જીવન લડત Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન લડત


મંજૂબા એક એવું પાત્ર છે જેને પોતાના જીવન નકશા ને પોતાના આગંળી ના ટેરવે એવું તો બદલ્યુ કે ભલભલા તેને જોઈને જીવન જીવવાની પ્રેરણા લે તો ચાલો આપણે પણ મળીએ મંજૂ બા ને.......

શેરી માંથી નીકળો એટલે મંજૂ બા ઘર ના ઓટલે બેઠા હોય ,ક્યારેક હાથ માં સુપડૂ હોય તો ક્યારેક કંઈક વીણતા હોય,ક્યારેક શાકભાજી,લસણ ફોલવાનુ ને કંઈ ન હોય તો રૂ લઈને વાટુ કરતા હોય તેને નવરા બેસતા મેં ક્યારેય જોયા નથી, પાંસઠ- સિત્તેર વષૅ ની ઉમંર હશે એવું તેમને જોતાં લાગે પણ એમના વિશે જાણ્યું ત્યારે ખબર પડી કે તેઓ ને માત્ર છપ્પન વષૅ ના જ છે જીવનકાળ ની અનેક થપાટો ખાઇને અડીખમ ઉભેલા ગિરનાર જેવું અડગ વ્યકિતત્વ ,જીવન માં જવાબદારી ઓને કતૅવ્ય ના અવીરત પ્રવાહ માં સતત ઘસાતા રહીને જાણે નદી ના ધસમસતા પ્રવાહ માં ઘસાઈને લીસા ને ચમકતા પથ્થર સમાન ચહેરો ,જીવન ના કડવા ઘુંટડા પીને પણ ટકી રહેલ શરીર નો એકવડીયો બાંધો ,અનુભવ નું ઉતમ ભાથું પિરસતો સ્વભાવ,દુઃખ કે વેદના ને ઊંડે ધરબી દઈ સતત હસતો ચહેરો,સતત કાયૅશીલ,સખત મહેનતુ,આપબળે ઊભા થયેલા એવા મંજૂ બા નું જીવન જ કોઈપણ હારી ચૂકેલા,જીવન વ્યથા થી થાકેલા,નિરાશ વ્યકિત માટે પ્રેરણા રૂપ છે.
મંજૂબા પાંચ બહેન ને ત્રણ ભાઈ ના,પરિવાર માં સૌથી નાના .બાપુજી ,બા ને મોટી ત્રણ બહેનો ખેતી નું કામ કરે ભાઈ બધા ભણે,મંજૂબા ઘર સંભાળે પોતાને પણ ભણવાની ઘણી હોંશ પણ ત્યારના સમય માં ભાગ્યે જ કોઈ દિકરી ને ભણાવતુ એટલે ભણવાનું તેના ભાગે આવ્યું નહીં ક્રમશઃ મોટા ભાઈ બહેનો ના લગન થતાં ગયાં મોટા બે ભાઈ ભણી ને નોકરી એ લાગી ગયા .હવે તો મંજૂબા ને ઘર કામ ની તમામ જવાબદારી માથે આવી. ભાભી ઓ હતી પણ તેઓ તો જુદા રહેતા હતા પરિવાર માં હવે તેના બા- બાપુજી પોતે ને નાનો ભાઈ જ હતા .તે હંમેશા જ તેના બાપુજી ને કહેતા કે જોવો આ પેટે પાટા બાંધી ને ભણાવ્યા એટલે જ જવાબદારી ઓ ને પાટુ મારી ને ચાલ્યા ગયા .ત્યારે તેના બાપુજી હંમેશા કહેતા, પંખી તેના બચ્ચા ને કેટલા માવજત થી ઉછેરે છે .એ તેને ઉડતા શીખવે છે પણ એ બચ્ચા ઉડી જાય ત્યારે જરાય દુઃખી નથી થતી તેમ મને પણ કોઈ વાત નું દુઃખ નથી .પરંતુ એ આનંદ છે કે મેં મારા દિકરા દિકરી ઓનો સારો ઉછેર કયૉ કે જેથી દીકરાઓ આજે પગભર છે .દિકરીઓ પણ તેના સંસાર માં સુખી છે .બસ હવે તારા માટે સારૂ ઠેકાણું મળી જાય એટલે ગંગા નાહ્યા .લગન ની વાત આવતા મંજૂબા શરમાય ગયા. સાથે દુઃખ પણ થયું કે પોતાને આ ઘર છોડીને જવું પડશે .
