન વહીવટી સેવામાં ઉચ્ચ અધિકારી તરીકે સ્થાન મેળવવા ઇચ્છુક ઉમેદવારોને કોચિંગ આપવાનું કાર્ય કરે છે. વિદ્વાનના પ્રગતિશીલ વિચારો અવારનવાર યુ-ટ્યુબ પર વાયરલ થતા રહે છે. આજે તેના એવા જ એક વિચારની આલોચના થઈ રહી હતી. જેમાં આલોચકો સામાજિક વ્યવસ્થા અને મહિલાઓની વર્તમાન સ્થિતિ સંબધિત વિદ્વાનના વિચારો સાથે સહમત નહોતા. આલોચકોના તર્કો નીચે પ્રમાણે હતા.

આપણી સામાજિક પરંપરા અનુસાર સ્ત્રી અને પુરુષ બંનેની અમુક લૈંગિક જવાબદારીઓ હોય છે. તે મુજબ પુરુષે આર્થિક જવાબદારી નિભાવવાની હોય છે અને સ્ત્રીએ ઘરેલું જવાબદારી. તેમાંના એક મહાશયે અંગત ઉદાહરણ પણ આપ્યું કે,
" મારો પુત્ર ફોરેનમાં સ્ટડી કરે છે અને તેને કુકિંગનો બહુ શોખ છે. અમારી ફેમેલીમાં તેની કુકિંગના ઘણા વખાણ પણ થાય છે. હું પણ તેના સ્વાદનો લુપ્ત ઉઠાવું છું, પરંતુ સાથે એ પણ સમજાવું છું કે તારો 'જેન્ડર રોલ' કુકિંગ નથી. આપણે ભલે ભણી-ગણીને વિદેશમાં ગયા હોય પરંતુ આપણી પરંપરાઓ ન ભૂલવી જોઈએ. હું તને કુકિંગ બદલે તેની આર્થિક જવાબદારીઓનું પણ ભાન કરાવવું છું.

આલોચકોમાંથી નામદાર મહિલાએ વિદ્વાન પર સવાલ ઉઠાવ્યો કે તેઓના વિચાર સામાજિક વ્યવસ્થા અને લગ્ન સંસ્થા સામે પડકારરૂપ છે. તેના મત મુજબ દરેક મહિલાઓની લગ્ન પછી અમુક જવાબદારીઓ હોય છે. તેને સાસુ સહિત કુટુંબના વડીલો સાથે એક મત થવું જોઈએ. મેં મારી તમામ જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવીને સાસુ પાસેથી જ્યારે તિજોરીની ચાવી મેળવી, તે મારા માટે એક એચિવમેન્ટ સમાન હતું, તે કોઈ મેગા એવોર્ડ મેળવવાથી ઓછું નથી હોતું. દરેક મહિલાએ સાસુ પાસેથી આવા નાના-મોટા અચિવમેન્ટ મેળવવા તત્પર રહેવું જ જોઈએ.

વિદ્વાનના તર્ક મુજબ આજે પણ મહિલાઓ શિક્ષણ સહિત મોટાભાગના ક્ષેત્રોમાં પુરુષની સાપેક્ષ પાછળ છે.અન્ય એક મહાશય ઈતિહાસનું ઉદાહરણ આપીને તેની આ વાત ખારીજ કરવા પ્રયત્ન કરે છે.તેના મતાનુસાર પ્રાચીન સમયે ગાર્ગી, અપાલા, લોપામુદ્રા જેવી મહિલાઓથી લઈને આજે પણ એવી ઘણી મહિલાઓ જોવા મળશે જે તેના ક્ષેત્રોમાં ટોપ પર હોય. આજે પુરુષ કે મહિલા વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી.

અહીં મારો ઉદ્દેશ્ય કોઈનો પક્ષકાર બનવાનો નથી. પરંતુ ઐતિહાસિક, તાર્કિક અને સામાજિક વિશ્લેષણ દ્વારા આ વિષય પર સ્પષ્ટ ચિત્ર રજૂ કરવાનો છે.

