Prem - Nafrat - 35 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૩૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૫

આરવ પોતે પણ રાહત અનુભવતાં બોલ્યો:'રચના એક કામ પૂરું કર્યા પછી લગ્ન કરવા માગે છે.'

'કયું કામ?' લખમલભાઇએ નવાઇથી પૂછ્યું ત્યારે હિરેન અને કિરણ એકબીજા સામે જોઇ જાણે કહી રહ્યા હતા:'આપણાને ડૂબાડવાનું કામ.'

'પપ્પા, એ આપણી કંપનીનો નવો મોબાઇલ લગ્ન પહેલાં લોન્ચ કરવા માગે છે. અગાઉ એણે આ માટે કહ્યું હતું. લગ્ન લેવાનું નક્કી કરીશું તો મોબાઇલ લોન્ચિંગ લંબાઇ જશે. તે લગ્ન પહેલાં કંપનીને વધુ ઉપર લાવવા માગે છે...' આરવ ખુશ થતાં બોલ્યો. એના સ્વરમાં રચનાના વિચારને સમર્થન મળતું હતું.

હિરેન મનોમન બબડ્યો:'કંપનીને નહીં એ પોતાને ઉપર લાવવા માગે છે.'

કિરણના મનમાં પણ એવો જ વિચાર ઝબક્યો:'એનો પ્લાન અમને નીચા પાડવાનો છે. પોતાનું મહત્વ વધારવા માગે છે.'

'આ તો સારી વાત છે. એને પોતાના જીવન કરતાં કંપનીની વધારે ચિંતા છે. એ પોતાનું વચન પાળવાની વાત કરી રહી છે. હું એના આ વિચારની પ્રશંસા કરું છું. પણ આરવ, મને લાગે છે કે લગ્નની તારીખ આપણે નક્કી કરીને સાથે સાથે તૈયારીઓ શરૂ કરી દેવી જોઇએ...' લખમલભાઇના ચહેરા પર આરવને જલદી પરણાવવાનો ઉત્સાહ દેખાઇ રહ્યો હતો.

એમના ઉત્સાહને ઠંડો પાડતા હોય એમ સુલોચનાબેન વ્યવહારિક સત્ય ઉચ્ચારતાં બોલ્યા:'મારું માનવું છે કે હજુ આપણે લગ્ન વિધિસર નક્કી કરવા જોઇએ. તારીખનો પ્રશ્ન પછી આવે છે. આપણે બધાં છોકરીને જોઇએ- મળીએ તો ઓળખી શકીએ ને?'

હિરેનને એમ લાગ્યું કે મમ્મી એમની વહારે આવ્યા છે.

તે બોલી પડ્યો:'હા, મમ્મીની વાત સાચી છે. રચનાને અને તેના પરિવારને મળીને ઓળખીએ એ જરૂરી છે. આપણો પરિવાર નાતમાં પૂછાય છે. ઘરની વહુ પસંદ કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. મારી તથા કિરણની પત્નીઓએ તો એના વિશે કંઇ જાણ્યું જ નથી...'

તેના સમર્થનમાં કિરણ બોલ્યો:હા, ભાઇનો મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. ઘરમાં ત્રીજી વહુ લાવતાં પહેલાં અગાઉની વહુઓને એના વિશે જણાવવાની જરૂર છે.'

'આમ તો હમણાં એમની સામે જ ચર્ચા કરી છે અને કોકીલાબેનને બોલાવી લીધા છે. એટલે એક કામ કરીએ... રચનાને આવતીકાલે એના પરિવાર સાથે અહીં બોલાવીએ અને બધાં વાત કરીએ...' લખમલભાઇએ વડિલના સ્થાનેથી પોતાનો નિર્ણય સંભળાવી દીધો.

'પપ્પા, હું આવતીકાલે ઓફિસ પરથી રચનાને લઇને વહેલો નીકળી આવીશ. તમે જો કોઇ અગત્યનું કામ હોય તો મોડા આવજો...' આરવ એમની વાતને સ્વીકારતાં બોલ્યો.

બધાંએ એ વાતને આવકારી.

આરવ સવારે ઓફિસ જવા નીકળ્યો ત્યારે એકદમ અલગ જ મૂડમાં હતો. આજે પહેલી વખત તે અનોખો રોમાંચ અનુભવતો હતો. એક નવી જ સવાર લાગી રહી હતી. રચના સાથે સહજીવન શરૂ કરવાનું એક સપનું પાંગરી રહ્યું હતું. તે જીપમાં સ્પીકર પર ચાલતા કિશોરકુમારના ગીતનો અવાજ વધારી એનો આનંદ માણી રહ્યો.

'કહના હૈ કહના હૈ, આજ તુમસે પહલી બાર...'

આરવ પણ ગાવા લાગ્યો:'...હો તુમ હી તો લાઇ હો જીવન મેં મેરે પ્યાર પ્યાર પ્યાર ..'

આરવની ગાતાં – ગાતાં નજર આગળ રસ્તા પર જ હતી. તેણે જોયું કે દૂરથી એક છોકરી તેની જીપને ઊભી રાખવા હાથ બતાવી રહી છે.

આરવ જીપ ઊભી રાખવી કે નહીં એની ગડમથલમાં હતો. તેણે જીપને બ્રેક મારી. તેને રચના સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઇ. એ જ જગ્યા હતી. એ જ સમય હતો અને એવી જ છોકરી હતી. તેણે મોં પર દુપટ્ટો બાંધેલો હતો. આરવને થયું કે એ રચના તો નહીં હોય ને?

સામે ઊભેલી યુવતીએ પૂછ્યું:'મને સરદાર સર્કલ છોડી દેશો... પ્લીઝ?'

આરવ એ અજાણી યુવતીની આંખોમાં તેની આજીજીની સચ્ચાઇ તપાસતો હોય એમ જોવા લાગ્યો. એ સાથે યુવતી રચના તો નથી ને? એવી ખાતરી પણ કરી રહ્યો હતો. તેને અજાણી યુવતીની આંખોમાં વિનંતી છલકાતી લાગી. યુવતીએ ફરી 'પ્લીઝ' કહ્યું.

આરવને એના પર દયા આવી ગઇ. એને પાછળની સીટ પર બેસવા કહ્યું. એ યુવતીએ ઇશારાથી આગળ બેસવાની પરવાનગી માગી.

આરવે વિનયથી કહ્યું:'આ જગ્યા બીજા કોઇ માટે રીઝર્વ છે...'

'પણ અત્યારે એ વ્યક્તિ આવવાની તો નથી ને?' એ યુવતીએ ફરી આગળ બેસવા દરિદ્ર આંખે વિનંતી કરી.

'ના, પણ એક વખત જે જગ્યા પર જેનો હક બની જાય એ જ બેસી શકે છે. જો તારે લીફ્ટ જોઇતી હોય તો પાછળ બેસી જા. નહીંતર હું નીકળું છું...'

'આભાર!' કહી આરવ પર અહેસાન કરતી હોય એમ એ પાછળની સીટ પર બેઠી.

આરવે જીપને આગળ વધારી અને સ્પીકર પર ધીમા અવાજે ચાલતું કિશોરકુમારનું ગીત બંધ કરી દીધું. એ પોતે કિશોરકુમારનો ચાહક છે એની જાણ કરવા માગતો ન હતો.

ત્યાં એ યુવતી ટહુકી:'તમે કિશોરકુમારનું ગીત કેમ બંધ કરી દીધું? હું પણ એમની ચાહક છું. અને એમના લતાજી સાથેના ગીતોની તો હું ગાંડી ચાહક છું. તમારી પાસે પેલું...આપ કી આંખોંને સમજા પ્યાર કે કાબિલ મુઝે... હોય તો મુકોને...'

