શ્રીમદ્ ભગવદ્ગીતા Alpa Bhatt Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્રીમદ્ ભગવદ્ગીતા

શ્રીમદ્ ભગવદ્ગીતા
અધ્યાય ૧ - અર્જુન વિષાદયોગ

श्र्लोक १
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः।
मामकाः पाण्डवाश्चैव किम कुर्वत संजय।।

શ્લોક ૧
ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સુવ:,
મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ્ કુર્વત સંજય.

અર્થ
ધૃતરાષ્ટ્રે પૂછ્યું: હે સંજય! ધર્મભૂમિ કુરૂક્ષેત્ર ઉપર યુદ્ધહેતુ ભેગા થયેલાં મારાં અને પાંડુનાં પુત્રોએ શું કર્યું? (એ વૃત્તાંત મને કહે.)

વિસ્તૃત અર્થ અને પૃષ્ઠભૂમિનું ઘડતર
મહારાજ ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરના રાજસિંહાસન ઉપર આરૂઢ હતાં. તેઓ ઈચ્છતે, તો આ યુદ્ધ અવશ્યપણે ટાળી શક્યાં હોત. કદાચ તો તેઓ પાંડવોની અસીમ શક્તિઓને ખૂબ સુપેરે જાણતાં હતાં. પણ, જે સિંહાસન તેમને પોતાને, પોતાની અંધત્વની શારીરિક ખામીને કારણે નહોતું મળી શક્યું તે, તેમને અનુજ પાંડુની બીમારી, તેના સપરિવાર વનવાસ, તેના અકાળ મૃત્યુ અને તેનાં બાળકોની નાની વયનાં કારણોસર રખેવાળ રૂપે મળ્યું હતું.

હવે, ઈચ્છાઓથી ભરેલા સામાન્ય માનવીની જેમ તેમને પણ એ સિંહાસન ઉપર પાંડુપુત્રના સ્થાને પોતાના પુત્ર દુર્યોધનને રાજા તરીકે સ્થાપવાની લાલસા જાગી ચૂકી હતી, જે સર્વથા અયોગ્ય જ હતું. અને આજે, બેય ભાઈઓનાં સંતાનો અને પરિવાર, બે વિરોધી પક્ષોમાં વહેંચાઈને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધકાજે સજજ થઇ એકમેકની સમક્ષ આવી ગયાં છે ત્યારે, પોતાનાં ચર્મચક્ષુઓમાં જ્યોતિ ન હોવાથી અને આ બાબતથી સુપેરે જ્ઞાત એવા ધૃતરાષ્ટ્ર પોતાના સારથિ સંજયને, જેમને આ સંપૂર્ણ યુદ્ધને મહેલમાંથી જોઈ શકવાની દિવ્યદ્રષ્ટિ મળેલ છે, તેમની પાસેથી મેદાનનો વૃત્તાંત જાણવાની કોશિશ કરી રહ્યાં છે.

ચમત્કાર નહીં, પૌરાણિક વિજ્ઞાન
સંજયને મળેલ દિવ્યદ્રષ્ટિને આજની આપણી ટેલિવિઝન, સી. સી. ટી. વી. તેમજ ઇન્ટરનેટ સુવિધાઓ સાથે જોડી શકાય. આટલા પ્રાચીન સમયમાં ભારત દેશમાં થયેલી આવી કેટલીયે શોધ, જેના લાંબા કાળક્રમે પ્રમાણો નષ્ટ થઈ ચૂક્યાં છે, તેને સામાન્યતઃ આપણે કલ્પનાચિત્રો જ સમજી લીધાં છે. આવો, આપણે સૌ સાથે મળીને ભવ્ય ભૂતકાળને આપણા આજ સાથે જોડવાની ખૂટતી કડીઓ શોધીએ.

માનવજીવનમાં તેનું મહત્વ
આપણને પણ, સામાન્ય સંજોગોમાં કોઈ પોતાની વસ્તુ સાચવવા આપે તો આપણે તેને પોતાની જાગીર સમજી તેની ઉપર પોતાનો અધિકાર પ્રાપ્ત કરવા પૂરતાં પ્રયત્નો કરી લેવા જીવનભર પ્રયત્નો કરતાં રહીએ છીએ. દા. ત. પ્રભુએ આપેલ આ જીવન, આપણાં બાળકો, જીવનસાથી. શરૂઆતમાં પરાણે કાંઈક મેળવી લેવાની, અંકે કરી લેવાની ઈચ્છાઓના બળે આપણે સંબંધોને પરસ્પર એવાં બગાડી દઈએ છીએ કે, ફરી શાંતિ પ્રાપ્ત કરવા યુદ્ધ જેવાં વિનાશક માર્ગ સિવાય કાંઈ જ બાકી નથી બચતું. બસ, મહારાજ ધૃતરાષ્ટ્ર પણ આ જ કરી રહ્યાં હતાં.

[આખાયે આ ગ્રંથમાં, રાજા ધૃતરાષ્ટ્રના મુખે આ એકમાત્ર શ્ર્લોક ઉત્પન્ન થાય છે.]

આપણે આજથી ભગવદ્ગીતાના એક-એક શ્ર્લોકના અધ્યાયાનુસાર ક્રમિક રીતે પઠન અને વિશ્ર્લેષણ સાથે રોજ સવારે મળીશું.

અલ્પા મ. પુરોહિત
વડોદરા


શ્રીમદ ભગવદ્ગીતા
અધ્યાય ૧ - અર્જુન વિષાદયોગ

શ્લોક ૨
द्रष्टवा तु पाण्डवानीकं व्यूढं दूर्योधनस्तदा।
आचार्यम्उपसंगम्य राजा वचनम्ब्रवीत।।

દૃષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં દુર્યોધનસ્તદા ।
આચાર્યમઉપસઙ્ગમ્ય રાજા વચનમ્બ્રવીત્ ।

અર્થ
સંજયે જવાબ વાળ્યો: પાંડવોની સેનાને જોઈને, રાજા ધૃતરાષ્ટ્રના મોટા પુત્ર, દુર્યોધન ગુરુ દ્રોણ પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા.

વિસ્તૃત અર્થ અને પૃષ્ઠભૂ ઘડતર
અત્યાર સુધી રાજમહેલના સભાગૃહમાં જ યુદ્ધ માંડવાની ચર્ચાઓ થઈ હતી. પણ આજ ના ઉદાસીભર્યા દિવસની તે વહેલી સવાર હતી જ્યારે બે ભાઈઓનાં એકસાથે ઉછરેલા બાળકો એકબીજાના વિરોધમાં વિમુખ થઈને ઊભા હતા. દુર્યોધન, તેના કાકાજીના પુત્રોને તેની સેના સાથે યુદ્ધની સામે ઊભેલા જોઈને, ગુરુવર દ્રોણાચાર્ય પાસે જાય છે અને તેમને આ પ્રશ્ન પૂછે છે.

પૌરાણિક કથા, ચમત્કાર નથી
આ શ્લોકમાં એવો કોઈ પૌરાણિક વિજ્ઞાન દર્શાવતો મુદ્દો નથી. જે શ્લોકમાં આ પ્રકારનો કોઈ મુદ્દો અનુભવાશે છે, ત્યાં તે ચોક્કસપણે ત્યાં રજૂ કરવામાં આવશે.
માનવ જીવનમાં તેનું મહત્વ:
જ્યારે આપણે રોજ બોલીને આપણા મનમાં વાતને કંઈક દ્રઢ બનાવીએ છીએ, ત્યારે તે સાચું હોય તેમ માનીને જીવવાની આદત કેળવાઈ જાય છે. અને પરિણામ સ્વરૂપે મનની તે છેતરામણીને સત્ય તરીકે સ્વીકારીને, આગળ વધીએ છીએ. આવી સ્થિતિમાં કોઈ પણ ઉમદા કાર્ય માટે દૃઢ ચિંતન કરવું, તેના માટે યોજનાઓ ઘડવી એ જરા પણ ખોટું નથી, અન્ય જીવો પ્રત્યેની આપણી કરુણાભાવના જ છે.
પરંતુ, દુર્યોધનની જેમ, જ્યારે કોઈ બીજાની વસ્તુ પ્રત્યે પોતાના માલિકીભાવની લાગણી જન્મે, ત્યારે તે મહાન વિનાશની શરૂઆત તરફ દોરી જાય છે. અને તે ઝંખના ગમે એટલી પ્રબળ હોય પણ, મન થોડો ખચકાટ અનુભવે જ છે. પગલાં ચોક્કસપણે એકવાર અટકી જાય છતાં પણ,આપણે તે મોહથી દૂર ના થવા માગતાં હોઈ,જીદથી હટતા નથી. અને એવી વ્યક્તિની મંજૂરી મેળવવા ઇચ્છુક બનીએ છીએ, જે દરેક પરિસ્થિતિમાં આપણી તરફેણમાં જ રહે(ભલે ને તે આપણું હિત વિચારી શકવા સક્ષમ ના હોય અથવા આપણને ગેરમાર્ગે દોરવા તત્પર હોય.

મૂળભૂત રીતે, એક બાળક પણ નાનપણથી જ ખૂબ સારી રીતે જાણે છે કે, ઘરમાં કે પરિવારમાં કોણ તેની જીદનું પાલન-પોષણ કરશે. અને, તે જ વ્યક્તિ પાસેથી પોતાની દરેક સાચી –ખોટી માગણીઓ પૂરી કરવી લે છે.
હું ચોક્કસપણે અહીં એક વિચાર મૂકવા માંગુ છું: શું આપણે કોઈ દુર્યોધનને આપણા મનમાં કે આપણા પોતાના આપ્તજનના મનની અંદર ખીલવી તો નથી રહ્યા ને ?

हम प्रतिदिन भगवदगीता के एक-एक श्र्लोक के अध्यायानुसार और क्रमानुसार पठन और विश्र्लेषण के साथ हर सुबह मिलेंगे।
नीचे दिये गए संपर्क पर ईस टिप्पणी या श्र्लोक के विषय में अपने अमूल्य विचार भी भेज सकते हैं।

अल्पा म. पुरोहित
वडोदरा