સમયના વહેણ ને કોણ રોકી શકે? મંજૂબા ને પણ સારૂ ઘર- ઠેકાણું જોઈ સાસરે વળાવ્યા.હવે જ ચાલુ થઈ મંજૂબા ના જીવન ની સાચી સફર. સાસરી મા ઘર તો ખાધે પીધે સુખી હતું .પણ સાસુ ભારે આકરા ને એથીય આકરા તેના ધણી ઘર માં તેના ધણી નો પડયો બોલ જીલાતો,એકવાર તે કંઈ કહે પછી તે થઈને જ રહે. તેમાં કોઈનાથી કંઈ ફેરફાર ન થાય,સાસુ પણ આખા કંઈ ભુલ થાય કે તરત સંભળાવી દે. મંજૂબા આખો દિવસ મુંગા મોઢે કામ કરતા રહેતા,દિવસો પસાર થતા ગયા ને તેમના જીવન માગૅ માં ત્રણ કુમળા ફૂલો પણ ખીલ્યાં હતાં .તેને બે દિકરા ને એક દિકરી હતી.સાસુ પણ સમય ના વહેણ ને મંજૂબા ની ધીરજ સામે કુણા પડ્યા હતા.ધણી ને તો મંજુ બા એ ક્યારના પોતાના કરી દીધા હતા,આ બધું સહેલું ન હતું પણ મંજુબા ની ધીરજ ને ધગશે તેને દસેક વષૅ ના વાણા વાયા ત્યારે બધું પાટે ચડ્યુ પણ કુદરતે નસીબ માં કંઈક જુદું જ લખેલું કે તેમનો હસતો રમતો પરિવાર એક સાંજે છત્ર છાયા ગુમાવી .મંજૂ બા ના ધણી , ત્રણ- ત્રણ બાળકો ના પિતા ને કોઈ ગોઝારો ટ્રક કચડતો ગયો. લોહી લુહાણ હાલતમાં તેને ઘણાય તરફડીયા માયૉ ત્યારે કોઈક ભગવાન નું માણસ હશે તે તેને હોસ્પીટલ લઈ ગયું. પણ કે છે જેના શ્વાસ ખુટ્યા હોય તેને કોઈ રોકી ન શકે તેમ એક દિવસ હોસ્પીટલ માં રહ્યા ને મંજૂબા ની હાજરી માં ઊંડા નિસાસા સાથે તેને દમ તોડયો.મંજૂબા પર તો આમ તુટી પડ્યું. હસતો રમતો તેનો પરિવાર જાણે નોંધારોબની ગયો .હજી તો માંડ દસેક વષૅ તેને પતિ નો સાચો પ્રેમ ને સંગાથ મળ્યો હતો .ત્યા તો કુદરતે તેનું બધું જ છીનવી લીધું .તેના આંખ ના આંસુ સુકાવા નું નામ નહોતા લેતા ,ઘણીવાર તેને થતું હતુ જીવી ને શું કરીશ? પણ તેના નોંધારા બાળકો ના ચહેરા સામે આવતા તેના મા ગજબ ની હિંમત આવી જતી કે ભગવાન તે ભલે મારી સાથે અન્યાય કયૉ પણ હું હારીશ નહીં .મારા બાળકો ને ઉતમ જીવન આપીશ.વખત વિતતો ગયો તેમ દુઃખ ને તેણે હ્ર્દય ના ઊંડાણ માં ધરબીને દઈ .જીવન સફર માં લડવાનું શરૂ કર્યુ.ગુજરાન ચલાવવા માટે એકમાત્ર ખેતી ની જમીન હતી .એક સાંજે કુટુંબના વડીલો એ ભેગા થઈને કહ્યુ જમીન વેચી નાખો એટલે પૈસા આવે ને ઘર નું ગુજરાન ચાલે,
તેના મોટા સસરા એ કહ્યું જમીન મને આપી દો હું તમારા પરિવાર નુ પાલન- પોષણ કરીશ.મંજૂબા ત્યારે તો કંઈ ન બોલ્યા પણ તે રાત આખી તેને ઊંઘ ન આવી શું કરવું તે એને સમજાતું નહીં અંતે પોતાના બાળકો ના ભવિષ્ય માટે થઈને તેને દ્રઢ નિશ્ચય કર્યો કે પરિસ્થિતી કોઈ પણ આવે પોતે જમીન નહીં વેચે બીજા દિવસે સાંજે જ્યારે કુટુંબ ના વડીલો ભેગા થયા ત્યારે પોતે દ્રઢ રહીને કહ્યું કે તે જમીન નહીં વેચે કે નહીં કોઈને આપે પોતે જાતે મહેનત થી ઘર ચલાવશે તેના સાસુ જેઠાણીઓ બધાએ તેને સમજાવ્યા પણ તે એક ના બે ન થયા.તેને ખબર હતી કે એકલે હાથે આ બધું કરવું મુશ્કેલ છે પણ અશ્ક્ય તો નથી જ .વાવણી નો વરસાદ થતાં જ તેને પોતે હળ જોડી વાવણી કરી .બાળકો ને સાથે લઇ તેઓ વહેલા વાડી એ જતા રહેતા મોટો દિકરો ને દિકરી તેને મદદ કરતા. નાનો તો માંડ ચાર વરસ નો થયો હતો તે આખો દિવસ ઝાડ નીચે રમ્યા કરતો ,થોડા દિવસ પછી તેને થયું જો પોતે બાળકો ને પણ ખેતી કામ માં જોતરશે તો આખી જિંદગી મંજૂરી જ કરશે .તેને બન્ન્ને બાળકો ને નિશાળે બેસાડ્યા અને પોતે એકલા હાથે ખેતી માં સખત મહેનત કરવા લાગ્યા કુટુંબ નું કોઈ તેને મદદે આવ્યું નહીં કે પુછતું પણ નહીં વધારે મોસમ હોય ત્યારે પિયર થી તેના બાપુજી આવતા ને બે ચાર દિવસ રોકાઈને પાક ભેગો કરાવી જતા કયારેક તેના નાના ભાઈ ને મોકલતા .મોટા બે ભાઈ તો કુટુબીઓની માફક સામું પણ ન જોતાં.તેનો નાનો ભાઈ વાર તહેવાર કે કામ ની મોસમ હોય વગર તેડાવ્યે આવી જતો.હવે તો છોકરા પણ મોટા થઈ ગયા. મોટો દિકરો તો ભણવામાં ખુબ હોશિયાર હતો જે ભણી ને ડૉકટર બન્યો,દિકરી પણ હોશિયાર હતી પણ બા ની જવાબદારી ઘટાડવા તે ઘર ને નાના ભાઈ ને સાચવવામાં વધૂ રસ લેતી તેનું મન ભણવામાં લાગતુ નહીં માંડ દસ પાસ કર્યુ. મંજૂર બા એ તેના ભાઈ ની મદદ થી સારૂ ઘર શોધી તેને સાસરે વળાવી.
મંજૂબા ની જીવન લડત હજી પુરી નહોતી થઈ એક દિવસ જમવા બેસવા જતા હતા ત્યા તેના મોટા દિકરા ને લોહી ની ઉલટી થઈ તાત્કાલિક ગાડી કરી હોસ્પીટલ પહોંચાડ્યો રાજકોટ રહેતા તેના નાના ભાઈ ને પણ સીધા હોસ્પીટલ બોલાવ્યા ડૉકટરે બધી તપાસ ને રિપોટૅ કરી ને જણાવ્યુ કે તેને બ્રેઈન ટ્યુમર છે અને તે પણ છેલ્લા સ્ટેજ માં ઓપરેશન થઈ શકે તેવી હાલત નથી તેમની માટે તેને ઘરે લઈ જઈ થાય તેટલી સેવા કરો મંજૂબા ના પગ નીચે થી તો જમીન ખસી ગઈ ,આફત નું આભ તુટી પડ્યું.પથ્થર સમાન બની રહ્યા .
હિમંત રાખી તેને ભાઈ ને કહ્યું આપણે તેને અમદાવાદ કે મુંબઈ લઈ જશુ. ભલે ગમે તેટલો ખચૅ થાય પણ હું મારા દીકરા ને મરવા નહીં જ દઉ . ડૉક્ટરે તેને સમજાવ્યા કે અમદાવાદ કે મુંબઈ ગમે ત્યા લઈ જશો પણ હવે આમનો ઈલાજ શક્ય નથી. તો પણ તે જવા ઇછ્તા હોય તો તે ચીઠ્ઠી કરી આપે છે તેનો દિકરો એક સારો ડૉકટર હોય તેથી તેની ત્યા સારી ઓળખાણ હતી પણ રોગ ના આ સ્ટેજ માં તેની ટ્રીટમેન્ટ શક્ય નહોતી અંતે નિરાશ થઈ ને તેઓ પાછા આવ્યા .મંજુ બા ઘરે તેની સેવા ચાકરી કરતાં તેનું આ દુઃખ જોઈને ગમે તેવો પાષાણ હ્ર્દય નો માનવી પણ પિગળી જાય પણ ભગવાને તો તેની કસોટી લેવાનુ નક્કી જ કરી લીધું હોય તેમ તેને દુઃખ આપતા જ રહે છે.એક રાત્રે સખત લોહી ની ઉલટી સાથે મંજૂબા ના ખોળા માં તેને દેહ છોડ્યો .મંજૂબા ના તો આંસુ જ જાણે સુકાય ગયા.મહીનાઓ સુધી તે પથ્થર ની માફક મૌન બેસી રહેતા . ‌એકરાત્રે જાણે તેની સામે કોઈ અટ્ટહાસ્ય કરી ને કોઈ તેને કહ્યું બસ ને હારી ગયા ને જીવન લડત માં .