યુવતીએ 'હું પણ' શબ્દો પર વજન આપી આરવને ચોંકાવી દીધો. એ વધારે પડતી હિંમત બતાવી રહી હતી.

'તારું નામ શું છે?' આરવે મીરરમાં એના બુકાનીબંધ ચહેરા પર નજર નાખતાં પૂછ્યું.

'નામમાં શું રાખ્યું છે! તમે ખરેખર હેન્ડસમ લાગો છો! તમારું નામ ચંદુ કે લલ્લુ હોય તો પણ તમારી પ્રતિભાને એનાથી કોઇ ફરક પડવાનો હતો?' યુવતીએ જવાબ આપીને આરવને વિચારમાં મૂકી દીધો. તેણે પ્રામાણિક્તાથી કહ્યું:'મારું નામ આરવ છે...'

'ખબર છે...' કહીને એ યુવતી બિંદાસ બોલી ગઇ:'હું તમને પસંદ કરું છું.'

'કોણ છે તું?' આરવને એની વાત આંચકો આપી ગઇ.

'તમારી....' બોલીને એ અટકી ગઇ. આરવ ચોંકી ગયો. એણે જીપની ગતિ ધીમી કરીને બાજુ પર ઊભી રાખી દીધી. અને પાછું ફરીને પૂછ્યું:'સાચું બોલ, કોણ છે તું?'

આરવને થયું કે યુવતી તેને ફસાવી રહી છે. તે જીપમાંથી ઉતરીને પાછળની સીટ પાસે આવ્યો. એ યુવતી એની જગ્યા પરથી સહેજ પણ હાલી નહીં.

તે વધારે કંઇ વિચારે એ પહેલાં એક રીક્ષા તેની જીપની બાજુમાં આવીને ઊભી રહી. એમાંથી રચના ઉતરી અને એની પાસે જઇ પૂછ્યું:'આરવ, અહીં શું કરે છે? અને આ છોકરી કોણ છે?'

રચનાને આવેલી જોઇ આરવ ચમકી ગયો. તેના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો.

'મેં દૂરથી તારા જેવી જીપ જોઇ એટલે રીક્ષાવાળાને ઊભી રાખવા કહ્યું. નજીક આવીને વિશ્વાસ આવી ગયો કે આ આરવની જ જીપ છે. પણ આ છોકરી..?' રચનાના સ્વરમાં ચિંતા અને ઉચાટ ડોકાતા હતા.

'હું કોણ છું એ પૂછનારી તું કોણ છે? હું એમની પ્રેમિકા છું...' એ યુવતીના શબ્દો સાંભળી આરવના હોશ ગૂમ થઇ રહ્યા હતા. રચનાએ એનો હાથ પકડીને હચમચાવતા પૂછ્યું:'આરવ, આ શું કહે છે?'

આરવને થયું કે એ અજાણી યુવતીને લાફો મારી દે. પણ એ પોતાના સંસ્કારમાં ન હતું. યુવતી વધારે બિંદાસ બની રહી હતી. એણે રચનાને કહી દીધું:'તારે વચ્ચે પડવાની જરૂર નથી. આ અમારો આપસનો મામલો છે...'

'રચના...આ યુવતી જૂઠું બોલી રહી છે...' આરવ પોતાનો પક્ષ મૂકતાં બોલ્યો.

'મારી પાસે પુરાવા છે...' એ યુવતી પોતાના મોબાઇલનું લોક ખોલતાં બોલી.

આરવ વિચારમાં પડી ગયો. આ યુવતી સાથે ક્યાં અને કેમ મુલાકાત થઇ હશે? અચાનક તેને કંઇક યાદ આવ્યું અને એ ચમકી ગયો. કોલેજમાં સાથે હતી એ શિવાની તો નહીં હોય ને? એ જ હશે તો? રચનાને શું જવાબ આપી શકીશ?

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED