સવાયો બાપ Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સવાયો બાપ


આ વાતૉ સત્ય ઘટના પર આધારિત છે .પરંતુ વ્યકિત ના નામ અને ઘટના માં થોડા ઘણા ફેરફાર કરેલા છે. આ વાતૉઓ સાથે કોઈ જ જીવિત કે મૃત વ્યકિત,ઘટના ધમૅ કે જાતિ કે સ્થળ સાથે સીધો સંબંધ ધરાવતી નથી.

" સવાયો બાપ"

રંગીલા રાજકોટ ની ભાગોળે વસેલું ઔધોગિક ક્ષેત્ર નું આગવું મુકામ એટલે વેરાવળ(શાપર). આમ તો બંને ગામ અલગ પણ છતાં ઔદ્યોગિક વસાહતે રસ્તાની સામ સામી દિશાએ રહેલા આ બંને ગામને એક જ રસ્તાથી જોડી દીધા હતા. વેરાવળ ગામ ના છેવાડે જતાં, મૂળ ગામની ભાગોળ ગણાય એવો સર્વોદય વિસ્તાર જ્યાં મોટા ભાગની વણકર સમાજની વસ્તી રહે .આગવી ઢબથીથી રચાયેલા વિસ્તારની ચાર શેરીઓ અને વચ્ચે મુખ્ય ચોક,ચોકમાં જ લાલાભાઇ ની દુકાન અને દુકાનની સામે સરકારી પ્રાથમિક શાળા.ઔદ્યોગિક વિસ્તાર હોવાથી મોટાભાગે ધંધા રોજગાર માટે યુપી, બિહાર, મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યોમાંથી આવીને લોકો અહીં વસવાટ કરતા જેના લીધે આ વિસ્તાર ખૂબ જ ભરચક અને ગીચ.
લાલાભાઈ આમ તો વીસ બાવીસ વર્ષનો યુવાન, સમગ્ર વિસ્તારમાં તેનું સારું એવું માન, વિધવા માતા નું એકનું એક સંતાન નાનપણથી આવેલી જવાબદારીના બોજે ઉંમર કરતા વહેલી સમજણ અને દુનિયાદારીનો ભાર આવી ગયેલ. કસાયેલું છતાં એક વળીયો બાંધો ધરાવતો તેમનું શરીર ખૂબ જ બોલકો સ્વભાવ. આ વિસ્તારના ચોકમાં જ તેમને કરિયાણાની નાની અમથી કેબિન છતાં વસ્તુની દ્રષ્ટિએ ખૂબ જ વિશાળ ,કરિયાણું ,ઠંડુ પીણું ,દૂધની ડેરી કે પાન માવા ની દુકાન જે સમજો તે બધું જ આ એક કેબિનમાં લાલાભાઇ ના વિશાળ હૃદય ની માફક સમાયેલું. તેમની દરિયાદિલી અને મીઠી વાણી ને લીધે તેમની દુકાન ધમધોકાર ચાલે વળી તે ખૂબ જ મહેનતુ અને હોશિંયાર પણ ખરા મોટાભાગનો વિસ્તાર તેમને ત્યાંથી જરૂરિયાતની વસ્તુઓ ખરીદે દુકાન ની નજીક જ તેમનું નાનું એવું ઘર છે જેમાં તે ના વિધવા માતા વજી બા સાથે રહે .મકાનની અગાસીમાં નાની ઓરડીઓ બનાવેલી જેથીવમજૂર વર્ગના લોકોને ભાડે આપે.

