Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૧







"ઘરમાં પ્રસંગ આવતો હોય તો કોને ના ગમે? આમ પણ એ બહાને ફરી યાદી તાજા થઈ જાસે..!"- કહીને સરલાકાકીએ વાતને સમર્થન આપ્યું.

"પણ દાદાને કોણ સમજાવશે?"- ગૌરીબેન બોલ્યાં.

"દાદાને અને માનવી લઈશ..."- મયુર અને ભાર્ગવ બોલ્યાં.

"ઇ માનસે નહિ તો?"- મહેશ્વરીએ દર વખતની જેમ ડરતા ડરતા કહ્યું.

"બી પોઝીટીવ કાકી...બધું સારું જ થાય એમ વિચારવાનું, એમ વિચારો કે બધાયને શ્યામાના ફરી લગ્નનો લહાવો મળશે!"- કહીને મહર્ષી મહેશ્વરીને સમજાવી.

"ઈ વાતય હાચી સે હો ભાઈ તારી...પણ આ મુરતિયાઓને તો પુસો...!"- કહીને મહેશ્વરીએ શ્યામા અને શ્રેણિક તરફ ઈશારો કર્યો,ને બંનેને ભાવતું હતું ને વૈધે કીધુ એમ થયું.

"હા...મને કોઈ પ્રોબ્લેમ નથી...!"- કહીને શ્રેણિકે શ્યામા તરફ જોયું.

"શું કુમાર તમેય શ્યામા તરફ જોઈ રિયા સો... ઇ થોડી ના પડવાની સે તમને?"- કહીને રમિલાએ શ્રેણિકની ચોર નજરને પકડી લીધી.

"એલી... ઈ તો પુસવું પડે....!"- કહીને મહેશ્વરી હસી પડી અને શ્યામા શરમાઈ ગઈ.

"હાલ્ય...બોલ શ્યામા... તારે શું વિચાર સે?"- કહીને સરલાકાકીએ એને ઢંઢોળી.

"હા...!'- કહીને શ્યામા શરમાઈ ગઈ અનુમતિ આપી દીધી.

"બસ તો...હાલ્યો કરો કંકુના....બોલાવી લ્યો મારાજ ને!"- કહીને રાધેભાઇએ સૌને ખુશ કરી દીધા.

સૌ ખુશ થઈ ગયા, ફરીથી લગ્નનો માહોલ સર્જાશે એ માટે મનોમન તૈયારીઓ કરવા માંડ્યા, સૌ દાદાના રૂમમાં ગયા અને પોતાની વાત રાખી, દાદાએ થોડી આનાકાની કરી પરંતુ બધાની ઈચ્છા આગળ તેઓ આજે ઝૂકી ગયા, આગળના કન્યદાનમાં રહી ગયેલી કસરને પૂરી કરવાનો સાચી વખત બધાયને મળી ગયો અને શ્યામા અને શ્રેણિકને ફરી સપ્તપદી સાચા અર્થમાં સમજી શકવાના અવસર!

પછી તો ઘરમાં જાણે લગ્નની મોસમ જામી, શ્યામા અને શ્રેણિકે પોતાના જવાની તારીખ નક્કી કરી, વચ્ચે હજી બાવીસ દિવસ બાકી હતા, ત્યાં સુધીમાં તો સરસ રીતે બધું સંપન્ન થાય એમ હતું, તેઓએ મહારાજને બોલાવ્યા અને પંદર દિવસ પછીનું મુહૂર્ત આવ્યું, સૌએ ખુશ થઈને લગ્નનીસરા ની ખરીદી કરવા માંડી, ઘરમાં મહેમાનોને આમંત્રણ આપવાનું લીસ્ટ તૈયાર થઈ ગયું, રસોઈયો અને સીધુસામગ્રીનો ઓર્ડર અપાઈ ગયો, રિવાજની બધી સામગ્રીઓ અને વ્યક્તિ નક્કી થઈ ગયા, હવે પ્રશ્ન હતો કે કન્યાદાન કોણ કરે?

વિમલરાય ગુજરી ગયા માટે ગૌરીબેન કન્યાદાન નહિ કરી શકે, સૌને એ વાતનું દુઃખ હતું પરંતુ એ વાતને સકારાત્મક લઈને સરલાકાકી અને મહેશકાકા આગળ આવ્યા, તેઓએ શ્યામા પોતાની દીકરી જ છે એમ કહીને એનું કન્યાદાન કરવાનો અવસર વધાવી લીધો, ન્યુઝીલેન્ડથી સુતરીયા પરિવારને આ વખતે સ્પેશિયલ આમંત્રણ આપીને બોલાવ્યો, છેલ્લા વખતે તો ઘડિયા લગ્ન એમને વીડિયોમાં જ જોયા હતા, આ વખતે સમય છે તો રૂબરૂ આવવાની તક સાથે તેઓ પણ તૈયાર થઈ ગયા, બે દિવસ અગાઉ તેઓ આવી પહોંચશે તે રીતે વ્યવસ્થા પણ થઈ ગઈ.

અમરાપરમા ફરી જાણે ધમાલ છવાઈ, બધાને નવાઈ લાગી કે ફરી લગ્ન? આવું કદાચ અહી પહેલી વાર બન્યું હતું માટે બધાના મોઢે લગ્નની ચર્ચા મોટાપાયે હતી, શ્યામા માટે બધાને પહેલેથી માન હતું માટે એના લગ્નમાં સૌ ખુશી સાથે જોડાવા આતુર હતાં, માયા પણ એની નોકરીએથી આવી જતી,બાજુના ગામમાં જ પોસ્ટિંગ હોવાથી તે દર બે દિવસે એક આંટો મારી જતી અને શ્યામા જોડે સુખદુઃખની વાતો સ્મરી જતી, પણ લગ્નના અઠવાડિયા પહેલાં પોતાના ધામા નાખવાનું કહીને જતી, એને હજી લગ્ન નહોતા કર્યા, સરકારી નોકરી મળી ગઈ પછી એની ઉંમર થઈ ગઈ હતી અને યોગ્ય મુરતિયો નહોતો મળ્યો એટલે કુંવારા રહેવાનો નિર્ણય લઈને બેઠી હતી.

માયા દર વખતે એને સમજવતી પરંતુ એ એની જીદ પર અડી ગઈ હતી, આ વખતે એને સમજાવીને જ રહેશે એ ધારીને શ્યામા એની પાછળ પડી ગઈ હતી, વાસ્તવમાં માયાને સાત વર્ષ પહેલાં નયન જોડે એકતરફી પ્રેમ થઈ ગયો હતો, એકબીજા જોડે ઝગડતા ઝગડતા ક્યારે માયા નયનને દિલ દઈને બેઠી એનો એને ખુદને ખ્યાલ નહોતી, દિલમાં વસેલા નયને એ હટાવી નહોતી શકતી અને બીજા કોઈને એની જગ્યા આપી નહોતી શકતી, એ ઘણી વાર શ્યામાને એના વિશે પૂછતી પરંતુ શ્યામા પોતાના કામમાં વ્યસ્ત હોઇ એનું ધ્યાન આ વાત પર ગયું જ નહિ, પરંતુ થોડા વખત પહેલાં એને આ વાતનો અણસાર આવ્યો હતો, એને આ વાતની જાણ શ્રેણિકને પણ કરી હતી, પણ સમય બહુ આગળ વધી ગયો હતો.....

ક્રમશઃ