વર્તમાન ગુજરાતની ઉત્તર પશ્ચિમ તરફનો ભાગ અને સિંધ ક્ષેત્રમાં આજથી લગભગ ચારેક હજાર વર્ષ પહેલા માનવ સભ્યતાની શરૂઆત થઈ જે ઇતિહાસમાં સિંધુખીણની સંસ્કૃતિ તરીકે જાણીતી છે. તે સમયની સામાજિક વ્યવસ્થા માતૃસ્તાત્મક હતી. આજે જેમ બધા ક્ષેત્રોમાં પુરુષનો પ્રભાવ વધારે છે,તેમ તે સમયે મહિલાઓનો પ્રભાવ વધારે રહ્યો હશે. સમય જતાં સિંધુખીણની સભ્યતાનું પતન થયું અને વેદકાલીન સમાજ અસ્તિત્વમાં આવ્યો. ઋગ્વેદિક યુગમાં વ્યવસ્થા ઘણી પ્રગતિશીલ હતી. દરેક બાબતમાં સ્ત્રી-પુરુષની સ્થિતિ લગભગ સમાન ગણી શકાય. તે જ સમયે ગાર્ગી, અપાલા,ઘોષા, લોપમુદ્રા જેવી નારીઓ અભ્યાસમાં ભાગ લેતી હતી. પરંતુ ઉત્તરવૈદિક યુગમાં આ સંજોગો બદલે છે. આ સમયગાળામાં જન્મ આધારિત વર્ણવ્યવસ્થા મજબૂત થવા લાગે છે અને રાજાનું પદ પણ વંશાનુગત બની જાય છે અને સાથે મહિલાની સ્થિતિ પણ કથળવા લાગે છે. ઋગ્વેદિક યુગની સાપેક્ષે તેના અધિકારો તદ્દન સીમિત થવા લાગે છે. આ એ જ સમયગાળો હોય છે, જ્યારે પિતૃસ્તાત્મક સમાજ વ્યવસ્થા આકાર લઈ રહી હોય છે. ગુપ્તયુગ સુધીના સમયગાળામાં તો સતીપ્રથા જેવા કુરિવાજોની પણ શરૂઆત થઈ જાય છે. સંગમયુગ દરમિયાન દક્ષિણ ભારતમાં મહિલાઓની સ્થિતિ પ્રમાણમાં સારી હતી. તેમ છતાં છેક બ્રિટિશ શાસન સુધી બાળકીને દૂધપીતી કરવી, બાળવિવાહ, સતીપ્રથા જેવા દુષણો ચાલું રહ્યાં.
૧૯મી સદીમાં ચાલે સમાજસુધારક આંદોલન દરમિયાન ઘણા કુરિવાજોનો અંત આવ્યો. આઝાદી પછી સરકારના બંધારણીય, કાનૂની અને નીતિગત ઉપાયોથી મહિલા સશક્તિકરણને ઘણું પ્રોત્સાહન મળ્યું. આજની મહિલા શિક્ષણ મેળવીને આર્થિક ગતિવિધિઓમાં સામેલ થઈ રહી છે.

પરંતુ માત્ર આટલી વાતથી એમ માની લેવું કે 'આજની મહિલા પુરુષ સમકક્ષ પહોંચી ગઈ છે' તો એ જરાક ઉતાવળ ભરેલું ગણાશે. થોડાક તાર્કિક અને આંકડાકીય વિશ્લેષણથી ચિત્ર હજી વધુ સ્પષ્ટ કરવા પ્રયત્ન કરીએ.

1992માં 73માં બંધારણીય સુધારા હેઠળ મહિલાઓને ગ્રામ્યસ્તરે પંચાયતોમાં ૩૩ ટકા અનામત મળ્યું. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યોએ તો તેને વધારીને 50 ટકા કરી દીધું.આજે ઘણી મહિલાઓ સરપંચ તરીકે ચૂંટાઈ પણ છે તેની ના નહીં ! પણ આપણા સમાજે 'પ્રધાનપતિ' નામનું એક નવું જ પદ ઉભું કરી દીધું. વાસ્તવિકતા એ છે કે સરકારી ચોપડે સરપંચ તરીકે મહિલાનું નામ હોય, પરંતુ તે ગામનો વહીવટ તેનો પતિ કે ઘરના અન્ય કોઈ પુરુષ દ્વારા ચલાવાતો હોય. સંસદમાં પણ આજે માત્ર ૧૦ ટકા જ મહિલા સાંસદ છે.

બળાત્કાર જેવા સંવેદનશીલ કેસનો ચુકાદો મહિલા જજ આપે તો તે પીડિતાની પરિસ્થિતિને કદાચ વધુ સારી રીતે સમજી શકે. પરંતુ ન્યાયતંત્રમાં પણ મહિલા જજનું પ્રતિનિધિત્વ ઓછું છે. આઝાદીના 75 વર્ષ સુધીમાં પણ એક મહિલા ક્યારેય 'ભારતના મુખ્ય ન્યાયાધીશ'નું પદ નથી મેળવી શકી.
દર સો મહિલાએ માત્ર સતર મહિલા જ 'વર્કિંગ વુમન' છે.
મનગમતું કોઈ પણ ક્ષેત્ર ઉઠાવી લઈએ. તેમાં જેટલા સફળતાના શિખરો સર કરી ચૂકેલા પુરુષોના ઉદાહરણો મળશે તેટલી સંખ્યામાં સફળ મહિલાઓના ઉદાહરણ નહીં મળે.

વર્તમાન સમયમાં જો મહિલાઓ પુરુષોની સમકક્ષ પહોંચી ગઈ હોય, તો સરકારને 'બેટી બચાવો બેટી પઢાવો' જેવા અભિયાન અને મહિલાઓ માટે કેમ સ્પેશિયલ યોજનાઓ ચલાવી પડે છે ! કેમ મહિલાઓને અલગથી અનામત આપવું પડે છે !

મહિલાઓની સ્થિતિમાં સુધાર આવ્યો એમાં ના નહીં, પરંતુ આજે પણ એક આભાસી દિવાલ અસ્તિત્વ ધરાવે છે, જે નજર નથી આવતી પરંતુ મહિલાઓને આગળ વધવા માટે અડચણ રૂપ છે એ વાત પણ નકારી ન શકાય.

એ આભાસી દિવાલ એટલે સ્ત્રી પ્રત્યેની સમાજની વિચારસરણી.

મોટા ભાગના મધ્યમવર્ગીય કુટુંબમાં આજે પણ દીકરી એક નિશ્ચિત ઉંમરે પહોંચે એટલે અમુક નાના-મોટા ઘરકામ તેને શીખવવામાં આવે છે. પરંતુ એ જ ઉંમરના દીકરા ઉપર એવી કોઈ જવાબદારી હોતી નથી. તેમાં તે કુટુંબનો કોઈ વાંક નથી. પરંતુ સમાજમાં એવી પરંપરા ચાલતી આવે છે કે દીકરી ભણેલી હોય છતાં સાસરે જઈને થોડું-ઘણું કામ તો કરવું જ પડશે ને ! દીકરાનું શુ છે, પૈસા કમાઈ લાવે એટલે બસ !
આમ, સમાજમાં સ્ત્રી અને પુરુષની એક લેંગિક જવાબદારી નક્કી થઈ ગઈ છે.

એવા ઘણા દાખલા મળશે જેમાં ગ્રેજ્યુએટ થઈને પણ સ્ત્રીના ધારેલા સપનાઓ પુરા નથી થતા. સફળતા માટેના તેના પ્રયત્નોમાં કમી નથી હોતી. પરંતુ ઉચ્ચ અભ્યાસ કરતી મહિલાઓ પર એક ઉંમર વટાવી ચૂક્યા પછી પરિવાર કે સગા-સબંધીઓનો મેરેજ માટેનો દબાવ પણ રહેતો હોય છે. આવો દબાવની ઘણીવાર તેના આત્મવિશ્વાસ ઉપર પણ અસર પડતી હોય છે.

અમુક નસીબદાર મહિલાઓને પ્રગતિશીલ વિચારો વાળું સાસરીયું પણ મળે છે. અન્યથા માત્ર ગૃહિણી તરીકે ફરજ બજાવતી ઘણી મહિલાઓનું જીવન સ્વનિર્ભર નથી રહેતું. ઘર વ્યવહાર ચલાવવા હસબન્ડ પાસેથી નાણા માંગતી વખતે એક શિક્ષિત અને કાબીલ મહિલાના સ્વાભિમાનને થોડીક તો ઠેસ પહોંચતી જ હશે ને ! ઘણી આધેડ સ્ત્રીઓ પાસેથી એવું સાંભળેલું છે કે " આપણે પૈસા કમાતા હોય, તો કેવું સારું!!!"
ઘણી એવી પણ મહિલાઓ હશે જે સામાજિક પરંપરાઓને અવગણીને સફળતાની જીદ પુરી કરે છે, પરંતુ એના માટે પણ પડકારો કઈ ઓછા નથી હોતા. નાની કંપનીઓની તો વાત જ નથી કરવી, મોટી નામચિહ્નન કંપનીઓમાં પણ એક મહિલાને નોકરી આપતી વખતે તેની ક્ષમતા કરતાં કૌટુંબિક પરિસ્થિતિ તરફ વધારે ધ્યાન આપવામાં આવે છે. નોકરી આપનાર નિયોજક એવી મહિલાને પ્રાયોરિટી આપે છે, જેની કૌટુંબિક જવાબદારીઓના કારણે તેના કામ પર કોઈ નકારાત્મક અસર ન પડે.

