Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૭

શ્યામા દાદા જોડે ગઈ, સરલાકાકી શ્રેણિક જોડે વાતે વળગ્યા, ત્યાં તો મહેશ્વરીએ બૂમ પાડી, "એ હાલો..... મહેમાનને વાતું જ કરાવવાની છે કે કંઇક મહેમાનગતિ પણ કરાવવી સે?"

"આ માસી ભાણીયાની વાતો પતે એટલે પુગીએ..." મહેશભાઈએ સરલાને કટાક્ષમાં કહ્યું.

"અમારી વાતું તો નઈ પતે...હાલ્યો...શ્રેણિક દિકરા...ચાલ હાથપગ ધોઈ લ્યો.... ગરમાગરમ નાસ્તો તૈયાર જ છે!"

"હા ચાલો જીજુ....આ બાજુ સે ગેંડી....!"- ભાર્ગવે શ્રેણિકને રસ્તો બતાવ્યો.

"આજે તો જામો પડી જાહે....ગરમાગરમ ભજીયા અને વરસાદી મોસમ!"- કહેતાં મયુર રસોડા બાજુ ગયો.

"તું ક્યાં વયો આવ્યે સે....જા દાદાને અને શ્યામાને તેડી લાવ!"- રમીલાબેન રસોડે ઊભા રહીને મયૂરને કહ્યું.

"હા ભલે...આવ્યો ફટાફટ....!" મયુર દાદાના ઓરડા પાસે ગયો.

"એ હાલો દાદા....શ્યામા જોડે નાસ્તો કરશો ને?"- એનો મોટો ખમતીધર અવાજ બધાયને સંભળાય એમ હતો, એનો અવાજ સાંભળીને બાજુમાંથી પસાર થતા શ્રેણિકે એને તરત જ અટકાવ્યો.

"કેમ...દાદાને ત્યાં લઈ જવાના છે?"

"હા...તમે જાઓ હું લઈ આવું છું એમને!"- મયુરે વિનમ્રતાપૂર્વક કહ્યું.

"પણ આપણે બધા જ એમની જોડે નાસ્તો કરીએ તો? એમને ક્યાં છેક ત્યાં સુધી લઈ જઈશું? અહી મજા આવશે એમની જોડે તેઓ કરતાં નાસ્તો કરવાની!" શ્રેણીકે એની સુઝાવ રાખ્યો.

"પણ દીકરા તને ડાયનિંગ ટેબલ પર બેસીને જમવાની આદત હશે ને?"- મહેશભાઈએ શ્રેણિકને ધ્યાનમાં રાખતા કહ્યું

"કાકા...તમે પણ શું? જૈસા દેશ વૈસા ભેસ! અહી આવ્યા છીએ તો અહીંના રીતરિવાજ પ્રમાણે મને ફાવશે!"- કહીને શ્રેણિકે એક આત્મીયતા દાખવી.

"તો પણ બેટા!"- મહેશભાઈએ ખચકાયા.

"કાકા....તમે બધા અહી બેસીને મારી જોડે નાસ્તો કરશો તો મને વધારે ગમશે."- કહીને શ્રેણિક તો દાદાના ખાટલા પાસે પડેલા ખાટલા પર પલાઠી વાળીને બેસી ગયો.શ્યામા એને આ રીતે જોઈને હસી પડી.

"કાકા..હવે તો તમારા જમાઈએ જીદ પકડી..જાઓ બધાને અહી જ બોલાવી લ્યો."- શ્યામાની નારાજગી તો જાણે હવામાં ઊડી ગઈ, એ જે રીતે નારાજગી સાથે દાદાના ઓરડે આવી હતી એની તુલનામાં શ્રેણિકને જોતા એ ગુસ્સાને ઓગાળી દીધો, એ બધું ભૂલી ગઈ, એની આ નિખાલસતા જ એણે બધાથી નિકટ રાખતા હતા.

"ભલે ભલે....જા તો મયુર હંધાયને અહી તેડતો આવ્ય!"- મહેશભાઈએ મયૂરને કહ્યું અને તેઓ દાદા જોડે ગયા.

"જુઓ દાદા...આ તમારા જમાઈ હઠે ચડ્યાં...તમારી ભેગા બેસીને જ નાસ્તો કરશે આજે તો ઈ..."- મહેશભાઈએ દાદાની ડાયાબિટીસની દવાનો ડબ્બો કાઢતા કહ્યું.

"ભલે....!"-દાદાએ એમનો હાથ જરાક ઊંચો કરીને મંજૂરી આપી, એમની અશક્તિના કારણે તેઓ મોટાભાગનો સમય ખાટલામાં સૂતા સૂતા જ પસાર કરી દેતા હતા, એમનો રૂઆબ હવે પહેલાની જેમ અસલ નહોતો, તેઓની શારીરિક અશક્તિએ એમને પરાવલંબી બનાવી દીધા હોવાથી તેઓને નહોતું ગમતું પરંતુ પરિવારમાં બધાય હજીય એમને પહેલા જેટલું જ સામાન્ય આપતાં જોઈને તેમની આત્માને શાંતિ પહોચતી હતી.

દાદાને મહેશભાઈએ ટેકો આપ્યો, તેઓ બેઠાં થયા અને બાજુમાં પડેલી પ્યાલી ઉઠાવી અને મહેશભાઈની હથેળીમાં પડેલી દવા લઈને જાતે પી લીધી, તેઓ બને એ બધું કામ એમની જાતે કરવાનો પ્રયત્ન કરતા હતા, એમનાં ચશ્માં બાજુમાં પડ્યા હતા, એ શ્યામાએ લૂછી આપ્યા, બચપણથી દાદાના ચશ્માં લૂછી આપવાનું કામ એનું એટલે હમણાં એ અહી આવી છે તો એને એ યાદ આવી ગયું, દાદાને ચશ્માં આપ્યા એટલે તેઓ તો ખુશ ખુશ થઈ ગયા, વખતો બાદ આજે એમની દીકરી મળી અને ભૂલ્યા વગર ચશ્માં પણ લૂછી આપ્યા.

તેઓ બેઠાં હતા ત્યાં મહેશ્વરી અને રમીલા ગરમાગરમ વણેલા ગાંઠિયા અને ચટણી લઈને પહોંચી ગયા, જોડે વિવિધ બીજા ગુજરાતી નસ્તાઓની રમઝટ સજી, મયુર પણ ધીમે ધીમે બધાને બોલાવતો આવ્યો, નવી વહુઓ બધાને એક પછી એક નાસ્તા પીરસવામાં ચાલુ કરી દીધા, બધા એક સમૂહમાં ગોઠવાઈ ગયા અને દાદાના ટોળે વળીને નાસ્તાની મિજબાની માણવા માંડ્યા, જોડે હસીમજાકની મહેફીલ જામી, જૂની યાદોની સફર ચાલી, બધાને શ્યામા અને શ્રેણિક સાથે બેસીને નવનવી વાતો કરવાની મજા પડી ગઈ, શ્રેણિકને પણ ઇન્ડિયાની સાંભળેલી વાતો સાક્ષાત અનુભવ થઈ રહ્યો હતો.

ક્રમશઃ...