truth of life books and stories free download online pdf in Gujarati

જીવનનું સત્ય

જીવનનું સત્ય

-રાકેશ ઠક્કર


સરકારી ઓફિસમાં અનેક લોકો કામ અર્થે આવે છે. ઘણા ખુશ થઇને જાય છે તો ઘણાની પાસે પૂરતા દસ્તાવેજો ન હોવાથી કે ઇન્ટરનેટ અથવા વેબસાઇટ ચાલુ ન હોવાથી નિરાશ થઇને જવું પડતું હોય છે. આમ તો અલગ- અલગ કામથી લોકો આવતા હોવાથી એમના અજાણ્યા ચહેરા યાદ રહેતા નથી. પરંતુ એક વૃધ્ધા ઘણી વખત કોઇને કોઇ કામ લઇને આવતા હતા. એમની પાસે દર વખતે કોઇ અલગ વ્યક્તિનું કામ રહેતું હતું. અમે પૂછ્યું ત્યારે એમણે લોકસેવા કરતા હોવાનું જણાવ્યું હતું. સોસાયટીના કે સંબંધીઓના સરકારી કામો તે કરાવવા લાવતા હતા. અમે એમની ઉંમરને માન આપીને ઝડપથી કામ પતાવી આપવાનો આશય રાખ્યો હતો. તે લોક સેવાનું કામ કરી રહ્યા હતા એટલે તેમને મદદ કરવાની એક માનવી તરીકે બધાંની ફરજ બનતી હતી. વળી એ શહેરના નહીં પણ નજીકના એક ગામની સોસાયટીમાં રહેતા હતા એટલે શહેરના લોકો તેમને ખાસ ઓળખતા ન હતા. એ તેમનું કામ પતાવીને જતા રહેતા હતા. અમે એમના પરિવાર વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એમણે કહ્યું હતું કે તે એકલા જ રહે છે. પતિનો વર્ષો પહેલાં સ્વર્ગવાસ થઇ ગયો હતો અને સંતાનમાં કોઇ ન હતું. અમને એમના પર દયા પણ આવતી હતી. તાપ કે વરસાદમાં એ લોકોના કમ લઇને આવતા હતા. એમનો સ્વભાવ પણ સારો હતો. કોઇ દિવસ ઉતાવળ કરતા નહીં અને પ્રેમથી વાત કરતા હતા. બધા એમને ઓળખી ગયા હતા. એ ક્યારેય ખોટું કામ લઇને આવતા ન હતા. ઘણી વખત અમે એમને ચા-પાણી પીવડાવતા હતા. એ દિલથી આશીર્વાદ આપતા હતા.

એ વૃધ્ધા ધીમે ધીમે અમારી ઓફિસના એક સભ્ય જેવા જ બની ગયા હતા. એકાદ અઠવાડિયું વીતી જાય અને એ ના આવે તો અમે તેમને યાદ કરવા લાગતા હતા. હમણા એવું જ બન્યું. એક નહીં ચાર અઠવાડિયા વીતી ગયા. એ દેખાયા જ નહીં. એક કર્મચારી બહેન પાસે એમનો મોબાઇલ નંબર હતો. એના પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરી જોયો પણ ઉપાડ્યો નહીં. બે-ચાર દિવસ વીતી ગયા. હવે એમનો ફોન બંધ જ આવતો હતો. બધાં જ કહેવા લાગ્યા કે એ કોઇ મુસીબતમાં હશે કે પછી માંદા પડ્યા હશે. મેં રવિવારે એમના ઘરે જવાનું ગોઠવ્યું. સવારે હું ગામમાં પહોંચ્યો અને બે-ચાર જણને પૂછ્યું ત્યારે એમણે નવાઇથી મારી તરફ જોઇને એમના ઘરનો રસ્તો બતાવ્યો. હું જ્યારે એમના ઘરે પહોંચ્યો ત્યારે તાળું હતું.

પડોશમાં પૂછ્યું ત્યારે એમણે મારી સામે ગુસ્સાથી જોયું. મને નવાઇ લાગી. પડોશી બોલ્યા:'હવે આવવાનો સમય મળ્યો તમને?' મેં કહ્યું કે મને એમના વિશે કોઇ માહિતી નથી. હું તો એમને અમારી ઓફિસમાં આવતા એક અરજદાર તરીકે જ ઓળખું છું. ત્યારે એ છોભીલા પડી ગયા. અસલમાં મને રસ્તામાં મળ્યા એ લોકો અને આ પડોશી એમ જ સમજતા હતા કે હું એમનો પુત્ર છું. મેં એમને વૃધ્ધા વિશે બધી વાત કરી ત્યારે એમણે જે વાત કરી તે સાંભળીને મને દુ:ખ થયું.

થોડા દિવસો પહેલાં જ એ વૃધ્ધાનું અવસાન થયું હતું. પરંતુ જાણ કરવા છતાં પુત્ર હજુ આવ્યો ન હતો. મેં વિગત જાણી ત્યારે થયું કે અમે એ વૃધ્ધાને મદદ કરીને જાણે- અજાણે પુણ્યનું કામ કર્યું હતું. વર્ષો પહેલાં એ વૃધ્ધાના પતિ ગુજરી ગયા બાદ પુત્ર એમને ભગવાન ભરોસે છોડીને પોતાના પરિવાર સાથે મહાનગરમાં જતો રહ્યો હતો. એમના જીવન નિર્વાહ માટે પૈસા પણ મોકલતો ન હતો. જીવન જીવવા એમણે લોકોના સરકારી કામો કરવાનું શરૂ કર્યું હતું. લોકો પ્રેમથી જે આપે એ લઇ લેતા અને સરકારી ઓફિસોમાં જઇ એમનું કામ કરી લાવતા હતા. બે દિવસ માંદા રહ્યા. પુત્રને ફોન કર્યો. એણે ટૂર પર ગયો હોવાનું જણાવ્યું અને આવ્યો જ નહીં. અને અચાનક એમનું અવસાન થઇ ગયું. પુત્રને જાણ કરવા છતાં એ ફરક્યો નહીં. મને થયું કે વૃધ્ધાએ પોતાની સ્થિતિ છુપાવી પણ કોઇ સામે હાથ લાંબો કર્યા વગર પગ ચાલતા રહ્યા ત્યાં સુધી કામ કરતા રહ્યા. આ વૃધ્ધાના કિસ્સા પછી હું જ નહીં અમારે ત્યાં આવતા અરજદારોમાં જો કોઇ અરજદાર વૃધ્ધા હોય તો એમને તકલીફ ના પડે એનું વિશેષ ધ્યાન રાખીએ છીએ. કેમકે એમના જીવનનું સત્ય જુદું હોય શકે છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED