Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૬

વર્ષો બાદ બધાને એકસાથે જોઈને શ્યામા ખુશ થઈ ગઈ, શ્રેણિક શ્યામાને જોઈને ખુશ થઈ ગયો, શ્યામાના ચહેરાની આ રોનક એણે એની પહેલી મુલાકાતમાં જોઈ હતી, ન્યુઝીલેન્ડ જઈને શ્યામા ખુશ તો હતી પરંતુ એના કામની વ્યસ્તતામાં એ ક્યાંક તણાવમાં ડૂબી ગઈ હતી, એ શ્રેણિક જોડે વિકેન્ડમાં મળીને ફરવા પણ જતી, ઘરના સદસ્યો જોડે ભળી પણ જતી પરંતુ એક વહુ તરીકે એ મર્યાદિત હતી, એનું આમ નદીની માફક વહેવું ત્યાં રોકાઈ ગયું હતું, આજે આટલા દિવસો બાદ ફરી એ જાણે કુંવારી નદી બનીને ખળખળ વહેતી થઈ ગઈ.

શ્યામાની ખુશીનો પાર ન રહ્યો, એ બધાને મળી, ઘણા વખતે આવ્યાની ખુશી એના સ્મિતમાં સ્પષ્ટ ઝળકી રહી હતી, એ ખુશી પળવારમાં આંસુ સ્વરૂપે ઉભરી આવી, એને આમ રડતા જોઈને સરલાકાકી એની જોડે આવ્યા અને એના માથે હાથ ફેરવીને, "દીકરા હવે શેનું રડે છે, હવે તો બધાને મળી લીધું ને!"

"કાકી કશું નહિ, આ તો ખુશીના આંસુ છે!"- કહેતાં શ્યામાએ આંસુ લૂછ્યા અને હસવા માંડી.

"ખુશી તો અમને પણ ખૂબ જ થઈ કે તમે બન્ને અહી આવ્યા, અમારી સાથે રોકાશો....બાદ એમ થાય છે કે હવે જવા જ નહિ દઈએ તમને તો!'- કહેતાં ભાર્ગવ હસી પડ્યો.

"હું તો રોકાઈ જ જઈશ, પરંતુ તમારી આ બહેનને હવે ક્યાં ફાવે અહી? એને તો એની ઓફિસ જ વહાલી છે!"- શ્રેણિકે શ્યામા સ્મિત સાથે સામે જોતા કહ્યું.

શ્યામા એની અનીયારી આંખોથી ધારદાર જોતાં લુચ્ચું હસી, એને આમ જોતાં માયા તરત જ બોલી, "જીજાજી આ આમ જ તમને ડોળા કાઢીને બીવડાવે છે ને?" ને માયાની વાત પર સૌ હસવા માંડ્યા.

"માયાની બચ્ચી, એટલે તું એમ કહે છે કે હું શ્રેણિકને ધમકાવી રહી છું?"- શ્યામા એની સામે આંખ ઝીણી કરીને જોવા લાગી.

"ના બેન...તને કાંઈ નો કહેવાય મારે, તું તો અમરપરાની રાજકુમારી છો! અને હવે શ્રેણિકકુમારની રાણી!"- માયા હસવા માંડી, અને શ્યામા શરમાઈ ગઈ.

"જો તોય જીજાજી તારાથી બીતા હશે, સાચી કહો તો જીજાજી?"- કહેતાં માયા શ્રેણિકની જરાક મશ્કરી કરવા માંડી.

"હું શું કહું માયા? એ તો તમારી સહેલીને તમારા કરતાં કોણ વધારે સમજી શકે?"- શ્રેણિક હસવા મળ્યો.

" એનો મતલબ એ તમને ન્યૂઝીલેન્ડમાં ધમકાવે છે હે ને? અહી આવ્યા છો તો તમે એની બધી શિકાયત કરી શકો છો...!"- કહીને માયાએ શ્યામા સામે જોયું.

"ઉભી રહે માયાડી....તું નહિ સુધરે ....તને હવે હું દુશ્મન લાગુ છું એમ?"- એમ કહેતા એ માયાની પાછળ દોડી, માયા ભાગી અને ગૌરીબેનની પાછળ જઈને સંતાઈ ગઈ.

"જુઓ વંદના અને આભા...તમારી નનંદબા આવી ગયા છે, આમ જ ઉધમ ચાલશે હવે ઘરમાં!"- કહીને પ્રયાગ ઘરમાં આવેલી નવી વહુઓને કહેવા માંડ્યો.

"એટલે...શું કહે છે પ્રયાગ? હું ઉધમ મચાવું છું ઘરમાં?"- શ્યામા માયાને મૂકીને એને વળગી...

"એ તો હવે એમને શું ખબર.... અમને તો એમ કે તું વિદેશ જઈને સુધારી ગઈ હોઈશ, પણ તારા નામનું વાવાઝોડું તો હજીય અમરાપર ઉપર આમ જ ત્રાટકે છે!'- કહીને એ એને મયૂરને તાળી આપી ને તેઓ જોરથી હસવા માંડ્યા.

"જાઓ બધા આમ જ કરો ...તમને હવે મારા કરતાં શ્રેણિક વધારે વહાલા લાગે.... રહો એમની જોડે. હું તો ચાલી દાદા જોડે!"- કહીને શ્યામા પગ પછાડતી દાદાના ઓરડા બાજુ ગઈ.

"હાસ્તો .. અમને તો હવે જમાઈરાજા વહાલા જ લાગે ને... એ અમારા ઘરના વાવાઝોડા... સોરી તને સાચવે છે તો...!"- કહીને ભાર્ગવે એને વધારે ઉશ્કેરી.

શ્યામાએ પાછળ વળીને જોયું અને મોઢું મચકોડીને પોતાના વાળ સરખા કરતી ત્યાંથી દાદા જોડે જતી રહી, શ્રેણિક એની સામે એકીટશે જોવા માંડ્યો, એને શ્યામાનું સાત વર્ષ પહેલાનું બચપણ દેખાઈ રહ્યું હતું, બધા એની આ બચપની પર હસવા માંડ્યા.

"જોયું શ્રેણિક....શ્યામા આવી જ છે ને!"- સરલાકાકીએ એને પૂછ્યું.

ક્રમશ....