દિવાળી ના દિવસે પોતાના બેસ્ટ ફ્રેન્ડ એટલે કે પોતાના દાદા ને ચૂપચાપ બેઠેલા જોઈને પાર્થ ને થોડું આશ્ચર્ય થયું એટલે તેને તરત જ દાદા પાસે જઈને પૂછ્યું, અરે દાદુ શું થયું છે?આજે દિવાળી ના દિવસે આમ કેમ સેડ સેડ બેઠા છો?
કઈ નહિ બેટા એ તો બસ એમ જ.આ વર્ષની દિવાળીમાં મારા માટે દિવાળી જેવું કંઈ જ નથી.મારા માટે તો આ દિવાળી જાણે દીવા જ્યોત વગરના દીવા જેવી છે.
ઓહ! એટલે કે મારા આ રોમેન્ટિક હીરો ને તેની હેરોઇન યાદ આવતી લાગે છે,બરાબર ને? પાર્થ એ દાદા ને હસાવવા માટે તો એક નિરર્થક પ્રયાસ કર્યો પરંતુ સામેથી કઈ રિસ્પોન્સ ન આવ્યો. દાદી ની એટલી જ યાદ આવતી હોય તો એમને વિડિયો કોલ કરી લો ને.
બેટા બાકીના દિવસો માં યાદ આવતી હોત તો કરી લેત પણ આજે તો દિવાળી છે.અમારા લગ્ન દિવાળી ની થોડા સમય પેહલા જ થયા હતા અને લગ્ન પછીનો પેહલો તહેવાર એટલે દિવાળી. અમારા સમય માં લગ્ન પેહલા નહિ પણ લગ્ન પછી પ્રેમ થતો. અમારી પ્રેમ કહાની ની શરૂઆત દિવાળી થી થઇ હતી માટે જ આ તહેવાર આમારા બંને માટે કંઇક વધુ ખાસ છે.આજે પણ મને યાદ છે અમારા લગ્ન પછી ની એ પહેલી દિવાળી જ્યારે તારી દાદી રંગોળી માં મને ગમતા કલર પૂરતી. એ જમાના માં ફટાકડા તો બહુ નહોતા પણ મને અમુક ફટાકડા આવતા તે અમે ફોડતા અને હું ફોડતો ત્યારે એ ફકત મને જોયા જ કરતી.નવા વર્ષ ના દિવસે એ મને ગમતી સાડી પહેરતી, કપાળ પર મોટો ચાંદલો અને માથા પર સેથો જાણે એના રૂપ માં ચાર ચાંદ લગાવતા હોય એવું લાગતું. તેના કાળા ભમ્મર વાળની એક લટ જ્યારે તેના ચહેરા પર આવતી ત્યારે તે છે એના કરતાં પણ વધુ સુંદર લાગતી.તેને જોઈને જાણે તારો દાદો ફિદા જ થઇ જતો.તેને જોઈને લાગતું જાણે કોઈ આકાશ માંથી અપ્સરા ઉતરી આવી હોય.અમારે કઈ તમારી જેમ નહતું કે બધાની સામે એકબીજા સાથે વાતો કરી શકીએ. અમારે તો દિવાળીમાં બધા મહેમાન ની વચ્ચે થી છૂપાઈ ને એકબીજાને સામે જોતા,છૂપાઈ છૂપાઈને એકબીજા સાથે વાતો કરતા.બધાના વચ્ચેથી એકબીજા ને જોવા માટે જાણે તરસતા.રાત્રે જ્યારે બધા સૂઈ જાય પછી અગાસી એ બેસીને પ્રેમ ભરી વાતો કરવી.
અમુક વર્ષો પછી જ્યારે અમે ગામડે થી જ્યારે અહી રાજકોટ આવ્યા ત્યારે હું તારી દાદી અને તારો બાપો અમારી રામ પ્યારી સાઈકલ માં દિવાળી માં રાજકોટ દર્શન કરવા જતાં.એ બહાને હું ને તારી દાદી સાથે જઈ શકતા. એ સાઈકલ માં એ મારી પાછળ બેસતી ત્યારે મને જે ખુશી થતી એ આ તમારા બાઈક માં રખડવા માં પણ ન મળી શકે. કારણકે અમને એવો મોકો ક્યારેક જ મળતો.પછી થોડીવાર રેસ્કોર્સ ની પાટલી એ બેસતાં અને તારા પપ્પાને ફુલઝર કરાવતા અને સાથે અમે પણ કરતા એકબીજા ના હાથ પકડીને.દર વરસે અમે આવું જ કરતા અને અમે એકબીજાને વચન આપેલું કે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી દરેક દિવાળીમાં સાથે જ રહીશું અને એક ફુલઝર તો સાથે કરશું એકબીજાનો હાથ પકડીને.
બેટા અમારો પ્રેમ તમારા પ્રેમની જેમ નહોતો કે દિલ ભરાઈ ગયું એટલે છોડી દેવાનો અમારો પ્રેમ તો જીવનભર નો હતો. પરંતુ આ વરસે દિવાળીમાં હું મારું વચન નહિ નિભાવી શકું. તારા પપ્પા મમ્મી અને કાકા કાકી ના લીધે આ વર્ષે અમે સાથે નથી. આટલું કહેતા જ તેમની આંખ માં પાણી આવી ગયું.
પાર્થની આંખ પણ ભીની થઇ ગઈ પણ તેને પોતાને સંભાળી કહ્યું કે,દાદુ ડોન્ટ વરી હું છું ને. ચાલો આજે તમને અને દાદી ને હું લઈ જઈશ રેસ્કોર્સ પાસે, આપણે બધા ફુલઝર કરીશું. દાદી ને લઇ આવવાનું કામ મારું.
તો થોડી ફુલઝર વધુ લેજે અને તારી દાદી સાથે તારી શિવાની ને પણ લેતો આવજે.બેટા હું તારો દાદો છું તારા કરતાં ઘણી દિવાળી વધુ જોઈ છે.દાદા એ હસતા હસતા કહ્યું..પાર્થ શરમાતો શરમાતો ચાલ્યો ગયો.
એ દિવાળી ની રાત્રે બે પેઢી ના કપલ એ એકબીજા ના હાથ માં હાથ રાખી ને ઘણી ફુલઝર કરી અને ઘણી પ્રેમભરી વાતો કરી..