વારસદાર Khyati Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વારસદાર

આજે મીરાને નવમો મહિનો બેસી ગયો હતો,પરંતુ તેના ચહેરા કોઈ ખુશી નહોતી.આ તેની બીજી ડેલેવરી હતી પહેલી દીકરી હોવાથી આ વખતે તેને ફરીથી દીકરી આવશે તો શું થશે એ ડર સતત સતાવતો હતો.તેના સાસુ સસરા અને બીજા પરિવારના સભ્યો બસ દીકરાની આશ લગાવીને બેઠા હતા.

પહેલા મહિનેથી આજ સુધી મીરાનો એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે લોકોએ તેની પાસે દીકરાની વાત ન કરી હોય.બસ બધાને વારસદાર જોઈએ છે કોઈને મીરાની કઈ જ પડી નહોતી.અધૂરામાં પૂરું અભી પણ તેના વારસદારની જ રાહમાં હતો.મીરા પોતાનું દુઃખ કહે તો કોને કહે,આમ ને આમ મહિનાઓ જતા ગયા.

મીરા ચિંતામાં બેઠી હતી ત્યાં અચાનક તેને પેઇન શરૂ થઈ ગયો. તેણે અભી ઘરે હોવાથી તરત અભીને વાત કરી અને એ લોકો તરત હોસ્પિટલ ગયા.ડોકટરે તાત્કાલિક ડિલિવરી કરવાનું કહ્યું.ઓપરેશન થીયેટરમાં જતી વખતે તેના સાસુ સસરા એ કહેલી વાત કે,આ વખતે જો દીકરી હશે તો હોસ્પિટલમાં જ દબોચી નાખવી છે અને અભી પણ કહેતો કે એક વારસદાર તો હોવો જ જોઈએ જો આ વખતે દીકરી આવી તો તેને દફનાવી જ દેવી છે.આ બધી વાત મીરાના મનમાં ચાલતી હતી.વિચારોમાં ખોવાયેલી મીરાને બાળકના રોવાનો અવાજ સંભળાયો અને તરત જ એ ડરીને બોલી શું આવ્યું?ડોકટર નો જવાબ એ જ હતો જે મીરા સાંભળવા નહોતી માંગતી. ડોકટર મીરાની માનસિક પરિસ્થિતિ વાકેફ હતા. તે જાણતા હતા પણ તેમના હાથમાં કંઈ જ નહોતું.તે મીરાને કંઈ સમજાવે એ પહેલા તેમને બીજી ડિલિવરી કરવાની આવી ગઈ,છતાં પણ તેમણે મીરાને એટલું કહ્યું કે ટેનશન ન લ્યો બધું સારું થઈ જશે એ લોકો કંઈ નહિ કરે તમારી દીકરીને.તમે ફકત અત્યારે તમારું અને તમારી દીકરીનું ધ્યાન રાખો.મીરાની આંખમાં આંસું સુકાતા નહોતા પણ તેનાથી કંઈ થઈ શકે એમ જ નહોતું.

પેલી બીજી સ્ત્રી બંસી તેની સામે જોઈ રહી હતી.ડોકટર અને મીરાની વાત સાંભળી તે પોતાનું દુઃખ ભૂલી મીરાના દુઃખને સમજવા માંગતી હતી. તેણે પોતાની ડિલિવરી ની તૈયારી કરતી નર્સને પૂછ્યું કે તેમને શું તકલીફ છે?નર્સે તેને બધી વાત કરી.નર્સ ની વાત સાંભળી તેને ખૂબ જ દુઃખ થયું કે આ સમયમાં પણ આવા લોકો રહે છે.તેણે મીરાની નાનકડી એવી બાળકીને બહાર લઈ જતી નર્સને કહ્યું કે પ્લીઝ થોડીવાર તમે આ બાળકીને બહાર ન લઈ જાવ.હું આ સ્ત્રીની મદદ કરવા ઈચ્છું છું, જો મારો પરિવાર મારી વાતથી સહમત થાય તો. તેણે ડોકટરની પરમિશનથી બહાર પોતાના પતિને બોલાવવા માટે કહ્યું.

બંસીનો પતિ નર્સના બોલાવવાથી ઝડપથી અંદર આવ્યો. બંસીએ તેને મીરાની બધી વાત કરી.બંસીના પતિને ઘણું દુઃખ થયું તેણે બંસીને પૂછ્યું આ બાબતમાં આપણે શું કરી શકીએ, તે મને ક્યાં કારણથી અહી બોલાવ્યો?

બંસી ત્યાર પછી જે વાત કરી એ સાંભળી ત્યાં રહેલા બધા લોકો સ્તબ્ધ થઈ ગયા.બંસી એ તેના પતિને કહ્યું કે જો તેને પોતાને દિકરો આવે તો તે પોતાનું બાળક મીરાને આપે અને મીરા ની આ કુમળી દીકરીને પોતે પોતાની દીકરી માને. થોડીવાર તો તેના પતિનું મન ન માન્યું પણ આ કુમળી બાળકી જો બહાર ગઈ તો તેનું મોત નિશ્ચિત છે એ જાણીને તે બંસી ની વાત માનવા તૈયાર થઈ ગયો.બંસીની ડિલિવરી માં હવે રાહ જોઈ શકાય તેમ નહોતું તેથી ડોકટરે તેના પતિને બહાર જઈ નિર્ણય લેવા કહ્યું.

તેણે બહાર જઈ તેના પરિવારને આ વાત કહી તેનો પરિવાર પણ બાળકીની જિંદગી માટે બંસી વાત માનવા તૈયાર થઈ ગયો.આ બાજુ મીરાનો પરિવાર વારસદાર માટે રાહ જોઈને બેઠો હતો.

થોડીવાર પછી બંસી ને દિકરો આવ્યો માટે તેના પતિને ફરીથી ઓપરેશન થિયેટરમાં બોલવવામાં આવ્યો. બંસી અને તેના પતિએ પોતાના વ્હાલસોયા દીકરાને કપાળ પર એક પ્રેમભર્યું ચુંબન કર્યું અને તેને પોતાના હાથથી મીરાના હાથમાં સોંપ્યો અને મીરાની વ્હાલસોયી દીકરીને પોતાના હાથમાં લીધી.

આ દ્રશ્ય જોઇને ત્યાં રહેલ બધાની આંખમાં આંસું આવી ગયા.બધા બંસી અને તેના પરિવારના આ નિર્ણયથી ખૂબ જ ખુશ થયા અને આ વાત છૂપાવવા તૈયાર થઈ ગયા.

મીરા તો પોતાની દીકરી નો જીવ બચી ગયો એ વાતથી જ ખુશ હતી. તેણે બંસી ને કહ્યું કે હું તમારા આ ઉપકારનું ઋણ કંઈ રીતે ચૂકવું એ જ મને સમજાતું નથી.તમે જે કહો તે હું કરવા તૈયાર છું.તમારા આ દીકરાને હું મારી દીકરીથી પણ વિશેષ રાખીશ આ મારું તમને વચન છે અને તમને જયારે પણ તેને મળવાનું મન થાય હું ગમે તેમ કરીને તેને તમારી પાસે લઈ આવીશ.

બંસી એ કહ્યું કે મારા દીકરાને તમારા જેવી માં મળી તેનાથી હું ખુશ છું અને હવે એ મારો નહિ તમારો જ દીકરો છે.તમારા પરિવારનો વારસદાર છે અને તમારી આ પરી હવે અમારા પરિવારની વારસદાર છે.

મીરાનો પરિવાર પોતાનો વારસદાર મેળવીને ખુશ હતો અને બંસીનો પરિવાર બંસીના આ નિર્ણયથી તેમજ પોતાની વારસદાર ને મેળવીને ખુશ હતા.