એપ્રિલ ફૂલનો આનંદ
-રાકેશ ઠક્કર
હું દર વર્ષે કેટલાક મિત્રોને અને સગા-સંબંધીઓને નાની- મોટી વાતે એપ્રિલ ફૂલ બનાવતો રહ્યો છું. પણ દસ વર્ષ પહેલાં જ્યારે મિત્રો સાથે બેઠક થઇ હતી તે યાદ આવે છે. ત્યારે એક મિત્રએ સૂચન કર્યું કે આ વખતે કોઇને મૂરખ બનાવવા નથી. બલ્કે અનોખી રીતે જ્ઞાન દિવસ ઉજવીએ. એ વિચારને મારી સાથે બધાંએ વધાવી લીધો. ચર્ચા વિચારણા પછી એવું નક્કી થયું કે પહેલી એપ્રિલે શહેરના છેવાડે આવેલા એક મંદિરમાં સવારે છ વાગે સફેદ ધોતિયું અને કેસરી ઝભ્ભો પહેરીને બધાંએ હાજર થવાનું. દરેક જણે કોઇ ધાર્મિક પુસ્તકમાંથી બે પાનાંનું વાંચન કરવાનું અને જ્ઞાન મેળવવાનું. મેં ભગવત ગીતા પસંદ કરી. એક મિત્રએ રામાયણ, બીજાએ મહાભારત અને ત્રીજાએ મોરારી બાપુના પુસ્તકમાંથી વાંચન કરવાનો નિર્ણય જાહેર કર્યો. અમે બધાં ખુશ હતા કે પહેલી વખત પહેલી એપ્રિલની અલગ રીતે ઉજવણી કરવાના છે. ગયા વર્ષે જુદી જુદી રીતે એકબીજાને મૂરખ બનાવ્યા હતા.
હું વિચારતો હતો કે અમારો આ વિચાર આગળ જતાં બીજા લોકોને પણ પ્રેરણા અને પ્રોત્સાહન આપશે. બીજાને મૂરખ બનાવીને જ હસી શકાય એવું જરૂરી તો નથી ને? હસવા માટે બીજા ઘણા ઉપાય છે. આખું વર્ષ ટીવી સિરિયલ, ફિલ્મ, નાટક કે પુસ્તકો વાંચીને કોઇને કોઇ રીતે હસતા જ રહીએ છીએ. આ વખતે એક દિવસ જ્ઞાન મેળવવાનો વિચાર બહુ સરસ હતો.
આગલા દિવસે એટલે કે ૩૧ મી માર્ચના રોજ બધાંએ એકબીજાને ફોન કરીને વસ્ત્રો લાવીને આયોજન પાકું કરી લીધું હતું. મને ઉત્સાહ વધારે હતો. પહેલી એપ્રિલે સવારે હું જલદી ઊઠી ગયો હતો. પહેલી વખત ધોતિયું પહેરવાની શરમ તો આવી પણ એક સારા કામ માટે જઇ રહ્યા હતા ત્યારે એવા વસ્ત્રો પણ જરૂરી હતા. હું ધોતિયું- ઝભ્ભો પહેરી મંદિરે પહોંચી ગયો. મંદિરના દ્વાર હજુ ખૂલ્યા ન હતા. થોડીવારે મંદિરના પૂજારી આવ્યા. એ મને જોઇને નવાઇ પામ્યા. તે મંદિરમાં જતાં અટકી ગયા. કદાચ એમને એવી શંકા ગઇ હશે કે મંદિરના ટ્રસ્ટીઓએ મને નવા પૂજારી તરીકે રાખી લીધો છે. જ્યારે મેં એમને વાત કરી કે અમે મિત્રો મૂરખ દિવસને બદલે જ્ઞાન દિવસ ઉજવવાના છે ત્યારે એમને પોતાની નોકરી બચી હોવાની રાહત થઇ. એ અંદર જઇ પોતાના પૂજા કાર્યમાં વ્યસ્ત થઇ ગયા અને હું મંદિરમાં પલાંઠી વાળીને ભગવત ગીતાના શ્લોકનું મનોમન પઠન કરવા લાગ્યો. છના સાડા છ થયા પણ ત્રણમાંથી એક મિત્ર ના દેખાયો. મને ચિંતા થઇ. એક પછી એકને ફોન લગાવી પૂછ્યું ત્યારે ખબર પડી કે એમને ઉઠવામાં મોડું થયું છે. એમને આવતાં મોડું થશે. મારે રાહ જોયા સિવાય કોઇ છૂટકો ન હતો. મંદિરમાં આરતીનો સમય સાડા સાત વાગ્યાનો હતો. બધા એ જ સમયે આવતા હતા. જ્યારે સાત વાગ્યા ત્યારે મેં જોયું કે કોલેજના એક પછી એક વિદ્યાર્થીઓ મંદિરમાં આવી રહ્યા છે. બધાં મને નવાઇથી જોવા લાગ્યા. બધાંનો એક જ સવાલ હતો:'તું અભ્યાસ છોડીને મંદિરનો પૂજારી કેમ બની ગયો?' હું એમને સમજાવવા લાગ્યો કે અમે જ્ઞાન દિવસ મનાવવાના છે. ત્યારે બધાંએ કહ્યું કે અમને તો તારા મિત્રોએ કાલે રાત્રે ફોન કરીને કહ્યું હતું કે તું આજથી પૂજારી બની રહ્યો છે. અમે તને શુભેચ્છા આપવા આવ્યા છે. ત્યારે મને ખ્યાલ આવી ગયો કે જ્ઞાન દિવસ ઉજવવાની વાત કરીને મિત્રોએ મને મૂરખ બનાવ્યો છે. હું મારી મૂર્ખામી પર જ હસવા લાગ્યો. કોલેજના મિત્રોએ મને બહાર લઇ જઇ મારી ખૂબ મજાક ઉડાવી. કોઇએ કહ્યું કે અમારે ત્યાં વાસ્તુ માટે તું જ આવજે. તો કોઇએ પોતાના લગ્નમાં મહારાજ તરીકે આવવા શુકનના પૈસા આપ્યા. બધાં મારા પર ખૂબ હસ્યા. મને કલ્પના પણ ન હતી કે મારા ખાસ મિત્રો મને આવી રીતે એપ્રિલ ફૂલ બનાવશે અને હું બની જઇશ. છોકરા- છોકરીઓ સામે ધોતિયા- ઝભ્ભામાં મેં શરમ અનુભવી પણ એપ્રિલ ફૂલ બનવાનો બહુ આનંદ આવ્યો. મેં જ્યારે ત્રણેય મિત્રોને તેમની બદમાશી માટે કોન્ફરન્સ વિડીયો કોલ કર્યો ત્યારે તેઓ મારો વેશ જોઇ હસી હસીને બેવડ વળી જતા દેખાયા હતા. ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે પહેલી એપ્રિલે મિત્રો સાથે કોઇ કાર્યક્રમ બનાવવાનો નહીં.