અહીં હું લગ્ન વ્યવસ્થા પર સવાલ નથી ઉઠાવતો. તમામ સંબંધોમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો લગ્નસંબંધ સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. લગ્ન એટલે જીવનની દરેક ક્ષણ માટે છેલ્લા શ્વાસ સુધી સરખી ભાગીદારી. લગ્નના બંધનમાં બંધાયેલ દંપત્તિઓ એકબીજાને 'લાઈફ પાર્ટનર' કહેતા હોય છે.તો જીવનભરના ભાગીદાર માટે દરેક તબક્કે બધા ક્ષેત્રમાં સમાન ભાગીદારી પણ હોવી જોઈએ. પત્ની પૈસા કમાઈને આર્થિક ભાગીદાર બની શકતી હોય, તો પતિ કેમ ગૃહકાર્યમાં પત્નીને ભાગીદાર ન બની શકે !

એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી જવાબદાર હોય છે,તો સ્ત્રીની સફળતા માટે પુરુષ કેમ જવાબદાર ના બની શકે !!!

પ્રગતિશીલ સમાજ તરીકે સ્ત્રી અને પુરુષની જવાબદારી તેના પર થોપવાને બદલે તેની જવાબદારીઓ લગ્ન બંધનમાં બંધાયેલા દંપતીને જાતે નક્કી કરવા દેવી જોઈએ.

પેરેન્ટ્સે પણ ધ્યાન રાખવું પડશે કે દીકરીને ઘરકામનાં સંસ્કાર શીખવવામાં તેના શિક્ષણ પણ તો નકારાત્મક પ્રભાવ નથી પડી રહ્યોંને !

સમાજ પણ એક વાત સ્વીકારવી રહી કે ઘરકામનાં સંસ્કાર માત્ર દીકરી માટે નહીં પરંતુ દીકરા માટે પણ એટલા જ જરૂરી છે.

સમાજ એક પંખી હોય તો સ્ત્રી અને પુરુષ તેની બે પાંખો છે. કોઈ એક પાંખ કમજોર હશે તો સમાજ પ્રગતિની ઉડાન નહિ ભરી શકે.

દીકરી કોઈને 'લાયેબલીટી' કે વહુ કોઇની 'એસેટ' નથી. તે એક સ્વતંત્ર સ્ત્રી છે. શિક્ષણરૂપી સંપત્તિથી તે માત્ર સામાજિક જ નહિ, પરંતુ દરેક જવાબદારીઓમાં સમાન ભાગીદાર બનશે. પણ માત્ર શિક્ષણ આપી દેવાથી મહિલા સશક્તિકરણ નથી થઈ જતું. તેના માટે વ્યવહારિક પરિવર્તન પણ એટલું જ જરૂરી છે.
જાગૃત નાગરીક તરીકે દરેકે વ્યક્તિગત સ્તરે જાણ્યા-અજાણ્યામાં થતા બધા ભેદભાવ સમાપ્ત કરવા કટીબધ્ધ બનવુ પડશે. જે પરંપરા સ્ત્રીની પ્રગતિને અવરોધે છે, તેને પણ બદલવી પડશે. આખરે જ્યારે ગામડાઓની દિવાલ પર સરકારને "દીકરો દીકરી એક સમાન" , "બેટી બચાવો બેટી પઢાવો" જેવા નારાઓ ચીપકાવવાની જરૂર નહીં પડે ત્યારે મહિલાઓનું સાચા અર્થમાં સશક્તિકરણ થઈ ગયું હશે.

રાજા રામમોહનરાયે કુરિવાજો સામે સામાજિક આંદોલન ચલાવ્યું ત્યારે રાધાકાન્ત દેવ જેવા અગ્રણીઓએ તેનો વિરોધ કર્યો હતો. આજે પણ મારા વિચારોથી પરંપરાઓનું ચુસ્તપણે પાલન કરનારા લોકો સહમત નહિ હોય. ખેર, એનો મને કોઈ અફસોસ નથી.
પરંતુ વાંચનારાઓમાંથી એક વ્યક્તિ પણ જો બે-ચાર સારા વાકયો અથવા તો ગિફ્ટ્સની સાથે સાથે પોતાની આસપાસની દરેક મહિલાના પ્રગતિશીલ અને સ્વતંત્ર જીવન આડે રહેલી તમામ બાધાઓ દૂર કરવા કટિબદ્ધતા બતાવશે તો પણ સંતોષ મળશે.

-SK's ink (સચિન)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED