૧૧.ઘર વાપસી
રાતનાં અગિયાર વાગ્યે શિવની જીપ અપર્ણાનાં ઘર સમર્પણ બંગલોની સામે ઉભી રહી. અપર્ણાએ જીપમાં બેઠાં બેઠાં જ ઘર તરફ એક નજર કરી. એ ઘરે આવી તો ગઈ હતી. પણ, અંદર જઈને બધાંને કહેશે શું? એ હજું સુધી એણે વિચાર્યું ન હતું. એની બાજુમાં બેસેલો નિખિલ જીપનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો. શિવ પણ પાછળની તરફથી નીચે ઉતરીને, નિખિલ પાસે ઉભો રહ્યો. બંનેએ હજું પણ જીપમાં બેસેલી અપર્ણા તરફ નજર કરી.
"દીદી! શું વિચારો છો? અંદર ચાલો." નિખિલે કહ્યું.
નિખિલનાં અવાજથી અપર્ણા ચોંકી ગઈ. એણે ચહેરાં પર પરેશાનીના ભાવ સાથે નિખિલ સામે જોયું, અને તરત જ પોતાની તરફનો દરવાજો ખોલીને જીપમાંથી નીચે ઉતરી. એ બહુ ધીમી ગતિએ ચાલી રહી હતી. રાતનાં અગિયાર વાગી ગયાં હોવાથી ઘરનો એન્ટ્રેસ ગેટ બંધ હતો. અજાણી જીપ જોઈને, ગાર્ડે ગેટ પણ નાં ખોલ્યો. પછી જ્યારે એણે નિખિલ અને અપર્ણાને એ જીપમાંથી નીચે ઉતરતાં જોયાં. ત્યારે એણે તરત દરવાજો ખોલ્યો.
"હું જીપ અંદર પાર્ક કરી દઉં. તમે બંને અંદર જાઓ." નિખિલે કહ્યું, અને જીપની ડ્રાઈવર સીટ પર ગોઠવાયો.
અપર્ણા અને શિવ અંદરની તરફ જતાં રસ્તેથી ઘરનાં મુખ્ય દરવાજા તરફ ચાલતાં થયાં. અપર્ણા પરાણે પરાણે ડગલાં ભરી રહી હતી. બંને ઘરનાં મુખ્ય દરવાજા સામે આવીને ઉભાં રહ્યાં. અપર્ણાની તો ડોર બેલ વગાડવાની પણ હિંમત ન હતી. એ કોઈ પૂતળાની માફક શિવની બાજુમાં ઉભી હતી. નિખિલ જીપ પાર્ક કરીને આવ્યો, અને અપર્ણાની એવી હાલતમાં જોઈ, તો એ તરત એની પાસે આવ્યો.
"દીદી! આ રીતે ડરશો તો મોટાં પપ્પા સામે કંઈ નહીં બોલી શકો." નિખિલે અપર્ણાના ખંભે હાથ મૂકીને, એને સાંત્વના આપી, "તમે મને બચાવવાં કેવી રીતે આવ્યાં? એ મને ખબર નથી. પણ, તમે માત્ર વાતની શરૂઆત કરજો. બાકી હું સંભાળી લઈશ." કહીને નિખિલે જ ડોર બેલ વગાડી.
થોડીવારમાં ઘરનાં એક નોકરે દરવાજો ખોલ્યો.
ઘરનાં કોઈ સભ્યએ દરવાજો નાં ખોલ્યો. એ જોઈને અપર્ણાને થોડી શાંતિ થઈ. ત્રણેય એકસાથે અંદર આવ્યાં. નોકરે તરત દરવાજો બંધ કર્યો. ઘરની બધી લાઈટો બંધ હતી. માત્ર થોડાં થોડાં અંતરે લગાવેલાં પીળાં બલ્બ ચાલું હતાં. જે આખાં બંગલામાં પીળો પ્રકાશ રેલાવી રહ્યાં હતાં. એ સમયે જ ઘરની મેઈન લાઈટ ચાલું થઈ, અને મુખ્ય હોલમાં અજવાળું પથરાયુ. અપર્ણાની નજર તરત જ સીડીઓ તરફ ગઈ. જ્યાંથી જગદીશભાઈ અને માધવીબેન નીચે ઉતરી રહ્યાં હતાં. એમને જોતાં જ અપર્ણાનું દિલ એક ધબકારો ચૂકી ગયું.
જગદીશભાઈની નજર શિવ ઉપર પડી. ત્યાં જ એમની આંખોમાં ગુસ્સો ઉભરાઈ આવ્યો. એ નીચે આવીને તરત જ શિવ સામે ઉભાં રહ્યાં. બંનેની નજર મળી, અને શિવ તરત જ અપર્ણા તરફ જોવાં લાગ્યો. જે કંઈ બોલવાની હાલતમાં ન હતી. નિખિલની પણ જગદીશભાઈનો ગુસ્સે ભરાયેલો ચહેરો જોઈને હવા ટાઈટ થઈ ગઈ હતી. બંનેએ શિવ તરફ અને જગદીશભાઈ તરફ નજર કરી, અને નીચી નજર કરીને ઉભાં રહી ગયાં. એ બંને તરફ વારાફરતી નજર કરીને, શિવે ફરી જગદીશભાઈની આંખોમાં જોયું.
"હું અપર્ણા...."
શિવ હજું એટલું જ બોલ્યો. ત્યાં જ જગદીશભાઈ ત્રાડુકી ઉઠ્યાં, "ચૂપપપપ...એકદમ ચૂપ! તે અપર્ણાનું નામ જ તારાં મોંઢેથી કેવી રીતે લીધું? તારી ઔકાત ભૂલી ગયો લાગે છે." એમણે શિવની છાતી ઉપર જમણાં હાથની તર્જની આંગળી મૂકીને આગળ કહ્યું, "તારી આ ઘરની સામે નજર કરવાની પણ ઔકાત નથી, અને તું અહીં આવીને, મારી આંખોમાં આંખો પરોવીને મારી દીકરીનું નામ લઈ રહ્યો છે! તારી હિંમતને પણ દાદ આપવી પડે. મુંબઈ માફિયાનો મામૂલી છોકરો, અમદાવાદનાં કમિશનર સાથે આટલાં રૂઆબથી વાત જ નાં કરી શકે, એ વાત તું કેમ ભૂલી ગયો?" એમનાં અવાજમાં શિવ પ્રત્યેની એક ચીડ સાફ સાફ નજર આવતી હતી.
જગદીશભાઈનો આટલી રાતે ઉંચો અવાજ સાંભળીને પ્રથમેશભાઈ અને રોહિણીબેન પણ ઉઠીને નીચે આવ્યાં. રોહિણીબેન તો નિખિલને જોઈને તરત જ એને ભેટી પડ્યાં. નિખિલને સહી સલામત જોઈને પ્રથમેશભાઈની આંખના ખૂણા પણ ભીનાં થઈ ગયાં. એ પણ નિખિલને ભેટી પડ્યાં. અપર્ણા ચૂપચાપ એક તરફ ઉભી હતી. અચાનક એની નજર માધવીબેન તરફ ગઈ. જે અપલક નજરે અપર્ણાને જ જોઈ રહ્યાં હતાં. છ મહિના પછી અપર્ણાને જોઈને એમની આંખોમાંથી હેતના આંસુ વહી રહ્યાં હતાં. અપર્ણાએ એ દ્રશ્ય જોયું, તો એની આંખોમાં પણ ઝળઝળીયાં આવી ગયાં.
જગદીશભાઈએ બધાં તરફ એક નજર કરી. એમની આંખોમાં ગુસ્સા સિવાય કોઈ ભાવ દેખાતાં ન હતાં. વાતાવરણ થોડીવાર પૂરતું ગંભીર અને ભાવુક થઈ ગયું. શિવ ગંભીર હતો, તો ઘરનાં અમુક સભ્યો નિખિલ અને અપર્ણાને જોઈને ભાવુક થઈ ગયાં હતાં. શિવની હાલ કંઈ બોલવાની ઈચ્છા ન હતી. એ થોડીવાર ચૂપ જ રહ્યો. ત્યાં જ જગદીશભાઈએ કહ્યું, "હવે આમ ચૂપ શું ઉભો છે? જતો રહે અહીંથી."
"પપ્પા! એણે નિખિલનો જીવ બચાવ્યો છે. શિવનાં કારણે જ નિખિલ આજે અહીં છે." આખરે અપર્ણાએ થોડાં ઉંચા અવાજે કહ્યું.
"વાહ! બાપ ઉઠાવે અને છોકરો બચાવે! બંનેએ સારી રમત આદરી છે." જગદીશભાઈએ કટાક્ષ કરતાં કહ્યું, "તું આ બંનેને નથી ઓળખતી એટલે હાલ ચૂપ જ રહે. આમનું તો કામ જ અમીર ઘરનાં છોકરાંઓને ઉઠાવીને, રૂપિયા પડાવવાનું છે. ગુંડાગીરી, ધાક જમાવવી, લોકોને ડરાવીને રાખવાં, આ જ આ લોકોનાં કામ છે."
"બસસસ.... કમિશનર જગદીશ શાહ...બસ!" આખરે શિવે એનું મૌન તોડતાં કહ્યું, "તમે બહું બકવાસ કરી લીધી. હવે હું બોલીશ, અને તમે સાંભળશો. મારાં બાપુએ નિખિલને કિડનેપ ન હતો કર્યો. એને મુના બાપુનાં આદમીઓ ઉઠાવી ગયાં હતાં. કારણ તમે સારી રીતે જાણો છો. આ તો તમારી દીકરીનાં કારણે મેં એની મદદ કરી, અને નિખિલને અહીં લાવ્યો. તમારે તો મારો અને મારાં બાપુનો આભાર માનવો જોઈએ, અને તમે મને જ મારી ઔકાત બતાવી રહ્યાં છો!"
"શું કહ્યું તે? મારી દીકરીનાં કારણે તે નિખિલને બચાવ્યો." જગદીશભાઈએ અસમજની સ્થિતિમાં કહ્યું, "મતલબ? એક મિનિટ.... તું અપર્ણાને કેવી રીતે ઓળખે છે?" એમણે આંખો ફાડીને પૂછ્યું.
જગદીશભાઈનો સવાલ સાંભળીને અપર્ણા અને શિવ એકબીજા સામે જોવાં લાગ્યાં. જાણે બંને આંખના ઈશારે જ એકબીજાને પૂછી રહ્યાં હતાં, કે છેલ્લાં બે દિવસથી જે ચાલે છે, એ તું જણાવીશ કે હું જણાવું? આંખોથી જ બંનેએ નક્કી કરી લીધું હોય. એમ અપર્ણાએ જગદીશભાઈ સામે આવીને એને જે રાતે શિવ મળ્યો હતો, એ રાતથી માંડીને નિખિલને મુના બાપુની કેદમાંથી આઝાદ કરાવીને બંને અમદાવાદ આવ્યાં. ત્યાં સુધીની આખી ઘટના વિગતવાર જણાવી.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"