કાકાએ સવાલ પૂછ્યો એની સાથે શ્રેણિક સફાળો થયો અને," જી...મને તો ગમ્યું! સારું છે.... અહીંની પબ્લિક માયાળુ છે!"
"ગુજરાતી એ ગુજરાતી! ક્યાંય પણ જાઓ તેઓની છાપ ઉભરી આવે!" - સરલાકાકી બોલ્યાં, ગુજરાતી અને ગુજરાતની વાતોમાં બધા પરોવાઈ ગયા, શ્યામા અને શ્રેણિક પણ એમાં ધીમે ધીમે જોડાયા, થોડી વાર ચા નાસ્તો થયો ત્યાં સુધી બધા જોડે બેઠાં, જે કામ માટે આવેલા એનો હવે સમય આવી ગયો હતો.
"તો હવે? શ્રેણિક તમારે બહાર જવું છે?"- રીનાબેન બોલ્યાં.
"મને તો બધે ફાવશે...."- શ્રેણિક બોલ્યો.
"શ્યામા રિવરફ્રન્ટ તરફ આંટો મારી આવો, સારું રહેશે હમણાં આ સમયે!"- અનુભવભાઈએ શ્યામાને સજેશન આપ્યું.
"આમ પણ શ્રેણિક કહેતો જ હતો ને કે જવું છે, તમે જ બતાવી લાવો!'- નયને શ્રેણિકના મનની વાત આડકતરી રીતે કહી દીધી.
"ભલે!"- કહીને શ્યામાએ હા પાડી.
"જાઓ શ્રેણિક,... ડ્રાઈવરને ફોન કરી દીધો છે, આવી ગયો હશે"- અનુભવભાઈએ શ્રેણિકને કહ્યું.
"સારું..."- કહેતાં શ્રેણિક ઊભો થયો, જોડે શ્યામા પણ!
શ્રેણિક બહાર ગયો અને શ્યામા એની પાછળ ગઈ, તેઓ લિફ્ટમાં નીચે આવ્યા, મૌન સાથે આંખોએ વાતો ચાલુ કરી, સ્મિતનો ધીમો સંગ્રામ ધીમો ચાલુ થયો, આંખોએ એકબીજા સાથે તાલમેલ મેળવવાનું ચાલુ કરી દીધું.
ડ્રાઈવરે ગાડી ચાલુ કરી અને તેઓ રિવરફ્રન્ટ બાજુ ગયા, ડ્રાઈવર હતો એટલે ગાડીમાં વાતો કરવાનું એમને મોકૂફ જેવું રાખ્યું, થોડી આછી પાતળી વાતોએ સાથ આપ્યો, દસેક મિનિટમાં તેઓ નદીના તળે આવી પહોંચ્યા, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સાફ સફાઈ થયેલ નદીનો કાંઠો, કોંક્રિટથી બંધાયેલ પાળા, એની કિનારે બાંકડા, ત્યાં બેઠેલા યુવાનો, સાયકલિંગ કરતા શોખીનો, બોટિંગ કરતાં સહેલાણીઓથી આછી પાતળી ભીડ છવાયેલી હતી, ક્યાંક ઇવનીંગવોક કરતા લોકો પોતાની મસ્તીમાં હતાં, કોલેજના વિદ્યાર્થીઓ પણ જાણે આખો દિવસના થાકીને અહી આવીને શાંતિ મેળવતા હતા, તો ક્યાંક પેચઅપ અને બ્રેકઅપના હાવભાવ દેખાઈ રહ્યા હતા.
આ બધા દૃશ્ય સાથે શ્યામા અને શ્રેણિક પ્રવેશ્યા, જિંદગીના જુદા જુદા પડાવ એકી સાથે લઈને ચાલતી સાબરમતી એમના સ્વાગતમાં જાણે સાક્ષાત આવી ગઈ હોય એમ લાગ્યું, ઠંડો પવન પાણીને પંપાળીને આવીને સીધો તેઓના ઓવારણાં લેતો હતો.
"આવો, અહીં બેસવું છે કે આગળ ફાવશે?"- શ્રેણિકે શ્યામાને મૌન તોડતા પૂછ્યું.
"સારું છે, પરંતુ અહીથી આગળ જઈશું તો ત્યાં થોડી શાંતિ હોય છે, અહીં ભીડ થઈ જશે થોડી વારમાં બહુ!"- શ્યામાએ એનો અનુભવ કહેતાં કહ્યું.
"ઓહ્....તો તમે અહીંના ભીમિયાં છો એમ ને?"- શ્રેણીકે હસતાં કહ્યું.
"હા, કોલેજ વખતે બહુ આવતાં બંક કરીને!"- શ્યામાએ એની ઓઢણી સરખી કરતાં કહ્યું.
"તમે અને બંક? લાગતું નથી!"- શ્રેણિક અચરજ સાથે બોલ્યો.
"કેમ?"- શ્યામાએ એની આંખમાં આંખ પરોવીને પૂછ્યું.
"બહુ સીનસિયર લાગી રહ્યા છો એટલે!"
"ભૂલ થઈ રહી છે તમારી, બાકી હું તો બેક બેંચર જ છું!"
"તો પછી બહુ જલસા કર્યા એમ ને?"
"હા...તમારા ત્યાં પણ આવું હોય ખરી?"- શ્યામાએ વાત આગળ વધારી.
"અમારે સાવ આવું નહિ, પોતાની જવાબદારીને ભણવાનું હોય એટલે અહી જેવી મજા ના હોય, પણ મારે પણ ફ્રેન્ડ્સ હતા ઘણા!"
"હતા? મતલબ હવે નથી?"
"છે ને ...પણ હું મારામાં આગળ વધી ગયો એટલે સમય નથી આપી શકતો, એક નયન છે જે ઓલવેઝ સાથે રહે છે."
"હા એ તો જોયું....તમારી દોસ્તી બહુ પાક્કી છે ને?"
"હા એ તો છે.... જીગરી જાન છે!"- શ્રેણિકએ કહ્યું.
"સરસ!"- કહીને શ્યામા હસી, બન્નેમાં મૌન અજાણતા મૌન છવાઈ ગયું, ચાલતા ચાલતાં તેઓ શ્યામાએ ચિંધેલ જગ્યાએ આવી પહોંચ્યા, શ્યામા સામે ઊભેલા આઇસક્રીમ વાળા જોડે બે કોર્ન લઈ આવી, બન્ને બેઠાં, ગરમીમાં આઇસ ક્રીમ તેઓને ઠંડક આપી રહ્યો હતો અને જોડે હોવાનો અહેસાસ એનાથી વધારે સાથ આપી રહ્યો હતો.
ક્રમશઃ....