Connection-Rooh se rooh tak - 12 books and stories free download online pdf in Gujarati

કનેક્શન-રૂહ સે રૂહ તક - 12

૧૨.પિતાનું હ્રદય



અપર્ણા પાસેથી આખી ઘટના સાંભળ્યાં પછી ફરી એકવાર બધાં વચ્ચે ગંભીર મૌન છવાઈ ગયું. અપર્ણા અને શિવ જગદીશભાઈ સામે જ જોઈ રહ્યાં હતાં. એ બંનેને એમનાં રિએક્શનની રાહ હતી. પણ, તેઓ કંઈ કહે એ પહેલાં માધવીબેનની ધીરજનો બંધ તૂટી ગયો. એમણે અપર્ણા પાસે જઈને એને પોતાની છાતી સરસી ચાંપી લીધી. આખરે છ મહિના સુધી એ પોતાની દીકરીથી દૂર રહ્યાં હતાં. એમણે જે સાહસ કર્યું. એ પછી પ્રથમેશભાઈ અને રોહિણીબેને પણ અપર્ણાને ગળે લગાવી.
જગદીશભાઈ એક તરફ ઉભાં આ બધું જોઈ રહ્યાં હતાં. અપર્ણા જે રીતે ઘર છોડીને ગઈ. એ પછી તેઓ અપર્ણાથી નારાજ હતાં. પણ, આખરે એક દીકરીનાં બાપ હોવાને નાતે કેટલોક સમય ખુદને રોકી શકે? અપર્ણાએ આંખોમાં આંસું સાથે જગદીશભાઈ તરફ જોયું, તો એમણે પણ તરત પોતાનાં હાથ ફેલાવી દીધાં. અપર્ણા દોડીને એમને ભેટી પડી. જગદીશભાઈ પ્રેમથી એનાં વાળમાં હાથ ફેરવવા લાગ્યાં. પણ, એને શિવથી જે ચીડ અને અણગમો હતો. એ હજુયે ઓછો થયો ન હતો.
"હવે તું જઈ શકે છે. અમારાં સંતાનોને સહી સલામત ઘર સુધી પહોંચાડવા માટે તારો આભાર!" જગદીશભાઈ શિવનો આભાર માનીને એની ઉપર કોઈ ઉપકાર કરતાં હોય, એ રીતે એમણે હાથ જોડીને શિવને ઘરનો દરવાજો બતાવી દીધો.
શિવ કંઈપણ બોલ્યાં વગર ચાલતો થઈ ગયો. હજું એણે દરવાજા બહાર પગ પણ મૂક્યો ન હતો. ત્યાં જ અપર્ણાએ કહ્યું, "એક મિનિટ." શિવનાં પગ તરત જ એની જગ્યાએ રોકાઈ ગયાં. છતાંય એ પાછળ નાં ફર્યો. અપર્ણાએ જગદીશભાઈ સામે જોયું, "પપ્પા! બાપુએ શિવને આજની રાત અમદાવાદ રોકાવા માટે કહ્યું છે, અને મારી એવી ઈચ્છા છે, કે શિવ આપણી ઘરે આજની રાત રોકાય. એણે મારી બહું મદદ કરી છે."
અપર્ણાનાં મોંઢે 'બાપુ' શબ્દ સાંભળતાં જ શિવ તરત જ પાછળ ફર્યો. એ અપલક નજરે અપર્ણાને જોવાં લાગ્યો. કોણ જાણે કેમ? આજે એને અપર્ણાની કોઈ વાત મધ જેવી મીઠી લાગી હતી. એ અપર્ણા પ્રત્યે આકર્ષિત થવા લાગ્યો હતો. જે આટલાં વર્ષોમાં કોઈ છોકરી પ્રત્યે થયું ન હતું. એવું શિવ સાથે અપર્ણાને જોઈને થવા લાગ્યું હતું. એ મૌન બનીને ઉભો હતો.
"અમદાવાદમાં ઘણી હોટેલો છે. એ ત્યાં પણ રોકાઈ શકે છે." જગદીશભાઈએ કઠોરતાથી કહ્યું.
"હું અહીં સુધી એની જ જીપમાં આવી છું, અને સવારે ફરી મુંબઈ જતી રહેવાની છું, અને ફરી મુંબઈ પણ શિવની જીપમાં જ જઈશ." અપર્ણાએ કહ્યું, "આમ પણ એણે આપણી મદદ કરી છે. જો એ મને એ રાતે નાં મળ્યો હોત, તો મુના બાપુનાં આદમીઓ મને ઉઠાવી ગયાં હોત, અને ખબર નહીં મારી સાથે શું શું કર્યું...." એ થોડીવાર અટકી અને એક ઉંડો શ્વાસ ભરીને છોડ્યાં પછી એણે ઉમેર્યું, "શિવ અહીં જ રહેશે. સવારે અમે બંને સાથે જ મુંબઈ જવાં નીકળી જઈશું."
"તારી જીદ્દ હજું સુધી ગઈ નથી. તે પહેલાં પણ આમ જ કર્યું હતું." જગદીશભાઈએ થોડાં ગુસ્સા સાથે કહ્યું, "આટલું બધું થઈ ગયું. છતાંય આ છોકરીને હજું મુંબઈ જવું છે."
"તો તમે પણ ક્યાં મને છ મહિનામાં એકવાર પણ કોલ કર્યો, મારાં હાલચાલ પૂછ્યાં?" અપર્ણા પણ સામે થોડી ગુસ્સે ભરાઈ, "આજ સુધી બધું સંભાળી લીધું. આગળ પણ સંભાળી લઈશ. આમ પણ નિખિલ અમદાવાદમાં હતો, તો પણ મુના બાપુનાં આદમીઓ એને ઉઠાવી ગયાં. તો હું અમદાવાદ રહું, કે મુંબઈ શું ફેર પડવાનો?"
"જેવી તારી મરજી, આખી દુનિયા સામે જીતી શકાય. પણ, તારી સામે નથી જીતી શકાતું." કહીને જગદીશભાઈ સીડીઓ ચડીને ઉપર પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. માધવીબેને અપર્ણાનાં ખંભે હાથ મૂક્યો, અને એ પણ જગદીશભાઈની પાછળ પાછળ ગયાં.
"ચાલ, તને તારો રૂમ બતાવી દઉં." અપર્ણાએ શિવ તરફ જોઈને કહ્યું. એ એની પાછળ પાછળ દોરવાયો. બંને સીડીઓ ચડીને ઉપર આવ્યાં. અપર્ણાએ પોતાનાં રૂમની બાજુમાં આવેલાં રૂમ તરફ ઈશારો કરીને કહ્યું, "તું આજની રાત આ રૂમમાં રહે." એણે પોતાનાં રૂમ તરફ આંગળી ચીંધી, "આ મારો રૂમ છે. કોઈ વસ્તુની જરૂર હોય, તો મને જાણ કરજે."
"ઓકે." કહીને શિવ એનાં રૂમમાં જતો રહ્યો.
શિવનાં ગયાં પછી અપર્ણા પણ પોતાનાં રૂમમાં આવી ગઈ. એનો રૂમ છ મહિના પછી પણ આજેય એવો ને એવો જ હતો. જેવો એ છોડીને ગઈ હતી. બધી વસ્તુઓ વ્યવસ્થિત એની જગ્યાએ પડી હતી. આટલો વ્યવસ્થિત રૂમ તો અપર્ણા ખુદ પણ નાં રાખી શકતી. મુંબઈમાં તો એનો રૂમ આખો દિવસ વેરવિખેર જ પડ્યો રહેતો. શાંતિબાઈ રૂમની સફાઈ કરી જાય, ત્યાં સુધી જ રૂમ માંડ વ્યવસ્થિત રહેતો. કારણ કે, અપર્ણાને રૂમની સફાઈ કરવાની બિલકુલ આદત ન હતી. એ અહીં હતી, ત્યારે પણ માધવીબેન જ એનાં રૂમની સફાઈ કરતાં, અને એનાં ગયાં પછી પણ થોડાં થોડાં દિવસનાં અંતરે એ અપર્ણાનો રૂમ સાફ કરી જતાં.
અપર્ણા આખાયે રૂમને જોઈને બારી સામે ઉભી રહી. એ સમયે જ રોહિણીબેન એનાં રૂમમાં આવ્યાં. તેઓ અંદર આવીને તરત જ અપર્ણાને ભેટી પડ્યાં. એમને છોકરીઓથી કંઈક વધારે પડતો જ લગાવ હતો. અપર્ણાનો જન્મ થયો, ત્યારથી માંડીને આજ સુધી એ માધવીબેન કરતાં સૌથી વધારે રોહિણીબેનની નજીક હતી. એમણે પ્રેમથી અપર્ણાનાં ગાલે હાથ રાખીને કહ્યું, "હું હાલ જ તારું મનપસંદ જમવાનું બનાવું છું. ફ્રેશ થઈને નીચે આવી જાજે."
"અત્યારે?" અપર્ણાએ એક નજર દીવાલ પર લટકતી ઘડિયાળ તરફ કરી. જેમાં રાતનાં બાર વાગી રહ્યાં હતાં.
"આટલું લાંબુ સફર કરીને આવી છે, તો ભૂખ તો લાગી હોય ને!" રોહિણીબેને વ્હાલથી કહ્યું, "આમ પણ ભૂખ લાગે ત્યારે પેટમાં બોલતાં ઉંદરનો અવાજ સંભળાય, સમય ઉપર નજર નાં કરાય."
રોહિણીબેનની વાત સાંભળીને અપર્ણાનાં ચહેરાં પર સ્મિત આવી ગયું. એને અચાનક જ કંઈક યાદ આવતાં કહ્યું, "નિખિલ પણ ભૂખ્યો હશે. તમે એને બોલાવો. હું શિવને બોલાવી આવું."
"જલ્દી આવજે." કહીને રોહિણીબેન જતાં રહ્યાં.
અપર્ણા પોતાનાં રૂમમાંથી બહાર નીકળીને, શિવનાં રૂમ તરફ અગ્રેસર થઈ. રૂમનો દરવાજો બંધ હોવાથી, એણે દરવાજો ખખડાવ્યો. ત્યાં જ શિવે દરવાજો ખોલ્યો. અપર્ણાએ દરવાજે ઉભાં ઉભાં જ એક નજર શિવનાં ચહેરાં પર કરી. એનાં ચહેરાં પર પાણીની બુંદો ચમકી રહી હતી. એ દરવાજો ખોલીને અંદર આવી ગયો, અને ટુવાલ વડે ચહેરાં પરનું પાણી સાફ કરવાં લાગ્યો. અપર્ણાએ બે ડગલાં આગળ વધીને, રૂમની અંદર આવીને કહ્યું, "કાકીએ જમવાનું બનાવ્યું છે. હું તને બોલાવવા આવી છું."
શિવે ચહેરો સાફ કરીને, અપર્ણાની જેમ જ ઘડિયાળ તરફ નજર કરી. સમય જોઈને એને કંઈક યાદ આવ્યું, અને એ મનમાં વિચાર કરતાં બબડયો, "માઁ પણ જમી નહીં હોય. બાપુએ એમને કંઈ જણાવ્યું નહીં હોય. એ મારી રાહમાં હશે, અને હું..."
શિવને એકલાં જ બબડતો જોઈને અપર્ણાએ એનાં વિચારો અધવચ્ચે જ અટકાવીને કહ્યું, "એકલાં એકલાં શું બબડે છે? જલ્દી ચાલ."
"તું જમી લે. મને ભૂખ નથી." શિવે ઉદાસ સ્વરે કહ્યું.
"મમ્મીની યાદ આવે છે ને? એ ભૂખ્યાં હશે, એવું વિચારે છે ને?" અપર્ણાએ શિવનો ઉદાસ ચહેરો જોઈને તરત જ પૂછ્યું, "મારી સાથે પણ હું મુંબઈ શિફ્ટ થઈ, ત્યારે એવું જ થતું. પણ, ચિંતા નાં કર. મમ્મીને વાતની ખબર પડશે એટલે એ તને જરૂર સમજશે. પણ, જો તું ભૂખ્યો રહીશ, તો કદાચ એમને નહીં ગમે."
અપર્ણા ક્યારેક ક્યારેક બહું સમજદારીની વાત કરી જતી. એ જોઈને શિવને નવાઈ લાગતી. અત્યારે પણ એણે એવી જ સમજદારીની વાત કરી હતી. રાધાબા શિવને આવવામાં મોડું થાય, તો પોતે ભૂખ્યાં રહેતાં. પણ, જો શિવ જમવાનો સમય ચૂકી જાય, અને એમનાં લીધે ભૂખ્યો રહે, એ એમને પસંદ નાં આવતું. એ વિચાર આવતાં જ શિવે અપર્ણાને દરવાજા તરફ ચાલવા ઈશારો કર્યો. અપર્ણા શિવનો ઈશારો સમજી ગઈ. એણે અપર્ણાની વાત માનીને જમવા માટે હાં પાડી હતી. અપર્ણા ચહેરાં પર સ્મિત સાથે તરત જ દરવાજા તરફ ફરી. એ સમયે એને બેડ પાસે પડેલાં ટેબલ પર પડેલી રિવૉલ્વર ધ્યાનમાં આવી. થોડી ક્ષણો માટે એનાં મનમાં ઘણાં સવાલો ઉઠ્યા, અને ફરી શાંત થઈ ગયાં. એ દરવાજો ચીરીને બહાર નીકળી ગઈ. શિવ પણ એની પાછળ પાછળ આવ્યો, અને દરવાજો બહારથી બંધ કરી દીધો. પછી બંને જમવા માટે સીડીઓ ઉતરીને નીચે આવી ગયાં.

(ક્રમશઃ)

_સુજલ પટેલ "સલિલ"


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED