ગુરુ એટલે શું ?
ગુરુ એટલે ગાઈડ. જે રસ્તો બતાડે એ ગુરુ. પછી તે સંસારનો, લૌકિક વ્યવહારનો કે ધર્મનો અને મોક્ષના માર્ગે ચઢાવી દે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી દે તેને સદ્ગુરુ કેહવાય, જે અલૌકિક હોયે.
ગુરુની જરૂર ખરી ? ક્યાંક ભૂલા પડયા તો કોઈને પૂછવું ના પડે ? ત્યાં ગુરુ કરવા પડે કે નહીં ? વ્યવહારમાં કોઈ વખત અડચણ આવે તો કોઈને પૂછવું પડે છે ને ? છેવટે વહુને ય પૂછવું પડે તો વહુ પણ ગુરુ જ થઈ ગણાયને ? ગુરુ કાર્ય વિના જ્ઞાન નહીં. કો’ક અપવાદ રૂપ હોય તેને જ ગુરુ કરવા ના પડે, તેને સ્વયંબુદ્ધ કહ્યા. પણ તેમનેય પૂર્વેના કોઈ ભવમાં ગુરુ તો મળેલા હોવા જ જોઈએ.
સાચા ગુરુની પિછાણ શું ? જે લક્ષ્મી અને વિષયથી પર હોય ! મમતા વગરના હોવા જોઈએ . બૈરાં છોકરાં હોય તેની મમતામાં અટવાયેલા ગુરુ આપણું શું દળદર મિટાવવાના ? લોભ લાલચવાળા ગુરુ ના ચાલે. પોતે આત્માની શોધમાં હોયે ને શિષ્યને પાછળ પાછળ લઈ જાય તે લૌકિક ગુરુ સંતો કેહવાય. પ્રાકૃતિક ગુણો એમનામાં ઘણાં ઊંચા હોવા જોઈએ. શાંત, પ્રેમાળ. દયાળુ, વિગેરે, વિગેરે, પણ આત્માની પ્રાપ્તિ એમને ના હોય. એ આપણને અશુભમાંથી શુભ માર્ગમાં આગળ લઈ જાય. પુણ્ય બંધાવે ને પાપમાંથી છોડાવે. સાચા ગુરુને આર્તધ્યાન રૌદ્રધ્યાન ના થતા હોવા જોઈએ. પોતે ધર્મધ્યાનમાં સદા રહે ને શિષ્યોને પણ ધર્મધ્યાનમાં રાખે ને આર્ત-રૌદ્ર ધ્યાનથી છોડાવે.
હવે જેને મોક્ષ જોઈતો હોય તેણે તો આત્મજ્ઞાની એવા પ્રત્યક્ષ સદ્ગુરુ ખોળવા પડે. સદ્ગુરુમાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય. તે કષાય રહિત હોય. વાળી બુદ્ધિ પણ ખલાસ થઈ ગયેલી હોય. કોઈ એમને ગાળો ભાંડે, માર મારે તોય કોઈ અસર ના થાય તો તે સાચા સદ્ગુરુ કહેવાય. બાકી ઊઘાડા કષાય-ક્રોધ લોભ-મોહ સ્પર્ધા દેખાય તો જાણવું કે આ સદ્ગુરુ ના હોય. ઘણા બનાવટી સદ્ગુરુ ક્રોધ કરી નાખે પછી પોતાનું સારું દેખાડવા છાવરે કે આ તો અમે નાટક કર્યું, શિષ્યના ભલા માટે ખખડાવ્યા અને પોતે સાચા સદ્ગુરુનો ઢોંગ કરે. ખખડાવ્યા તેથી શિષ્ય સુધર્યા ? આ તો નબળાઈઓને પાછળથી પોતે ઢાંકે. મોક્ષ માટે આવા સદ્ગુરુ ના ચાલે. એ તો પ્રેમથી જ બધાને મોક્ષને લાયક કરી દે.
અને મોટામાં મોટું પારખું સદ્ગુરુનું એ કે આપણને જગતના સર્વ દુઃખોથી મુક્ત કરાવે. આત્માના આનંદમાં રાચતા કરી દે અને તે ય પોતે નિમિત્તભાવે રહીને. સંપૂર્ણ અકર્તા હોય. અહંકાર, મમતાનો, કષાયનો છાંટો ય જોવા ના મળે તે મોક્ષ માટેના અધિકારી સદ્ગુરુનું ગણાય. આવા કો’ક જ મળે !
સદ્ગુરુને પિછાણવા મોક્ષાર્થી પાસે ઝવેરીપણું જોઈએ. છ મહિના ગુરુ સાથે રહીને તેમની વીતરાગતા તાવવી જોઈએ, પછી સંપૂર્ણ સમર્પણ થવાય. એ ના મળે તો બીજી દુકાને, ત્રીજી દુકાને જવું. સાચો માલ ના મળે તો બીજું શું કરવું ?
ગુરુપદ વારસાગત ના હોવું જોઈએ. બાપ દીકરાને વારસો આપી જાય તે સાચો માર્ગ ના કેહવાય. એ તો ગુરુની મમતા ઉઘાડી પડી ગયેલી કેહવાય. જે કોઈ લાયક શિષ્ય હોય અને જગત જેને સ્વીકારે તે સાચો વારસદાર.
એક ગુરુ કર્યા પછી બીજા ગુરુ કરાય ?
સ્કૂલમાં કે કૉલેજમાં ભણતા હોય તો ત્યાં દર વરસે ગુરુ નથી બદલતા ? આગળ પ્રગતિ કરવી હોય તો ગુરુ બદલવા જ જોઈએ. તેથી કરીને પાછલા ગુરુ પ્રત્યે ગુનો નથી થતો. એ પણ રાજી થાય કે મારો શિષ્ય આગળ વધ્યો. ને નારાજ થાય તો જાણવું કે આ તો રાગ-દ્વેષ વાળા છે, સાચા ન હોય.
એક અવળા ગુરુ ભટકાઈ ગયા તો બીજા ના કરાય કરીને આ મનુષ્યભવ એળે જવા દેવાય ? ના. બીજા શોધો ને આગળ વધો. એમ કરતાં કરતાં એક દિવસ સાચા સદગુરુ મળી જશે, જેને જોતા જ શિશ અને હૃદય ઝુકી જશે ! સદ્ગુરુમાં અભેદ સ્વરૂપ લાગે ત્યારે જ મોક્ષનું કામ થાય !
- જય સચ્ચિદાનંદ