દિવાળીના દિવસો હતા ચારે બાજુ ઘરની સાફ સફાઈ, રંગરોગાન ,સુશોભન થઈ રહ્યું હતું આછેરા ઠંડા પવન ની ઢળતી સંધ્યાએ એક બિહારી બાબુ લાલાભાઇ ની દુકાને આવ્યો અને મકાન ભાડે હોય તો કેજો ને ભાઈ. અમે બે દિવસ પહેલાં જ બિહારથી આવ્યા છીએ અને અહીં નજીકના કારખાનામાં નોકરી પણ મળી ગઈ છે તો ક્યાંક એકાદી ઓરડી રહેવા માટે મળી જાય તો સારૂં બે દિવસ થી શોધી એ છીએ .ધ્યાનમાં રાખજો. લાલાભાઇ તેના સ્વભાવને અનુરૂપ મદદ કરવા માટે હંમેશા તત્પર જ રહેતા એમાં બીજા રાજ્યમાંથી મજૂરી માટે આવેલા મજૂરો કે જેનુ અહી કોઈ હોતું નથી તેમના માટે તેમની કરુણા કંઈક વિશેષ હતી .તેમણે તેમની અગાસીમાં જ હમણાં નવા ઉતારેલા રૂમ આ બિહારી બાબુમ ને ભાડે આપવાનું નક્કી કર્યું. બિહારી બાબુની સાથે તેમની પત્ની અને એક નાનકડું બાળક પણ હતું. બિહારી સારો ને વખાનો માયૉ માણસ હોય એવું લાગતું હતું. લાલાભાઇ એક છોકરાને દોડાવી અને ઘરે તેમની માતાને ભાડુઆત બાબતે જાણ કરવા કહ્યું. દીકરાના લગ્નના ઓરતા જોઈ રહેલા વજી બાએ દેકારો કરી મૂક્યો લાલા ના લગન માટે થઈને તેમણે હમણાં જ ઘરનું રિનોવેશન અને અગાસી માં રૂમ બનાવ્યો હતો પરંતુ દીકરાના દરિયાદિલ સ્વભાવ સામે તેમનું બહુ ઉપજ્યું નહીં. એક રીક્ષા ની અંદર સામાન લઇને બીજે જ દિવસે આ બિહારી તેમના પરિવાર સાથે ત્યાં રહેવા આવી ગયા.
બિહારી ને રહેવા આવ્યા અને માંડ પંદરેક દિવસ વીત્યા હશે દિવાળીની રોશની ચોતરફ ફેલાયેલી હતી ચારેકોર ફટાકડા ની ધમાલ ,ફુલઝર અને દીવડા ના પ્રકાશ થી નાનકડા સર્વોદય વિસ્તાર ચમકી રહ્યો હતો .બધા સંપીને સાથે મળીને દિવાળીને ખૂબ જ આનંદ વધાવી રહ્યા હતા. લાલાભાઇ ની દુકાને ઘરાકો ની ધૂમ મચી હતી .દિવાળી ની રાતે મોડે સુધી દુકાન ખુલ્લી રાખી તે રાતે ઘરે આવ્યા ત્યાં તેમને ત્યાં રહેલા બિહારી બાબુ ને ત્યા‌કંઈક શોર સંભળાયો. કોઈ બાબતે પતિ-પત્ની ઝઘડી રહ્યા હતા. ઘડીક તો તેમને થયું કે પોતે જઇને તેમને શાંત પાડે પરંતુ આમ અડધી રાતે જવું યોગ્ય ન લાગતાં તેને થયું સવારે વાત કરશે .એમ વિચારી થાકના લીધે પથારીમાં પડ્યા ભેગા જ સુઈ ગયા.

લગભગ સવારના પાંચેક વાગ્યા એકાએક તેઓ ઝબકીને જાગ્યો ,ત્યાં કારમી ચીસો સંભળાઈ રહી હતી તે સફાળા બેઠા થઈ બહાર આવ્યા તો તેમની જ અગાસીની ઓરડીમાંથી સળગતી હાલતમાં બિહારી બાપુ ની પત્ની અગ્નિની પીડા સહન ન થતા ચીસો પાડતી પાડતી બહાર તરફ દોડતી આવતી હતી ઘડીક તો શું કરવું તેની સમજ ન પડતાં બધા અવાક બની જોઈ રહ્યા આસપાસના લોકો ભેગા થઇ ગયા .કોઈ ઝડપભેર આવી અને ગોદડુ માથે નાખ્યું અને ધબ દઈ ને સળગતું લાકડું પડે તેમ તે સ્ત્રી જમીન પર પડી ગઈ. લાલા ભાઈ એ 108ને ફોન કરીને બોલાવી . અડધી કલાક માં જ 108આવી ગઈ ને તરત જ બિહારી તેની પત્નીને લઈ એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલે ગયો. કોઈને કંઈ સમજ પડતી ન હતી કે અચાનક આ શું બની ગયું ??આ બધી ઘટના એટલી ઝડપથી બની અને અચાનક બની કે કોઈને બિહારી નું બાળક યાદ ના આવ્યું. બધુ પત્યા બાદ જ્યારે સુતેલ બાળકનો રડવાનો અવાજ સંભળાયો ત્યારે લાલાભાઇ ને યાદ આવ્યું કે ઉપર ઓરડા માં બાળક છે .તે ઝડપથી જ એ બાળક ને નીચે લઇ આવ્યા ભૂખને લીધે અને અજાણ્યુ લાગવાથી બાળક ખુબ જ રડી રહ્યું હતું વજી બાએ તેને તેડી અને દૂધ પીવડાવ્યું આખો દિવસ માં - દીકરાએ તે બાળકને સાચવવામાં વિતાવ્યો ને એમાં જ નવું વર્ષ ક્યારે પૂરું થયું તેની ખબર જ ન પડી .જોકે આ આખો વિસ્તાર તહેવારની રોનક ને ભૂલીને જાણે ગમગીન બની ગયો હોય તેમ સૂનકાર થઈ ગયો .આખો દિવસ વિત્યો છતાં બિહારી ઘરે ન આવ્યો કે ન તેના કોઈ સમાચાર મળ્યા .આમ ને આમ બે દિવસ વિતવા છતાં બિહારી બાળકને લેવા ન આવતા.વજી બા એ લાલા ભાઈ અને આડોશપાડોશ ના માણસો ને હોસ્પિટલ મોકલ્યા.બે-ચાર પાડોશી ને લાલાભાઇ સિવિલ હોસ્પિટલમાં ખબર પૂછવા ગયા .અડધો દિવસ આખી હોસ્પિટલમાં ફર્યા પણ ક્યાંય બિહારી બાબુ કે તેની પત્ની મળ્યા નહીં. હોસ્પિટલ દ્વારા તપાસ કરતાં માલૂમ પડ્યું કે તે સ્ત્રીનું તો તે દિવસે મૃત્યુ થયું હતું .બધા ભારે હ્દયે નિરાશ થઈ પાછા ફર્યા. બિહારી જ્યાં કામ કરતો હતો ત્યાં તથા આ વિસ્તાર ના બીજા બિહારીઓને પૂછપરછ કરી પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો નહીં.
બધા મૂંઝાયા કે હવે આ બાળકનું કરવું શું? ઘણાએ સલાહ આપી કે મંદિરે મૂકી દો .કોઈએ કહ્યું પોલીસને સોંપી દો. તો કેટલાક એને અનાથાશ્રમ મૂકવાની સલાહ આપી. પરંતુ, લાલાભાઇ ને બાળક ને આમ તરછોડવાનું મન થયું નહીં.તેણે વિચાર્યું કે કદાચ એનો બાપ પાછો આવે તેને લેવા માટે માટે આપણે રાહ જોવી જોઈએ. આમ વિચારી તેણે તે બાળકને પોતાની પાસે રાખ્યુ. દિવસો મહિનાઓ વીતી ગયા પણ નહોતો બિહારી આવ્યો કે નહીં તેનો કોઈ પત્તો મળ્યો. બાળક હવે મોટું થઈ ગયું હતું તે ચાલતા પણ શીખી ગયુ હતુ. આખા ઘરમાં દોડાદોડ કરતી મીઠડી કાલી વાણી સાંભળી ને તો લાલાભાઇ અંદરથી ખૂબ હરખાય જતા . તેમનું નામ તો તેમને ખબર ન હતી પરંતુ લાલાભાઇ એ તેમનું નામ પ્રેરણા પાડ્યું હતું. લાલાભાઇ તો પ્રેરણા ના ઉછેર મા એવા તો ખોવાય ગયેલા કે તેને તેની યુવાની એમ જ ઓગળી ગઈ. પ્રેરણા જ તેમનું જીવન બની ગઈ હતી.તેમની સાથે રમવામાં તેમના દિવસભરનો થાક ઉતરી જતો હતો.
એક સાંજે જમીને ઊભા થયા ત્યારે વજીબા એ લાલાભાઇ ને કહી દીધું કે આપણે હવે પ્રેરણાને અનાથાશ્રમ મૂકી આવવી જોઈએ તેના બાપને આવું હોત તો અત્યાર સુધીમાં આવી ગયો હોત..હું તો હવે ખર્યુ પાન કહેવાય.તારા પણ હવે લગ્ન નો સમય થઈ ગયો હોય .એમાંય જો આ દિકરી સાથે હશે તો કોણ તેમની દીકરી તને વરાવશે?. લાલાભાઇ કંઈ જ બોલ્યા નહીં .તેમણે મનોમન નક્કી કરી લીધું કે પ્રેરણા ને ભગવાને તેના ખોળે રમતી મુકી છે માટે તે પ્રેરણા ના સારા ભાવિ માટે થઈને લગ્ન જ નહીં કરે પોતા ને કુંવારા બાપ બનવું મંજુર છે પણ સાવકી માં ને લીધે ક્યાંક પ્રેરણા નું જીવન ન બગાડવું જોઈએ આમ મનોમંથન કરતા તે પથારી માં જઈ ને સુઈ ગયા. વજીબા પણ પ્રેરણાને પડખામાં લઈ અને બબડતા બબડતા સુઈ ગયા. ઈશ્વરનું કરવું અને તે જ રાતે વજીબા ને હાર્ટએટેક આવી ગયો ને ગાઢ નિંદરમાં જ ચીર નિંદ્રામાં પોઢયા. સવારના સુરજ ચડ્યો છતાં હજી વજી બા ઊઠ્યા નહીં એટલે લાલાભાઇ અંદરના રૂમમાં જઈ જોયું તો વજીબા ના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. પ્રેરણા ની માફક લાલાભાઇ પણ જાણે નોધારા થઈ ગયા.તેમનો જીવન આધાર છિનવાય ગયો હોય તેમ કેટલાય દિવસ સુધી સૂનમૂન બેસી રહ્યા. તે રાત દિવસ પ્રેરણા ને મોટી કરવામાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. કહેવાયું છે ને કે સમયે જ સર્વ દુઃખનું ઓસડ છે .તેમ ધીમે ધીમે તેમનું દુઃખ ઓછું થવા લાગ્યું અને પ્રેરણા જ તેમનું જીવન હોય તેમ તે એક માતા થી પણ વિશેષ તેની કાળજી લેવા લાગ્યા .કોઈપણ પ્રકારના સંબંધો વિનાના છતાં સ્નેહ અને લાગણી થી છલોછલ એવા આ માનવતા ના સંબંધ ને જોઈને બધા ગદ્દગદિત થઈ જતા. આજે પ્રેરણા અને પાંચ વર્ષ પૂર્ણ થયા હતા અને નવું વર્ષ પણ હતું .લાલાભાઇ સમગ્ર વિસ્તારમાં મીઠાઇ વહેચીં ને પ્રેરણા ના જન્મદિવસની સાથે જ નવા વષૅ ની ઉજવણી કરી . પ્રેરણા પણ લાલાભાઇ નો સ્વભાવ જાણે વારસામાં લઈને આવી હોય તે રીતે ખૂબ જ શાંત હોશિયાર સંસ્કારી હતી. દીકરી પાંચ વર્ષની થઈ એટલે લાલાભાઇ તેને બાજુ માં જ આવેલી નિશાળમાં ભણવા બેસાડી .
જ્યારે કોઈ માતા તેમના સંતાનને પહેલીવાર નિશાળે મૂકે ત્યારે જે ખચકાટ અને ચિંતા અનુભવતી હોય એથીય વધુ ચિંતા લાલાભાઇના ચહેરા પર દેખાતી હતી‌ પ્રેરણા ને વળી વળી ને તે જોઈ રહ્યા હતા. ત્યારે નિશાળના શિક્ષિકા બહેનને પણ આશ્ચર્ય થયું કે આટલા બધાવ છોકરામાં કોઈના બાપા મુકવા આવતા નથી. અને લાલાભાઇ છે કે જે દિવસમાં બે -ચાર વાર દુકાન મેલી ને આંટો મારી જાય છે કે પ્રેરણા શું કરે છે ?રડતી તો નથી ને? તેમને કોઈ તકલીફ તો નથી ને? પરંતુ તે ટીચર ને એ ક્યાં ખબર હતી? કે પ્રેરણા તો લાલાભાઇ ની દીકરી જ નહીં પણ આટલી વિશેષ દીકરી હતી.જ્યારે તે ટીચર ને આ સમગ્ર બાબતની ખબર પડી ત્યારે ખરેખર તેમને આ મુઠેરી ઊંચા માનવ,સમાજ ના સાચા રક્ષક એવા લાલા ભાઈ ને માટે ખુબ માન ઉપજયુ તેમણે કુંવારા બાપ એવા આ લાલા ભાઈ ને "સવાયા બાપ" તરીકેનું બિરુદ આપ્યું .

