સ્કેમ….17
(નઝીરનો આકા સાગર જોડે ડૉ.રામને વાત કરવા દેવાનું કહે છે. ડૉકટર રાતે ઊંઘમાં બડબડે છે. હવે આગળ...)
સીમાએ પ્રેમથી રામને પૂછ્યું કે,
"તો પછી કહો કે કેવું છે તમને?"
"મને શું થયું છે, શું તું પણ મનના ઘોડા ગમે ત્યાં દોડાવે છે?"
"હું મનના ઘોડા દોડાવું છું કે પછી તમે બહાનાં કાઢીને કે કોઈ તિકડમ કરીને મારી સાથે વાત કરવાનું ટાળે છો, ડૉકટર?"
સીમાની સુંદર સ્માઈલ અને પ્રશ્નો થી ડૉ.રામ અકળાઈ ગયા અને બોલી પડયા કે,
"એવું કશું નથી અને તું મારો પીછો છોડ."
"એવું જ હોય તો તમે અકળાઈ કેમ ગયા? અને રહી વાત પીછો છોડવાની તો એ તો આ જન્મમાં તો શું, સાત જન્મમાં પણ શકય નથી. અને એનો હક પણ તમે જ મને આપ્યો છે, ડૉકટરબાબુ."
ડૉકટર રામ આ સાંભળીને હસી પડયા અને બોલ્યા કે,
"તને કોઈ ના પહોંચે, શ્રીમતીજી..."
"હમમમ... માની જ ગયા છો, હવે તો મારી વાતનો જવાબ આપો."
"સાચું કહું છું, સીમા મને કંઈ નથી થયું. આ તો ફકત કામનો સ્ટ્રેસ હોવાથી થાકી જાવ છું."
સીમા તેમની સામે જોઈ રહી તો ડૉ.રામ ધીરેથી પૂછ્યું,
"પણ તને કેમ એવું લાગે છે?"
સીમાએ તેમનો હાથ પોતાના હાથમાં લઈને રાતે તેમને કરેલો બબડાટ કહી સંભળાવ્યો અને ડૉકટરને પૂછ્યું કે,
"બોલો હવે તમે એમ જ કહેશો કે વાત કંઈ નથી?..."
ડૉ.રામ વિચારમાં પડી ગયા છતાં કહ્યું કે,
"ના... ના... એ તો કેસ થોડા કોમ્પ્લીકેટડ છે, એટલે એવું લાગે છે, તને?"
સીમા ડૉ.રામને આગળ કંઈ ના કહી શકી અને પોતાની ઓપીડી પર જતાં રહ્યાં. ડૉ.રામ થોડા ટેન્શનમાં જોઈને મીરાંએ પૂછ્યું કે,
"શું વાત છે, સર? કેમ આટલાં ટેન્શનમાં છો?"
"વાત તો આમ કંઈ નથી અને આમ ઘણી મોટી છે?"
"એટલે સર?"
"મીન્સ ફરી પાછું મારા પર એ ડુપ્લેક્સ પર્સનાલિટી હાવી થઈ રહી છે. અને મારે એ માટે ડૉ.શર્મા સાથે વાત કરવી પડશે."
તેમને ડૉ.શર્માને વાત કરી અને પોતાના પર હાવી થઈ રહેલા ડુપ્લેક્સ બીહેવીયર વિશે પણ કહ્યું. ડૉ.શર્માએ કહ્યું કે,
"રામ હું તને વિચારીને કહું છું કે શું થઈ શકે એમ છે?"
"ઓકે સર..."
જાનકી ઘરમાં સાફસફાઈ કરી રહી હતી. તેની બે દીકરીઓ કલશ અને આન્યા, તેના જેઠ જેઠાણીના બે દીકરાઓ ઘરના આંગણામાં શાસન અને આલોક સાથે રમી રહ્યા હતા. રમતાં રમતાં અચાનક જ બાળકોમાં લડાઈ થઈ ગઈ. લડતાં લડતાં વાત એટલી બધી વધી ગઈ કે બાળકો મારામારી કરવા લાગ્યા અને તેના અવાજ સાંભળીને જાનકી અને તેની જેઠાણી અનિતા પણ ત્યાં આવી ગઈ. અનિતાએ તેના દીકરા પર દેરાણીની દીકરીએ ઉપાડેલો હાથ જોઈને કશું સમજયા કે વિચાર્યા વગર જ તેને બોલવા લાગ્યા કે,
"કેટલીવાર તને કહ્યું છે જાનકી, કલશને સમજાવી દે કે મારા દીકરાને હાથ નહીં અડાડવાનો."
