Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૪

બધાને સવારમાં આવી રીતે તેની પાસે આવીને એની કાળજી કરતાં જોઈને શ્યામાની આંખમાં આંસુ વહેવા માંડ્યા, એ જોઈને ગૌરીબેન પણ ભાવુક થઈ ગયા, સરલાકાકી અને મહેશ્વરી પણ એમને જોઇને રડવા લાગ્યા, વિમલરાયના આંખના ખૂણા પણ જાણે ભીના લાગી રહ્યા, દરેકના દિલમાં સૌથી વહાલી દીકરી થોડા વખતમાં સાસરિયે ચાલી જશે એ વાતને લઈને ઉદાસીનતા છવાઈ ગઈ, દીકરી જાણે આજે જ વિદાય લઈને સાસરિયે ચાલી જવાની હોય એવું લાગવા માંડ્યું.
શ્યામાની સંવેદના એ સૌની સંવેદના બનીને આંખોમાં ઉભરાઈ ગઈ, ભલે દાદા ગમે તેવા કડક સ્વભાવના હતા પરંતુ શ્યામા માટે એમનાં મનમાં હંમેશ માટે લાગણીઓ સૌથી હળવી હતી, તેઓ શ્યામાની દરેક જીદ આગળ ઝૂકી જતાં, પરંતુ શ્યામા એમની અમાન્યાને કોઈ દિવસ ઠેસ પહોંચે તેવું વર્તન ન કરતી, માટે દાદાની સૌથી વહાલી દીકરી હતી, એને ખબર હતી કે દાદાને એમની છોકરીને પરણાવીને સાસરે ખુશ જોવામાં વધારે રસ છે તો એ કોઈ દિવસ એમની આગળ એના સપનાંની વાત નહોતી કરતી, એના મનની વાતને મનમાં દબાવીને શ્યામા એની જિહવાને છાની કરી દેતી હતી.
શ્યામાની તબિયત લથડતાંની સાથે સૌ બેબાકળા થઈ ગયા હતા, રમીલાકાકી મીઠાના પાણીના પોતા લઈને આવી ગયા, રાધેકાકા દવાનો ડબ્બો લઈને આવી ગયા, બધાય સવાર સવારમાં હડિયે ચડી ગયા, ઉપરથી શ્યામાના આંખમાં આસું એટલે વધારે બધાને લાગી આવ્યું, "શ્યામા, લે આ ગ્લુકોઝ પી લે તને સારું લાગશે!"- સરલાકાકીએ ગ્લાસ આપતાં કહ્યું.
"કાકી મને સારું જ છે, આ તો થોડી દોડાદોડી નડી!"- શ્યામાએ આંખના ઝળહળીયા લૂછતાં કહ્યું.
"તોય દીકરા, પી લે અને નાસ્તો કરી લે પહેલાં એટલે દવા પીતા ફાવે!"- રાધેકાકાએ સલાહ આપી.
"ના મારે દવા નથી પીવી."- શ્યામાએ દવા પીવાની ચોખ્ખી ના પાડી દીધી.
"આવડી મોટી થઈ પણ હજીય દવામાં તો પહેલા જેવા જ નખરા છે!"- રાધેભાઈ હસતાં હસતાં બોલ્યાં.
"હવે તો પરણીને સાસરે જતી રહીશ,પછી કઈ તારા કાકા નથી આવવાના આમ દવા પીવડાવવા!"- ગૌરીબેન બોલ્યાં.
"લે આમાં ક્યાં સાસરિયાની વાત આવી ગઈ? મારે તો લગ્ન નથી કરવાં, હું તો અહી જ રહેવાની છું."- શ્યામાએ હઠ પકડતાં કહ્યું.
"દીકરા, એ તો બધી દીકરીઓ આમ જ કહેતી હોય છે છતાંય એના હાથ પીળા થાય જ છે!"- સરલાકાકી ભાવુક થઈને બોલ્યાં.
"પણ મારે તો નથી કરવા!"- શ્યામા મોઢું મચકોડતાં બોલી.
"ભલે, એ તો વરરાજા જાન લઈને આવશે ત્યારે તું જ એમની વાટ જોતી મેડીની બારીએ ડોકિયું કરીશ!"- કહેતાં મહેશ્વરી હસી પડી.
"એના સપનાં જોવો બધા, હું કોઈ છોકરાને હા જ નથી પાડવાની તો!"- શ્યામાએ અજાણતામાં પણ એના મનની વાત સૌ રાખી દીધી, બધાને જાણે ઝટકો લાગ્યો હોય એમ શ્યામા તરફ જોવા લાગ્યા.
"શું? શું બોલી રહી છે શ્યામા?"- ગૌરીબેનના કપાળમાં કરચલીઓ દેખાવા માંડી.
"તો કાલે મહેમાન આવેલા એમનું શું? તારે કઈ તો જવાબ આપવો પડે ને!" ગૌરીબેન ચિંતાતુર થઈને બોલ્યાં.
"અરે મમ્મી, શું તમે પણ? હું તો મજાક કરી રહી છું."- શ્યામા હસી પડી.
"તો પછી તારી હા સમજી લઈએ?"- સરળકાકી બોલ્યાં.
"મે હા પણ નથી પાડી હજી."- શ્યામા બોલી.
"તો તને શ્રેણિક ના ગમ્યો?"- સરલાકાકીએ શ્યામાના મનની વાતની કસોટી કરતાં પૂછ્યું.
શ્યામા કઈક જવાબ આપે ત્યાં તો દાદા આવી ગયા, બધામાં ચાલી રહેલી ગોષ્ટીમાં ચૂપી છવાઈ ગઈ, જાણે કોઈ હિટલર ના આવી ગયો હોય!
"કેમ? શું વાત ચાલી રહી છે? અને મારા આવવાની સાથે બધા બંધ થઈ ગયા?"- દાદાએ બધાની સામે જોતા પૂછ્યું, કોઈની એમને જવાબ આપવાની હિંમત ન થઈ, તોય શ્યામાએ જીભ ઉપાડી.
"દાદા, આ બધા મને દવા પીવડાવવા પાછળ પડી ગયા છે!" શ્યામાએ વાત પલટીને બધાની ખોટી ફરિયાદ કરી.
"કેમ રાધે? તું ડબ્બો લઈને આવી ગયો નહિ? શ્યામા નહિ પીવે દવા આજે!"- દાદાએ રાધેભાઈને ખોટું ખોટું વઢતા કહ્યું.
"બાપુજી એને તાવ છે!"- રાધેભાઈ બોલ્યાં.
"શ્યામા, તો પછી દવા પીવી પડે! ચાલ તો હવે આંખ બંધ કરીને મોઢામાં મૂકી દે ગોળી!"- દાદાએ હુકમ કર્યો, શ્યામા બધાની ફરિયાદ કરવામાં ફસાઈ ગઈ અને હવે તો દાદાનો હુકમ આવી ગયો એટલે દવા પીધે છૂટકો જ નહિ.

ક્રમશઃ