૬.મકસદ
અપર્ણાની ગંભીર હાલત જોઈને બાપુએ એની બાજુમાં ઉભેલાં વ્યક્તિને ઈશારો કર્યો. એ તરત જ અંદર જઈને અપર્ણા માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યો. એણે ગ્લાસ લાવીને અપર્ણાની સામે મૂક્યો. થોડીવાર પહેલાં અપર્ણાએ જે કંઈ સાંભળ્યું. એ સાંભળ્યાં પછી એનું ગળું પણ સુકાઇ ગયું હતું. એ કંઈ જ બોલી શકવાની હાલતમાં ન હતી. એણે ધ્રુજતા હાથે પાણીનો ગ્લાસ ઉઠાવ્યો, અને એક જ ઘૂંટમાં ગટગટાવી ગઈ.
"તો હવે જઈએ?" શિવનાં સવાલથી અપર્ણાનું ધ્યાન ભંગ થયું. એણે નજર ઉંચી કરીને શિવ સામે જોયું. એની આંખોમાં હજું પણ સવાલો નજર આવતાં હતાં. જે શિવથી અજાણ નાં રહ્યું.
અપર્ણા કંઈક વિચારતાં વિચારતાં જ ઉભી થઇ. એ જઈને બાપુ સામે ઉભી રહી ગઈ, "અત્યારે મારો ભાઈ ક્યાં હશે? એ લોકોની મારાં પપ્પા પાસે શું માંગ છે?" એણે થોડાં ડર અને ભીની આંખો સાથે પૂછ્યું.
"એ અત્યારે...."
બાપુ આગળ કંઈ કહે એ પહેલાં જ શિવ વચ્ચે બોલી ઉઠ્યો, "બધું કહેવું જરૂરી છે?"
"આજે જરૂરી છે." બાપુએ શિવની આંખોમાં જોઈને કહ્યું. એમની આંખોમાં રહેલો મક્કમ નિર્ણય જોઈને, શિવ આગળ કંઈ નાં બોલી શક્યો. બાપુએ અપર્ણા તરફ નજર કરી, "તારો ભાઈ હાલ મારાથી પણ ઉંચા મુંબઈ માફિયા મુના બાપુ પાસે છે. એનાં અમુક આદમીઓને તારાં પપ્પાએ પકડીને જેલમાં બંધ કરી દીધાં છે. જેમને તારાં કાકાએ જ સજા અપાવી છે. એ બધાં અમદાવાદમાં કોઈ છોકરીની છેડતી કરી રહ્યાં હતાં. છોકરીએ ફરિયાદ કરી, એમની ઉપર કેસ થયો, ચાર દિવસ પહેલાં જ કેસનો ચુકાદો આવ્યો. જેમાં એ લોકોને તારાં કાકાએ જ સજા અપાવી. હવે એ તારાં ભાઈનાં બદલામાં એનાં આદમીઓની માંગણી કરી રહ્યાં છે. જો તારાં પપ્પા એનાં આદમીઓને છોડી દેશે, તો તારાં ભાઈને પણ એ સહી સલામત તમારી ઘરે પહોંચાડી દેશે."
"પણ એમાં મારાં પપ્પા કે કાકાનો શું વાંક? એમણે ગુનો કર્યો હતો. તો સજા તો મળવી જ જોઈએ. હજું પણ એ મારાં ભાઈને કિડનેપ કરીને ગુનો કરી રહ્યાં છે." અપર્ણાએ સહજતાથી કહ્યું.
"હાં, પણ મુના બાપુનાં આદમીઓને આજ સુધી કોઈ સજા અપાવી શક્યું નથી." બાપુએ એક ઉંડો શ્વાસ લઈને કહ્યું, "મારી ખુદની હિંમત નાં થઇ. તો તારાં પપ્પા અને કાકાને તો મુના બાપુ મૂઠ્ઠી વાળતાં જ મસળી નાંખવાની તાકાત ધરાવે છે."
"મતલબ?" અપર્ણા કંઈ સમજી નાં શકી.
"મતલબ બહું લાંબો છે. તું અત્યારે તારી ઘરે જા. શિવ તને મૂકી જાશે. આમાં તારે પડવાની જરૂર નથી." બાપુએ સ્વસ્થ અવાજે કહ્યું.
"પણ..."
