સ્કેમ....7 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેમ....7

સ્કેમ….7

(રામે તેના મમ્મી પપ્પા અને સીમાના મમ્મી પપ્પાને લગ્ન માટે મનાવી લીધા. હવે આગળ...)

"બેટા લગ્ન પછી તારે અને રામે અહીં સેટ થવું પડશે, બોલ મંજૂર."

અમે બધા સ્તબ્ધ.... મારા ચહેરા પર તો પરસેવો છૂટી ગયો. કોઈ સમજી ના શકયું કે શું કહેવું, ના કહેવું... મારું તો મગજ જ બંધ થઈ ગયું જાણે કે કોઈએ સિલેબસ વગરનો પ્રશ્ન પૂછયો ના હોય. સીમા શું જવાબ આપશે, તે તો મારી વિચારશક્તિ બહાર.

પણ સીમાએ કહ્યું કે,

"હા પપ્પા, કેમ નહીં. મને પણ આપણા દેશમાં સેટ થવું ગમશે."

મારા પપ્પાએ ખુશ થઈ ગયા અને કહ્યું કે,

"જીવતી રહે બેટા, મારી પરીક્ષામાં થી તું પાસ થઈ ગઈ. મને એમ કે તું મારા દિકરાને ત્યાં જ રાખીશ અને અમે અહીં એકલા રહી જઈશું. ઘડપણમાં અમારે પણ તમારી સાથે અને તમારા બાળકો સાથે જીવવું હતું. આ બધું છીનવાઈ ના જાય એટલા માટે મેં શરત રાખી."

"પપ્પા તમે આ શરત ના કરી હોત તો પણ હું ત્યાં જ તમારા લોકોની સાથે જ રહેતી કારણ કે રામ તો પહેલાં થી જ મને કહેતા હતા કે હું તો મારા મમ્મી પપ્પા જોડે જ રહીશ. તેમને ભોગવેલી તકલીફો બધી જ દૂર કરીને બધા જ સુખો આપીશ. આમ પણ પિયરમાં મમ્મી પપ્પાએ ઘણા લાડ લડાવ્યા મારે પણ તમારી સાથે રહીને સાસરીના સુખો ભોગવવા છે. સાસુની બુરાઈ અને મમ્મી તેમની મિત્ર જોડે બુરાઈ કરે. રામને પોતાના હાથની બનાવેલી વાનગી જમાડવા માટે ઝઘડા વિગેરે વિગેરે મેં વિચાર્યું તે બધું જ સુખ હું પણ જીવવા માંગું છું."

પપ્પાએ મારા સસરાને કહ્યું કે,

"વેવાઈ મ્હોં મીઠું કરો... અને તમે પણ ત્યાંથી અહીં જ સેટ થઈ જાવ. જોડે જોડે રહીશું, વૉક કરવા જઈશું અને આવાં ઝઘડા જોઈશું. સાથે સાથે તહેવારો ઉજવીશું. મને પણ નવો ફ્રેન્ડ મળી જશે."

જયારે મારી સાસુ કહ્યું કે,

"હા, અમારે પણ દિકરીને એના સંસારમાં હસતી રમતી અને વસેલી જોવાનો અભરખો પૂરો થઈ જશે. અને એને આટલું પરફેક્ટ સાસરું કયાંથી મળત."

"તો પછી વેવાઈ અને વેવાણ જલ્દી આવો આ બંનેને લઈને. અમે લગ્નની તૈયારી કરી રાખીએ."

"હા, કેમ નહીં વેવાઈ... અમે જલ્દી આવી જઈશું."

અમે લોકો વહેલામાં વહેલી તકે લંડનથી અહીં આવ્યા. મારા મમ્મી પપ્પા અને સીમાના મમ્મી પપ્પા એકબીજાને મળીને તેમના અંતર રાજી થઈ ગયા અને અમારા લગ્ન રંગેચંગે થઈ ગયા. જોલી એ સમયે અમારી જોડે જ આવ્યો હતો. લગ્ન થઈ ગયા પછી એ જ રાતે લંડન જવા નીકળ્યો. જયારે અમે હજી તો ફરવામાં પછી સંબંધીઓ ના ઘરે જવામાં વ્યસ્ત હતા.

સીમાના મમ્મી પપ્પા પાછા લંડન જવા નીકળવાના હતા એટલે અમે ઘરમાં જ ગેટ ટુ ગેધર રાખ્યું હતું. બસ હસી મજાક સાથે ડીનર કરી રહ્યા હતા.

મારા પપ્પાએ કહ્યું કે,

"નિમેષભાઈ, કપિલાબેન તમારી સાથે મજા આવી. એવું લાગી જ નથી રહ્યું કે તમે ફોરેનમાં રહું છું. ભરતભાઈ મને તો તમારી સાથે એવું લાગી રહ્યું છે જાણે આપણે જુના લંગોટીયા મિત્ર હોઈએ અને લાંબા સમય પછી મળી રહ્યા છીએ."

"હા, નિમેષભાઈ પણ આમાં મારા કરતાં તમારા સ્વભાવના લીધે જ આટલા જલ્દી આપણે મિત્રો બની શકયા."

"તમે લોકો લંડનમાં વાઈન્ડ અપ કરીને આવી જાવ, એટલે આપણે જોડે રહીશું અને મજા કરીશું."

ભરતભાઈ પણ બોલ્યા કે,

"એ બધી વાત સાચી અને મેં પણ ત્યાં વાઈન્ડ અપ કરવાનું ચાલુ કરી જ દીધું છે. હજી અમારે અમુક ફોર્માલીટી પતાવીને પરમેનન્ટ અહીં જ આવી જવા માંગું છું. પણ દિકરીના ઘરમાં નહીં, પણ અમારા પોતાના ઘરમાં."

"એવું શું કામ ભરતભાઈ, જો હું જુની વિચારસરણી નથી ધરાવતો એટલે જ કહું છું કે જો દીકરા ના મા બાપ દીકરા જોડે રહે તો દીકરીના મા બાપ પણ રહી જ શકે."

"હું પણ એવું જ માનું છું એટલે જ તો તમારી બાજુમાં બંગલો લઈને રહીશ. જયાં રામ લેશે ત્યાં અમે લઈશું. જેથી મારી દિકરીને પિયરનું સુખ પણ મળે અને અમને તમારો સાથ."

"એમ તો તમારી વાત સાચી, તો પછી એની બીજી સાઈડનો બંગલો અમે લઈશું. જુદાંના જુદાં અને ભેગાના ભેગા."

"પણ નિમેષભાઈ મારી એક ઈચ્છા છે કે જમાઈ તે પહેલાં મારા થોડા પૈસા લઈને પોતાની હોસ્પિટલ ખોલે."

મેં કહ્યું કે,

"શું જરૂર છે, પપ્પા? મને મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલમાં જોબ મળી ગઈ છે. હોસ્પિટલ હું મારા પૈસાથી ખોલીશ."

"તો પછી અમારા પૈસા શું કામના, તમારા પપ્પાએ તમને ભણાવ્યા અને હું હોસ્પિટલ ખોલી આપું. આમ પણ એકની એક દિકરી છે સીમા, મારા ગયા બાદ તો બધું એનું જ છે, તો પછી અત્યારે કામ લાગે."

સીમાએ પણ કહ્યું કે,

"હા રામ, જો તમને એવું લાગતું હોય તો લોન રૂપે લો. હોસ્પિટલ ખોલો અને કમાઈને પાછા આપી દઈશું."

"ઓકે, તો પછી આ હોસ્પિટલ તારા નામ પર જ રહેશે."

પપ્પાજી એ કહ્યું કે,

"આઈ એગ્રી વીથ યુ."

"તો પછી મમ્મી પપ્પા તમે રોકાઈ જાવ, હોસ્પિટલ ઓપનિંગ પછી જ જજો."

તેઓ માની ગયા અને નાની એવી મારી હોસ્પિટલ શરૂ થઈ ગઈ.

મારી નવી હોસ્પિટલની અને મારી નામના કરવામાં સૌથી મોટો સિંહફાળો મારો પહેલો કેસ જાનકી નામની છોકરીનો હતો. એ પણ અમીર ઘરની વહુ હતી અને અમીરોમાં આવી બિમારી એક યા બીજા રૂપમાં હોય જ. એના પછી મેં કયારેય પાછું વળીને જોયું જ નથી.

મારી પાસે લોકો ટ્રીટમેન્ટ કરાવવા માટે વેઇટિંગ કરવા તૈયાર હતા. મેં પણ નાની હોસ્પિટલની જગ્યાએ મોટી અને લકઝરીયસ હોસ્પિટલ બનાવી દીધી. ધીમે ધીમે બીજી ફેકલ્ટીના ડૉકટર હાયર કરીને ડૉકટર હાઉસ જ બનાવી દીધું.

ડૉકટર હાઉસમાં મારા સિવાય બીજા બે સાયક્રાટીસ, બે ગાયનોકોલોજીસ્ટ, બે ચાઈલ્ડ સ્પેશ્યાલિસ્ટ, બે હાર્ટ સ્પેશ્યાલિસ્ટ અને બે ન્યુરોજીસ્ટ હતા. આખા ડૉકટર હાઉસનું મેનેજમેન્ટ સીમા કરતી. પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગેલા હતા. એમાં વળી, છ વર્ષ પહેલાં શના જેવી પરી અને ત્રણ વર્ષ પહેલાં યશ જેવા દિકરાને જન્મ આપી, અમારી ફેમિલી પૂરી કરી દીધી.

મારી આ સુંદર સફરને રોકતી ફોનની રિંગ વાગી.

(કોનો ફોન હશે? કેમ કર્યો હશે અને શું વાત હશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....8)