યારી@વિદ્યાનગર.કોમ - 4 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યારી@વિદ્યાનગર.કોમ - 4

પ્રકરણ-૪

બધાં લેક્ચરમાં ધ્યાન આપી રહ્યાં હતાં. સર ખૂબ જ સરસ ભણાવી રહ્યાં હતાં અને સૌને મજા પણ આવી રહી હતી. અને ભણવામાં રસ પણ પડી રહ્યો હતો. એ ટુ ઝેડ સર ટોક્સિકોલોજીનો વિષય ભણાવી રહ્યાં હતાં. ધીમે ધીમે બધાં આ નવા વાતાવરણમાં સેટ થતાં જતા હતાં. પહેલો દિવસ તો આમ જ પૂરો થઈ ગયો.

બીજા દિવસે નવા આવેલા વિદ્યાર્થીઓની એમના સિનિયરોએ વેલકમ પાર્ટી રાખેલી હતી. અને એ વેલકમ પાર્ટીમાં એમનું રેગિંગ પણ લેવામાં આવ્યું. પણ સિનિયરોએ કોઈને ખરાબ લાગે એવું રેગિંગ ન લીધું પણ દરેકને પોતાના શોખ વિશે પૂછ્યું અને એ પ્રમાણે એ લોકોની પ્રતિભા ખીલે એવા ઈરાદાથી એમનું રેગિંગ લેવામાં આવ્યું. એટલે બધાં જુનિયરો પાસે એમના જે શોખ હતાં એ પ્રમાણે એમને કરવા કહ્યું. પ્રિયા, મોનલ અને શાહીનને ડાન્સનો શોખ હતો તો એમની પાસે ડાન્સ કરાવ્યો. એ ત્રણેયના ડાન્સની સાથેસાથે આખો કલાસ પણ ઝૂમી ઉઠ્યો. લવ, મનીષ અને ભાવિને ગાવાનો શોખ હતો તો એમની પાસે ગીતો ગવડાવ્યાં. એમના ગીતો સાંભળીને બધાંને ખૂબ જ મજા પડી ગઈ. કિનલ, નીરા અને મિલીને એક્ટિંગમાં રસ હતો તો એમની પાસે નાટક કરાવડાવ્યું. બધાં ખૂબ મજા કરી રહ્યાં હતાં. એમાં રેગિંગ કરતાં સિનિયર અને જુનિયર ભેગાં મળીને મજા કરતાં એનો આનંદ વધુ હતો.

આ જ સમય દરમિયાન સમીર મિલિ જોડે વાત કરવાનો મોકો શોધી રહ્યો હતો અને એને એ મોકો મળી પણ ગયો. એ મિલી પાસે આવ્યો અને કહ્યું, "હાય, મિલી. હું સમીર. તમે ખૂબ જ સુંદર લાગો છો."

"થેન્ક યુ વેરી મચ ફોર યોર કોમ્પ્લીમેન્ટ. હું મિલી છું. આમ તો તને ખ્યાલ જ હશે કે, હું સુરતમાં રહું છું અને કીનલ અને નીરા બંને મારી ખાસ સહેલીઓ છે. અમે ત્રણેય બી.એસ.સી.માં સાથે જ હતા. તું પણ તારા વિષે થોડું કહે." મિલીએ પૂછ્યું. મિલી સમીર દ્વારા થતા પોતાના આ વખાણ સાંભળીને થોડી પોરસાઈ. કોઈ છોકરો પોતાની પાસે આવીને આ રીતે વખાણ કરે એ મિલી માટે તો પોરસાવાની જ વાત હતી ને! મિલીને એટલું તો સમજાઈ જ ગયું હતું કે, સમીર એને પસંદ કરે છે. એટલે એ પણ એને પ્રતિભાવ આપવા લાગી હતી.

"હા, હું જાણું છું. અને મારી વાત કરું તો હું તો બરોડામાં રહું છું પણ મેં બી.એસ.સી. તો અહીં વિદ્યાનગરથી જ કર્યું છે. અને આ લવ, મનીષ અને ભાવિ એ ત્રણેય મારા ખાસ દોસ્ત છે. અમે પણ બી.એસ.સી.ના સમયથી સાથે જ છીએ. એટલે અમારી દોસ્તી પણ ખૂબ જ ગાઢ છે. અમને એકબીજા વિના બિલકુલ ચાલે જ નહીં." સમીરે કહ્યું.

"અરે વાહ! આ તો ખૂબ સારું કહેવાય કે, તમારા વચ્ચે આટલી સારી દોસ્તી છે. ખૂબ નસીબદાર છો તમે કે, આટલાં સારા દોસ્ત મળ્યાં છે તમને." મિલીએ કહ્યું.
"હા, એ તો છે જ." સમીર પોતાના દોસ્તોની વાત કરતાં પોરસાઈ ઉઠ્યો. એ ચારેયની યારી દોસ્તી ખૂબ જ ગાઢ હતી.

પણ લવ અને મનીષથી સમીર અને મિલિની આ દોસ્તી જોવાતી નહોતી. એ બંનેએ એને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, "તું મિલિની પાછળ પાગલ થા મા! એક દિવસ એ છોકરી તને દગો દેશે ત્યારે તું યાદ કરજે અમને કે, તારા આ મિત્રો સાચું જ કહે છે. મિલીનો ઈરાદો માત્ર તારી સાથે હરવા ફરવાનો ને મોજશોખ પૂરાં કરવાનો જ છે. જો જે તું. સમય આવતાં મિલી એનું પોત ન પ્રકાશે તો તું કહેજે." મનીષ અને લવે સમીરને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ કહેવાય છે ને કે, પ્રેમ આંધળો હોય છે. સમીર મિલી વિરુદ્ધ એકપણ વાત સાંભળવા જ તૈયાર નહોતો. એ કહેતો, "ના. એવું નહીં થાય. એ છોકરી એવી નથી. તમે લોકો જેવું કહો છો એવું નહિ થાય. મિલી ખરેખર મને પસંદ કરે છે."

સમીરની આવી વાતો સાંભળીને મનીષ અને લવ એ હવે એના હાલ પર છોડી દીધો અને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યાં કે, "હે ભગવાન! આ વખતે તો હવે સમીરને સાચો પ્રેમ મળે તો સારું. જેમ માહીએ એને દગો દીધો એમ મિલી પણ એને દગો ન દે તો સારું!" માહી બી.એસ.સી. માં એ લોકોની જોડે ભણતી હતી અને સમીર એને પ્રેમ કરતો હતો પણ જ્યારે સમીરે એને પ્રપોઝ કર્યું ત્યારે એણે એને કહ્યું કે, એ તો કોઈ બીજાને પ્રેમ કરે છે અને સમીરને તો એણે માત્ર દોસ્ત તરીકે જ જોયો છે. આ વાત યાદ કરીને લવ અને મનીષને સમીર અને મિલી વિશે વિચારતાં જ ડર લાગી રહ્યો હતો. અને મનીષ તો આમ પણ માણસને ઓળખવાની ક્ષમતા સારી ધરાવતો હતો. પિતાનું મૃત્યુ થઈ ગયું હોવાના કારણે નાની ઉંમરમાં જ એના માથે પરિવારની જવાબદારીઓ આવી ગઈ હતી અને એના કારણે એ પોતાની ઉંમર કરતાં વધુ પીઢ હતો.

ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. જોતજોતામાં તો પહેલાં સેમેસ્ટરની ઈન્ટરનલ પરીક્ષા પણ આવી ગઈ. પહેલું જ પેપર ખૂબ અઘરું નીકળ્યું હતું. એટલે બધાં પાસ થઈશું કે નહીં એની જ ચિંતામાં હતા. એમાંય શાહીન તો પેપર ખરાબ જવાને કારણે ખૂબ જ રડવા લાગી હતી અને પછી એને જોઈને બીજી છોકરીઓ પણ રડવા લાગી. રડવું એ પણ એક ચેપી રોગ હોય છે. એકબીજાને રડતાં જોઈને રડવું આવી જ જાય છે અને એમાંય જ્યારે પેપર ખરાબ જાય ત્યારે તો ખાસ.

ઈન્ટરનલ પરીક્ષાનું રીઝલ્ટ આવી ગયું. બધાં સારાં માર્કસથી પાસ પણ થઈ ગયાં અને પછી આવી ફાઈનલ પરીક્ષા. એમાં પણ બધાં સારા માર્ક્સથી પાસ થઈ ગયાં. ને પછી વેકેશનમાં બધાં પોતાના ઘરે ગયા. વેકેશનમાં ઘરે બધાંએ પોતાના મિત્રો ને મિસ પણ કર્યા. અને જલ્દી વેકેશન ખુલે એની રાહ પણ જોવા લાગ્યાં. વેકેશનના એ સમય દરમિયાન સમીર અને મિલીનો સંબંધ ગાઢ બન્યો હતો. એ બંને ફોન પર કલાકો સુધી વાતો કરતાં. સમીર માટે મિલી વિના દિવસો વીતાવવા અઘરા બની ગયો હતાં.

અને અંતે એ દિવસ આવી જ ગયો કે, જ્યારે વેકેશન ખુલ્યું અને બધાંએ બીજા સેમેસ્ટરમાં પ્રવેશ કર્યો. આજે ફરીથી એકવાર પોતાના મિત્રોને મળી શકશે એ વિચારે એ બધાં ખૂબ જ ખુશ હતાં અને મિત્રોને મળવાની ખુશી સૌના ચેહરા પર છલકી રહી હતી.

એક નવા ઉમંગ સાથે અને નવો અનુભવ લેવાં માટે સૌ મિત્રો આજે ફરીથી સજ્જ બન્યાં હતા. મિત્રોનો સંગ યારી દોસ્તીનો સંગ આજે ફરી એકવાર વિદ્યાનગર બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના ઝુલોજી વિભાગના આંગણે ખીલી ઉઠ્યો હતો.