પરિતા - ભાગ - 21 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 21

પરિતા દીપને લઈ મુંબઈ પહોંચી ગઈ હતી. એણે પોતાનો રહેવાનો બંદોબસ્ત કરી લીધો હતો. દીપનાં સ્કૂલની પણ વ્યવસ્થા થઈ ગઈ હતી. પોતાની કમાણી ચાલુ જ રહેવાથી એને આ બધી બાબતમાં કોઈ તકલીફ થઈ નહોતી. બધું બરાબર ગોઠવાઈ જતાં એણે એક સારી કંપનીમાં પોતાનાં માટે જોબ પણ શોધી લીધી હતી. હવે એ પોતાની જિંદગીને પોતાની રીતે જીવી રહી હતી. દીપને ખાસ કોઈ વધારે ફરક પડ્યો ન હતો કારણ એનાં માટે સમર્થ તરફનો પ્રેમ કે લાગણી વધુ વિશેષ રહ્યાં નહોતાં એટલે ત્યારે પણ એનાં માટે પરિતા જ સાથે હતી ને અત્યારે પણ મમ્મી સાથે હતી એટલે એને પપ્પાની કમી જણાતી નહોતી.

સમર્થે ઘણાં ફાંફાં માર્યા હતાં દીપ અને પરિતાને શોધવા માટે પણ કંઈ પત્તો લાગ્યો ન હતો. પરિતા અને દીપ વગર સમર્થ બેબાકળો બની ગયો હતો. પરિતાની ગેરહાજરીમાં એને એની કિંમત જણાઈ રહી હતી. પોતે પરિતાની વાતો પ્રત્યે દુર્ક્ષલ સેવ્યુ હતું એ વાતનો એહસાસ એને થઈ રહ્યો હતો. પરિતાને પોતાનાં મનની વાત કહેવા દીધી હોત તો પોતાને આ દિવસ ન જોવો પડ્યો હોત એવી ભાવના એનાં મનમાં ઘર કરી રહી હતી. ભારે પસ્તાવો કર્યા સિવાય એની પાસે કોઈ રસ્તો બચ્યો જ નહોતો. જેમ - તેમ, જેમ - તેમ કરીને એ દિવસો પસાર કરી રહ્યો હતો.

પરિતાએ તો દિવસે ને દિવસે પ્રગતિ કરવા માંડી હતી. પોતાની આવડત, હોશિયારી, નિપુણતા, વગેરે જેવા બધાં જ ગુણોનું પોત પૂરા જોરથી પ્રકાશી રહ્યું હતું. એણે પોતાનું અધૂરું રહી ગયેલું ભણવાનું પણ પૂરું કરી દીધું હતું ને એ પદ મેળવી લીધું હતું જેની એને હંમેશા ઝંખના રહી હતી. પોતાનાં કામમાં અને દીપનાં ઉછેરમાં પરિતા એવી રચીપચી રહેતી કે એને એક મિનિટ માટે પણ સમર્થની કે સાસરીની ખોટ લાગી રહી નહોતી.

એનો અર્થ એવો નહોતો કે એટલે એણે દીપનાં મનમાં સમર્થ માટે ન ઝેર રેડ્યું હતું કે ન પોતે સમર્થને, સાસુ - સસરાને નફરત કરી રહી હતી. બસ એણે પોતાનું બધું જ ધ્યાન પોતાનાં લક્ષ પર કેન્દ્રિત કરી લીધું હતું. એને જે જોઈતું હતું એની પ્રાપ્તિ એને થઈ રહી હતી. કોઈ પણ પ્રકારનાં દુ:ખ કે તકલીફ વગરની જિંદગી મા ને દીકરો બંન્ને જણ વિતાવી રહ્યાં હતાં. પરિતા દીપ માટે
માતા તો હતી જ પણ પિતાની ભૂમિકા પણ બરાબરથી નિભાવી રહી હતી. એણે દીપનાં મનમા ન તો સમર્થ માટે કોઈ પણ પ્રકારનું તિરસ્કૃત વલણ રાખવા દીધું હતું કેહતું કે ન દાદા - દાદી માટે. એ લોકો હાજર ન હોવા છતાં દીપ તરફથી દરરોજ એ લોકોનું સન્માન અને આદરરૂપી શબ્દો સાંભળવા મળતાં હતાં.

પરિતાને સાસરામાં વારેઘડીએ પોતાનાં માટે જે કવેણ સાંભળવા મળતા હતાં એની જગ્યાએ ઓફિસમાં પોતાનાં માટે અત્યંત માનપૂર્વકનાં શબ્દો સાંભળવા માટે મળી રહ્યાં હતાં. પોતાની વાત સમર્થ સમક્ષ રજૂ ન કરી શકનારી પરિતા મોટાં - મોટાં પ્રેઝન્ટેશન સચોટ રીતે રજૂ કરતી થઈ ગઈ હતી. સાસરે અણગમા અને તિરસ્કાર જેવી લાગણીઓ ઝેલવાવળી પરિતા માનનીય અને પ્રશંસનીય લાગણીઓ મેળવી રહી હતી.

એક સ્ત્રી જો પુરુષ પર નિર્ભર ન રહીને આત્મ નિર્ભર બની જીવવા લાગી જતી હોય તો ઘણું બધું સન્માનભેર પ્રાપ્ત કરી લેવાની ક્ષમતા ધરાવતી થઈ જતી હોય છે. આ વાત પરિતાની જિંદગી શીખવી રહી હતી.

પરિતાએ ઘર છોડ્યાને લગભગ બે વર્ષ થવા આવ્યા હશે ત્યારે એની મુલાકાત સમર્થ સાથે થઈ હતી ને એ પણ હોસ્પિટલમાં. સમર્થ પોતાનાં કાકાનાં દીકરાની સારવાર અર્થે મુંબઈ આવ્યો હતો ત્યારે હોસ્પિટલમાં એને પરિતા મળી ગઈ હતી. પરિતા એ હોસ્પિટલમાં પોતાનાં એક નેબરની મદદ કરવા માટે આવી હતી.

પરિતાને જોઈને સમર્થ તો ચોક્કસ જ ભાવુક થઈ જશે પણ પરિતા...?? એ વિશે વાંચવા મળશે આનાં પછીનાં ભાગમાં.

(ક્રમશ:)