ખરેખર! આપણે "કુંવારી માતા" તો ઘણી બધી જોઈ છે કે જે સમાજ દ્વારા પિડાયેલી,શોષાયેલી છતાં પોતાના બાળકને ઉછેરી અને મોટું કરી ને તેને ઉતમ જીવન આપતી હોય છે પરંતુ" કુંવારા બાપ "તો લાલા ભાઈ જેવા કોઈ ભાગ્યે જ સમાજ ના સાચા હીરા હશે.જે નિસ્વાથૅ ભાવે કોઈપણ સંબંધ કે વાતા વગર પોતાનુ આખું જીવન એક દિકરી ના ઉછેર માટે સમપિતૅ કરી દયે. આવા સાચા સમાજ ઘડવૈયા ઓને લીધે જ આજે આપણો સમાજ ટકી રહ્યો છે . લાલા ભાઈ નુ સમાજ અને વિસ્તાર માં ખુબ જ માન છે. પ્રેરણા પણ હવે મોટી થઈ ગઈ ને ગયા વષૅ ધોરણ બાર સાયન્સ ની પરીક્ષા ખુબ જ સારા પરિણામ સાથે પાસ કરી લીધી હતી ને તેને મેડિકલ માં એડમિશન પણ મળી ગયું હતુ‌.એમને કોલેજને છોડવા જતી વખતે આજે પણ આ" સવાયા બાપ" ની ચિંતા પહેલીવાર શાળા એ ભણવા બેસાડી ત્યારે હતી એમ જ અંકબંધ છે.

ખરેખર !કોટી કોટી સલામ છે આપણા સમાજ ના આવા વીર પુરુષ,સાચા સમાજ ના રક્ષક,સાચા માનવ સમાન "સવાયા બાપ "ને🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