"ચાલ હું તને મૂકી જાવ." અપર્ણા આગળ કંઈ કહે, એ પહેલાં જ શિવે એને રોકતાં કહ્યું. અપર્ણાએ બાપુ સામે જોયું. એમણે આંખના ઈશારે જ અપર્ણાને જવાં માટે જણાવ્યું. એ કંઈ બોલ્યાં વગર જ ચુપચાપ ચાલતી થઈ ગઈ. શિવ પણ એની પાછળ જતો રહ્યો.
અપર્ણા ગાર્ડનની બહાર નીકળી, એ દરમિયાન એની નજર ઘરનાં મુખ્ય દરવાજા તરફ પડી. જ્યાં એક રૂપવાન સ્ત્રી ઉભી હતી. એનો પહેરવેશ મુંબઈ શહેરની પ્રજાતિથી થોડો અલગ હતો. આંખોમાં એવું જ વ્હાલ નજરે ચડતું હતું, જેવું હમણાં થોડીવાર પહેલાં અપર્ણાએ મુના બાપુની આંખોમાં જોયું હતું. ચહેરાં પર ગજબનું સ્મિત હતું. જેને જોતાં જ કોઈપણ અંજાઈ જાય. અપર્ણાની પાછળ જ શિવ આવી રહ્યો હતો. જે હવે એની નજીક ઉભો હતો. જેનાં લીધે અપર્ણા વધું વિચાર્યા વગર જ આગળ ચાલવા લાગી. અપર્ણાનાં જતાં જ મુના બાપુ ખુરશી પર બેસીને ઉંડા વિચારોમાં સરી પડ્યાં.
આજથી પાંચ વર્ષ પહેલાં એ પોતાનું મૂળ વતન પોરબંદર છોડીને, મુંબઈમાં સ્થાયી થયાં હતાં. જેની પાછળનું કારણ મુના બાપુ જ હતાં. શિવ ભણવામાં હોશિયાર હોવાથી એને સ્કોલરશીપ પર મુંબઈની એક કોલેજમાં એડમિશન મળ્યું હતું. એ દરમિયાન જ એક દિવસ રાધાબા શિવને મળવાં મુંબઈ આવ્યાં હતાં. ત્યારે એમનો સામનો પોતાનાં દિકરા શિવ પહેલાં જ મુના બાપુનાં આદમીઓ સાથે થયો હતો.
રાધાબા એટલે રૂપરૂપનો અંબાર જ જોઈ લો. એમને જોતાં જ મુના બાપુનાં અમુક આદમીઓના મનમાં લાલસા જાગી. પણ રાધાબા તો રાધાબા! પોતાની ઈજ્જત પર કોઈની ખરાબ નજર પડે, ને એ ચુપ રહી જાય, એ કેમનું શક્ય બને? પહેલાં તો મુના બાપુનાં આદમીઓને પોતાનાં હાથની કરારી થપ્પડોનો પ્રસાદ ચખાડીને, એમણે તરત જ મુંબઈનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પણ વાત મુના બાપુનાં આદમીઓની હતી. તો પોલીસે કોઈ જવાબ આપ્યો નહીં. રાધાબા હતાશ થઈને પોરબંદર પાછાં ફર્યાં.
પોતાની પત્નીનું અપમાન જગજીતસિંહ જીરવી નાં શક્યાં. બીજાં દિવસે જ એમણે પોતાની પત્નીને સાથે લીધાં, અને ફરી મુંબઈ આવ્યાં. મુના બાપુનું નામ મુંબઈ શહેરમાં સૌને મન જાણીતું અને બધાંને ડરાવનારુ હતું. જગજીતસિંહ તરત જ રાધાબા સાથે એ જગ્યાએ પહોંચ્યા. જ્યાં એ બનાવ બન્યો હતો. એક દિવસ પહેલાં જ બનેલો તાજો બનાવ હતો, અને રાધાબાએ મુના બાપુનાં આદમીઓને થપ્પડ મારી હતી, એટલે બધાંએ રાધાબાને જોયાં એ સાથે જ બધાં દ્રશ્યો લોકોની આંખોમાં તાજાં થઈ ગયાં. આથી જગજીતસિંહને થોડીઘણી પૂછપરછ દરમિયાન જ મુના બાપુનાં આદમીઓ વિશે જાણકારી મળી ગઈ.
જગજીતસિંહ સીધાં જ પોતાની પત્ની સાથે મુના બાપુનાં આદમીઓના અડ્ડા પર પહોંચી ગયાં. ત્યાં પહોંચતા જ રાધાબાએ બધાંની ઓળખ કરી, અને જગજીતસિંહે બધાંને ઢોર માર મારીને ઠેકાણે કરી દીધાં, અને પોતાની પત્ની સાથે પોરબંદર જવાં નીકળી ગયાં. આ દરમિયાન મુના બાપુનાં આદમીઓ એટલું તો સમજી ગયાં, કે જગજીતસિંહ અને રાધાબા વચ્ચે કોઈ તો સંબંધ હોવો જોઈએ.
જગજીતસિંહ પોતાનાં વિચારોમાં ડૂબેલાં હતાં. એ સમયે જ એમનાં પત્નીનાં સ્પર્શથી એ ફરી વર્તમાનમાં આવી ગયાં. બંનેની નજર એક થતાં જ કેટલાંય સંસ્મરણો તાજાં થઈ ગયાં. જગજીતસિંહથી જાગા બાપુ બનવા સુધી એક આખી સફર જોડાયેલી હતી. જે જગજીતસિંહ, રાધાબા અને શિવ સિવાય એક મુના બાપુ જ બધી જાણકારી ધરાવતાં હતાં.
"ક્યાં સુધી જૂનું યાદ કરીને બેસી રહેશો?" રાધાબાએ બાપુની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, "એ વાતને પાંચ વર્ષ વિતી ગયાં."
"પાંચ વર્ષ વિતવા છતાંય હું હજું મારો મકસદ પૂરો નથી કરી શક્યો." જગજીતસિંહે એક નિસાસો નાખ્યો, "જ્યારે મારો મકસદ પૂરો થાશે. ત્યારે જ મારાં દિલને શાંતિ મળશે."
"એ બધું છોડો અને એ કહો, કે હમણાં છોકરી આવી હતી, એ કોણ હતી?" રાધાબાએ વાતની દિશા બદલતાં પૂછ્યું.
"કેમ? તમારે એ કેમ જાણવું છે? તમારાં ચહેરાની અને આંખોની ચમક કંઈક નવું થયાનો આભાસ કરાવી રહી છે." જગજીતસિંહે રાધાબાની આંખોમાં જોઈને કહ્યું.
"એવું કંઈ નથી, પણ એ છોકરી મને સુંદર લાગી. સુંદર જ નહીં, બહું જ સુંદર લાગી." રાધાબાએ જરાં મલકાતાં મલકાતાં કહ્યું, "એની આંખોમાં કંઈક કરી બતાવવાની ધગશ હતી. જે મેં વર્ષો પહેલાં આપણાં શિવની આંખોમાં જોઈ હતી."
"ક્યાંક તમે શિવ અને અપર્ણા બંનેનાં..." જગજીતસિંહે એમનું વાક્ય અધૂરું જ છોડી દીધું.
"જો એવું થાય, તો સોનામાં સુગંધ ભળે." રાધાબાએ બાપુનાં ચહેરાં તરફ જોઈને કહ્યું.
"એવાં સપનાં જોવાનું રહેવા દો. એ શક્ય જ નથી. એ અમદાવાદનાં કમિશનર જગદીશ શાહની છોકરી છે." જગજીતસિંહે ખુરશી પરથી ઉભાં થઈને કહ્યું, "હું આજે જે જગ્યાએ ઉભો છું. એ જગ્યાએ નાં હોત, તો કદાચ આ બાબત પર વિચાર કરી શકાતો. પણ આ જગ્યાએ ઉભાં રહીને એ વિશે વિચારવું કે સપનાં જોવાં નકામું ગણાશે." કહીને જગજીતસિંહ અંદર જતાં રહ્યાં.
રાધાબાના ચહેરાં પર જે ચમક હતી. એ જગજીતસિંહની વાત સાંભળતાં તરત જ ઝાંખી પડી ગઈ. એક જ પળમાં જોયેલું સપનું જાણે કોઈએ હથોડી મારીને તોડી નાખ્યું હોય, એવી લાગણી એમને થઈ આવી. છતાંય એ કંઈ કહી નાં શક્યાં. મનની વાત મનમાં જ દબાવીને ત્યાં બહાર જ બેસી રહ્યાં.
(ક્રમશઃ)
_સુજલ પટેલ "સલિલ"