જાનકીએ તેની જેઠાણીને સમજાવતાં કહ્યું કે,
"ભાભી તમને કે મને પૂરી વાત ખબર નથી. પહેલાં જાણીતો લો કે વાત શું છે, પછી ખબર પડે કે વાંક કોનો છે?"
"એ મારે નથી જાણવું. બસ એટલું યાદ રાખ કે મારા દીકરાને હાથ નહીં અડાડવાનો."
"પણ ભાભી બાળકો બધા જ સરખા હોય, રમવામાં દીકરો કે દીકરી એવું કંઈ ના હોય."
"જો જાનકી મારે તારી જોડે જીભાજોડી નથી કરવી."
"કેમ ભાભી, જયારે હોય ત્યારે મને અને મારી દીકરીઓને જ ચૂપ કરવામાં આવે છે?"
"કેમ ના કરવામાં આવે? મારી પાસે બે દીકરા છે જયારે તારી પાસે ફકત દીકરીઓ. અને એટલું યાદ રાખજે તારી દીકરીઓ માટે મારા દીકરા છે એટલે જ એમના માટે પિયર ખુલ્લું રહેશે."
"પણ એ વાત આ રમવાની ઉંમરે શું કામ લાગુ પડે? એમાં મારી દીકરીઓનો શું વાંક અને એ કારણે બંને છોકરાઓ મારી દીકરીઓને જેમ ઈચ્છે તેમ એમને ધમકાવે અને એ એમને સહન કર્યા કરવાનું. દીકરા દીકરીનો એકસમાન જ હક હોય."
"એ બધું પુસ્તકીયું જ્ઞાન છે, જે મારા પર અને મારા દીકરા પરના થોપ સમજી. ઘરમાં નાની છે અને દીકરીઓને જન્મ આપીને તે કદ વધારે નાનું કરી દીધું છે."
"ભાભી..."
જાનકી ચીસ પાડી ઉઠી તો,
"ભાભી... ભાભી, શું કરે છે? હું કંઈ તારા આંખોના મોટા ડોળાથી કંઈ ડરી નથી જવાની. કહીએ એટલું જ કર."
"આમ બાળકોની લડાઈમાં ના પડાય. અને એમના માટે થઈને આપણે ઝઘડીએ એ ના શોભે. એ લોકો તો કાલે ભેગા થઈ જશે."
"કેમ ના શોભે, જો તું તારી દીકરીઓને બરાબર નહીં શીખવાડે કે સહન કરવાનું નહીં શીખવાડે તો સાસરીમાં તકલીફ પડશે. અને તું અત્યારે યાદ આવ્યું પણ બોલે છે ત્યારે તો યાદ નથી આવતું કે ઝઘડો ના કરાય."
"ભાભી, હું એકલી કયાં ઝઘડો કરું છું કે બોલું છું, તમે પણ છો જ ને?"
"હવે મને પણ ગમે તેમ બોલીશ..."
કહીને અનિતાએ રડી રડીને આખા ઘરને ભેગું કર્યું. બધાએ વાતને જાણ્યા વગર જાનકીને જ બોલવા લાગ્યા. એના પતિ ભરતે પણ તેને એવું જ કહ્યું કે,
"જાનકી, ભાભી સાચું તો કહે છે, આપણે તો દીકરીઓને સહન કરવાનું શીખવાડવું જ પડશે ને. દરેક વખતે જીભાજોડી કરવી પણ બરાબર નહીં, સમજી તો ચૂપ રહેતા શીખ અને શીખવાડ."
જાનકી આ સાંભળીને દુઃખી થઈ ગઈ પણ વધારે કંઈ બોલવું તે તેના માટે આફત સમાન હોવાથી તે કશું બોલી શકે એમ પણ નહોતી. અને જયારે પતિ જ સાથ ન આપે તો બીજા કયાંથી સાથ આપે એટલે તે રડતી રડતી પોતાના રૂમમાં જતી રહી. થોડીવાર પછી કલશ જયારે પોતાની મમ્મીને જોવા ગઈ તો જાનકી બેસૂધ થઈને જમીન પર પડેલી હતી. એ જોઈને કલશ બૂમો પાડીને બધાને બોલવા લાગી,
"દાદી... દાદા... પપ્પા....પપ્પા..."
બધાજ બૂમ સાંભળીને એ રૂમમાં આવ્યા.
(શું જાનકીએ ના કરવાનું કરી લીધું હશે અને ના તો પછી વાત શું હશે? શું ડૉકટર તેને સાજી કરી શકશે અને બધાને પોતાની ભૂલ વિશે ખબર પડશે ખરી?
જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....18)