તેનો અંતર આત્મા જાગી ઉઠયો કે હજી તેની જવાબદારી પુરી નથી થતી .તેના બાળકો માટે તેને કઠણ બની ને જીવવું પડશે તેનો નાનો દીકરા એ ભણવાનુ છોડી ખેતી ને ધંધો કરવાનો વિચાર રજુ કર્યો.તેણે કહ્યું મને ભણવા કરતાં ધંધા માં વધુ રસ છે વળી ખેતી પણ થાય .મંજૂબા એ કહ્યું તું ખેતી ની ચિંતા કર્યા વગર ધંધો કર ખેતી હું સંભાળી લઈશ દીકરા એ કહ્યું બા તમે ઘણું કર્યું હવે તમે આરામ કરો .ત્યારે મંજૂબા એ કહ્યું આરામ તો હવે તારી વહુ લાવું ને ઘેર છોકરા રમે ત્યારે સામટો કરી લઈશ .તું તારે ધંધા માં ધ્યાન દે પૈસા કે ખેતી ની ઉપાધી ન કરતો. આમ જીવન લડત માં મંજૂબા ફરી પૂરી તાકાત સાથે લડવા તૈયાર થયેલા યોધ્ધા ની માફક ઉભા થયા ને લડ્યા.ધંધા માટે પૈસાની અછત ઉભી થઇ ને દિકરાને કોઈએ જમીન વેચી નખાય તેવું કહ્યું તેણે જ્યારે મંજૂબા ને વાત કરી કે વધુ પૈસા રોકે તો ધંધો ડેવલપ થાય પૈસા વગર બધું નકામું.બા આપણે થોડીક જમીન કાઢી નાખી એ તો ખેંચ ન પડે .ત્યારે મંજૂબા રિતસર ના ઉકળી ગયા ને કહ્યૂ, બે ટંક નુ ના મળે તો ટંક નું ખાજે પણ જમીન વહેંચવાની વાત આજ પછી મારા જીવતા તો કરતો જ નહીં.બીજે દિવસે મંજુબા એ તેના થોડા ઘણા દાગીના હતા તે દિકરા ને આપ્યા ને કહ્યું આ લે અત્યારે આટલા થી કામ ચલાવ.દિકરા એ તે લેવાની ના પાડી ત્યારે તેને કહ્યું આ દાગીના કપરા સમય ની મૂડી કહેવાય .કપરા સમય માં મા ના દાગીના વેચાય પણ આપણી ધરતી માં જેને આપણો ખાડો પુર્યો તેને ક્યારેય ન વેચાય.આમ ને આમ વષૉ વિતતા ગયા આજે મંજૂબા ના દિકરા ના ઘરે જાહોજલાલી છે,સમજદાર વહુ છે દિકરા ના ઘરે દિકરા -દિકરી છે.ધંધા માં તેના દિકરા ને રાજકોટ માં સિક્કો જમાવ્યો છે હવે તો તેઓ રાજકોટ મોટા આલીશાન મકાન માં રહે છે,જમીન હજીય વેચવા નથી દીધી હાલ તો રાજકોટ ની નજીક હોય તો કરોડો માં કિંમત થઇ ગઈ છે પણ આજેય દિકરો મંજૂ બા નું માન જાળવે છે ને પોતાના સંતાનોને પણ કહે છે જમીન આપણી માં કહેવાય તેને વેચી ને જાહોજલાલી ન કરાય.
મંજૂબા આજે પણ ઓટલે બેસી ને કંઈ ને કંઈ કામ કરતા જાય ને કોઈ પૂછે કેમ છે? તો કહેતા લીલુડી વાડી ને લીલા લહેર!!!!!
આખરે જીવનલડત માં અવિરતપણે શ્રમ ને સચ્ચાઈ થી લડી ને મંજૂબા એ તેના જીવન નકશા ને વેરાન રણ માંથી લીલુડી વાડી માં ફેરવી નાખ્યો.
સમાપ્ત.....